ઉર પશ્ચાતાપ કરીને શિવજીને શરણ આવ્યો.
હૈયે હેત ઝાઝું ભરીને શિવજીને શરણ આવ્યો.
તમે તો નાથભોળા શરણાગતને સદા રક્ષનારા,
લખ ચોરાસી ફરીફરીને શિવજીને શરણ આવ્યો.
અંતરે રહી અભિલાષા તવ દરશનની આશુતોષ,
નયનમાં સ્નેહનીર ધરીને શિવજીને શરણ આવ્યો.
મનચાહ્યું દેનારા દેવાધિદેવ મનથી માનવ બનાવો,
માનવતાની આશા ખરીને શિવજીને શરણ આવ્યો.
નથી જોઈતી ભૌતિક સુખ સમૃદ્ધિ મારે દુનિયાની,
તવ દર્શનથી આંખ ઠરીને શિવજીને શરણ આવ્યો.
બાળો શિવ ક્રોધાગ્નિમાં ષટરિપુ જે સતાવતા પ્રભુ,
ભક્તિ ભાવને રહું વરીને શિવજીને શરણ આવ્યો.
- ચૈતન્ય ચંદુલાલ જોષી. ' દીપક ' પોરબંદર.