ચાય કાફી હૈ
(પડદો ખુલતાં નળિયાં વાળો ગામડાનો ચા નો સ્ટોલ દેખાય છે. લઘરવઘર ચાવાળો ચૂલા ઉપર હેન્ડલ ફેરવી ચા બનાવી રહ્યો છે. એલ્યુમિનિયમની કીટલી અને એલ્યુમિનિયમના બે ચા ખાંડના ડબ્બા દેખાય છે. બહાર કાથીવાળો ખાટલો પાથર્યો છે. જૂના ચા ના કપરકાબી એક અભેરાઈ પર દેખાય છે.
રાતનો સમય. એક સરદારજી ટ્રક ડ્રાઇવર ધ્રૂજતો ધ્રૂજતો પ્રવેશે છે અને ખાટલે બેસે છે.)
ચા વાળો : બૌ ધ્રુજો સો ભાઈ! બેહો બેહો.
સરદાર : બેઠા હી હું. યે સગડે પે હાથ ગરમ કરું?
ચાવાળો : હા, આ રાઇતના ટાઢે ઠઠરતા લોકો માટે તો આ તાપણું રાઈખું છે. એઇ ને ચૂલે આ ઉકળે ગરમાગરમ ચા. પેટમાં પડી નોય ને આ હટ કરતી ગરમી આવી નોય. આ બાપુની ચાય છે. (મૂછ આમળે) હું હઇમજા?
(સરદારજી તાપણું તાપતાં એમ જ ચાવાળા સામે જોતો મૂછે હાથ ફેરવે છે. )
ચા વાળો : અરે મૂસુ તો જો? પૂળા જેવી જ્યાંને ન્યા વધી ગઈ છે. ઉપર ગુંગા ચોંટ્યા છે મારા વાલા આ સરદારને.
(સરદારજી સામે જોતાં) લો આ તાપો સો ન્યા સા દું?
સરદાર : હા.. ભૈયા બહોત ઠંડ લગતી હે. , એક કડક ચા દો.
ચાવાળો : (કપમાં ચા ભરી આપતાં) લો આ કોપમાં ચા. ફૂંક માર્યજો હો! બવ ધગધગતી સે.
સરદારવ: ચાલો અચ્છા હે. (કપમાંથી રકાબીમાં કાઢી ફૂંક મારી પીવે)
ચાવાળો: ઠંડી ખૂબ સે.. કાંય ખારી બારી આપું?
સરદાર :નહીં, યહ કાફી હૈ. (બસ ની સંજ્ઞા કરે)
ચાવાળો : ના ભાઈ, આ ચા છે. કાફી નોંય.
સરદાર : હા ભાઈ, યહી કાફી હૈ.
ચાવાળો : (ગુસ્સામાં) અરે પાઘડા માંય ભેજું નથ? કહું છું આ ચા સે. ચા. ઉપર કઈં મોં માં ઓરવું સે? ઇમ પુઈછું. ને આ કોફી નોય, ચા સે.
સરદાર : હા હૈ. બસ યહી કાફી હૈ.
ચાવાળો : હાળા ગાંડીના, નો લેવું હોય તો મર ભૂઇખો. પણ ખબરદાર, આ મારી ચા ને કોફી કીધી સે તો..
સરદાર : તોબા. (હાથ જોડે.) અરે મેં ઇતના હી કહેતા હું , યહ હી કાફી હે...એ..
ચાવાળો : ( હાથ લાંબા કરી ગુસ્સાથી) નીકળ બાર્યે. કહું છું નીકળ હમણાં ને હમણાં. મારી મેનતથી બનાવેલ ચા ને કોફી કોફી કઇરે રાખે છે તે.
સરદાર : ક્યોં નિકલું ? કોઈ જબરદસ્તી હૈ?
(ચા ના કપ સાથે ઈશારો કરી) યે ઇતની હી કાફી હૈ..?
ચાવાળો : લે ઇતની ની માં પઈણવા બેઠો સે. તે પંદર રૂ. માં ઘડો ભરી આપું, કાં?
સરદાર : અરે કૌન કહેતા હૈ તેરા ઘડા ફડા? કા..ફી.. હેં. પી લેતા હું.
(પ્રેક્ષકો સામે જોતાં) બકતા હી જાતા હૈ બિના સુને સમઝે..
ઔર બે, લે તેરે પૈસે.
(પૈસા શર્ટના ખિસ્સા માંથી કાઢી ગુસ્સાથી આપી ઉભો થાય)
ચાવાળો : ક્યોં સરદાર? બહોત ચરબી ચડી ગઈ હૈ ક્યા? માઈ ગયા તારા પૈસા.
(પ્રેક્ષકો સામે જોતાં) હાળો એક તો ચા ને કોફી કે સે ને પસી પૈસા ફેંકતો હોય ઇમ આપી ઉપકાર કરે સે?
સરદાર : કીસે બોલા ચરબી ચડી હૈ? આ જા. મેં સરદાર હું. આ જા. (બાંયો ચડાવે)
ચાવાળો: લે, તેં બાંયું ચડાવી તી આંય જેવા સે ઇવા ગોટલા. આઈવ આઈવ તારે થઈ જાય.
(સરદારજી દ્વારા મૂછો આમળવાની એક્શન)
ચા વાળો (પ્રેક્ષકો સામે જોતાં)
લે, ગુંગા શેડા ચોંટેલી મુછું ચડાવે સે. ઉભો રયે ઢોળુ આ ગરમગરમ. પછી કે'જે ચા છે કે કોફી.
(તપેલું ઉચકવાની એક્શન)
સરદાર : તું પાગલ હૈ ક્યા? કહે તો રહા હું, ચાય કાફી હૈ, મારના હૈ ? આ જા.. પંજાબ દા પાની..
ચાવાળો: લે ત્યારે.. આંય કાઠિયાવાડનું પાણી. ઇ હોત ચા, ખાંડ નાખી ઉકાળેલું. (તપેલી ફેંકવાની એક્શન)
(ઓચિંતો રાઉન્ડમાં નીકળેલો જમાદાર આવી ચડે.)
જમાદાર : (ખોંખારો.) અરે અરે, શુ મારામારી કરો છો બેય? બે ત્રણ રાત લોકઅપમાં ગાળવી છે?
સરદાર : સાબજી, મેંને ખાલી ચા કાફી હૈ બોલા. યે મુઝે ગાલી દેતા હૈ..
ચાવાળો : અરે સાબ, આ ગાંગડીનાને ટાઢમાં ખાસ ઇસ્પેશિયલ ચા બનાવી આઇપી તો ચાને કોફી કોફી કઇરા કરે સે. મેં ઉપરથી બસાડાની દિયા ખાધી કે કઈં ખાવું હોય તો. આ તો જેમ કિયે એમ ફાટયે રાખે સે.. ફાટયે જ રાખે સે..
જમાદાર : ચૂપ.. ચૂપ મરો બેય.
ચાવાળો : તઈં ઈવડો ઇ કોફી કોફી શું કુટયે રાખે છે કયારુ નો?
જમાદાર : (કપાળ કૂટતાં) હે ભગવાન? અરે ઈ એમ જ કયે છે કે બીજું કઈં નથી જોતું. એની હિન્દીમાં કાફી એટલે પુરતું. કા.. ફી..
ને સરદાર, તું કયા લડનેકો આ ગયા? યહ બેચારા તેરેકુ વિવેક કરતા હૈ.. કુછ ખાના હેં તો પૂછતા હૈ.
ચાલો. બેય જણા હાથ મિલાવો.
(સરદાર ગુસ્સા સાથે હાથ મિલાવવા જાય. ચા વાળો હાથ અડાડી ખેંચી લે)
ને તું, (ચાવાળાને. ચપટી વગાડતાં) ચાલ, બે કીટલી ભરી ચા મોકલ ન્યાં અમારા ભાયું માટે. ને લાવ પાંચ હજાર રૂપિયા નહીંતો ટંટો ફિસાદ કરવા માટે અંદર કરી દઈશ.
ઓ સરદારજી, તું કહા ચલા ? તુને ઇસ પર હમલા કિયા જો મેને દેખા. જેલમે નહીં જાણા હો તો લાઓ પાંચ હજાર.
સરદાર : ઇતને કહાં હોતે સાબજી? (ખિસ્સામાંથી સો સો ની બે ત્રણ નોટો ધરે)
જમાદાર : એ તો તું બહારકા હો ઇસલીયે. વરના પચીસ હજાર ભાવ ચાલતા હૈ.
(સરદાર ના માં ડોકું ધુણાવે)
ક્યા? ના? અબ તો લાયસન્સ, પીયૂસી, આરસી દીખા. ઓવરલોડ કે ભી લૂંગા.
(સરદાર ઓચીંતો ભાગે. )
જમાદાર (પાછળ દોડવાની એક્શન કરતાં : ભાગતા હૈ ક્યા?
(ચાવાળાને) એય, તું કીટલી ભર. હું એને પકડીને આવ્યો.
(સરદારજી ભાગવા લાગે છે.)
(પ્રેક્ષકો સામે જોતાં) અરે આ તો ભાગ્યો?
(ખિસ્સામાં હાથ નાખતાં ચા વાળાએ આપેલી બે ત્રણ નોટ અને સરદારે ભાગતાં ફેંકેલી એક બે નોટ ખિસ્સામાં મૂકે)
ચાલો જે ચાયપાનીના મળ્યા.. વો હી કાફી હે.
(ચા વાળો જોઈ રહે, સરદાર દેખાતો નથી. જમાદાર તેને શોધતો દોડે. )
(પડદો)
(ટી પોસ્ટ આયોજિત સબડકો કાર્યક્રમમાં વાચીકમ કરેલ કૃતિ)
.