સારા કર્મનું સારું ફળ - એક સત્ય ઘટના
હું મારી ઓફિસમાં બેઠો હતો. ત્યાં જ મોબાઇલમાં નોટિફિકેશનની રિંગ વાગી મેં મોબાઇલ હાથમાં લઈને જોયું તો વૉટ્સએપમાં કોઈ ગ્રુપમાં એક વીડિયો આવ્યો હતો, જેમાં તેના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે... "કર્મનો બદલો આ જ જન્મમાં મળે છે એનું આ સત્ય ઉદાહરણ એકવાર બધા જ મેમ્બરો આ ધ્યાનથી જોજો. ( કચ્છ ન્યૂઝ)"
હવે કર્મ મારો મનપસંદ વિષય એટલે મારે તો જોવો જ રહ્યો એટલે મેં વીડિયો પ્લે કર્યો જેમાં એક ડોક્ટર સ્ટેજ પરથી પોતાના જીવનનો આ સત્ય પ્રસંગ કહી રહ્યા હતા. જે નીચે મુજબ છે. વાંચો તેમના જ શબ્દોમાં...
હું ડોક્ટર છું. મારું પ્રાઇવેટ હોસ્પિટલ છે જે ગાયનેક હોસ્પિટલ છે અને હું ગાયનેક ડોક્ટર છું. એકવાર કોઈ મુસ્લિમ દંપતી હતા જેમાં સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપાડવાથી સરકારી હોસ્પિટલ જવા માટે રિક્ષામાં જતા હતા, એ રિક્ષા મારા હોસ્પિટલ પાસે પહોંચી હશે ત્યાં જ તે પ્રેગનેન્ટ સ્ત્રીની પીડા વધી ગઈ અને તેને બ્લિડિંગ થવા લાગ્યું, રિક્ષાવાળા ભાઈ આ પરિસ્થિતિ જોઈને ગભરાઈ ગયા અને તેમને મુસ્લિમ દંપતીને કહ્યું કે તમે રિક્ષા માંથી ઉતારી જાવ મારી રિક્ષામાં આ બેનને કંઈક થઈ જશે તો મારે મોટી મુસીબત આવી પડશે. મુસ્લિમ ભાઇએ કહ્યું હજુ ક્યાં સરકારી હોસ્પિટલ આવ્યું છે? પણ રિક્ષાવાળા ભાઈ માન્યા નહીં અને તેમને ત્યાં જ ઉતારી દીધા અને કહ્યું જો સામે એક ગાયનેક હોસ્પિટલ છે તેમાં બેનને લઈ જાવ જલ્દી, મુસ્લિમ યુવકે કહ્યું કે તે તો પ્રાઇવેટ હોસ્પિટલ છે તો રિક્ષાવાળા ભાઈ એ કહ્યું એ બધું ના જોવો આ બેનને કંઈક થઈ જશે તો? એમ કહી રિક્ષાવાળા ભાઈ જતા રહ્યા, અને આ દંપતી સામેના પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રવેશ્યા.
સ્ત્રીની હાલત ગંભીર હતી એટલે મેં ડોક્ટર તરીકે નહીં પણ માનવતાને લીધે પૈસાની કોઈ પણ વાત પહેલા કર્યા વગર તે સ્ત્રીની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. ટ્રીટમેન્ટ ચાલુ હતી તે દરમિયાન મેં તે મુસ્લિમ યુવકને પૂછ્યું ભાઈ તમારી પત્નીની હાલત ગંભીર છે એકવાર ટ્રીટમેન્ટ ચાલુ થાય એટલે પૈસાનું ચક્ર ફરવા માંડે છે, તમારી પાસે ફી ના પૈસા તો છે ને ? એટલે તે યુવકે નિર્દોષ ભાવ સાથે કહ્યું સાહેબ મારી પાસે પંદરશો રૂપિયા ( ૧૫૦૦) છે. મેં થોડીવાર વિચાર કર્યો અને પછી કીધું કાંઇ વાંધો નહીં, મેં ટ્રીટમેન્ટ ચાલુ રાખી અને તે સ્ત્રીએ એક બાળકને જન્મ આપ્યો, પહેલા હું સાત દિવસ દાખલ રાખતો પણ હવે ત્રણ ચાર દિવસમાં રજા આપી દવ છું માટે મેં તે સ્ત્રીને રજા આપી અને તે મુસ્લિમ યુવકને બોલાવ્યો અને કહ્યું જો ભાઈ મેં બધો હિસાબ લગાવ્યો છે, આમ તમારી ફી ની ગણતરી કરીએ તો વીસ હજાર (૨૦,૦૦૦) રૂપિયા થાય છે તું કેટલા આપીશ? પેલા યુવકે એ જ નિર્દોષતા સાથે કહ્યું સાહેબ મેં તમને પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે મારી પાસે પંદરસો (૧૫૦૦) રૂપિયા સિવાય કઈ નથી. હું થોડો અચકાયો અને પછી કહ્યું સારું લાવ પંદરસો તેણે આપ્યા. ત્યારબાદ તે દંપતી હોસ્પિટલની બહાર નીકળી રહ્યું હતું એટલે મેં સ્વાભાવિક પૂછ્યું કે ઘરે શેમાં જશો?
તો તે યુવકે જવાબ આપ્યો કે સાહેબ ચાલીને.. મને દયા આવી એટલે મેં તેમને ૨૦ રૂપિયા પરત આપ્યા અને કહ્યું કે રિક્ષામાં જજો. તે દંપતી નીકળી ગયું...
હવે હું ગણતરી કરતો હતો કે વીસ હજાર ના બિલ ના પંદર સો આવ્યા એમાં પણ વીસ મે રિક્ષા માટે પાછા આપ્યા એટલે વધ્યા ચૌદ સો એંશી (૧૪૮૦) મળ્યા
૨૦૦૦૦ ના ઓપરેશનના ૧૪૮૦ મળ્યા. આ તો નુકસાન થયું પણ શું થાય? ઘોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યાં? એમ મને પણ થોડી ગુમાવવાની ભાવના થઈ અને ઉપર જોઈ ને ઈશ્વરને કહ્યું કે હે ભગવાન તે મને આજ નુકશાન કરાવ્યું, આ દંપતીને મારી પાસે જ મોકલવાના હતા? ઘણા બીજા ડોક્ટર છે, આમ મેં મારો બળાપો કાઢ્યો અને ઈશ્વરને કહ્યું કે હે ઈશ્વર આજે તો જે થયું તે પણ હવે થોડું જોજો.. રોજ આવા દરદી આવે તો મારું હોસ્પિટલ નુકશાનમાં જાય. એમ કહી જેમ તેમ કરીને મન મનાવ્યું અને મારા કામમાં લાગી ગયો.
થોડી જ વાર માં સિસ્ટર આવી અને કહ્યું સાહેબ તમારા મિત્ર તમને મળવા માટે આવ્યા છે, મેં કહ્યું શું નામ છે? સિસ્ટરે કહ્યું રમેશભાઈ નામ છે. મેં વિચાર્યું કે રમેશભાઈ નામનો તો કોઈ મિત્ર યાદ નથી...પછી યાદ આવ્યું કે સોળ સતર વર્ષ પહેલા એક મિત્ર હતા... તે હોય કદાચ..મેં સિસ્ટર ને કહ્યું કે મોકલો મારી ઓફિસ માં... ત્યારબાદ તે રમેશભાઈ નામના મિત્ર મારી ઓફિસ માં આવ્યા મેં તેમને આવકાર્યા..વાતચીત ચાલી મેં રમેશભાઈ ને કહ્યું શું. કહો છો રમેશભાઈ તમારા તો હાલ જ બદલાઈ ગયા, શું કરો છો ? રમેશભાઈ એ કહ્યું કે ભગવાનની દયા છે એક શોરૂમ માંથી ચાર શોરૂમ કર્યા છે ઘણી આવક છે વિચાર્યું કે ભગવાને આપ્યું છે તો દાન પુણ્ય પણ કરવું જોઈએ માટે તમારી પાસે આવ્યો છું કે ભવિષ્યમાં તમારે કોઈ એવો કેશ આવે ને પૈસાની જરૂર હોય તો કહેજો હું આપીશ...મેં કહ્યું ભવિષ્ય માં નહીં અત્યારે જ એવો કેશ આવ્યો હતો ૨૦૦૦૦ ની ખોટ ખાય ને બેઠો છું આપો જે દેવું હોય તે... રમેશભાઈ એ કહ્યું અત્યારે તો હું જાજા કેશ કે ચેક બુક સાથે નથી લાવ્યો મેં કહ્યું જે હોય તે આપો ૧૦ રૂપિયા પણ ચાલશે હવે મારે ધીમે ધીમે ભેગા તો કરવા જ પડશે. રમેશભાઈ એ પોતાનું મોટું વૉલેટ કાઢ્યું અને કહ્યું મને ખબર નથી કે આમાં કેટલા રૂપિયા છે પણ આ બધા રૂપિયા અત્યારે મારે આપી દેવા છે એમ કહી પોતાનું આખું વૉલેટ મારા ટેબલ પર સાવ ખાલી કરી દીધું...મેં કહ્યું અરે રમેશભાઈ ગાડી ના પેટ્રોલ જેટલા તો રાખો!
રમેશભાઈ એ કહ્યું કે ગાડી ની ટાંકી ફુલ છે અને મારી પાસે કાર્ડ છે જરૂર પડશે તો તેમાંથી વ્યવસ્થા થઈ જશે. અને આમ થોડી ઔપચારિક વાતો કરીને રમેશભાઈ એ વિદાઈ લીધી. ત્યાર બાદ મેં રમેશભાઈ એ આપેલા રૂપિયા ગણ્યા અને તમે સાચું નહીં માનો.
એ રૂપિયા ૧૮,૫૨૦ હતા, હવે તમે જુઓ પેલા મુસ્લિમ દંપતિનું બિલ થયું હતું ૨૦,૦૦૦ રૂપિયા તેમણે મને આપ્યા ૧૫૦૦ રૂપિયા પણ મેં રિક્ષા ના ૨૦ રૂપિયા પાછા આપ્યા એટલે તેમની પાસે થી મને ૧૪૮૦ રૂપિયા મળ્યા હતા હવે તેમના બિલનો ટોટલ ખર્ચ ૨૦,૦૦૦ રૂપિયા તેમણે મને આપ્યા ૧૪૮૦ રૂપિયા
૨૦,૦૦૦૦ - ૧૪૮૦ = ૧૮,૫૨૦ રૂપિયાની મારે ખોટ આવતી હતી ને એ જ રૂપિયા ભગવાને મને રમેશભાઈ ને નિમિત્ત બનાવી ને મારી ખોટ ભરપાઈ કરી. એક રૂપિયાની પણ ભૂલ નહીં... વાહ રે મારા ભગવાન વાહ તારો હિસાબ એક રૂપિયાની પણ ભૂલ નથી.
મને સમજાણું કે સારા કરેલા કર્મનું ફળ હંમેશા સારું જ હોય છે, ભગવાન આપણને સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ આપે જ છે અને આ જ જન્મ માં આપે છે. મારો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ વધારે દ્રઢ થઈ ગયો