સિનીઅર સીટીજનની મોજ.
વયમાં થયા પાકટને તોયે,
હરડગલે અમે મુસકાતા,
અજાણ્યાને ભેરૂ બનાવી,
ગીત ગજબનું અમે ગાતા.
નથી હવે કોઈ ફિકર અમારે,
સદાબહાર જાણે વરતાતા,
વાવડા સાથેય વાતુ કરતાને,
ગીત ગજબનું અમે ગાતા.
સ્વર્ગ સાકેત હોય આંગણિયેને,
ના એને નભોમંડળે શોધતા,
નિજાનંદે ના નૈરાશ્ય હો કદીએ,
ગીત ગજબનું અમે ગાતા.
હૈયાના હેતે હરિને આરાધીએ,
ના યાચના કશીએ કરતા,
હાથ જોડી શીશ નમાવીને,
ગીત ગજબનું અમે ગાતા.
માણી લઈએ જિંદગી અમે,
આભાર ઈશ્વર તણો માનતા,
સ્નેહ કેરું સૌંદર્ય પ્રગટાવીને,
ગીત ગજબનું અમે ગાતા.
વાર્ધક્યે ના હોય કશી વ્યાધિ,
આનંદમંગલ બસ ઉચ્ચરતા.
મળ્યું એટલું મબલખ માની,
ગીત ગજબનું અમે ગાતા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.