એક ધારો કોઇનો પરચમ લહેરાતો નથી
આ સમય છે,એકધારો કોઇનો થાતો નથી
જર-જમીનોની રખેવાળી કરીને શું મળ્યુ?
રોટલી બેથી વધું ક્યારેય તું ખાતો નથી
આંખની સાથે હ્રદયમાં જે ટક્યા છે કાયમી
એ જગાએ અન્યનો દાવો કદી થાતો નથી
એ અનોખો હોય છે માહોલ એની સાથમાં
એકરસ થાતા હ્રદયનો ભાવ પરખાતો નથી
આંખડીનો તું ભરોસો ક્યાં સુધી કરશે ભલા?
ભેદ દિલનો કોઇની આંખોમાં વંચાતો નથી
સાંજ ફેકી ને ગયા છે આયખાની ચોકટે
કોઇ પગરવ એ જ દી’થી ચોકટે ગાતો નથી
ગાલ પર લાલી સજાવી લાલ રાખું છું સદા
એટલે મારી ગઝલને દર્દથી નાતો નથી
જયારથી અધિકાર આપ્યો છે "મહોતરમાને" મેં
ત્યારથી લોભામણી ઓફરથી લલચાતો નથી