શું લખું તને...
ખોવાયેલી હું,જડી તને,
પથ્થરને સ્પર્શી ધબકાર ભર્યો તે,
સવારી,સંભાળી,સાચવી,સાથમાં રાખનાર તું,
શું લખું તને...
આશ લખું કે વિશ્વાસ લખું,
સાથ લખું કે શ્વાસ લખું,
મારા સમગ્ર અસ્તિત્વમાં સમાયો છે તું,
શું લખું તને...
બધું જાણે છે તું,
હવે ક્યાં કંઈ છૂપું છે,
મારા વિચાર,વર્તન,વાણી,વ્યવહારની પરિભાષા છે તું,
શું લખું તને...
શબ્દોની ઓળખાણ થી શરૂ થઈ,
મારા મૌનની ભાષા જાણકાર છે તું,
મારા જીવનનાં વ્યાકરણની કલમ એટલે તું,
શું લખું તને...
મારા સળગતા હૃદયની શાતા છે તું,
તારી ભીનાશમાં જ અંકુરિત થઈ ખીલી હું,
મારી ઊર્મિઓની સંવેદના એટલે તું
શું લખું તને...
હું હું ન રહેતા ક્યારે બની ગઈ તારી,
હવે તારા વગર મને મળતી નથી હું,
મારી દુનિયા જ બની ગયો છે તું,
શું લખું તને..
સોનલ પાટડીયા.