Aavo Bhajavie - 1 in Gujarati Drama by SUNIL ANJARIA books and stories PDF | આવો ભજવીએ - 1

Featured Books
Categories
Share

આવો ભજવીએ - 1

નાટક 1. માંદગી

માંદગી

પાત્રો: તુષાર (એક કિશોર)

        1.લલિતભાઈ :  પિતા.

        2.કલા બહેન  :   માતા

        3.ઝમકુ        :   કામવાળી

        4.પ્રવિણા      :   બહેન

        5.ડોક્ટર.

(પડદો બંધ છે ત્યાં પ્રવક્તાનો અવાજ)

“મહેરબાનો!  એમ કહેવાય છે કે શરીર હોય તો રાજ ન આવે પણ રોગ જરૂર આવે. તમે સહુ માંદા પડો જ છો, પણ આ નાટક એમ પુરવાર કરવા માગે છે - શાંતિ રાખજો. જોજો, શરીરનું ટેમ્પ્રેચરવધી જાય નહીં કે બ્લડપ્રેશર ઊંચું જાય નહીં.

એમ કહેવા માગે છે કે આપણે બધા કાયમના  માંદા જ છીએ. માનસિક માંદા. તમે અને હું, બધા જ. કઈ રીતે?

એની જવાબ આપે છે નાટક - માંદગી.

(પડદો ખુલે છે. સહુથી પહેલાં સ્ટેજ પર અંધકાર છે. સ્ટેજની વચ્ચે સામી ભીંતને અડીને પડેલા પલંગ પર લાઇટ. પલંગ પર ચાદર અસ્તવ્યસ્ત છે. 

સ્ટેજ પર લાઇટ. કોઈ મધ્યમવર્ગના નિવાસસ્થાનના  રૂમનું દ્રશ્ય. એક ખુરશી પર બેસી તુષાર છાપું વાંચતો દેખાય છે.)

તુષાર : દાણચોરો અને સમાજવિરોધી તત્વો સામેની ઝુંબેશ ચાલુ જ રહેશે. કોઈ આપણને અટકાવી શકશે નહીં. દેશની પ્રતિભા તંદુરસ્ત બનાવવા અનુરોધ કરતા..

(શરીર ધ્રૂજે છે. બે હાથની અદબ વાળતો ટેબલ પાસે છાપું ખોલતો ઘૂંટણીએ બેસે છે.)

ઓહ, ઘણી ઠંડી પડે છે. બંગલામાં.. હાક.. છીં ..

(જોરથી છીંક ખાય છે. છાપું ઉડીને પલંગ પર પડે છે. ટેબલ પરથી  અભ્યાસની ગાઇડ ઉપાડી વાંચવા લાગે છે.)

અંદરથી લલિતભાઈનો અવાજ : હં.. ખાઓને  હજી જોરથી! સવારના પહોરમાં સ્વેટર નું વજન ઊંચકવાની તકલીફ કોણ લે?

કલાબહેન : (કોઈને મારી નાખવું હોય એ રીતે હાથમાં છરી સાથે રૂમમાં ઘસતાં)

તને  કેટલી વાર કહ્યું તુષાર, કે સવારે ઓઢીને વાંચવા બેસ. માથે મફલર વીંટતો જા..અમારું માનતાં તને જોર આવે છે? પછી માંદો  પડશે તો તારા પપ્પા..

લલિતભાઈ : (અંદરથી) હા, હા. એના પપ્પા જ કહે છે બધું. (હાથમાં કોઈ વસ્તુ સાથે બહાર જાણે દોડતા આવે) મને તો કાંઈ વાંધો નથી. બેસ ઉઘાડો. પણ પછી માંદો  પડીશ ત્યારે દવા લેવા કોણ દોડવાનું છે? ચાલ, સ્વેટર પહેરી લે.

કલાબહેન : હા. પપ્પાનું માન. જલ્દી  ઊભો થા ને સ્વેટર પહેરી લે. જલ્દી કર જોઉં!

લલિતભાઈ : હું બોલું એમાં વચ્ચે  બોલ્યા વગર તો ચાલે જ નહીં, કેમ?

કલાબહેન : તે હું શા માટે થૂંક ઉડાડું? પછી તે દિવસની જેમ તમે વઢશો એટલે ભાઈ મોં બગાડીને બેસશે. 

ચાલ બેટા, ઊભો થા. થાય છે કે નહીં? મુક ચોપડી નીચે.

તુષાર : અરે પણ મમ્મી.. મમ્મી, મને..

લલિતભાઈ :  કલા, હમણાં તું દૂર તો જા! આમ ખૂન કરવું હોય એમ છરી ઉગામીને કેમ ઊભી છે?

કલાબહેન: મારે શું? મારે તો મોડું થાય છે. જાઉં છું રસોડાંમાં.  આ તો ભાઈએ છીંકાછીંક કરી મૂકી એટલે દોડતી આવી.

(તુષાર સામે જોઈ) એય, ચાલ જલ્દી કર જોઉં?

લલિતભાઈ : જા. પહેલાં સ્વેટર પહેરી મફલર ઓઢી લે. પછી વાંચ.

(તુષાર મોં બગાડે છે).

કલાબહેન : જુઓ, હવે મારી વાતમાં તમે જ વચ્ચે બોલ્યા કે નહીં?

લલિતભાઈ : તો શું, મને કોઈને બે શબ્દ કહેવાનો પણ હક્ક નથી?

કલાબહેન: આમ વચ્ચેથી કોઈને કાપીને નહીં.

લલિતભાઈ : તો તું વચ્ચે કેમ બોલી? (પ્રેક્ષકો સામે જોતાં) જો તો, એક તો વચ્ચે બોલે છે ને ઉપરથી સામું બોલે છે. પાછું આડું પણ બોલે છે.

તુષાર : તમે બેય કોઈ મારા ભૂમિતિ વિષયમાં આવે છે એમ વચ્ચે, આડું , સામું, ઉપરથી, બાજુએથી, પાછળથી.. બધું શું કહ્યા કરો છો?

લલિતભાઈ : (તુષારને) શટ અપ.

કલાબહેન :  મારે શું? (તુષાર તરફ જોઈ) પડ  કૂવામાં. આ તમારી લોકોની ચિંતામાં હું તો અડધી થઈ ગઈ.

(પ્રેક્ષકોને) આ બાપ છોકરાં ની ચિંતા,  કામવાળીની ચિંતા, દળણાં, લૂગડાં .. ચિંતા જ ચિંતા. આ ચિંતાએ તો મને ચિતા ઉપર જ મૂકી દીધી છે. મારું તો દસ શેર લોહી ઉતરી ગયું તમારા બધાની ચિંતામાં. તો પણ.. (પગ પછાડતાં છણકો કરી અંદર જતાં રહે છે.)

તુષાર : પપ્પા, આમ તો કાંઈ નથી. આ તો જરા.. ઠંડી.. (ફરી એક છીંક)

લલિતભાઈ : હા, હા.  જરા છીંક જ આવે છે. ને જરા શરદી જ થઈ ગઈ છે. ને આ ભેંસ ભાંભરતી  હોય એવો ખોખરો અવાજ પણ જરા..

તુષાર : જરા છીંક જ આવી. મને  તો ઠંડી  લાગતી જ નથી.

(વળી જોરથી અદબ વાળતો સહેજ ધ્રુજે. છીંક રોકવાનો પ્રયત્ન)

લલિતભાઈ : વાહ રે જવાન! (ચાળા પાડતાં) મને તો ઠંડી લાગતી જ નથી.

તુષાર :  ઊભા રહો, હું સ્વેટર પહેરી લઉં છું. બસ?

લલિતભાઈ : તે એમાં હું શું કામ ઊભો રહું? પહેરવું હોય તો પહેર. નહીં તો..

(તુષાર ફરી ચોપડી ખોલી વાંચવા બેસે)

હજી જુઓ. પહેરવું છે?

કલાબહેન : (ફરી સાણસી સાથે તપેલી ઉપાડી બહાર આવતાં) અરે તુષાર, તું એકેય વાતમાં માનતો નથી. તને કહી કહીને જીભ થાકી ગઈ. તારી દલીલો સાંભળી કાન ફૂટી ગયા, રાડો પાડી પાડી ગળું બેસી ગયું..

તુષાર : તો ચુપ રહે ને મમ્મી, ગળાને આરામ મળશે.

ચાલ, મને  વાંચવા દે, એક્ઝામ નજીક છે.

લલીતભાઈ : જુઓ જુઓ, મિયાં પડ્યા પણ તંગડી ઊંચી. હજી માને છે?  ઉપરથી સામી દલીલોની તોપ  ફોડે છે વકીલસાહેબ.

કલાબહેન: એ તો હોઠ સાજા તો ઉત્તર ઝાઝા. બોલતાં જ આવડ્યું છે ભાઈને. કહ્યા પછી કલાકે કામ થાય  તો ઉપરવાળાનો ઉપકાર.

તુષાર : (બે હાથ જોડતાં) તમને સર્વેને મૌન જાળવવા મારી નમ્ર વિનંતી છે. મારી સહુને અરજ છે કે તમારાં કામે જાઓ અને પ્લીઝ, મને વાંચવા દો.

કલાબહેન : તે હમણાં તો છાપું વાંચતો હતો. ( લલિતભાઈને) ચાલો અંદર. (તુષારને) વાંચ ભાઈ. ભોગ તારા.

(અંદર જવા લાગે છે.)

તુષાર : પણ એક છીંક આવી એમાં  આટલું બધું લંબાણ? શું મને કોઈ દિવસ કશું થાય જ નહીં?

કલાબહેન : (ફરી બહાર આવતાં) તે પરીક્ષા આવે ત્યારે જ થાય? જો, પેલો દિવ્યાંગ, વિરલ, સમીર, બધા કશું પહેર્યા વગર બેસે છે?

તુષાર : પણ એના ઘરમાં કોઈ એ વાંચતો હોય ત્યારે પેલા ન્યૂઝરીડર ની જેમ ઘાંટા પાડ્યા કરે છે?

કલાબહેન : આ તો તારા ભલા માટે કહીએ છીએ. અમારે કાંઈ બોલવાની નવરાશ નથી.

તુષાર : મને અત્યારે કાંઈ સાંભળવાની નવરાશ નથી.

તમે કહી છો કે મારે નવરાશ નથી તો તમારો અમૂલ્ય સમય  ન બગડે માટે જ કહું છું કે મારું વાંચવામાં ધ્યાન રહેવા દો. પ્લી..ઝ. 

(ફરી ગાઇડ ખોલી પાનું ગોતવા લાગે છે.)

લલિતભાઈ : પહેલાં કાયા પર સ્વેટરનો ભાર ઊંચકો ને?

તુષાર : (ચોપડી પછાડતાં)  તમે કોઇ મારું ધ્યાન વાંચવામાં રહેવા દેતાં જ નથી.

કલા બહેન: તું તારી મેળે જ ધ્યાન નથી રાખતો. વચ્ચે છાપું વંચાવવા અમે નહોતાં આવ્યાં. લો, મોટા  વાંચેશરી વાંચવા બેઠા!

તુષાર : હા, મારો ગુનો કે મેં છાપું જોયું. એથી પણ મોટો, મહાન ગુનો કે મને છીંક આવી. એ માટે મને પછીથી દસ ફટકા કે કારાવાસની સજા કરો પણ અત્યારે આમ જ બેસીને વાંચવા દો.

કલાબહેન : ઓહો!  (ગાઈડ  ઉપાડી પાનાં ફેરવતાં) વાંચવા દો, વાંચવા દો.. પણ ગાઇડ. ને કહીએ એ કરવું નથી જ!

અંદરથી લલિતભાઈ : ઓહો, બહુ ચાલ્યું તમારું. હવે મને મારું કોઈ કામ કરવા દો. અને એય, ગરમ પહેરી લે.

તુષાર : જરૂર નથી પપ્પા. ખાલી ઠંડીને લીધે  ધ્રૂજેલો.

લલિતભાઈ : (બહાર આવતાં)  જો તુષાર, તબિયત  બરાબર ન હોય તો ખેંચાઈને વાંચવાની જરૂર નથી.  થોડો આરામ કર.

તુષાર : પણ મને કાંઈ થયું જ નથી.

લલિતભાઈ : તો પછી આમ ટૂંટિયું વાળીને, આવો ત્રણ દિવસનો ભૂખ્યો હોય એવું મોં રાખીને કેમ બેઠો છો?

તુષાર : તો શું કરું?  તમે કોઈ મને વાંચવામાં ધ્યાન આપવા દેતાં જ નથી. એક છીંક આવી એમાં માંદો કેમ કહેવાઉં?

લલિતભાઈ : એ તો એક છીંક થી જ શરૂઆત થાય. એ શરદીની નિશાની છે. એમાંથી જ તાવ આવે, મેલેરિયા હોય તો પણ ઠંડી લાગે. અરે આગળ જતાં ન્યૂમોનિયા પણ થઈ જાય.

કલાબહેન : (લોટ વાળા હાથે બહાર આવતાં) પપ્પા સાચું કહે છે બેટા. જો, નરેશમામાના એક મિત્રને  ઓફિસમાં ઉધરસો આવી. ઘેર ગયો ત્યાં લોહીની ઊલટી થઈ. પછી તો હોસ્પિટલમાં દાખલ કરી લોહી આપ્યું, ઓક્સિજન ચડાવ્યો  ત્યારે માંડ બચ્યો.

તુષાર : હશે પણ હું નરેશમામાનો એ  મિત્ર નથી ને મને એવું કાંઈ નહીં થાય.

કલાબહેન : પણ છીંકો આવે છે ને! ઉભો રહે,  તને આદુનો રસ પાઈ દઉં. સુદર્શન ફાકી લે. જમવામાં રાબ કરી આપીશ.  જમવામાં હળવો રહેજે.

લલિતભાઈ : અને ડોક્ટર પાસે જઈ આવ.  મહત્વનું વર્ષ છે, પરીક્ષાને બે મહિના છે. વર્ષ બગડશે.

તુષાર : ભલે. તોબા. હું જાઉં છું લાયબ્રેરીમાં. ત્યાં કોઈ સુદર્શન પીવા કે સ્વેટર પહેરવા નહીં કહે. (ઝડપથી ઊભો થઈ  ચાલવા લાગે છે.)

કલાબહેન:  અરે તુષાર! બેટા ઝડપથી દોડ્યો કેમ? ઊલટી થાય છે? જા જલ્દી સિંક તરફ. અરે રે..

તુષાર : મને કઈ નથી. આમ તો નહીં હોય તો પણ કરાવશો.

લલિતભાઈ : શું? ઊલટી થઈ?

તુષાર : (સ્વગત ની જેમ, પ્રેક્ષકો તરફ) ના પણ હવે બધું જ થશે. થોડી જ વાર પછી ખરો ખેલ થશે.

લલિતભાઈ : અરે અહીં રૂમમાં ઊલટી ન કરતો. બેસ, હું તને એક ટીકડી આપું એ ગળી  જા. અને આજે જમતો નહીં.

તુષાર : (સ્વગત) હા. વાંચીશ નહીં,  બેસીશ નહીં, હવામાં અદ્ધર લટકતો રહીશ.

લલિતભાઈ : અરે ઉભો કેમ રહી ગયો? ફેર  ચડે છે?

તુષાર :અરે બસ.  ચાલો સ્વેટર પહેરી લઉં એટલેથી વાત  પતતી  હોય તો. (અંદર જાય છે.)

કલાબહેન : ( બહાર આવતાં) ક્યાં ગયો? ઊલટી કરવા? કહું છું આ અજમો  ચાવી જા. લે આ દવા. (કોઈ બાટલી ટેબલ પર મુકે. એક વાટકી હાથમાં છે તે મૂકવા જતાં નીચે પડે )

(તુષાર સ્વેટર પહેરતો આવે છે. વાટકી તેના પગ સાથે અથડાઈ બહાર તરફ ફેંકાય. ત્યાંવાટકી ઉપાડતી ઝમકુ દાખલ થાય છે.)

ઝમકુ : લો બુન, આજે તો મોડું થઈ ગ્યું! રે બુન, આજે તો મને અજમે વધાવી? એક ચાર પાંચ ઘરના કામ પતાવી આવતાં વાર થઈ ગઈ. ને બુન, કાલે  રાતે આવતી હતી ન્યાં ..

કલાબહેન: બસ બસ. હવે. કામે લાગ.

ઝમકુ : અરે બુન, ઓલા વીણાબેને કીધું કે પેલાં મારાં કર. મેં કર્યાં ને ઈ ને હડી કાઢતી આવી. (એન્ટ્રન્સ ના પડદાથી હાથ લૂંછે)

તુષાર: મમ્મી, અંદર જઈ વાત કરો ને?

કલાબહેન : ઝમકુ, જા. કામ કર. ને તુષાર, હવે કોઈ નહીં બોલે હોં? ને લે , આ અજમો ચાવી લે. થોડી વાર રહી આદુનો રસ બનાવી લાવીશ.

(તુષાર પલંગ પર આડો પડી પાઠ્યપુસ્તક લઈ ખોલે છે. અંદરથી વાસણ પછાડવાનો, પાણીનો અવાજ, સાથે ઝમકુ કશુંક ગાય છે.)

ઝમકુનો અવાજ : તી  હેં બુન, ભઈને તાવ આયો સે?

કલાબહેન : ના રે. આ તો જરા ઠંડીનું.

ઝમકુ :  તઈં  શરદી થઈ હશે. હાય રામ, કેવા લેવાઈ ગ્યા  સે? ટાઢમાં હું થ્યું ?

એક આ ભણતર એવાં. વીણાબુન નો સમીર  મોડી રાત લગણ  વાંચે ને હવારે મોડો ઉઠે.

ક્લાબહેન : હશે. આપણે શી પંચાત? ભાઈને વાંચવા દે.

ઝમકુ : મૂઈ મારા બાપ! નય બોલું. (પહેલાં કરતાં  વાસણોનો વધુ અવાજ)

કલાબહેન : એ કહું છું તમે જમવા આવો. ઓફિસનો ટાઇમ થશે.

ઝમકુ પાણી વાળા હાથ સાડીથી લૂછતી બહાર આવે. અંદરના પડદા પર હાથ લૂછે.

કાં તુષાર ભઈ? શરદી થઈ? મીઠાના કોગળા કરજો,  જાળવજો. ઓછું ખાવું હોં?

કલાબહેન: ઝમકુ, જા. બીજે રાહ જોતાં હશે.

ઝમકુ : તી  જોવા દ્યો.  ને બુન, ભઈનું બસારાનું ધ્યાન રાખજો હોં?  આજકાલ તો જુવાનિયા પણ ટપ્પ દેતા..

કલાબહેન: (જોરથી) ઝમકુ..  શું બોલી? ભાન છે? જા હવે.

(તુષાર પાસે જઈ તેનો હાથ પકડે) જોવા દે તો? તાવ નથી ને? માપી લઈએ.

તુષાર : નથી કાંઈ. (આકાશ સામે હાથ જોડી) સબકો સન્મતિ  દે ભગવાન. હે પ્રભુ! આ બધી પીડામાંથી મને ક્યારે છોડાવીશ?

કલાબહેન : (ગુસ્સામાં) ઠીક છે. અમારી સંભાળ તને પીડા લાગે છે. હોસ્ટેલમાં હોત તો?

તુષાર : કદાચ એ સારું હોત.  મને કાંઈ નથી. ઓહ..

લલિતભાઈ : (બહાર આવતાં)  શું થાય છે તુષાર?  ઓહ કર્યું તે! ઓચિંતો ઢીલો કેમ પડી ગયો?

કલાબહેન: તને કાંઈ થાય છે?

તુષાર: (કંટાળીને) હા. ઘણું બધું થાય છે. (બે હાથમાં માથું લઈ બેસે)

લલિતભાઈ : હા. હવે કહ્યું. કલા, છોકરાં સોળ વર્ષનાં થાય એટલે છોકરાં ન રહે? મેં  પ્રેમથી બોલાવ્યો તો કેવો..

પ્રાપ્તે તુ ષોડશે વર્ષે.. વાળા જમાના ગયા.

ચાલ, આપણે એને વધુ અપસેટ ન કરીએ. આ માથું હાથમાં લઈ બેઠો છે. એનું માથું દુઃખે છે.

કલાબહેન : પણ એ તો કહે છે મને..

લલિતભાઈ : ભલે કહે.   અને હું આજે ઓફિસે મોડો જઈશ. રોજ ઓવરટાઇમ કરું છું, આજે અંડર ટાઇમ કરીશ. 

સુઈ જા તુષાર, નથી વાંચવી ચોપડી.

તુષાર: વાંચવી છે.

લલિતભાઈ : ના. નથી વાંચવી.

તુષાર: વાંચવી જ પડે એમ છે. (ચોપડી હાથમાં લે. લલિતભાઈ ચોપડી લઈ લે. તુષાર હળવેથી માથું કૂટે.)

લલિતભાઈ :  એમ કર, સ્કૂટર લઈ લઉં, ચાલ દવાખાને.

તુષાર : ના ના. રહેવા દો. હું જ જઈ આવું.

(સ્વગત) એ બહાને લાયબ્રેરીમાં વાંચવા જતો રહું.

લલિતભાઈ: ના, એમ નથી કરવું. ચાલ નીકળીએ.

તુષાર : અરે પણ નથી આવવું.

લલિતભાઈ: તારાથી આવી કે ત્યાં બેસી શકાય એમ નથી? ચાલો, ડોક્ટરને ઘેર જ બોલાવી આવું. તું સૂઈ જ રહે.

(કલાબહેન હાથ પકડી તુષારને સુવાડી, ચાદર ઓઢાડી દે છે. પછી અંદર જતાં રહે.)

તુષાર દયામણા મોં એ પ્રેક્ષકો તરફ જોતો ચાદર ખસેડે. 

(મુખ્ય દ્વારમાંથી  તુષારની મોટી બહેન પ્રવિણા હાથમાં નોટ લઈ તાલ દેતી દાખલ થાય. )

પ્રવિણા: હોના થા વો હો ગયા કિસીકા ભી કસૂર નહીં..

અરે મમ્મી, તુષાર ક્યાં છે?

તુષાર : (માથે ઓઢેલું છે તે ચાદર માંથી) એ.. અહીં છું.

પ્રવિણા :અરે રે.. શું થઈ ગયું?

તુષાર: કારાવાસની સજા.

પ્રવિણા : લે, તો તો મઝા!  વાંચવાની રજા!

તુષાર : પણ  ફાઇનલ પરીક્ષાને પંદર દિવસ જ છે.

પ્રવિણા : શું પરીક્ષાને આવી આવી કરે છે? આટલું કોઈ છોકરીને કર્યું હોત તો મારે ઘેર ભાભી આવી જાત.

તુષાર : બધું કરીશ. આ એક વાર આ બધામાંથી છૂટું તો ને?

પ્રવિણા : તે આમ પડ્યો કેમ છે?  તાવ છે?

અંદરથી ક્લાબહેન: હા. શરદી થઈ, માથું દુઃખે છે, તાવ પણ છે.

પ્રવિણા :  લે, તને માથું દુઃખે કે માથાને તું દુઃખે? કાલ સુધી તો (મુઠ્ઠી ઉલાળી) ઠંડીને આવી જા.. આવી જા.. કરતો હતો. આજે ઠંડી આવીને વળગી જ પડી?

કાંઈ નહીં, બહાદુર! હું બહેન તરીકે તને કુમકુમ તિલક (કપાળે હાથ મૂકી) કરતી કહું છું કે આ જંગમાં તારો જય થાઓ. 

માર્ગમાં મુશ્કેલીના પહાડો આવે, વિઘ્નો ની વાડ આવે, કટુ વચનના કાંટા વાગે, તીખી તોપો ફૂટે, આ વીરો કોઈથી ડરે જ નહીં ને?

ચાલ, થા ઊભો, જમી લઈએ. પછી વાંચ.

કલાબહેન: ના. એ માંદો છે. એ સૂઈ જ રહેશે. તું વચ્ચે મમરા ન મૂક.

પ્રવિણા : હું ક્યાં મમરા મૂકું છું? આપણે તો તીખી તમતમતી ભેળ જ મુકીએ. લે તુષાર, ભેળપૂરી.

તુષાર : પણ આ લોકો તો મને દવા આપે છે. 

પ્રવિણા : તો સાચે જ લે ભેળપૂરી. (પર્સમાંથી પડીકું કાઢે. તુષાર હાથ લંબાવે ત્યાં જ નાક છીંકે.)

પ્રવિણા :( પડીકું પર્સમાં મૂકતાં) તો તું માંદો છે જ. 

તુષાર : હું માંદો નથી જ.

પ્રવિણા :  તો ઊઠ ને વાંચવા બેસ. ને આ સ્વેટર ને મફલર અત્યારે બપોરે?

તુષાર: આ લોકોને પૂછો. મારે તો વાંચવું છે ને હળવા રહીને.

 પ્રવિણા : (કલા બહેન સાથે અંદર જતાં) ટીવી મૂકું?

કલાબહેન: ના. એને મૂક એકલો.

(બેય અંદર જવા જાય ત્યાં મુખ્ય દ્વારનો પડદો ખોલી લલિતભાઈ અને ડોક્ટર દાખલ થાય છે.

ડોક્ટર : હેલો તુષાર? હાઉ આર યુ? (સ્ટેથોસ્કોપ કાઢે)

તુષાર: સર, હાઉ ડુ યુ ફાઇન્ડ મી?

ડોક્ટર: સૂઈ જાઓ. હમણાં તપાસીને કહું.

કલાબહેન : આજે સવારથી છીંકાછીંક કરે છે.

લલિતભાઈ : અને માથું પણ દુઃખે છે.

કલાબહેન: ઠંડી પણ લાગે છે. વચ્ચે વચ્ચે ધ્રૂજે પણ છે.

લલિતભાઈ : તાવ પણ છે. ઢીલો લાગે છે.

(ડોક્ટર તપાસવો શરૂ કરે.)

કલાબહેન:  ક્યાંક ન્યૂમોનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ કે એવું નહીં હોય ને?

ડોક્ટર : કાંઈ કહેવાય નહીં. આજકાલ સિમ્પટમ્સ ન દેખાય તો પણ ઘણું બધું થાય છે.  વાંધો નહીં. તુષાર, મારી  દવાથી તું તરત ઊભો થઈ જઈશ.

તુષાર ( સુતા માંથી એકદમ  ઊભો થતાં) લો, આ થઈ ગયો ઊભો. હું સાજો જ છું. અત્યારે જ સાજો થઈ ગયો. તમે આવ્યા ને કહ્યું  ઊભો થઈ જઈશ એટલે થઈ ગયો.

ડોક્ટર :(તુષારને સુવાડતાં)  સૂઈ રહે. (લલિતભાઈને) તાવમાં લવારી પણ કરે છે. મારે હેવી ઇન્જેક્શન મારવું પડશે.

તુષાર:  કેમ? મને કશું જ નથી થતું.

ડૉક્ટર: દેખાય છે.  જે થાય છે એની હકીકત કહે. તને ઘણું થઈ રહ્યું લાગે છે.

તુષાર : તો  સર, તમે જ કહો ને, ઘણું એટલે શું થઈ રહ્યું છે?

ડૉક્ટર: તુષાર, સુઈ જાઓ.  ચાલો, ફોટો પડાવવા બેઠા હો એવું મોં રાખો.

આમ દિવેલિયા જેવું કેમ હસો છો?(તુષારનું શરીર દબાવતાં) અહીં માથું દુઃખે છે? પેટમાં આ તરફ દુઃખે છે? વાંસામાં આ તરફ દુઃખે છે?

(તુષાર હકારમાં માથું  હલાવ્યે જાય છે. એકાએક ગુસ્સામાં ઊભો થતાં)

તુષાર : હા. બધું જ દુઃખે છે. તમારા બધાનાં મોં કેમ નથી દુઃખતાં?

(ડોક્ટર સામે જોઈ) ચાલો, હું જ મારી હકીકત કહું. મને ખૂબ તાવ છે. મને થર્મોમીટર મૂકો, બરફનાં પોતાં  મૂકો,  મારું ગળું દુઃખે છે. મારું ગળું દબાવી દો. માથું દુઃખે છે. દવા  ટીકડીઓ  પિસ્તોલથી મારાં 

લમણે મારો. મને દવાઓના ઢગલામાં દાટી દો. ઇન્જેક્શનો ભોંકી મને વીંધી નાખો.. મારું ઓપરેશન કરી મને કાપી નાખો..

(ડોક્ટર તુષારને પકડીને સુવાડી દે છે)

પહેલાં આ બધાં ની જીભ તપાસો. આ.. કરે એટલે ખેંચી લો.

ડોક્ટર: ઓહ, મગજ પર તાવ ચડી ગયો છે. સિરિયસ કેસ.

પ્રવિણા: અરે! હજી અર્ધી કલાક પહેલાં મારી સાથે વાત કરતો હતો!

(ડોક્ટર તુષારને  માટે ઇન્જેક્શન તૈયાર કરે છે. લલિતભાઈ તુષારનો હાથ પકડી સુવાડવા જાય છે. પ્રવિણા એના પગ પકડે છે. કલાબહેન  એને ખભેથી પકડે છે.

ડોક્ટર છરી ભોંકતા  હોય એમ તુષારની છાતી પર  સ્ટેથોસ્કોપ મૂકે છે.

ડોક્ટર: લે, આના ધબકારા ફાસ્ટ ચાલે છે. શ્વાસ પણ.  વર્તન પણ વિચિત્ર છે.

લલિતભાઈ: રોજ આવું નથી કરતો.

ડોક્ટર: અરે, એની આંખો ઉપર ચડી જતી લાગે છે. જલ્દી એને પોતાં  મૂકો.

(પ્રવિણા દોડી અંદર જઈ એક વાસણમાં પાણી ને પોતાં નું  કપડું લાવે છે. કલાબહેન  પોતું મૂકવા જાય ત્યાં તુષાર જોરથી તેમનો હાથ ખસેડવા જાય છે, લલિતભાઈ હાથ પકડી રાખે છે, કલાબહેન ઠંડુ પોતું મૂકે એ સાથે તુષાર ઊછળે છે,  પ્રવિણા એના પગ જોરથી પકડી રાખે છે.

ડોક્ટર તુષારનું બ્લડપ્રેશર માપવા પટ્ટો એને કાંડે બાંધે છે.)

ડોક્ટર :  અરે,બ્લડપ્રેશર ખૂબ ઊંચું જઈ રહ્યું છે. એના હાથપગ ખેંચાઈ રહ્યા છે. જોરદાર ખેંચ આવતી લાગે છે.

(પોતે તુષારની છાતી પર સ્ટેથોસ્કોપ સાથે હાથ દાબે.)

તુષાર : મૂકો. મને છોડી દો.. (વેગથી હાથ પગ ઉછાળે, કમરેથી ઊંચો થવા જાય. સહુ એને પકડી સુવાડી દે.)

પ્રવિણા :(ચિંતા ભર્યા અવાજે) સાહેબ,  આના તો પગ ખેંચાય છે, આંખોના ડોળા પણ ખેંચાય છે.

ડૉક્ટર :(ગભરાઈને) એની છાતી ધમણની જેમ ચાલવા લાગી છે. બસ,જોરથી પકડી રાખો. ઇન્જેક્શન આપું એટલી જ વાર.

તુષાર : મને દવાના દરિયામાં ડૂબાડી દો.. ટીકડીઓના ટેકરામાં મારી કબર ખોદો.. ઇન્જેક્શનો આપી શરીર ચાળણી જેવું બનાવી દો પણ.. પહેલાં  મારી વાત સાંભળો.

ડોક્ટર :  લલિતભાઈ, બસ, તૈયાર. પકડો બરાબર. (ઇન્જેક્શન પહેલાં સ્પિરિટ લગાવે)

તુષાર :(મોટેથી ચીસ પાડતાં) બચાવો.. આ બધાં મારું ખૂન કરી નાખશે.

પ્રવિણા :ના ભઈલા,  તને કોઈ કશું નહીં કરે હોં! સહેજ જ.

(તુષાર એકદમ ડોકુ ઢાળી  દે. ડોક્ટર ઇન્જેક્શન હાથમાં રાખી અટકી જાય છે.

બધાં (રડમસ અવાજે): અરે રે.. આ શું થઈ ગયું?

કલાબહેન: હે માતાજી! મારા દીકરાને બચાવ.

લલિતભાઈ: હે પ્રભુ!  તુષાર મારા ઘરનો સ્તંભ છે. આ તને શું સૂઝ્યું?

કલાબહેન: એક છીંક માંથી આ શું થઈ ગયું? (પોક મૂકી રડવા લાગે. પ્રવિણા પોતે સિસકતી એમને પકડી શાંત પાડે.)

ડોક્ટર: એક છીંક? શું..?

(ઝમકુ દાખલ થાય છે.)

ઝમકુ : વધેલી રસોઈનું વાસણ પાછું આપવા આવી છું. (ઘરના બધાં સામે જોઈ)  આ હંધુ હું થ્યું  ભઈ  ને? હમણે સવિતાબુન ને વીણા બુન ભઈને જોવા આવે છે. હે પરભુ! (આકાશ સામે હાથ જોડી) ભઈને હારું થાય તો હું ઓલાં  માતાજીને ચુંદડી ને નારિયેળનો હાર ચડાવીશ. (કલાબહેન સામે જોતાં) ઇ માનતાનો ખરચ થાય ઈ આલશો ને?

(બધાને શાંત, તુષારને શાંત પડ્યો જોઇ)

અરર.. બુન.. ભઈ સે તો ખરા ને?

ડોક્ટર : (નાડી તપાસતાં) હી  ઇઝ એલાઇવ. ઈમ્પોસિબલ.  શ્વાસ બંધ લાગ્યો, કદાચ હાર્ટ પણ. તો યે નાડી ચાલે છે. એ જીવે છે. 

તુષાર : (ધીમા અવાજે) મરવાના વાંકે. હજી દવાઓનો વરસાદ, ગોળીઓની બોછાર, ઇન્જેક્શનોની તોપો  બાકી છે?

(બધાને છોડાવી  છલાંગ મારી ઊભો થઈ જાય છે.) અને સાહેબ, બીટ્સ ન જ સંભળાય ને? સ્ટેથોસ્કોપ તમારા કાનમાં છે જ નહીં.

જુઓ, મને કાંઈ જ નથી. સવારે એક છીંક ખાધી એમાં બધાં તૂટી પડ્યાં કે તું માંદો જ છો. મને કોઈ વાંચવામાં ધ્યાન રહેવા દેતું નથી. મારી વાત કોઈ સાંભળતું નથી. ડોક્ટર સાહેબ,મને કોઈ હોસ્પિટલમાં પૂરા બે મહિના દાખલ કરી દો તો પરીક્ષા  સરખી રીતે આપી શકું. એક છીંક આવી એમાં..

(કલાબહેન, લલિતભાઈ,  પ્રવિણા એક સાથે): એમ વાત છે?

(એકબીજા સામું જોઈ નીચું જોઈ જાય છે.)

તુષાર : તમે મને બોલવાનો સમય જ ક્યાં આપ્યો છે?

ડોક્ટર:  તો મારી જરૂર નથી. હું તો દેવદૂત ઠર્યો! (અટ્ટહાસ્ય કરે છે)

લલિતભાઈ: વિઝિટ ફી  આપું.

ડૉક્ટર:  અને ફક્કડ ચા.

કલાબહેન: નાસ્તો પણ લાવું.

(ઝમકુ હોઠ પર જીભ ફેરવે છે. )

ઝમકુ : તયે  વીણાબુન ને સવિતાબુનને ના પાડી આવું?

કલા બહેન: ના, ભલે આવે.

ડોક્ટર:  બધાં સાથે ચા પીએં. એ  પણ માંદગીની  દવા છે. આપણી માનસિક માંદગીઓની.

જરા શાંતિથી બીજાઓને સાંભળીએ. 

ડેલ કાર્નેગી કહે છે, સારી રીતે વાત કરવા સારા શ્રોતા બનવું પડે.

(ઝમકુ ચા લાવે છે.)

પ્રવિણા:( સહુને ચા આપતાં) લો, ચાય પર કોઈ ચર્ચા નહીં. (ગાય છે -  ગરમ ગરમ ચાય પી લો, જરા મેરી ચાય પી લો.)

બધાં ચા પીવે છે. તુષાર પણ ખુરશીમાં બેસીને)

પડદો.

**