લુંટી લે
(પડદો ખુલતાં સારી રીતે સજાવાયેલું દિવાનખાનું. જમણે તૈયાર થયેલું એક મધ્યવયી યુગલ કોઈની પ્રતીક્ષામાં આમ થી તેમ ફર્યે રાખે છે. પુરુષ રિસ્ટવોચમાં જોયા કરે છે. ફોન રણકે. પુરુષ ફોન પર વાત કરે છે. બેલ વાગે. સ્ત્રી દરવાજો ખોલવા જાય છે. અંદર મધ્યમાં બેકસ્ટેજમાં દરવાજામાંથી એક સુંદર યુવતી ડોકાય. તે દરવાજા તરફ જુએ અને અંદર જતી રહે. સ્ત્રી દરવાજો ખોલતાં જ નમસ્તે મુદ્રામાં હાથ જોડે. પુરુષ ટટ્ટાર થઈ હાથ જોડે.)
દીનાબેન (યજમાન સ્ત્રી) : આવો આવો નિશિથિભાઈ, ચમેલીબેન.
(એક અન્ય મધ્યવયી યુગલ દાખલ થાય, બંને દેખાવમાં પ્રભાવશાળી લાગે છે. તેમની પાછળ એક યુવાન અંદર આવે. નમસ્તે કરે.)
આવો ક્ષિતિજકુમાર
(સહુ બેસે.)
ચમેલીબેન (આગંતુક સ્ત્રી) : કેમ ચાલે છે દીનાબેન ?
દીનાબેન (યજમાન સ્ત્રી) : ચમેલીબેન, ખૂબ સુંદર. મઝામાં છીએ.
સિદ્ધાર્થભાઈ (યજમાપુરુષ) : નિશિથભાઈ, સમયસર આવી ગયા. તમને રૂબરૂ મળી આનંદ થયો. ફોનથી તો વાત થાય જ પણ બે કુટુંબ રૂબરૂ મળીએ એટલે ઘણું એક બીજા વિશે જાણી શકાય.
નિશિથિભાઈ: તો તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન સારી પડી. વેલ બીગન ઇસ હાંફ ડન.
ચમેલીબેન : જ્યોતિષીએ કહ્યું કે ગ્રહો મળે છે. મારી નણંદની નણંદ નમ્રતા તમારી કઝીન ને?
દીનાબેન : હા. એમણે તો બતાવ્યું.
(અંદરથી યુવતી પાણીના ગ્લાસ લઈ આવે.
સુંદર છુટા, લાંબા વાળ, પાતળી દેહયષ્ટિ, ગોરી. નીચું જોઈ મીઠું સ્મિત કરે. સહુની નજર તેને તાકી રહે. એક ક્ષણ માટે યુવતી ક્ષિતિજકુમાર સામે જોઈ રહે. સહેજ યાદ કરતી કે ચોંકી ગઈ હોય તેમ ફરી જુએ. હવે યુવતી તે યુગલ સામે મસ્તક ઝુકાવે..)
(નિશિથિભાઈ, ચમેલી, ક્ષિતિજ સહુ એને સ્મિત આપે.)
સિદ્ધાર્થભાઈ: ચાલો, તમે બેય અંદર નિરાંતે વાતો કરો. આપણે અહીં બેસીએ.
(બેય અંદર જાય. યુવતી ક્ષિતિજને ગાઈડ કરે.)
નિશિથિભાઈ, હું તો સ્ત્રી સમાનતામાં માનુ છું. દીકરીને કોમ્પ્યુટર એન્જીનીયરિંગનું ભણાવી. મલ્ટી નેશનલકંપનીમાં છે.
નિશિથિભાઈ: સિદ્ધાર્થ ભાઈ, જમાનો એ જ છે. બાળકોને પાંખ આવે એટલે ઉડાય એટલું ઉડવા દો. આપણે આકાશ આપીએ.
(દીનાબેન અંદર જાય અને એક ટ્રે સાથે બહાર આવે.)
દીનાબેન : લો, આ ખંભાતનું હલવાસન.
ચમેલીબેન : અરે શું કામ આટલી તકલીફ લીધી? નો ફૉર્માલિટી પ્લીઝ.
સિદ્ધાર્થ ભાઈ: ના રે ના. એમાં તકલીફ શાની? અમારો અનેરો આનંદ. લાડકી દીકરીને જોવા આવ્યા છે મોંઘેરા મહેમાન.
(ઓચિંતી નેપથ્યમાંથી ચીસ. યુવતી દોડતી આવે.)
યુવતી : બસ મમ્મી. અહીં જ પૂરું કરો. આ નાલાયક..
દીનાબેન : હં હં, બેટા દીપા, ક્ષિતિજ ને તું સ્કાઇપ અને વોટ્સએપ પર તો મળી છો. શું થયું ઓચિંતું?
એ તો..
ચમેલીબેન: (વચ્ચેથી) શું પ્રોબ્લેમ છે બેટા ક્ષિતિજ ?
દીપા : અરે એ એકદમ મારી ખૂબ નજીક આવ્યો. મારો હાથ પકડ્યો. સહેજ ભારથી. મારી આંખમાં આંખ મેળવી. જાણે મને ખાઈ જતો હોય એમ ત્રાટક કર્યું. મારી સામે અને મારા પંજા હાથમાં રાખી તેની સામે જોયા કર્યું. પછી મારી સામે ધારીધારીને. એવી તો બીક લાગે છે.. અરે કહું છું લૂંટી લે સાલા. એક વાર લૂંટી લે મારી લાજ એટલે વાત પતે.
સિદ્ધાર્થ: હા હા.. બેટા, એ સ્પર્શ્યો એ તને અજુગતું લાગ્યું? હું ક્ષિતિજકુમારને કહું છું નક્કી થાય તો ત્યાં સુધી મર્યાદા રાખે. બસ?
ચમેલી : ક્ષિતિજ બેટા તેં એવું તે શું કહ્યું કે કર્યું કે એ બહાર દોડી આવી?
દીપા : એ નજીક આવી કહે તારી ઊંચાઈ માપવી છે. પછી હાથ પકડીને દબાવ્યો.
સિદ્ધાર્થ : ક્ષિતિજકુમાર, તમે એવું કેમ.કર્યું?
ક્ષિતિજ : એ કહે તારી ને તારા કુટુંબની ઊંચાઈ જો, અમારી જો પછી આવ. તે એની ઊંચાઈ માપતો હતો.
દીના : શાંતિ. દીપા, તેં, કોઈ નહીં ને મારી ડાહી દીકરીએ એવું કહ્યું?
દીપા : હા મમ્મી. આવા એટીએમ ગાર્ડ સાથે હું એન્જીનીયર પરણું? સામાજિક ઊંચાઈ..
(નિશિથભાઈ હસે છે.)
ચમેલી : તમે પણ શું હસો છો? મામલો સંભાળો.
દીપા, તને કેમ એ ગાર્ડ લાગ્યો? અને તો બહાર આવી અમને પૂછવું હતું. સરખી રીતે કહેવું હતું.
દીપા : ના આંટી. આને હું જોતાં જ ઓળખી ગઈ. વોટ્સએપ કોલ પર ખાસ ઓળખાતો ન હતો. કહું છું આ તમારો છોકરો સારો નથી. મારી પાછળ પડે છે. રોજ. રાતે નવ વાગે ઘેર આવું ત્યારે મારો પીછો કરે છે. અને બોલ ક્ષિતિજ, તું મણિનગર ચાર રસ્તે એટીએમ બહાર બેસે છે ને?
નિશિથ : ફિલ્મ મુન્ના ભાઈ જેવું થાય છે? હોય કઈં ને પોતાને બતાવે કઈંક? કઈં નહીં. ગાર્ડ હોય તો પહેલેથી કહી જ દે ને? એમ એટીએમમાં બેઠા જોયા એટલે ગાર્ડ છે એમ નક્કી ન કરી નખાય. જો બેટા, આંખ જુએ, કાન સાંભળે અને મન કહે એ ત્રણે એકલાં ખોટાં હોઈ શકે. ત્રણેને સાથે પૂછ. ન ગમે તો કહી દે, જવા દે.
દીપા : (સિદ્ધાર્થભાઈ સામે જોઈ લાલચોળ મોં સાથે ગુસ્સામાં) ના પપ્પા. હું આજે આ માણસનું ખૂન કરી નાખીશ. હાથમાં આવ્યો છે. એક તો રોજ મારી પાછળ પડે છે અને આજે તો .. લે, જુવાન છોકરી જોઈ નથીને! આવી છું તારા હાથમાં. લૂંટી લે. કહું છું લૂંટી લે મારી લાજ. અરે નજીક તો આવ? અડી તો જો મને? પીંખી નાખું. ચામડી ઉતરડી નાખું.. સા.. (લાલ ચોળ ચહેરો, ગુસ્સામાં હાંફવા લાગે)
દિના : અરે.. અરે.. પણ છે શું આ બધું? ક્ષિતિજ કુમાર, શું કહે છે દીપા?
ક્ષિતિજ : તો દીપા, કહી દે તું મણિનગર ચાર રસ્તાના એટીએમમાં રોજ કેમ જાય છે, રોજ એક જ સમયે- રાત્રે નવ આસપાસ, પછી સવારે સાડા આઠ આસપાસ. રોજ બેલેન્સ જુએ છે અને પૈસા પણ ઉપાડે છે. પછી થોડી વાર ચારે તરફ જોતી ઊભી રહે છે. અરે, એકવાર અંદરનો ફોટો લેવા જતી હતી, એ તો હું જોઈ ગયો. તરત પાછળ ગયો તો એક્ટિવા સ્ટાર્ટ કરી ભાગી.
દીપા : હા. ભાગી હોઈશ તારી જેવાથી બચવા. જા ચાલતી પકડ. મારે વાત નથી કરવી. (ગુસ્સામાં) ફુ..ટ..
(પગ પછાડી અંદર જતી રહે.)
સિદ્ધાર્થ : તો.. ક્ષિતિજ કુમાર, એ બેન્કમાં જઈ જે પણ જુએ, જે પણ કરે, તમારે શું કામ? અને તમે ગાર્ડ તરીકે ત્યાં ડ્યુટી પર સવારે ને સાંજે બેય વખત હો છો? દીપા ગમતી હોય તો અમને કહેવું હતું. સાથે બહાર મોકલત. પણ પીછો કરવાનો?
તમે એટીએમમાં બેઠા હો એટલે ગાર્ડ હો એ જરૂરી નથી. એ હું સમજ્યો. પણ જો દીપા રોજ આવતી હતી તો તમે રોજ એ સમયે જ ત્યાં શું કરતા હતા?
ક્ષિતિજ : અંકલ, એ રોજ ચોક્કસ ટાઈમે એક જ એટીએમમાં જાય છે એ જ મહત્વનું છે. શંકા પડે એવું છે. અને જુઓ, હું એટીએમ ગાર્ડ નથી. સીટી ડિઝાઇન્સમાં જુનિયર આર્કિટેક્ટ છું. ગ્રાહકોનો ફૂટ ફ્લો ક્યારે કેટલો હોય એ પરથી જગ્યા, એરકન્ડિશનની કેપેસિટી, સિક્યોરિટી, લાઇટિંગ ને એવું નક્કી કરવા અભ્યાસ માટે બેસું છું.
દીપા રોજ એ મણિનગર ચાર રસ્તાના એટીએમમાં જાય છે, બરાબર રાત્રે નવ વાગે પૈસા ઉપાડે છે, કોઈ સાથે ત્યાંથી જ વાત કરે છે અને ચાલી જાય છે. સવારે ફરી એક જ ટાઈમે, સાડા આઠે આવી અંદર ચક્કર લગાવે છે. ઉપર નીચે જુએ છે. એક વાર તો કોઈ જોતું નથી એ ખાત્રી કરી અંદર કોઈને ફોન કરતાં કરતાં આંટા પણ માર્યા. મને શંકા પડી એટલે જ પાછળ જઇ જોતો હતો. મેં બેન્ક મેનેજર અને એની સર્કલ ઓફિસને મારી કંપની થ્રુ આ શંકાસ્પદ વાત જણાવી છે.
અંદરથી અવાજ : સાલા નાલાયક? મારી જાસૂસી?
(એક સ્ક્રુ ડ્રાઈવરનો ઘા. ક્ષિતિજ ઘા ચુકાવે.)
ક્ષિતિજ : બસ આવું જ, કદાચ આ સ્ક્રુ ડ્રાઈવર બે દિવસ પહેલાં એણે પર્સમાંથી કાઢેલું. કઈંક કરવા ગઈ ત્યાં સાચો ગાર્ડ મારે માટે ચા લઈ આવ્યો એટલે હું એની પ્રવૃત્તિ જોઈ શક્યો નહીં.
(ચમેલીબેન ઓચિંતાં દોડીને અંદર જાય. દીપાનું બાવડું સખત રીતે પકડી બહાર લાવી બેસાડે. સહુ સ્તબ્ધ.)
ચમેલીબેન : બોલ હવે દીપા, તું ત્યાં રોજ શું કરી રહી હતી. જો, સાસુ તરીકે જે વહુ હશે એને મારી દીકરી ગણીશ પણ આ ક્ષણે હું ચમેલી આંટી નહીં, લેડી પોલીસ ઇન્સ્પેક્ટર સી. એન. ચાંપાનેરી છું.
બોલ, તું ત્યાં શેના ફોટા પાડતી હતી, રોજ એક જ જગ્યાએ શું દાટયું હતું તારું? બોલ. અચ્છી અચ્છીને અંદરને અંદર મુતરાવી દીધી છે મેં.
(દીપાને એક લાફો લગાવે.)
(સિદ્ધાર્થભાઈ દીકરીને છોડાવવા જાય, ચમેલીબેન તેને એક ધક્કે હડસેલી સોફા પર ફેંકી દે.)
(દીપા જોર કરે, ચમેલીબેનને પગ મારી ભાગવા કોશિશ કરે. ચમેલીબેન પાછળથી દીપાનો હાથ આમળે, બેસાડી દે. સિદ્ધાર્થભાઈ, દીનાબેન સ્તબ્ધ.)
સિદ્ધાર્થભાઈ : પણ બેટા, તેં વાત તો કરી નથી રોજ એટીએમ જવાની. મેં તને ક્યારેય પૈસાની ના પડી છે?
(ચમેલીબેન દીપાને એક જોરદાર ચોંટીયો ભરે.)
ચમેલીબેન : મારા કુટુંબની ઊંચાઈ જોવી હતી ને? થા ઊંચી. ચોટલો પકડી કરું? આ લાંબા વાળ હમણાં ટોલો બની જશે. ફાટી મર, એટીએમ માં રોજ કયા સગલાને ફોન કરતી હતી ને ત્યાં રોજ કેમ જતી હતી. ફરવાની જગ્યા હતી, કાં? નજીકમાં કાંકરિયા નહોતું? બોલી દે કહું છું. જો બેંકવાળા ફરિયાદ કરશે ને તારી ધરપકડ થશે તો તારું શું થાશે એ ખબર છે? હું ન પણ હોઉં. હોઉં તો પણ ત્યાં પોલીસવાળી હોઉં. કબુલ કરાવવા મરચાં વાળી- અંદર- અહીં બધા વચ્ચે બોલાવ નહીં. મારી કોન્સ્ટેબલો કેવી મારે છે ને શું શું કરે છે એ ખબર છે?
(દીપા ભાંગી પડે. હવે સેન્ટર સ્ટેજ પાસે આવી સોફાને બદલે નીચે ફસડાઈ પડે.
લાઈટનું ફોકસ દીપાના ચહેરા પર.)
દીપા : હા. કોલેજમાં વિદ્યુત જાડેજા અને કાંતિ મેવાડા એટીએમ લૂંટવાનો પ્લાન કરે છે. બંને મિકેનિકલ વાળા છે. હું ઇલેક્ટ્રોનિક્સ માં છું. કયો સ્લોટ કઈ રીતે ખુલે એ જોવા સમજવા મને રોજ મોકલતા. મારે સ્લોટ ખુલે ત્યારે કેટલે ઉંડેથી નોટ આવે અને ક્યા બોલ્ટ ક્યાં છે એના ફોટા અને કેવી રીતે બોલ્ટ ખુલે એનો વીડિયો લેવાનો હતો. એ વખતે નજીકના રાઉટરની લાઈન ક્યાંથી આવે છે, એટીએમનું વાયરિંગ કેવી રીતે છે એ જોવાનું હતું. હું ઇલેક્ટ્રોનિક્સ એન્જીનીયર હોઈ અમુક વસ્તુ સમજતી એટલે એ બે એ મને મોકલી હતી.
રોજ અલગ અલગ રકમ ઉપાડવાની, એ બે ના અને મારા કાર્ડથી. ક્યારે ચોરી થઈ શકે એ માટે આસપાસનો પ્લાન જોઈ રાખ્યો છે. કહો કે રેકી કરી રાખી છે. રાત્રે નવ પછી ખાસ વિઝીટર ન હોય અને પેટ્રોલિંગ પણ મોડી રાત્રે જ હોય છે, એ વખતે નવ થી અગિયાર વચ્ચે ખાસ કોઈ ન હોય. એ વખતે બ્રિફકેસને ખુલ્લી રાખી મશીન ખોલીએ તો પૈસા ભરવાવાળા હશે એવું બહારથી લાગે. મશીન આખું ઉપાડવાને બદલે સ્લોટ ખોલી નોટો જ ઉપાડવાનો પ્લાન હતો. એ વખતે રાઉટર બંધ કરવાનું, પાછળના યુએસબી સ્લોટમાં ભળતો જ વાયર નાખી દેવાનો. સીસી ટીવી કેમેરા ઉપર સ્પ્રે છાંટી દેવાનો. કાપવામાં ટાઈમ જાય. લૂંટ વિદ્યુત અને કાંતિ કરવાના હતા. મારે સ્ક્રુ ડ્રાઈવર અને પાનાં ફેરવી એટીએમ ખોલી બહાર એક્ટિવા ચાલુ રાખી ઉભવાનું હતું.
ક્ષિતિજ : મને શંકા હતી એટલે જ પાછળ આવતો હતો. તારા રંગેલા નખનો ફોટો સીસી ટીવીમાં આવેલો એટલે કન્ફર્મ કરવા જ તારો હાથ પકડેલો. તારી એક બોડી સ્પ્રેની ખાસ સુગંધ બંધિયાર એટીએમમાં થોડી વાર રહેતી જે મારું નાક ઓળખી ગયેલું. આજે એ જ સુગંધ જોઈ એટલે હું નજીક આવેલો. તારો ચહેરો દુપટ્ટો ઢાંકયો હોઈ સીસી ટીવીમાં પણ દેખાતો ન હતો જે મેં આજે જોયો. ત્યાં સુધી તું એ જ છોકરી છો એ વિશે હું સ્યોર ન હતો. એટલે જ નજીક આવી ખાતરી કરી. મને થયું તને બચાવું. તને ખબર છે તારું શું થવાનું હતું લૂંટ પાર પડે એટલે?
ચમેલીબેન : બોલ, તું પોલીસ સામે છો. વિદ્યુત તને એવી ફરજ કેમ પાડતો હતો અને તું એને તાબે કેમ થઈ ?
દીપા : એ લોકો બાઈકથી મારૂં એક્ટિવા આંતરી 'અમારી સાથે ફ્રેન્ડશીપ કર' એમ દબાણ કરતા હતા. એ ફ્રેન્ડશીપ એટલે શું એ તમે સમજો છો. જો એ ન કરું તો એ મને અપહરણ કરી.. (બે હાથ વચ્ચે ચહેરો છુપાવી ડૂસકું ભરે) મારી બહેનપણી સ્મિતા જેવી હાલત કરે. એને ઉપાડી જઈ લાજ લૂંટી ભાગી ગયેલા. મારી સાથે ફ્રેન્ડશીપના નામે એવું કરવા પાછળ પડેલા. જો હું લૂંટમાં સહકાર આપું અને ઇલેક્ટ્રોનિક્સ એન્જીનીયર તરીકે ગાઈડ કરું તો મને કશું શારીરિક અડપલું ન કરે. નહીતો.. સ્મિતાના કેસમાં કશું સાબિત નહોતું થયું.
ક્ષિતિજ: મારા મિત્રો અને બેન્ક સિક્યોરિટીના રડારમાં એ લોકો છે જ. જો, તું પાછી વળી જા. મેં તને ત્યાં આવતી જતી જોઈ. મને તું ગમી છો. તું એકલી જતી હો ત્યારે જોખમ આવે તો હું મારો ટી સ્કવેર ફટકારવા સાથે જ રાખતો. ને બીજાં અમારાં સાધનો પણ. નાનું કટર પણ વાપરતાં આવડે તો બસ થઈ પડે. તું ગુનો કરી રહી છે એ સાથે તારી ઉપર જોખમ છે એવું મને લાગેલું જ એટલે તારી ઉપર ધ્યાન રાખતો હતો. તને ઉભી રાખવા પ્રયત્ન પણ કરેલો પણ તું મને જોઈ ખૂબ ઝડપથી નજીકના ખાંચાઓમાં ભાગી જતી.
(ચમેલીબેન હવે ક્ષિતિજ સામે જુએ, ઇશારાથી કઈંક પૂછે, ક્ષિતિજ હકારમાં ડોક હલાવતાં ચમેલીબેન દીપાને છોડી દે અને હળવેથી સોફા પર પટકે.)
ચમેલીબેન : તો દીપા ક્ષિતિજને ગમી છે. એ સંજોગોનો શિકાર થવા જતી હતી. એ ચોર નથી. છોકરીઓની પાછળ પડતા નબીરાઓની અમે બરાબરની દવા કરીએ છીએ. દીનાબેન, તો આર્કિટેક્ટ ક્ષિતિજ દીપાનો કેરિયર પ્લાન બનાવે. અને આ કોમ્પ્યુટર એન્જીનીયર દીપા એના જીવનનો પ્રોગ્રામ લખે. બોલો મંજુર?
(દીનાબેન ગળગળાં થઈ ચમેલીબેનના હાથ પકડી લે.)
દીનાબેન: લો સોંપી તમને આ ચોરટી તમારી કસ્ટડીમાં. એનું કરવું હોય તે કરો ઇન્સ્પેક્ટર ચાંપાનેરી !
ચમેલીબેન: ચોરટી મારા ક્ષિતિજના દિલની. બાકી એ સારી લાગે છે. સીધા રસ્તે પાછી આવશે જ. પેલા ફ્રેન્ડશિપિયા રોમિયોના હું કાયદેસર હાલહવાલ કરીશ. અને દીપા ડરે નહીં. એની પડખે છે એની.. ચમેલી આંટી..
નિશિથભાઈ : ના, સાસુ ચમેલીબેન.
(ચમેલીબેન દીપાનો હાથ પકડી હળવેથી એની કમરે ચુંટી ખણે.
ચમેલીબેન : લો દીનાબેન, તમે દીપાનો હાથ પકડો. દીપા, તું મારો હાથ પકડ. કોઈ તને અડે તો.ખરું?
દીનાબેન : ક્ષિતિજ બેટા, હવે હું નહીં, તું એનો હાથ પકડ. જે હાથ એ ઝાટકો મારી છોડાવી ગયેલી એ જ હાથ. જો, હવે એના નખના રંગને તો શું, એને જ નખશીખ જો. છે ને તારે લાયક?
નિશિથભાઈ : અને બેટા, છે ને આ કુટુંબની ઊંચાઈ તારે લાયક?
ચમેલીબેન : લૂંટી લે બેટા, તારા આ જીવતા એટીએમને. હવે તારે એવાં રસ્તાનાં એટીએમ લૂંટી બે ચાર લાખમાં શું કરવું છે? કાયમ એને લૂંટી લે.
(ચમેલીબેન અને ક્ષિતિજ દીપાનો એક એક હાથ પકડી સેન્ટર સ્ટેજ પર ઉભે છે. દીનાબેન, સિદ્ધાર્થભાઈ રાહતનો શ્વાસ લેતાં હોય એમ બાજુમાં ઉભે છે. હવે નિશિથભાઈ રિસ્ટવોચ જુએ છે અને સામે પડેલી તાસકમાંથી એક મીઠાઈ ખાય છે, દીપા તરફ ધરે છે. )
( પડદો)
-સુનીલ અંજારીયા
.