જેસલ કરી લે વિચાર,
માથે જમકેરો માર,
સ્વપના જેવો આ સંસાર,
તોરિ રાણી કરે છે પોકાર,
આવોને જેસલરાય,
પ્રેમથકી આપણ મળિયેં,
પૂરા સંત હોય ત્યાં જઇ ભાળિયેં.
અનુભવી આવ્યો છે અવતાર,
માથે સદ્ગુરુને ધાર,
જાવુ ધણીને દરબાર,
બેડલી ઉતારે ભવપાર.
ગુરુનાં જ્ઞાનનો નહીં પાર,
ભગતી ખેલ ખાંડાની ધાર;
નુગરા શું જાણે સંસાર,
એનો એળે ગ્યો અવતાર.
ગુરુની ગતિ ગુરુની પાસ,
જેવી કસ્તુરીમાં વાસ;
જ્યાં નામનો વિશ્વાસ,
દીનનો નાથ પૂરે આશ.
નિત નિત નાવાને જાય,
કોયલ ઉજળી નવ થાય;
માવઠાને મેઘે કણ નવ થાય,
ગુનિકાનો બેટો બાપ કેને કેવા જાય.
દેખાદેખી કરવાને જાય,
આતમા દીવડિયો દરશાય;
કૂડિયા કૂવે પડવા જાય,
મૂરખા મુડિયો ગુમાય.
ભેદુ વિના ભેળાં ન થાય,
એ તો અધુરિયાં કહેવાય;
એને કાંય નૂર ન વરસાય,
એનાં કલ્યાણ કેમ કરી થાય.
છીપું સમુદરમાં થાય,
એની સફળ કમાઇ.
સ્વાતીના મેહુલા વરસાય,
ત્યાં તો સાચાં મોતી થાય.
હીરા એરણમાં ઓરાય,
માથે ઘણ કેરા ઘાય;
ફૂટે ફટકિયાં કે’વાય, ખરાની ખરે ખબરૂં થાય.
ચંદા સુરજનો ઉજાશ,
નવલખ તારા એને પાસ,
પવન પાણીનો પરકાશ,
ચૌદ ભુવન તેની આશ.
સવાલાખ કોથળિયો બંધાય,
પૂરા ગાંધીડા કહેવાય ;
એવા સંત વિરલા થાય,
હીરા માણુક ત્યા વેરાય.
એના ધરમેં દશ અવતાર,
પાંચ સાત નવ બાર;
કરોડાં તેતરીસા તાર,
રૂષિ અઠ્યાશી હજાર.
સતયુગ *રત્નાવર પ્રહલાદ,
ત્રેતા તારા હરિશ્ચંદ્ર રાય;
દ્વાપર દ્રુપદી ધર્મરાય,
કલિયુગ વિંધ્યા ને બળિરાય.
પ્રેમનો પાટ પ્રેમનો ઠાઠ,
પ્રેમનો જોતનો પ્રકાશ;
તોરિ રાણી જાણો તે અંબાર,
સાહેબો પૂરે આપણી આશ.
સતની માંડવી બંધાય,
પ્રેમના પડદા રચાય;
જતિ સતી તિહાં ભેળા થાય,
તિહાં નૂરને પરસાય.
હેતે હરિ ગુણ ગાય,
પ્રેમે ગુરુ પૂજા થાય ;
કોરી પાવરીએ વરતાય,
ચાર જુગની વાણી તોરલી ગાય—