હરાય જાય છે આખ્ખેઆખું મન તને જોયા પછી.
ને હવે પથ્થર પણ લાગે છે સુમન તને જોયા પછી.
ખબર ના પડી કે પાનખર ક્યારે ચાલી ગઈ એકાએક,
ને ઓચિંતું થયું વસંત આગમન તને જોયા પછી.
ફરકવા લાગ્યા અંગ દક્ષિણ શુકનને સજાવતા જાણે,
મન પણ સાવ થયું જાણે મગન તને જોયા પછી.
શીતળતા વ્યાપી ગઈ બત્રીસ કોઠે એકાએક કેટલી,
થયું શમન સઘળી ઉરની અગન તને જોયા પછી.
થયા અધીર અધરોષ્ઠ કશુંક કહેવાને તલપાપડ રખે,
મહેંક રહી પ્રસરી કેવી ટનાટન તને જોયા પછી.
સ્નેહ એ સ્નેહ રહ્યો શબ્દ ના બની શક્યો બિચારો,
એના પગે જાણે મણનાં વજન તને જોયા પછી.
દેખાયું હાથવેંત ઇપ્સિતનું એકરારનામું વર્ષોથી ચહ્યું,
કરી રહ્યું હૈયું વિનસને કેવું નમન તને જોયા પછી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.