પ્રેમની સૌથી અસરકારક અભિવ્યક્તિ એટલે ચુંબન. હું અંગત રીતે એવું માનું છું કે જેની સાથે એક સમજદારી અને લાગણી સહિત, લાંબો સમય સુધી આલિંગન અને કિસની અસરકાતા ટકાવી શકો એ સાચો પ્રેમ સંબંધ. બાકી ઘરેડમાં જીવાતા સંબંધોનો રાફડો સમાજની દરેક ગલીઓમાં છે.
કિસ ડે અથવા વેલેન્ટાઈન વિક ભલે વિદેશી સભ્યતા સાથે જોડાયેલા હોય છતાં પ્રેમની અલગ રીતે અભિવ્યક્તિ બધા સમાજમાં થતી જ રહે છે. ઉત્સવ આપણી અંદર જ વહેતો હોય તો એને ઉજવવામાં અણગમો શા માટે?
આપણે ખુદ નથી જાણતા કે ચુંબન કે આલિંગન પ્રેમને કેટલી ઊંડાણપૂર્વક અભિવ્યક્ત કરી શકે છે? આ એકાદ-બે બાબતો એવી છે જેને કારણે આપણો પ્રિયતમ આપણા માટે ખાસ બને છે. આપણે બાળકો, પોતાના પ્રિયતમ કે એકાદ નજીકના સ્વજનો સિવાય બધા સાથે આવી અભિવ્યક્તિ નથી કરી શકતાં. વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરી શકે પણ ચુંબન અને આલિંગનની હૂંફ માટે તો કોઈ લોહીથી ધબકતું હ્યદય જ જોઈએ. જેના રક્તમાં પોતાના માટે સંવેદનો વહેતા હોય. ભલે ચોકલેટ કે ટેડ્ડીની જગ્યાએ આપણે ગોળપાપડી કે સાડીની ભેટ આપી શકીએ પણ હગ (આલિંગન) અને કિસનો કોઈ બીજો વિકલ્પ ખરો? ખર્ચો જરા પણ નહીં અને પ્રેમની નિખાલસતા ભારોભાર! જે પોતાના પ્રીયતમને રોજ વ્હાલથી ભરી નથી શકતા એ કેટલા બેચેન હોય છે, પ્રિયપાત્રની એક કિસ અને સ્પર્શ માટે. જો તમારો પ્રિયતમ તમારી સાથે અને પાસે હોય તો આજે વ્હાલભર્યા આલિંગન અને ચુંબનોથી વરસાદ કરી જ શકાય.
#Lastwish
છેલ્લા શ્વાસે તારા હોઠોનો સ્પર્શ મળે,
પછી ફિકર શું કે ગંગાજળ મળે ન મળે.
-હિર
હિરલ નવસારીવાલા
સુરત.