સ્નેહલતાની પાસે હળવેકથી આવીને એના ખોળામાં માથું મૂકી પ્રશ્નાર્થ ભાવે તેના પતિ સ્પંદને સ્નેહલતાની નજરથી નજર મેળવી.
ગાઢ પ્રીતથી જોડાયેલ સબંધને વાંચાની ક્યાં જરૂર હોય છે? સ્નેહલતા તેના ભાવ બખૂબી સમજી જ ચૂકી છતાં તેણે પ્રેમથી સ્પંદનને પૂછ્યું, શું ગડમથલ જન્મી છે તમારા મનમાં?
આપણા લગ્નજીવનને ૫૦ વર્ષ થયા તે મને ક્યારેય કેમ વેલેન્ટાઇન વિશ ન કર્યું? આમ તો તારા વિચાર અને તારી રહેણીકરણી ખૂબ મોર્ડન છે, હું જાણું છું કે તું મને ખૂબ ચાહે પણ છે છતાં કેમ ક્યારેય તને શુભેચ્છા આપવાનું મન થયું નહી? હવે આપણું જીવન કેટલું એ નથી ખબર આથી હવે વધુ રાહ જોઈ શકું એમ નથી, નહીતો એમ થતું આ વર્ષે નહી તો આવતા વર્ષે તું મને વેલેન્ટાઇન વિશ કરીશ પણ આ વર્ષે પણ આ દિવસ એમ જ પૂર્ણ થયો, હવે તું મને એનું કારણ જણાવ કે તું કેમ મને શુભેરછા આપતી નથી?
માથા પર પ્રેમથી હાથ ફેરવતા સ્નેહલતા સહસ્મિત બોલી, મારું જીવન સંપૂર્ણપણે તમારી ઇચ્છા મુજબ જ જીવું છું, મારા દરેક ધબકારમાં ફક્ત તમને જ અનુભવું છું, હું જ્યારથી તમને મળી ત્યારથી હું, હું રહી જ ક્યાં છું? ક્યારે આપણે બંને એકબીજામાં શ્વસી રહ્યા સમજાણું જ નહી. જ્યારે આપણે બંને એક જ છીએ તો પછી વિશ કરવાનું આવે જ ક્યાં? બીજી વ્યક્તિ હોય એમને વિશ કરી શકાય પણ આપણે તો એક જ છીએ. અને તમે જ કહો મારી લાગણી તમને સ્પર્શતી નથી? તમે મારી સામે હોવ કે નહી તમને મારી હાજરીનો અહેસાસ થતો નથી ?? બસ એજ સાચું વેલેન્ટાઇન વિશ છે. આજ ગુલાબ આપી ખૂબ ખુશ થાય અને અમુક સમય બાદ બંને એકબીજાને બોજ સમજે એ લાગણી ફ્કત આકર્ષણ છે, આપણા બંનેમાં ક્યારેય એવું બંને માંથી કોઈને પણ આપનો સાથ બોજ લાગ્યો જ નથી, બસ એજ આપણા પ્રેમનું પ્રમાણ છે. છતાં જો તમને કોઈ સંદેહ હજુ હોય તો હું અવશ્ય કહીશ, કારણ કે લાગણી જો વ્યક્ત કરવી જરૂરી લાગે તો અવશ્ય વ્યક્ત કરવી જોઈએ. "હેપી વેલેન્ટાઇન માય સ્પંદન! લવ યુ માય લવ, માય હબી!" સ્પંદનના હાથની પકડ મજબૂત કરતા ખૂબ નરમાશ ભરેલ સાદ સાથે સ્નેહલતા એ એની વાત પૂર્ણ કરી.
સ્પંદન મનોમન વિચારી રહ્યો સ્નેહલતા ખરેખર એના નામ જેવી જ પ્રેમાળ છે. ખરેખર એણે મને એના કાળજાનો સ્પંદન બનાવી રાખ્યો છે. સંતોષના ભાવ સાથે બંને એકબીજાની આંખમાં અમીનજરે જોઈ રહ્યા.
- ફાલ્ગુની દોસ્ત