મન શાંત ન થાય અને મગજ થાક અનુભવીને જ્યાં સુધી આરામ ન ઇચ્છે ત્યાં સુધી શરીર નિદ્રાધીન થવાની પ્રક્રિયામાં સક્રિય નથી થઈ શકતું. પછી ભલેને તે વ્યકિત ય ગમે તેટલું થાકેલું કેમ ન હોય, નિરાંતે ઊંઘી જઈ નથી શકતું.
વિચારોને ખંખેરી દઈને જરાવાર એકાગ્ર ચિત્તે મન પ્રસન્ન થાય એવું કરવું. કોઈ પ્રિય ગીત સાંભળવું કે કોઈ ગમતી વ્યક્તિથી વાત કરવાથી હળવાશ અનુભવાય છે.
એ હકીકત છે કે જ્યાં સુધી કોઈ અટકેલું કાર્ય સંપૂર્ણપણે પૂરું ન થાય ત્યાં ક્યાં સુખેથી સૂવાય છે? પણ સમયની સાથે ગતિ કરવી રહી, શરીરનેય આરામનું વેતન આપવું રહ્યું એજ ન્યાયે પ્રકૃતિના નિયમ મુજબ જે ચિંતાઓ છે, વ્યગ્રતાઓ રહી છે અને જે ઉદ્વેગ રહેલો છે તે એના સમયે આપોઆપ નિવારણ સાધી જ લેશે.
પ્રોબ્લમ છે તો, તેનું સોલ્યુશન પણ મળી રહેશે. એના માટે પણ સ્વસ્થ શરીરે કર્મ કરીને આગળ વધવા પ્રયાસો કરવા જ રહ્યા.
પાંપણોમાં એ બધુંજ અકબંધ કરીને ઈશ્વરને સોંપી દઈને મસ્ત રીતે ઝોંપી જવું. હા, સલાહ સહેલી છે આચરણ અઘરું તોય કરવું રહ્યું.