Aavo Bhajavie - 8 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આવો ભજવીએ - 8

Featured Books
Categories
Share

આવો ભજવીએ - 8

ખૂની વકીલનું ખૂન

પાત્રો: ન્યાયમૂર્તિ

મિસિસ પલક દવે: આરોપી સ્ત્રી અને વકીલ

મિ. બારોટ: પબ્લિક પ્રોસિક્યુટર

રણધીર: પોલીસ ઇન્સ્પેક્ટર

બેલીફ

નીરજ:  સાક્ષી

મીરાં :સાક્ષી

(કોર્ટરૂમનું દ્રશ્ય. કેઇસ ચાલુ છે. કઠેડામાં પલક દવે, યુવાન, આકર્ષક વ્યક્તિત્વ  ધરાવતી મધ્યવયી સ્ત્રી. 

નજીક પોલીસ અને  કોર્ટનો પટાવાળો છે.

નામદાર ન્યાયમૂર્તિશ્રી આસને બેસે છે. કોર્ટ  ચિક્કાર ભરેલી છે.)

ન્યાયમૂર્તિ: કોર્ટ ચાલુ થાય છે. આજનો કેઇસ સ્ટેટ વર્સીસ મિસિસ પલક દવે. સોગંદ લેવરાવવામાં આવે.

(પલક ગીતા પર હાથ મૂકી સોગંદ લે છે.)

પ્રોસિક્યુટર બારોટ : (ઉભા થઇ ન્યાયમૂર્તિને પ્રણામ કરે છે. તેમની સામે જોતાં)  

મી લોર્ડ, આપ નામદાર શ્રીની  કોર્ટમાં બહુચર્ચિત, ખ્યાતનામ વકીલ દીનેશ દવેના ખૂન કેસની શરૂઆત કરીએ. આરોપી આપની અદાલત સમક્ષ છે જ. દીવા જેવી સ્પષ્ટ વાત છે કે તેમણે તેમના પતિનું ખૂન કર્યું છે અને પુરાવાઓ પણ અદાલત સમક્ષ સામેલ છે. માત્ર ફોર્માલીટી પુરી કરી આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી સમાજને એક દાખલો બેસાડીએ. 

(જગ્યાએ જઈ બેસે છે.)

ન્યાયમૂર્તિ : અચ્છા, તો મિસિસ પલક દવે, તમારા ઉપર તમારા પતિ શ્રી. દીનેશ દવેના ખૂનનો આરોપ છે. તમે કોઈ વકીલ રાખવા માંગો છો?

પલક : મી લોર્ડ, હું આપની  જ કોર્ટમાં એક કેઇસ લડી નિર્દોષ બળાત્કારીઓને.."

બારોટ : હેં મેડમ? નિર્દોષ અને બળાત્કારી?

 (કોર્ટમાં હાસ્યનું મોજું ફરી વળે છે.)

પલક : મી લોર્ડ,અહીં જ સરકારી વકીલની નબળાઈ-  પૂરું સાંભળ્યા સમજ્યા વગર બોલી ઉઠવાની ટેવ જાહેર થઈ ગઈ. બળાત્કારના નિર્દોષ આરોપીને મેં આપની કોર્ટમાં જ કેઇસ લડી છોડાવેલો. હું ખુદ એક વકીલ છું અને મરહુમ દીનેશનું વર્ષો સુધી પડખું સેવ્યું છે. ઓફિસમાં અને ઘેર. અમે બેય ખૂન કેસ લડવામાં એટલાં પંકાઈ ગયાં છીએ કે દીનેશને લોકો મઝાકમાં 'ખૂની વકીલ' કહેતા. એટલે મારી વકીલ હું પોતે. બાકી મારી સાથે સત્ય. હું પલક દીનેશ દવે ગીતાજીના સોગંદ ખાઈને કહું છું કે હું જે કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય કશું નહીં. ધ કોર્ટ મે પ્રોસિડ."

ન્યાયમૂર્તિ : તો આપની ઉપર આરોપ છે જેના સબબ  પોલીસે આપની ધરપકડ પણ કરી છે, તે દીનેશ દવેના ખૂનનો ગુનો આપ કબૂલ કરો છો? 

પલક : નામદાર, હું આ આક્ષેપ નકારું છું. મારા વકીલ પતિને અન્યો દ્વારા મારી નાખી મને ફસાવવામાં આવી છે. 

મી લોર્ડ, આપણે સહુ જાણીએ છીએ કે દરેક ગુના પાછળ કોઈ ચોક્કસ હેતુ હોય છે.  હું શા માટે એમનું, મારા પતિ દીનેશ દવેનું ખૂન કરું? તેઓ મારા સિનિયર હતા, વકીલ તરીકે અમે એક બીજાની બ્રીફ સંભાળતાં અને એમણે વીલ દ્વારા રાંચરડાનો વિકએન્ડ બંગલો, ઓફિસ અને અમદાવાદની ઓફિસ તથા ફ્લેટ મારે નામે કરી જ દીધાં છે. 

બારોટ : સર, પ્રિસાઈઝલી એટલા માટે જ. પ્લીઝ નોટ, (ભાર મૂકતાં) તેમના.. નામે.. કરી દીધાં છે. હવે એ સંપત્તિ તેમને તો જ મળે જો તેમના પતિ હયાત ન હોય. તે ઉપરાંત મરહુમ દીનેશનો તગડો રૂ. એક કરોડનો વીમો પણ હતો. મોટિવ એસ્ટાબ્લીશડ.

પલક : માનનીય પ્રોસિક્યુટર, તમને ખબર તો છે, આપણને કરોડ રૂ. સફળ વકીલ થઈએ તો કેટલા વખતમાં મળે. 

જજ સાહેબને તમે કે હું આપણી ફી કહીએ છીએ? તમારી કેશ આવક 2023-24 ની કેટલી હતી?

બારોટ : મી લોર્ડ, આરોપી વાતને આડે પાટે ચડાવે છે. ઉસ્તાદ છે વાત ફેરવવામાં.

પલક : મિત્ર, બેશક ઉસ્તાદ છીએ. એટલે તો હું અને દીનેશ આટલું કમાયાં.  અને અમારે નથી કોઈ સંતાન. એમનું બધું મને જ મળવાનું હતું. બલ્કે એનું ખિસ્સું હું જ જોતી. આમેય મારી પાસેથી હજાર બે હજાર માંગીને ઓફિસ જતા. ઘરમાં પૈસાનો વહીવટ મારો જ હતો. જીવતે જીવ જે મારૂં જ હતું એ મેળવવા  મારે ખૂન શા માટે કરવું પડે?

 ન્યાયમૂર્તિ : મિસિસ પલક દવે, ફરિયાદી નિલેશ આશરની ફરિયાદ પરથી પોલીસે તમને ખૂન કરેલી પિસ્તોલ સાથે  રેડ હેન્ડેડ..

પલક : મી લોર્ડ, મેંદી મુકેલી એટલે હાથ ચોક્કસથી  રેડ હતા. જે પિસ્તોલ મેં વાપરી કહેવાઈ, તે  પિસ્તોલ પરના ડાઘા કોઈએ ભૂંસ્યા છે? મારા જ છે કે અન્યના હતા ને ભૂંસાઈ ગયા બાદ પોલીસે એ જપ્ત કરી? 

બારોટ : હા તો લાલ હાથ વાલી મેડમ, તેરા કામ તો બતા!

(ફરી કોર્ટમાં હાસ્યનું મોજું ફરી વળે છે).

નામદારશ્રી :  'ઓર્ડર.. ઓર્ડર'  

(હથોડી પછાડી કોર્ટરૂમ શાંત કરે છે).

મી. બારોટ, તમે સ્ટેટ વર્સીસ પલક દવે કેઇસમાં આગળ પૂછતાછ કરી શકો છો. તમને એ ખૂનની ફરિયાદ કઈ રીતે મળી?

બારોટ : પોલીસ પલક મેડમને પકડી કસ્ટડીમાં લઈ ગઈ. મને તો સવારે  દિવ્યભાસ્કરમાંનાં હેડિંગથી જ જાણ થઈ.. "શહેરના નામાંકિત વકીલ દીનેશ દવેનું ખૂન. હત્યા એની પત્નીએ જ કરેલી એવું સાબિત થયેલું છે.  સાણંદ થી રાંચરડા જતા રસ્તામાં એમના વિકએંડ બંગલામાં બનેલી ઘટના."

ન્યાયમૂર્તિ : એટલે મી. બારોટ, આપ છાપાની હેડલાઈનને જજમેન્ટ ગણો છો? અખબારો જ જો જજમેન્ટ આપવા માંગે તો કોર્ટની શી જરૂર? 

પલક : વિક્ષેપ બાદલ સોરી મી લોર્ડ. મારા વિદ્વાન વકીલ મિત્ર, જો અખબારોના સમાચાર એ ગુનાની સાબિતી ગણાય   તો હું ને તેઓ કેવી રીતે રોટલો રળશું? 

(કોર્ટમાં હાસ્ય.)

બારોટ : એટલું જ પૂરતું નથી, મી લોર્ડ, આ હેડલાઈન મુજબ પોલીસને દીનેશના  વિકએન્ડ બંગલામાંથી જ ખૂનના  સગડ મળ્યા છે.

એમ બની શકે કે પલકને પોતે નિઃસંતાન હોઈ દીનેશની સંપત્તિ મેળવી અન્ય લગ્ન કરવાં હોય. સહુથી મોટો મોટીવ પૈસાનો હોઈ શકે.  એમ પણ બને કે ઘરેલુ ઝગડાએ તેમને આ ખૂન કરવાની પ્રેરણા આપી હોય.

પલક : મી લોર્ડ, અમને અસીલોના ઝગડા એટલા તો પતાવવા પડે છે કે અમને ઝગડવાનો પણ ટાઈમ મળતો નથી.

(હાસ્યની છોળો અને  ન્યાયમૂર્તિનું 'ઓર્ડર ઓર્ડર'.)

પ્રોસીકયુટર બારોટ : મી લોર્ડ,હું ઇન્સ્પેક્ટર રણધીરને સાક્ષીનાં પિંજરાંમાં હાજર કરવા કોર્ટને વિનંતી કરીશ.

બેલીફ : ઇન્સ્પેક્ટર રણધીર હાજર થાય..

(ઇન્સ્પેક્ટર રણધીર ટોપી ઉતારી કોર્ટને સેલ્યુટ કરે.)

રણધીર : મી લોર્ડ,  જે અમે  ગુનાની જગાએથી મેળવ્યું અને એ પરથી જે નિર્ણય પર આવ્યા તેનું બયાન અદાલતને કરીએ છીએ

 31 ડીસેમ્બરના રાત્રે 2 વાગે મને સાણંદ પોલીસ સ્ટેશન પર  ફોનથી સંદેશો મળ્યો કે સાણંદથી રાંચરડા જતા રસ્તે દીનેશ દવેનું તેમના બંગલામાં ખૂન થયું છે અને લાશ પાસે તેમનાં પત્ની પિસ્તોલ સાથે ઊભેલાં હતાં. અમે તેમની તેમના બંગલામાંથી ધરપકડ કરી  ખૂન થયેલું તે પિસ્તોલ, રૂમાલ અને લાશ પાસે ઊભેલાં પલક મેડમને જોયાં. 

ન્યાયમૂર્તિ :  તો મી. રણધીર, એ આ જ હતાં? તેમની માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ કેવી હતી?

રણધીર : તેઓ  હું ગયો ત્યારે  જવાબ આપવા જેટલાં સંપૂર્ણ સ્વસ્થ હતાં. અમને સહકાર પણ આપતાં હતાં. અમે તેમને પૂછ્યું કે આ ખૂન તમે કર્યું છે? તો તેમણે ના પાડી. 

તેમણે તુરત મને કહ્યું, "ઘરની લોબીમાં મારા પતિનું ખૂન થયું છે, પિસ્તોલ ચાલી લાગે છે, કોઈએ ખૂન કર્યું છે. પણ એ હું નહોતી સર! વિશ્વાસ કરો. મારો એવો કોઈ ઈરાદો જ ન હતો. મેં ખૂન થયું તે પછી જ બેડરૂમમાંથી બહાર પગ મૂક્યો."

તેઓ ધ્રુજતાં હતાં. ગભરાઈ ગયેલાં હતાં જે એવા સંજોગોમાં કોઈ પણ હોય. એ સિવાય સ્વસ્થ.

ન્યાયમૂર્તિ : તો ઇન્સ્પેક્ટર રણધીર, તમને કોણે ફોન કર્યો?"

રણધીર : સર, અવાજ એક સ્ત્રીનો હતો. અવાજ ધ્રૂજતો હતો. હું તરત પોલીસ જીપ લઈ   દસેક કિલોમીટર દૂર આવેલા રાંચરડાના રસ્તે ગયો.

પલક : ધેટ ઇઝ ધ પોઇન્ટ. મેં ખૂન કર્યું હોય તો હું ફોન કરું કે ભાગી જાઉં?

બારોટ : (વેધક અવાજે ) તો મેડમ, શું કોઈ પ્રેતાત્મા આવીને તેમનું ખૂન કરી ગયો?  

પલક :  વિદ્વાન મિત્ર, આપને ખબર. આપ પ્રેતયોનીમાં માનતા હો,  તેમના સંપર્કમાં હો તો પૂછી જુઓ.

(કોર્ટમાં હાસ્યની છોળો.)

ન્યાયમૂર્તિ : ઓર્ડર ઓર્ડર.

બારોટ : તો  જેણે ખૂન કર્યું હોય એનો મોટીવ શું હોય?

પલક : વળી પાછો મોટીવ? બારોટ સર, એ તમારે જોવાનું છે. મેં કહ્યું કે પૈસાનો મને સવાલ જ ન હતો. નહોતો એમને કોઈ લફરું કરવાનો ટાઈમ. અરે એમને તો મને, એમની 'લફરી' સામે જોવાનો પણ ટાઈમ ન હતો.

(કોર્ટમાં ક્ષણિક હસાહસ.)

ખૂન મેં નથી કર્યું. અને મી. રણધીર, તમે ખૂનને  સ્થળે આવીને શું  જોયું તેનું બ્યાન કોર્ટને કરશો?

ન્યાયમૂર્તિ : કોર્ટે ઇન્સ્પેક્ટર રણધીરને ખૂંનના સ્થળે શું જોયું તે વિશે તેમનું બ્યાન આપવા જણાવે છે..

રણધીર : સર, મેં કહ્યું તેમ હું ફોન મળતાં જ હું તેમના સાણંદથી રાંચરડા જતા રસ્તે ગયો. બંગલો પાછળથી ખુલ્લો હતો. આગળ પોર્ચમાં અંધારું હતું.  પાછળથી દાખલ થવા ચોકડી અને વૉશ એરિયા પાસે અટકાવેલું ડોર ખોલી, ડ્રોઈંગરૂમ ક્રોસ કરી હું અંદર ઘરમાં લોબી પાસે ડાઇનિંગ ટેબલને અડીને આવેલી સીડી ચડી બેડરૂમમાં ગયો. બેડરૂમનાં બારણાંની બરાબર બહાર લાશ પડેલી. આ જ મેડમ બેડ પર બેઠેલાં. લાશને છાતીમાં  ડાબી તરફ ગોળી વાગેલી. ત્યાંથી હજી લોહી વહી રહેલું. પાસે જ પિસ્તોલ પડેલી. પિસ્તોલ પર ફિંગરપ્રિન્ટ મેડમ પલકનાં જ હતાં તે પોલીસ રિપોર્ટમાં જણાવ્યું છે.

પલક: એક મિનિટ મી લોર્ડ, કોઈ આવ્યું તેમ લાગતાં હું બેડરૂમનું બારણું ખોલવા ગઈ અને પગ સાથે રીવોલ્વોર અથડાઈ. લાઈટ કરતાં મેં જે જોયું એ જોઈ કોઈ પણ સુધબુધ ગુમાવી બેસે. ઇન્સ્પેક્ટર સાહેબે કહ્યું તેમ મારા પતિની લાશ. મેં નજીક પડેલી રિવોલ્વોર ઉપાડી અને તરત નીચે મૂકી દીધી. 

મેં ખૂન નથી જ કર્યું પછી મારાં ફિંગરપ્રિન્ટ હું શું કામ લુછું અને જેનાં હોય એ પણ મિટાવી દઉં?

મી લોર્ડ, હું ઇન્સ્પેક્ટર રણધીરને સવાલ પૂછવા સંમતિ માંગીશ.

ન્યાયમૂર્તિ : સંમતિ આપવામાં આવે છે.

પલક: તો રણધીરજી, હું એ રૂમમાં જ બેઠેલી. બેડ પર. સાચું? લાશ ક્યાં  અને કેવી રીતે પડી હતી?

રણધીર : કહ્યું તો ખરું. બેડરૂમ અને સીડી પાસેના નાના પોર્ચમાં.

પલક : નાનો પોર્ચ કેટલો લાંબો પહોળો હતો એ કહેશો?

રણધીર : આશરે બે ફૂટ પહોળો અને બારણા પાસેના કઠેડા પાસે દરવાજા જેટલો પહોળો.

પલક : ચારેક ફૂટ હશે?

રણધીર : એટલો જ લગભગ.

પલક: લાશનું મોં કઈ તરફ હતું?

રણધીર : બારણાં તરફ.

પલક : લાશ ઊંઘી હતી કે ચત્તી?

રણધીર : મી લોર્ડ, લાશ ચત્તી હોય તો જ છાતી પાસે ઘા હોય ને?

પલક : એટલે કે મેં મારા પતિ સામે, તેમને બારણાંમાં ઉભા રાખી, કરવાચોથ નિમિત્તે ચારણીમાંથી જોતી હોઉં એમ ઉભાડી, હળવેથી  તેમની આરતી ઉતારી ગોળી મારી અને તેઓ તિલક કરાવતા હોય તેમ ગોળી ખાવા ઉભા રહ્યા. ખરું?

રણધીર : સામેથી ગોળી મારી હોય અને તેઓ  ઊંધા પગે ભાગવા જતાં પડી ગયા હોય. મેં મેડમને બેડ પર બેઠેલાં જોયાં અને પિસ્તોલ તેમના પગ અને પોર્ચ વચ્ચે પડી હતી એ હકીકત છે. મેડમને હું અત્રે ઓળખી બતાવું છું. તેઓ જ હતાં.

પલક: ધેટ્સ ઓલ સર.

(ઇન્સ્પેક્ટર રણધીર જુબાની પુરી કરી કોર્ટને સેલ્યુટ કરી  કઠેડામાંથી નીચે ઉતરી પોતાની જગ્યાએ જઈ બેસી જાય છે.)

ન્યાયમૂર્તિ : મિસિસ પલક દવે, તમારે આગળ કશું કહેવું છે?" 

પલક : યસ મી લોર્ડ. કહેવું પણ છે અને કરી પણ બતાવવું છે. (બારોટ સામે જોઈ)

"એક મિનિટ, શ્રી બારોટ, તમે મારી પાસે આવો. આવો, આવો..  અહીં પાંજરાંમાં.

બારોટ : મી લોર્ડ, આ મેડમ શું નાટક કરવા માંગે છે?

પલક : અરે, તમને પ્રેમથી આલિંગન આપું છું. આવો તો ખરા!

(બારોટ પાંજરા પાસે જાય છે. પલક તેમને ખેંચી પાંજરાંની અંદર  લેવા કરે છે. બેય લગોલગ આવી જાય છે.)

ન્યાયમૂર્તિ : મિસિસ પલક દવે, આ શું થઈ રહ્યું છે?

પલક : નામદાર, જુઓ. દાદરા પાસેનો પેસેજ બે ફૂટ પહોળો એટલે કે આ પીંજરા જેટલો. અને ચાર ફૂટ લાંબો એટલે પિંજરાંથી ભીંત સુધીનો. જેટલું અંતર છે તેમાં હું હાથ લાંબો કરી ગોળીનું નિશાન, એ પણ એમની છાતીનું કેવી રીતે  લઈ શકું?  હાથ લાંબો કરવા મને જગ્યા જોઈએ ને ગોળી ખાવા તેમને. 

પછી તેઓ પડી ગયા તો તેમની પોણા છ ફૂટની કાયા ચાર ફુટના પેસેજમાં ફીટ કઈ રીતે થઈ?  પોતાની મેળે આડી સુઈ જઈ, બેડરૂમ તરફ મોં રાખીને?

ન્યાયમૂર્તિ :  ઈન્ટરેસ્ટિંગ. તો ઇન્સ્પેક્ટર રણધીર, અદાલતને જાણવું છે કે  લાશ જો બેડરૂમમાં નહોતી તો  સાંકડા પેસેજમાં કઈ રીતે આવી અને જ્યારે દાદરો એકદમ નજીક હતો તો  મરહુમ દીનેશ ઊંધા  ચાલતા કઈ રીતે ભાગે અને એમ ભાગે તો દાદરેથી ઊંધે માથે પટકાય નહીં એ કેમ બને?

રણધીર : મી લોર્ડ, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મેં યોગ્ય પૂછતાછ કરી છે અને આપ કોર્ટને બ્યાન આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ગોળીથી મૃત્યુ સૂચવે છે અને લાશની સ્થિતિ મેં કહી તે જ છે. દીનેશ ભાગ્યા કેમ નહીં તે સવાલ છે. હું સ્ત્રીના અવાજમાં ફોન આવતાં  ખૂનની જગ્યાએ ગયેલો તે હકીકત છે. 

પલક : એ સ્ત્રીનો અવાજ કેવો હતો? તમને મારો અવાજ અત્યારે લાગે છે તેવો જ? તેના ઉચ્ચારો કેવા હતા?

રણધીર : એ વખતે અવાજ આપનો હતો કે બીજો એ હું ખાત્રીપૂર્વક કહી શકતો નથી. અવાજ એકદમ ધ્રૂજતો, હાંફતો હતો. થોડો પાતળો. ઉચ્ચારો લગભગ આ મેડમ જેવા હતા પણ થોડા હિન્દી જેવા.

પલક : પ્લીઝ નોટ. ઈન્સ્પેક્ટર રણધીર કહી ચુક્યા છે કે હું તેઓ આવ્યા ત્યારે સ્વસ્થ હતી. એ વખતનો ધ્રુજતો અવાજ  અને  શુદ્ધ હિન્દી ઉચ્ચારો. હું ગમે તેટલું કરું, મારી લગ્ન સુધીની અતિ કાઠિયાવાડી બોલી હિન્દી પણ તેવું કાઠિયાવાડી જ બોલાવે.  અને ફરિયાદ મારે શું કામ હિન્દીમાં કરવી? થોડી દૂધવાળા ભૈયા સાથે વાત કરતી હતી?

મૂળ મારે અદાલતનું  એ વાતે ધ્યાન દોરવું છે કે છીડે ચડે તે ચોર એ ન્યાયે મને પકડી લીધી છે. 

 મી લોર્ડ, કોઈ સ્ત્રીએ ફોન કરેલો  પણ એ સ્ત્રી હું નહોતી. હું બેડરૂમમાંથી બહાર ત્યારે આવી જ્યારે ઇન્સ્પેક્ટર રણજીતે બેલ મારી. અને તે વખતે મારા બેડરૂમનાં ડોર પાસે લાશ જોઈ. 

પ્લીઝ નોટ સર, પિસ્તોલ પોર્ચ અને લાશ વચ્ચે પડેલી. બેડરૂમમાં નહીં. 

બારોટ : તો મેડમ પલક દવે, રાત્રે બે વાગે  નીરવ શાંતિમાં તમને ગોળીનો અવાજ સંભળાયો નહીં? અને એ કહો કે તમારા પતિ રાત્રે ક્યાં ગયેલા? જે સમયે તમે વિકએન્ડ માણવા એ બંગલામાં આવ્યાં હો અને … પ્રવૃત્તિમાં મશગુલ હો.

પલક : વિદ્વાન મિત્ર, મેં અગાઉ કહ્યું તેમ, અમને તમે કહી એવી પળો પણ ખાસ મળતી નથી. બંને અતિ વ્યસ્ત વકીલો છીએ. હા. રહી પતિ રાત્રે ક્યાં ગયેલા તેની વાત.

તો મને બે ચાર દિવસ પહેલાં પાર્સલમાં વિધવાનો સફેદ ડ્રેસ અને એક પત્ર મળેલાં કે હરેશ મહેતાના પ્રોપર્ટી ઉચાપતના કેસમાં મારા પતિએ સમાધાન કરી લેવું. નહીંતો આ ડ્રેસ પહેરવાનો વખત આવશે. મેં એ પાર્સલવાળો પત્ર સાણંદ પોલીસમાં બતાવેલો પણ પોલીસે ખાલી જાણવાજોગ અરજી, એ પણ મારી અત્યંત જીદ બાદ લીધેલી.  29 ડિસેમ્બરના બપોરે બે વાગ્યે. એ વખતે ઇન્સ્પેક્ટર રણજિત પોલીસ સ્ટેશનમાં ન હતા. 31ડિસેમ્બર, ખૂન થયું તે રાત્રે દિનેશને કોઈએ નજીકના જ્ઞાનદીક્ષા આશ્રમથી આગળ તક્ષશિલા હોટેલ સામેના પોઇન્ટ તરફ આવવા કહેલું. કેસ માટે જઈ હમણાં આવું કહી તેઓ સાડા દસે ગયેલા. હું સુઈ ગયેલી. તેઓ બહારથી બંધ કરીને ગયા હશે એમ માનું છું.

રણધીર : મી લોર્ડ, હું એક દબાણના કેસ માટે છેક વિરમગામરોડ સુધી જઈ રાત્રે 9 વાગ્યે આવેલો એટલે જમીને રાત્રે પોલીસ સ્ટેશન પહોંચેલો. ખૂનની ખબર મને 31 ડિસેમ્બરના રાત્રે બે વાગે ફોનથી મળી. 29 ડિસેમ્બરની જાણવાજોગ માહિતી મેં સ્ટેશન ડાયરીમાં જોઈ નથી. 

પલક : હું કહું છું. પૈસા આપી ફાડી નંખાવી છે. નીચેના લેવલે. બને, તમને કહ્યું પણ નથી.

મ્યાયમૂર્તિ : તો શ્રીમતી પલક દવે,  તમને હરેશ મહેતા પ્રોપર્ટી કેઇસ વિશે શું ખબર છે? અને ઇન્સ્પેક્ટર રણધીર, તો આ રિપોર્ટ ક્યાં ગયો?

પલક : મી લોર્ડ, આ ધમકી પત્રનો મેં મોબાઈલમાં ફોટો રાખ્યો છે અને કદાચ જરૂર પડશે જ એમ લાગ્યું એટલે ઝેરોક્સ આપ  નામદાર કોર્ટને સુપ્રત કરું છું.

ન્યાયમૂર્તિ : તો આરોપી તેને કોના પર શક છે તે અદાલતને જણાવે અને પોલીસને તાકીદ કરવામાં આવે છે કે એ ધમકીપત્રનું શું થયું એ અદાલતને જણાવે. કોર્ટની મુદત દસ દિવસ પછી 27 એપ્રિલના રોજ સુધી પડે છે.

(નામદાર કોર્ટ ઉઠીને ચેમ્બરમાં જવા ઉભા થાય છે અંધારું. સંગીત. ફરી પ્રકાશ થાય છે.)

ન્યાયમૂર્તિ : આજરોજ 27 એપ્રિલના કોર્ટ ખુલતાં જ હરેશ મહેતા પ્રોપર્ટી કેઇસના સામેવાળા નીરજ ગુપ્તાને હાજર કરવામાં આવે. હવે ખૂનની શકમંદ આરોપી વકીલ પલક દવે દ્વારા ઉલટ તપાસ શરૂ કરવામાં આવે.

(પલક હવે વકીલ તરીકે બહાર છે.)

પલક : મી લોર્ડ, હું નીરજ ગુપ્તાને સવાલ પૂછવા માંગુ છું.

ન્યાયમૂર્તિ : મંજૂરી આપવામાં આવે છે.

બેલીફ : નીરજ ગુપ્તા હાજર થાય..

(નીરજ ગુપ્તા આરોપીના કઠેડામાં આવે છે અને સોગંદ લે છે.)

પલક : મી. નીરજ, તમે એ કહેશો કે 31 ડિસરમ્બરની રાત્રે તમે ક્યાં હતા?

નીરજ : હું રાત્રે વિશાલા સર્કલ પાસે વિશ્રામ હોટેલમાં ક્રિસ્ટમસ પાર્ટીમાં હતો. ત્યાં જ ઉતરેલો. અને ઇમરજન્સી આવતાં રાત્રે વિરમગામ થઈ મહેસાણા જવા નીકળેલો.

પલક : અચ્છા. તો હોટેલની રસીદ? કમરા નં?"

નીરજ : આ રહી રસીદ. 305 નં.

પલક : તો એ વખતે તમે રાંચરડા રોડ કેવી રીતે અને શા માટે આવેલા?

નીરજ : ડાયવર્ઝન બાદ રસ્તો ચાતરી  ગયેલો. એમાં પણ શિયાળાનું ગાઢ ધુમ્મસ. માંડ બે ફૂટ દુરનું દેખાય.  કામ ચાલુ હોઈ ઉતરતો ઢાળ અને રીપેર થઈ રહેલો ખરાબ રસ્તો.

પલક : બરાબર. તો કઈં દેખાતું નહીં હોય. એમાં તમે આગળ શું જોયું? કેટકેટલા વળાંકો અને સિંગલ રસ્તો. ત્યાંથી વિરમગામરોડ થઈ મહેસાણા જવા તમે શું કર્યું?

નીરજ : અરે ગુગલ મેપ. એણે રસ્તો બતાવ્યો પણ ત્યાં તૂટેલો રસ્તો હશે એ મેપમાં કેમ ખબર પડે? એવામાં મારી કાર ત્યાં ઉભી રહી.

પલક : શિયાળાની અંધારી રાત્રે. પછી ત્યાં ઊભા કેમ રહ્યા? નેચર કોલ?

નીરજ : ના. કારનું બેલેન્સ ગયું અને  મોટો ધડાકો થયો.  મેં બ્રેક મારી. કાર ચિચિયારી સાથે નીચે ખાડામાં  પડતી બચી. મારી કારનું ટાયર ફાટ્યું હતું.

પલક : આગલું ટાયર કે પાછલું?

નીરજ : પાછલું. ડ્રાઇવરની બાજુની પાછળનું.

પલક : ઓકે. તો મોટો ધડાકો થયો. અને એકાંતમાં. પાછલું ટાયર ફાટતાં તમારે ઉભવું પડ્યું, ડ્રાઇવરની બાજુની પાછળનું. તમે તમારા સ્ટેટમેન્ટને વળગી રહો છો ને?

નીરજ : હા વળી. તમે વર વહુ લોકોને ગોળગોળ ફેરવી જોઈતું કઢાવવામાં એક્સપર્ટ છો તે મને ખબર છે. હું એ જ કહીશ જે બન્યું હતું.

પલક : બસ. એમ જે બન્યું એ જ કહેજો હોં? હા. એ ધડાકો મેં પણ સાંભળેલો. મેં પોર્ચની લાઈટ એટલે જ કરેલી. કદાચ દીનેશની કારને કઈંક થયું હોય. પણ હું સુઈ ગઈ હોઉં એટલે આગલો દરવાજો તેઓ પોતાની કી થી ખોલે તે માટે બહારથી બંધ હતો.  

હા. મારે  તો તમને પૂછવાનું છે. મારૂં કહેવાનું નથી. તો એ ધડાકો તમારી કારનો જ હતો. 31 ડિસેમ્બર, રાત્રે 1.40 મિનિટે. ખરું ને?

નીરજ : ધડાકો થાય ત્યારે કોઈ ઘડિયાળ જોવા થોડો બેસે?

પલક : તો પછી તમે શું કર્યું?

નીરજ : શું કરું? ગુસ્સામાં કારને એક જોરદાર લાત મારી.

પલક : કઈ તરફ?

નીરજ : અંરે આ ક્યાં માણસને છે કે .. આગળ ને પાછળમાં ફેર પડે. વેલ. કારને પણ બેક પર .. એની બેકી પર.

પલક : અરે ધીરે ધીરે. તમે એક સ્ત્રીને કહો છો અને કોર્ટમાં છો. થાય. ગુસ્સો આવે. તો હવે એ કહો, ઉતરતા ઢાળે પાછળથી લાત મારો તો કાર સડસડાટ નીચે ઉતરે કે ત્યાં જ રહે?

ચૂપ ન રહેશો. કાર નીચે ઉતરી નહીં, કેમકે એ ટાયરની આગળ મસ્ત મઝાની મોટી માર્બલ ટાઈલ મુકેલી. ઈંટ તો હાઇવે પર ક્યાંથી મળે? ને એ વિસ્તારમાં ભવ્ય બંગલાઓ થતા હોઈ આસપાસ માર્બલની ટાઇલ્સના ટુકડા અને કરચ મળી જ  આવે.

(ન્યાયમૂર્તિ સામે જોઈ)

મી લોર્ડ, કમનસીબે એ ટાઈલ મારા વિકએન્ડ બંગલાની ચોકડીમાં ફીટ કરી તેવી જ છે. આ રહ્યો એ ચોકડીનો ફોટો અને વધેલી ટાઇલનો ટુકડો. આ PWD વાળાઓએ કાર હટાવતા પહેલાં પાડેલો ફોટો. કારનું એ બાજુનું ટાયર ફાટે તો કાર રસ્તા તરફ ફંટાય, મારા બંગલા તરફ, રસ્તાની સાઈડ તરફ નહીં. જે બાજુનું ટાયર ફાટે તેથી વિરુદ્ધ દિશામાં જાય. એટલે  કાર ઉભી કરી, ટાયર આડે માર્બલ ટાઈલ મૂકી,  ડેકી ખોલી લાત મારી. એના ધક્કાથી કોઈ વસ્તુ જે ઊંચકી ન શકાય તે ખાડામાં એટલે કે ચાર પાંચ ફૂટ નીચે પડી.

મી લોર્ડ, એટલે આ કારમાં મારા પતિ દીનેશ દવેની પહેલેથી ખૂન કર્યા બાદ લાશ લવાઈ હોય. લવાઈ હતી.  પોસ્ટમોર્ટમ સમય રાત્રે બે આસપાસનો બતાવે છે. એ જ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ  ગોળી ફેફસાંમાં વાગતાં શ્વાસ બંધ થવાથી થયું  એમ લખ્યું છે. એટલે દીનેશનું શ્વાસ રૂંધી હત્યા કરી તે મરી ગયા  તેમ માની લાશને અમારા બંગલા પાસે ફેંકી દેવાનું કર્યું હોય અને દીનેશ એ વખતે બેભાન થયો હોય પણ જીવતો હોય એટલે  ફરી તેને મારવા પિસ્તોલ વાપરી.

ન્યાયમૂર્તિ : તો શું એ પિસ્તોલ તમારી ન હતી?

પલક : અમે હથિયાર રાખતાં જ નથી. અમે થોડા રાજપૂત છીએ કે બંદૂક પકડતાં પણ આવડે? જિંદગીમાં  મેં ક્યારેય ચાંદલીયા ફોડવા સિવાયની રિવોલ્વોર પકડી પણ નથી. હું તો એ ટિકડીના અવાજથી પણ બીઉં.

(ફરી એકવાર હસાહસ.)

ન્યાયમૂર્તિ : તો મી. નીરજ ગુપ્તા, તમારે શું કહેવું છે?

નીરજ : મી લોર્ડ, હરેશ મહેતાની જમીન  મોકાની હતી. સોનાની લગડી જેવી. એટલે એ જમીન કોઈ પણ હિસાબે મારે જોઈતી હતી. હરેશ પ્રોપર્ટી વેંચવા તૈયાર હતો પણ કિંમત ઘણી વધારે માંગતો હતો. અમે એના તે જગ્યા હરેશ દ્વારા  સમર્પણ હોટેલને વેંચવા સામે ખોટા ટાઇટલ કર્યા છે એમ તેનું કહેવું હતું. ઝગડો અને મારામારી થયેલી. તેની ફરિયાદનો કેઇસ  વિરમગામ સિવિલ કોર્ટમાં  દીનેશ લડતો હતો જે ખૂબ વખત લે તેમ હતું. મેં તેને હરેશ મહેતા સાથે આવી સમાધાન કરવા બોલાવ્યો. પણ દીનેશ તેના ક્લાયન્ટનો દાવો સાચો છે કહી જમીનની યોગ્ય કિંમત માંગવામાં અને ટાઇટલ ડિસ્પ્યુટ અમારી પાસે પાછો ખેંચાવવા અડગ રહેલો. મેં તેનો કાંટો કાઢી નાખવા વિચાર્યું અને એ પ્લાન અમલમાં મુક્યો પણ ખરો.

દીનેશને  તેના ઘર પાસે  બાંધેલી હાલતમાં લઈ આવી, ગોળી મારી પિસ્તોલ સાથે ઢસડી. તેના વિકએન્ડ બંગલાની ચોકડીમાં નીચી વંડી પરથી તેની લાશ ફેંકી દીધી. પાછલો ગેઇટ ખોલી લાશ અંદર લીધી કેમ કે બંગલાની પાછલી રોડ તરફની ચોકડીની  ડીમલાઈટ ચાલુ હતી.  ખાસ જોર વગર નકુચો ખુલી જતાં લાશને ઘરમાં લીધી. એ પછી હું તો ચૂપચાપ નીકળી ગયો.

પલક : તો મી લોર્ડ, હવે હું હુકમનું પત્તું રમું છું.  મારા અને દીનેશના આ બંગલાની કેર ટેકર બાઈ  મીરા. આવ, બાઈ  મીરાં કહે પ્રભુ નીરજ કે ગુણ..

(મીરાં સાક્ષીનાં પાંજરાંમાં હાજર થાય).  

પલક : થારો નામ ?"

મીરાં : મીરાં.

પલક : તું દિનેશ સાહેબના બંગલામાં ખૂન થયું ત્યારે શું કામ કરતી હતી ? 

મીરાં :  સાબ, મી તો આખા દિન ની કામવાળી હું. યે દિન રાતે વાં સો ગઈ થી. સાબ બાર ગીયો થો ને મેમસાબ એકલી થી. મુને પાછલું દરવાજો ખુલવાનો અવાજ આવતાં આગળના ભાગે આવેલી મારી ઓરડી ખોલી. મીં મેઈન ડોરની બેલ પર બેલ મારી. તે ની ખુલતાં બંગલાની ફરતે ગોર ફરી. પીછે ખુલ્લું હતું એ જોઈ મીં ડરી ગઈ. ઘરનો દરવાજો ખુલ્લો ને  પીછેવાલો કમ્પાઉન્ડનો દરવાજો  બંદ.   તે મીં  દિવાર કૂદી. શેઠ શેઠાણી ભર ઊંઘમાં હોય એટલે ન ખોલ્યું હોય એમ મીં ધારી.  પાછલું ડોર ખુલ્લું જોઈ પહેલાં તો મીં બેડરૂમ ઓર ગઈ ઓર..

(હેબતાઈ જઈ રડે છે. પલક તેને વાંસે હાથ ફેરવે છે.)

પલક : પછી શું થયું?

મીરાં : મુને પેલી રીવોલ્વોર બતાવી  યે આદમીને ફોન કરાયો. ઉને જે કહ્યું  તે મીં પોલીસને કહ્યું. 

પલક : અને એ આદમી પછી ચાલ્યો ગયો?

મીરાં : ની. યે આદમી  ચાલ્યો ગયો ન હતો પણ સામે રીવોલ્વોર ધરી મારી પાસે  ફોન કરાવીને ગયો. 

પલક ; અને મી લોર્ડ, બેડરૂમનો દરવાજો નિલેશે બહારથી બંધ કરેલો જે તે જતાં પોલીસ આવે તે પહેલાં મીરાંએ જ ખોલેલો. બોલ મીરાં સાચું?

મીરાં : મારા ઘરવારા જે સોગંદ.  ધડાકો મીં સાંભળ્યો ત્યારે હું ડરી ગઈ હતી અને પાછળ કમ્પાઉન્ડમાં સંતાઈને ઉભી રી હતી. પછી મીં ઘરમાં ગઈ તો યે આદમીને મુને પકડી ફોન કરાયો ને મીં મુક્યો ત્યાં એ ભાગી ગ્યો. મુને મારતો પણ ગ્યો મેમ,  બડે સાબ.

પલક : તું જઈ શકે છે

(ન્યાયમૂર્તિ ચુકાદો લખવા પેન ઉપાડે ત્યાં અંધારું.)

(ફક્ત પલક પર પ્રકાશ.)

પલક : અને આખરે સ્ટેટ વર્સીસ પલક દવે કેઇસ સ્ટેટ વર્સીસ નીરજ મહેતામાં પલટાઈ ગયો અને જે અખબારોએ  આ વકીલ પલક દવેને ખૂની કહી ભાંડેલી તેમણે જ તેને બહાદુર નારી, બાહોશ વકીલ તરીકે બિરદાવી.

એક સ્ત્રીનો ચુડલો નંદાયો. હું રાંડી. પણ એક વકીલને શું ફેર પડે? પડે જ ને? હવે મેં બીજા ચાર આસિસ્ટન્ટ ખાલી ક્રિમિનલ કેઇસો લડવા માટે રાખ્યા. મારી તો પ્રસિદ્ધિ થઈ ગઈ. અરે એક તબક્કે તો બારોટે મારી નોકરીમાં આવવા વિચાર્યું પણ તેઓ તાલુકા લેવલે મેજિસ્ટ્રેટ થઈ ચાલ્યા ગયા.

વકીલને ખૂન કેસ લડવા આપતાં પહેલાં તેની ફી નું વિચારી લેવું. અને 'ખૂની વકીલ'નું ખૂન કરતાં પહેલાં તો સો વાર વિચારવું. વગર પૈસે સલાહ - વિચારવું જ નહીં.

(પડદો)

***

-સુનીલ અંજારીયા