"આ ડોશીનો બહુ ત્રાસ છે, બસ આજની આ ચ્હા તેની છેલ્લી ચ્હા થશે...આ દવા બહુ અકસીર.." રસોડામાં માંડ માંડ પહોંચતા કમળાબાએ તેની કજીયાળી વહુને આ બબડાટ કરતાં સાંભળી. પચાસ વર્ષ પહેલાં પોતે બબડાટ કરેલા આ જ શબ્દો કમળાબાએ ફરી સાંભળ્યા. "એટલે તે દી' કાંતાબાએ મારા વેણ સાંભળેલા...!"કમલાબાને આ વિચારથી ધ્રાસકો પડ્યો..."બા જાણતા હતાં તો પણ તે દી' ચ્હા પીધી..!!!" સજળ આંખે પ્રાયશ્ચિતરુપે કમળાબાએ હસતા હસતા છેલ્લી ચ્હા પી લીધી...!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)