મારું મન પતંગ...
રંગબેરંગી પતંગ જોઈ મન મારું
હરખાઈ જાય,
ભાતભાતનાં સપના જોવા ફરી
સજ્જ થઈ જાય..!!
પતંગ-ડોર ની જુગલબંધીથી મન
વિચારે ચઢી જાય,
હો કોઈનો સહારો તો કેવી જિંદગી
પસાર થઈ જાય..!!
ઉંચે ઉડતા પતંગ જોઈ મનને
ઉડવાની ઈચ્છા થઈ જાય,
આકાશની અનંતતા માણવાની વાંછના
ફરી સળવળી જાય..!!
હવાની સાથે લહેરાતો પતંગ મનને
સંદેશો આપી જાય,
વહેણ સાથે તરીને દરિયો પાર કરવાની
શીખ આપી જાય..!!
હાલકડોલક થઇ સ્થિર થતો પતંગ નવી
પ્રેરણા આપી જાય,
જીવનમાં આવતી મુશ્કેલીઓમાં સંયમ
રાખવાનું કહી જાય..!!
કપાઈને પડતો પતંગ મને ખેલદિલી
સમજાવી જાય,
ફરી ઉડવા સજ્જ થઈને એક નવી
બાજી રમવાનું કહી જાય..!!
શેફાલી શાહ