કૂવાએ તાપમાં બળતી ફસલની લાજ રાખી છે,
મેં અદ્દલ એ રીતે મરતી ગઝલની લાજ રાખી છે.
જમાનો રંગ ગોરો જોઈને મશગૂલ છે એમાં ,
ગઝલને શાયરીએ શ્યામ તલની લાજ રાખી છે.
કોઈ છેલ્લી ઘડીએ હાથ આપે ડૂબનારાને ,
તો સમજીલો ખુદાએ એક પલની લાજ રાખી છે
નહીંતર પથ્થરોને કંટકો અડ્ડો જમાવી દેત,
સતત મેં ચાલી ચાલીને મઝલની લાજ રાખી છે.
હૃદયમાંથી હું સીધો આંસુ થઈને બ્હાર આવ્યો છું,
મેં તારી આંખના ભીનાં પટલની લાજ રાખી છે.
ઘણી વેળા પ્રણય પણ બોજ લાગે છે છતાં" સાગર"
મેં તારી ભોળી ને હસતી શકલની લાજ રાખી છે
સગર રાકેશ 'સાગર 'વડોદરા