વૈભવી જોશી (મોડરેટર)
(વિકલાંગ નહિ દિવ્યાંગ કહો)
આંખ નથી એથી હું આંધળી નથી,
આંધળી કહેશો નહી મને,
મારા કાન, આંખ બની બધુંયે જુવે છે.
હજાર છે આંખો નિહાળવા મારે ..આંધળી કહેશો નહી મને..
આ વેદના છે વિશ્વનાં એ હજારો લોકોની જેને સમાજ વિકલાંગ તરીકે ઓળખે છે. તમને થશે કે આજે વળી અચાનક મને વિકલાંગોની યાદ ક્યાંથી આવી? આ વાત મને આજે એટલાં માટે યાદ આવી કેમ કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૩ ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
વિકલાંગ વ્યક્તિને પણ સમાજમાં સ્વમાનભેર જીવવાનો હક છે. અપંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે સમાજમાં ગૌરવભેર જીવી જ શકે છે. જો બધા સાથે મળી ને એમને સાથ અને સહકાર આપીયે તો એમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકાય તેમ છે. બહુ ભાગ્યે જ ચર્ચાતી આ બાબતે સમાજમાં જાગૃતિ આવે તે જ હેતુસર દર વર્ષે ૩ ડિસેમ્બરે વિશ્વભરમાં વિકલાંગ દિવસ ઉજવાય છે.
કોઈપણ શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓને દયાભાવથી નહીં પરંતુ સમભાવથી જોવી જોઈએ, એ આ દિવસ ઊજવવા પાછળનો મુખ્ય આશય છે. વિકલાંગ વ્યક્તિઓનાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ માટે ‘સંપૂર્ણ ભાગીદારી અને સમાનતા’ની જનરલ થીમ પસંદ કરવામાં આવી હતી. આ થીમ હેઠળ, સમાજમાં દિવ્યાંગોને સમાન તકો આપવા, લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને સામાન્ય નાગરિકોની જેમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપીને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
તેઓ પોતાના પર સ્વનિર્ભર રહે અને સમાજમાં સમાનતા સાથે પોતાનું જીવન જીવી શકે એ માટે આજનાં દિવસે અલગ-અલગ થીમ દ્વારા આજનાં દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ-અલગ કાર્યક્ર્મો પણ યોજવામાં આવે છે. ૨૦૨૧નાં વર્ષની થીમ છે ‘Leadership and participation of persons with disabilities toward an inclusive, accessible and sustainable post-COVID-19 world.’ (કોવિડ-19 પછીનાં સર્વસમાવેશક, સુલભ અને ટકાઉ વિશ્વ તરફ વિકલાંગ વ્યક્તિઓનું નેતૃત્વ અને સહભાગિતા)
શારિરીક વિકલાંગતા ચોક્કસ એક કમનસીબી છે. પરંતુ વિકલાંગતા એ કોઈ મર્યાદા તો નથી જ. જોકે મારું ચાલે તો હું વિકલાંગ નહિ પણ દિવ્યાંગ શબ્દનો જ પ્રયોગ કરું અને કદાચ હું જયારે પણ લખીશ તો મને દિવ્યાંગ શબ્દ જ લખવાનું વધારે યોગ્ય લાગશે.
હૈયામાં હામ હોય, સંઘર્ષો સામે ખુલ્લી છાતીએ બાથ ભીડવાની હિંમત હોય, મન મક્કમ અને મજબુત હોય, નિરાશા, હતાશા કે નિષ્ફળતાઓને ખંખેરીને ઊંચુ લક્ષ્ય હાંસલ કરવાની માનસિકતા હોય તો એ વિકલાંગતાને અતક્રિમી શકાય છે અને એ જ ક્ષતિયુક્ત અંગ ઘણીવાર એકદમ પાવરફુલ અને દિવ્ય અંગ સમાન સાબિત થતું હોય છે પણ એ જોવા માટે દિવ્ય દૃષ્ટિ જ જોઈએ જે આજે બધા પાસે નથી.
સહુ કોઈ પોતપોતાના ક્ષેત્રમાં આગળ હોય છે તેમ આ બધા લોકો પણ ખૂબ આગળ છે. કુદરતે માનવીને ઘડયા, ત્યારે તેઓમાં કોઈ ઇન્દ્રિયો વિકસીત ન થઈ હોય, પરંતુ બીજી ઇન્દ્રિયો ઘણી સારી રીતે વિકસેલી હોય છે. આપણને બધા ને ખબર છે કે કુદરતનો એક નિયમ છે, એક દરવાજો બંધ કરે તો બીજો સો દરવાજા ખોલી નાખે છે.
કુદરત અમુક અંગોની ઉણપ રાખે છે ત્યારે અન્ય અંગોમાં અનેકગણી તાકાત ઉમેરી દે છે. એવા કેટલાંય દાખલાં આપણે આપણી આસપાસ જોતાં હોઈએ છીએ જેમાં કાં તો કોઈ ને હાથ નથી કે પગ નથી કે જોઈ કે સાંભળી નથી શકતા કે અન્ય કોઈ અંગ નથી અને એ છતાંય એ લોકો કદાચ સામાન્ય માણસ કરતા પણ વધારે સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે ત્યારે મને એમ થાય કે આપણને કઈ વાતની ફરિયાદ છે?
મેં આની પહેલા પણ કહેલું કે જો ઈશ્વરે તમને શરીરનાં તમામ અંગો સહી સલામત આપ્યા છે તો એનો ઉપકાર માનો એનાથી વધારે એની પાસે કશું માંગવા લાયક રહેતું જ નથી. ફક્ત એક દિવસ તમે તમારાં હાથનાં અંગુઠા વગર કે એકાદ અંગ વાપર્યા વગર કામ કરી જુવો કે આંખો બંધ કરીને માત્ર એકાદ કલાક વિતાવી જુવો તમને સમજાશે કે એ કેટલું તકલીફદાયક છે. તો જેનું સમગ્ર જીવન અંધકાર કે હતાશાથી ઘેરાયેલું હશે એમની કલ્પના પણ નથી કરી શકતા આપણે. જો એ લોકો પણ હતાશા ખંખેરીને જીવનમાં સ્વમાનભેર જીવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો આપણે તો નિરાશાને પાસે ફરકવા જ ન દેવી જોઈએ.
અષ્ટાવક્ર ઋષિએ અષ્ટાવક્ર ગીતાની રચના કરી, સુરદાસજી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કૃષ્ણભક્તિનાં અનેક પદો સમાજને અર્પણ કર્યા છે. 'લુઇ બ્રેઇલ' એ બ્રેઇલ લીપી લખી છે અને આવી તો અનેક સિદ્ધિઓ મેળવી હશે લોકો એ. એક પગ ન હોવા છતાં પણ સુધા ચંદ્રનને 'નાચે મયુરી'માં સામાન્ય વ્યક્તિ કે જેના બંને પગ સલામત છે એના કરતાં પણ શ્રેષ્ઠતમ નૃત્ય કરતાં જુવો તો તમને એમ થાય કે આ બધા કઈંક અલગ જ માટીનાં બન્યાં હશે કે શું?
હેલન કેલરની પ્રેરણાદાયી સ્ટોરીથી કોઈ અજાણ હોઈ શકે? કે પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈનની ક્ષતિઓ અને પાછળથી મેળવેલી સિદ્ધિઓ વિશે શું આપણે નથી ભણ્યાં? અરુણીમા સિંહાએ પગ વગર પણ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો અને વિશ્વમાં પોતાનું નામ પ્રથમ મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય તેમાં નામ નોંધાવીને ઇતિહાસ રચ્યો એ શું આપણે જાણીયે છીએ? એચ. બોનિફેસ પ્રભુ ૧૯૯૮ની વર્લ્ડ ટેનિસ ચૅમ્પિયનશિપમાં મેડલ વિજેતા હતાં એ વાત કેટલાકને ખબર છે?
કુદરતે સર્જેલી એ ક્ષતિઓને હસતે મોઢે સ્વીકારી જીવનમાં શ્રેષ્ઠતમ સિદ્ધિઓ મેળવનાર વિરલાઓનો તોટો નથી. અસંખ્ય વિરલાઓ એવા છે જેમણે એમની શારિરીક ક્ષતિઓ વચ્ચે પણ સમાજ દંગ રહી જાય એવી સિદ્ધિઓ પ્રાપ્તકરી છે. માટે દરેક વ્યક્તિ ને મારી નમ્ર વિનંતી કે આવા વ્યક્તિઓની હાંસી ઉડાડવાને બદલે તેમની ક્ષમતાઓની કદર કરીયે.
હું કાયમ કહું છું એમ કે કોઈ એક દિવસ નહિ પણ કાયમ એમને દયાભાવથી નહિ પણ સમ્માનની નજરે જોઈએ તો એમનામાં પણ એ આત્મવિશ્વાસ કેળવાશે. વિશ્વમાં પોતાની શારીરિક ખોડખાંપણને પણ એક ચેલેન્જ તરીકે સ્વીકારીને સફળતાં હાંસલ કરનાર પ્રેરણાદાયી વ્યક્તિત્વનો વિકાસ થાય એ બદલ આપણે બધા જ એક સહિયારો પ્રયત્ન કરીશું તો ચોક્કસ આપણા સમાજ અને અમુક લોકોમાં રહેલી જડ માનસિકતા દૂર કરી શકાશે.
એમની પાસેથી જે એક ઉત્તમ વાત હું શીખી છું એ આજે આપ સહુને કહેવા માંગુ છું. જીવનની અમુક વાસ્તવિક્તાઓ ભલે બદલી ન શકાય પણ પરિસ્થિતિનો સ્વીકાર કરી, એની સાથે તાદાત્મ્ય સાધીને અલગ દ્રષ્ટિકોણ કેળવી આ મહામહેનતે મળેલાં અણમોલ જીવનને સાર્થક જરૂર કરી શકાય.
- વૈભવી જોશી