નોટ કીયા જાય મી લોર્ડ
પાત્રો: ઇન્દ્ર
અનુચર
મંગળ
નારદ
અલ્પાના પિતા
અલ્પેશની માતા
અલ્પા
અલ્પેશ
નાડીદેવી
(પડદો ખુલતા કોર્ટનું દ્રશ્ય. ન્યાયાધીશની ખુરશી પર બિરાજમાન ઝળહળતા મુગટધારી ઇન્દ્ર. બાજુમાં કાળો, ઊંચો, ભરાવદાર, ડરામણો અનુચર ઉભો છે.)
(આરોપીના પિંજરામાં વિશાળ દેહષ્ટિ ધરાવતો લાલ ખેસધારી મંગળ. તેજસ્વી ગૌર વર્ણ. ભરાવદાર શરીર. મુછો આમળ્યા કરે છે. કોર્ટ ચાલુ છે.)
ઇન્દ્ર : ઓર્ડર ઓર્ડર. કોર્ટ ચાલુ છે. તો શ્રી. મંગળ, આપને આપની ઉપરના સામૂહિક લગ્ન વિચ્છેદો કરાવ્યા કરવાના આરોપ અંગે શું કહેવું છે?
મંગળ : મી લોર્ડ, સ્વર્ગ-પૃથ્વીના અધિક્ષક, મારી પર આરોપ છે કે મેં અલ્પેશ-અલ્પાનાં લગ્ન વિચ્છેદ કરાવ્યાં છે. હુ મંગળ આ આરોપનું ખંડન કરું છું .
ઇન્દ્ર : તો શું આપની સામે આરોપ છે કે તમે અલ્પાની કુંડળીમાં સાતમા સ્થાને બેસી ગયેલા અને સામે લગ્ન સ્થાને ડાફોડીયાં મારતા હતા જેને કારણે આ લગ્ન વિચ્છેદ થયો એ ખોટું?
(વકીલ નારદ ઉભા થાય છે. પીતાંબર પર કાળી પછેડી નાખી છે. માથે ચોટલી, સ્મિત કરતું મુખ.)
નારદ : નારાયણ.. નારાયણ. વિદ્વાન ન્યાયાધીશ ઇન્દ્ર મહારાજને કહેવાનું કે મારા ક્લાયન્ટ મંગળ તો જન્મથીજ અલ્પાની કુંડળીમાં હતા. આમ તો દર દોઢ મહિને બીજી રાશિમાં જાય છે. એ આમ તો ફરે જ રાખે છે.
એમણે ક્યાંક તો બેસવું ને? થાકી ન જાય? એ અલ્પાના જન્મ વખતે, નોટ કીયા જાય, બેઠા ન હતા, ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અને અલ્પા-અલ્પેશનાં લગ્ન વખતે તેઓ કુંડળીમાં ક્યાંક તો હોય ને ?
નામદાર, જ્યોતિષીઓ, જે મારા ચેલાઓ છે, તેમના રિપોર્ટ મુજબ તેઓ તો શુભ સ્થાનમાં હતા. એમણે કોઈ દ્રષ્ટિ નુકસાનના ઇરાદે કોઈ જગ્યાએ કરી નથી.
આપ નામદાર ન્યાયાસને બેસી અમારી સામે કે, માફ કરજો, અલ્પા સામે અત્યારે જુઓ છો એમ જ તેઓ પણ ત્યારે જોતા હતા.
(કોર્ટમાં હાસ્ય.)
ઇન્દ્ર : શાંતમ પાપમ. ઓર્ડર ઓર્ડર.
તો અલ્પેશ, અલ્પાનાં લગ્ન તુટ્યાં કેમ? આરોપ છે કે મંગળ પોતાના ઘરમાંથી સામેવાળા કે જેઓ પતિનું ઘર કહેવાય છે ત્યાં જોયે રાખતા હતા અને એમની દ્રષ્ટિને કારણે લગ્નવિચ્છેદ થયો.
નારદ : નારાયણ.. નારાયણ. પ્રભો, મારા અસીલ ક્યાંય ડાફોડીયાં મારે એવા નથી. કાર્યશક્તિના કારક અમથા નથી કહેવાતા. કામ સાથે કામ. અને તેઓ પાસે કોઈ બાઈનોક્યુલર નથી કે કોઈના ઘરમાં દ્રષ્ટિ કરે રાખે. અને પતિ પોતાના જ ઘરમાં કરી શકે તેવી અંગત હરકત કરવા માંગતો હોય તો બારીને પડદા મારે. મારા ક્લાયન્ટને એ જોઈને શું કરવું હોય?
(હસાહસ.)
ઇન્દ્ર : શાંતમ પાપમ. ફરિયાદી અલ્પાના પિતાશ્રીના કહેવા મુજબ આ લગ્ન અને અનેક લગ્ન તોડવાં એ આરોપીની સામાન્ય પ્રવૃત્તિ છે અને આરોપી કેટલાકને પૃથ્વીલોકથી ઉઠાવી અહીં ઉપર પણ લઈ આવ્યા છે, અહીં તેમજ નરકમાંથી અમોને ગેરકાયદે એટલે કે સમય પહેલાં લોકોની ઘુસણખોરીની ફરિયાદો મળી છે જે મંગળે કરાવેલ છે. એના વિશિષ્ટ સ્થાનને કારણે એ સમયથી પહેલાં કોઈના ને કોઈના જીવનસાથીને મૃત્યુલોકમાં ખેંચી લાવતા. તેમાં અહીં વસ્તીની અવ્યવસ્થા થઈ ગઈ. એ આરોપ અંગે આપને શું કહેવું છે?
નારદ : મી લોર્ડ, મારા અસીલ કોઈને ઘુસાડતા નથી. એ કામ યમલોકના કર્મચારીઓનું છે. મંગળ તો લોકોની જાતીય જિંદગી સારી જાય એવા પણ પ્રયત્નો કરે છે. ભીંતો પર જાહેરાત ચોડયા વગર.
(કોર્ટમાં હાસ્યનું મોજું)
ઇન્દ્ર : ઓર્ડર ઓર્ડર..
નારદ : સદરહુ કેસમાંનાં લગ્ન વખતે અલ્પાના પિતાશ્રીએ શું પ્રયત્ન કરેલા, એમના મતે શા માટે આ લગ્ન તૂટ્યાં એ હું અલ્પાના પિતાશ્રીને પૂછીશ.
ઇન્દ્ર : મંજુર છે.
(અલ્પાના પિતાજીને કોર્ટના પિંજરામાં બોલાવે, તેઓ આવીને ઊભે.)
નારદ : હા તો પિતાજી, તમે શું તમારી કન્યા પુખ્ત થાય ત્યારે, તેની સંમતિેથી જ લગ્ન નક્કી કરેલાં ?
પિતાજી : હા, વયે 27. પુખ્ત કહેવી પડે. સંમતિ તો.. સમજાવવી પડેલી. ગોતીને થાકી ગયેલા. લાયક પતિ મેળવવા મારે એટલું તો કરવું પડ્યું..
નારદ : હેં! તમે.. પતિ મેળવવા? તમે શું કરેલું?
પિતા : (ગુસ્સે થઈને) નારદજી, સાંભળીને બોલો. હું તો પુરુષ છું.
નારદ : એટલે ક્ષમા કરશો, મારૂં એ જ પૂછવું છે કે તમારી અલ્પા માટે યોગ્ય પતિ મેળવવા તમે શું શું કરેલું જેથી ખાતરી થાય કે એનાં લગ્ન સુખી નીવડશે.
પિતાજી : હા. મારી પુત્રી માટે એના આવેલ માગાંઓ સાથે ગ્રહ મેળવેલા. આમતો.. અલ્પાને મંગળ હતો પણ.. અલ્પેશ સાથે 36 માંથી 33 ગુણ થયેલા.
નારદ : વાહ. મને ઈર્ષ્યા થાય છે. મને એવું કોઈ મળ્યું નહીં એટલે- (શિખા અને ધોતી પર આંગળી ચીંધે)
(કોર્ટમાં ફરી હાસ્ય.)
ડીસ્ટિંક્શન ગોલ્ડ મેડલ. તો તો તમે સહુથી વધુ સુખી થાય ત્યાં દીકરી આપી, કેમ?
પિતાજી : અર.. એ.. એમ તો.. એમ તો.. એ સુખી હતી.. પણ.. વાસણો ખખડતાં રહેતાં. ગ્રહ તો મારાં લગ્ન વખતે મેં પણ મેળવેલા. જો કે મારે નાડી દોષ હતો એટલે અલ્પાનો જન્મ થવામાં વાર લાગેલી. મેં વિધિ કરાવી. ગ્રહોએ મને અલ્પા આપી. પછી એના માટે તો હું ખૂબ સચેત હતો.
નારદ : હેં ! ગ્રહોએ અલ્પા આપી ? તો તમે એના પિતા...
પિતાજી : મી લોર્ડ, વકીલ મર્યાદા ઓળંગે છે.
ઇન્દ્ર : નારદજી, શિષ્ટ ભાષા. પણ પિતાશ્રી, અલ્પાની વાતમાં તમે પોતાનાં લગ્નનું કેમ પુરાણ ખોલ્યું?
નારદ : મી લોર્ડ, ઇટ પ્રુવ્ઝ. સદીઓથી, અનેક પેઢીઓ પછી પણ લગ્ન માટે ગ્રહો જ સહુથી મહત્વના ગણાય છે. એમણે ફક્ત ગુણાંક મેળવી તે ઊંચા આવતાં દીકરી પરણાવેલી. જ્યોતિષ સિવાય બીજું કાંઈ જ જોયેલું નહીં.
મંગળ, જે મારા ક્લાયન્ટ છે એમના પર લગ્નવિચ્છેદનો આરોપ સરાસર ખોટો છે. ઊંચા ગુણ છતાં પણ વાસણ ખખડતાં એમ તેઓ પોતે કહે છે. પણ આ તો સતત ખખડીને ગોબા પડેલા. આખરે એ વાસણો તૂટી ગયાં. જો ગુણથી જ સુખી જીવનની આગાહી થતી હોય તો એવું કેમ બન્યું ? અને મારા ક્લાયન્ટ મંગળ અલ્પાને હતા એટલે શું? તેને પૂંછડીની જેમ વળગેલા કે માથામાં પૃથ્વીલોકમાં જુ થાય છે તેમ ઘુસેલા? કલ્પ્રીટ મારા ક્લાયન્ટ નહીં, કોઈ બીજું હતું.
કદાચ અલ્પાના પિતાના કેસમાં હતું એમ નાડી છુપી રીતે આડી ચાલી હોય. હું નાડીદેવીને હાજર કરવા વિનંતી કરીશ.
ઇન્દ્ર : સંમતિ આપવામાં આવે છે.
અનુચર : નાડીદેવી હાજર થાય..
(નાડીદેવી કઠેડામાં આવે.)
નારદ : હા, તો નાડી દેવી, તમે એમના પિતાને સંતાનપ્રાપ્તિમાં વિલંબ કેમ કરાવ્યો? જેથી એ ગ્રહો નુકસાન કે ફાયદો કરે છે એમ દ્રઢ પણે માનવા લાગ્યા?
નાડી : હે મહર્ષિ, એ લોકો સંતાન માટે બંધ બારણે શું કરતાં ને શું નહીં એ મને શું ખબર? સંતાન ન થાય એમાં હું શું કરું? મારે થોડાં જણવાનાં હતાં?
(કોર્ટમાં હસાહસ.)
ઇન્દ્ર : ઓર્ડર ઓર્ડર..
નાડીદેવી : અલ્પા જે કારણે મોડી જન્મી એમાં હું જવાબદાર નથી. અને એનાં લગ્ન નિષ્ફળ જાય એમાં હું આકાશી નાડી તો શું, તેના પજામા ની નાડી પણ કાંઈ ન કરી શકે.
(ફરી હસાહસ.)
ઇન્દ્ર : ઓર્ડર ઓર્ડર. બસ બસ. નાડીદેવી. કોર્ટની મર્યાદા જાળવો. તમે જઈ શકો છો.
નાડીદેવી : (શરીરની નાડીની જેમ છટપટાતી) હાલી મળ્યા છે લોકો. એને છોકરાં ન થાય એમાં હું શું કરું? દાયણ છું? ને માંય એ ટાણે હું હાજર રે'વાની હતી ?
(બબડતી, પગ પછાડતી કઠેડા માંથી ઉતરીને જતી રહે.)
(ફરી કોર્ટમાં હાસ્યનું ઘોડાપૂર. ઇન્દ્ર 'શાંતમ પાપમ' બોલી હથોડી પછાડે.)
નારદ : હા તો પિતાજી. તમે ગુણ મેળવ્યા એ ઉપરાંત બીજું શું વિચારેલું તમારા કાળજાના કટકાનું કન્યાદાન કરવા, ને શું નહોતું વિચારેલું જેથી એ દાન પાછું તમારી ઝોળીમાં પાછું આવ્યું?
પિતાજી : અરે વર મેળવતા વાર લાગી. અલ્પાને એની માએ સોળ સોમવાર કરાવેલ. નાનપણમાં ગોરો પૂજાવેલ. અમે જ્ઞાતિની વેબ સાઇટ જોયેલી, જ્ઞાતિના મેરેજ બ્યુરો જોયેલા.. પણ વાર તો લાગે જ ને યોગ્ય પાત્ર મળતાં?
મારી પુત્રી તો સુંદર, સુશીલ, શિક્ષિત, સ્માર્ટ, સ્વાભિમાની -
નારદ : ઓહ. સ વાળા વિશેષણોની લંગાર. જાણે અનીલ બકેરીની હાઉસિંગ સ્કીમો ! પણ એમાં ક્યાંય સહનશીલતા ખરી?
પિતાજી : હોય જ. બાકી એની મા એ જ શીખવેલું કે સહન કરવું પણ તાબે ન થવું.
નારદ : નોટ કીયા જાય મી લોર્ડ.. (ભાર મૂકીને) તાબે ન થવું. ઓકે. બીજું શું?
પિતાજી : અને મેં પુરી તાકાતથી તપાસો કરાવેલી કે કુટુંબ કેવું, છોકરો શું કમાય છે, ઘરની આર્થિક સ્થિતિ શું છે. હશે. નસીબ ફૂટલાં. વાર લાગી એટલે અલ્પાને મંગળ ખરાબ હતો તો પણ અલ્પેશને પરણાવી. મારી ભૂલ.
મી લોર્ડ, આ મંગળ ***(ગાળ બોલે) સખણો ન રહ્યો. એણે જ અલ્પાનાં લગ્ન તોડાવ્યાં. અરેરે.. હુ..હુ .. હિક..હિક.. હુ.
(ધ્રુસકાં મૂકી રડવા લાગે)
નારદ : પિતાશ્રી, લો જલપાન કરો. રુદન નહીં.
(અનુચર પાણી આપે. ત્યારબાદ નેપથ્યમાં જતો રહે.)
ઇન્દ્ર : તો તમે ગ્રહોને ખાસ તો મંગળને લગ્ન વિચ્છેદ માટે દોષી ગણો છો?
નારદ : નારાયણ..નારાયણ. મારા અસીલ મંગળ નિર્દોષ છે. એમણે કહ્યું કે કુટુંબ કેવું એ જોયું. એટલે ‘કેવું’નો મતલબ કહેશો?
પિતાજી : ખાતે પીતે સુખી. સંસ્કાર તો અમારી જ્ઞાતિમાં હોય જ. સંસ્કારી મતલબ અમારી નાત. (ખોંખારો ખાય. કોલર ચડાવે.)
એ સિવાય છોકરો છોકરીથી ઊંચો, સાથે શોભે એવો ને લોકો જુગતે જોડી કહે એવો, એના માબાપ વહુનું માન રાખે એવું.
નારદ : યસ. નોટ કીયા જાય મી લોર્ડ - વહુનું માન રાખે.
મી લોર્ડ. એમણે જે જે જોયેલું એમાં મેચ થતો દેખાવ, આર્થિક સદ્ધર સ્થિતિ અને વહુનું માન. આઈ રિપીટ. વહુનું એમણે રાખવાનું માન. વહુ એમનું માન રાખે એ એમણે જણાવ્યું નથી. એમની પુત્રી સ્વાભિમાની સ્વમાની સુંદર.. એવું એવું એમના મતે છે. અને એટલે જ પોતાને કઈંક ચડિયાતી માને છે. ધેટ્સ ઓલ.
ઇન્દ્ર : બીજા કોઈને તપાસવા છે? કોર્ટની કાર્યવાહી જલ્દી પુરી કરો. બીજા પણ સ્વર્ગમાંથી દાદ માંગતા કેસ છે. પૃથ્વી પર તો ચોવીસ કલાકનો દિવસ હોય એટલે રાત્રે અઢી વાગે કોર્ટ ખોલાય. અહીં તો બીજા કલ્પ સુધી રાહ જોવી પડે.
નારદ : લગ્ન એટલે બે વ્યક્તિ. અલ્પાનાં લગ્ન તોડયાં એટલે રમકડાંની જેમ તડ કરી તોડયાં એમ નહીં. તો લગ્ન જોડનારા અને તોડનારા કહેવાતા સામેવાળા અલ્પેશને હાજર કરવાની વિનંતી કરું છું. નાહક મારા અસીલ, જેણે પાપડ જોયો જ નથી એટલે શેકયો પાપડ તોડી શકે એમ નથી એના પર લગ્નો તોડવાનો આરોપ લગાવવાને બદલે એ તોડનાર અલ્પેશને પુછીએ.
ઇન્દ્ર : રીક્વેસ્ટ ગ્રાન્ટેડ.
નેપથ્યમાંથી અવાજ : અલ્પેશ હાજીર હો..
(અલ્પેશ હાજર થાય છે. દેખાવે સોહામણો અને સહેજ અકડુ.)
નારદ : બંધુ અલ્પેશ, તમારી પરિણીતા અલ્પા એના પિતા કહે છે એમ સુંદર, સ્વાભિમાની, શિક્ષિત હતી તો આવી પ્રાઈઝ કેચ કન્યા સાથે તમારાં લગ્ન તમે કેમ તોડી નાખ્યાં અને એ માટે આરોપી મંગળે તમને શું મદદ કરેલી?
અલ્પેશ : સાદર પ્રણામ નામદાર ઇન્દ્ર. આ સુંદર, સ્વાભિમાની, સ્માર્ટ વગેરે વિશેષણો એણે, અલ્પાએ પોતાને માટે કહ્યાં છે. એ બીજા કહે ત્યારે સાચું.
હા, અલ્પા સુંદર છે પણ એની એટીટ્યુડ છે. મારાં સગાઓ સાથે વાત કરવામાં એ ચુઝી હતી. કરવી હોય તો જ વાત કરે.
એ જે રીતે વસ્ત્રો પહેરતી એથી પ્રસંગોમાં કે રસ્તામાં એની સામે લોકો જોતા એ દ્રષ્ટિઓ સસુરજીએ કહેલ મંગળની દ્રષ્ટિ કરતાં પણ ખતરનાક હતી. મેં અને મારી માએ સહેજ મર્યાદાવાળું પહેરવા કહેલું એ એને સ્વમાન પર તરાપ લાગતી.
અમે બધાં ક્યારેક સાથે બહાર જઈએ એના બદલે એ અમે એકલાં જ જઈએ એવો આગ્રહ રાખતી. હા રજામાં અમે બે છૂટથી બહાર જતાં. કોઈ કારણસર કોઇ સગું રિસ્પોન્સ ઓછો દે તો એનું સ્વમાન ઘવાતું, મારી મા એને પુત્રી સમજી કઈંક કહે તો પણ એને પસંદ પડતું નહીં.
રસોઈમાં, સાફસૂફીમાં, ઘરકામમાં એને કાઈં કહે તો તુરત પહેલાં મને અને થોડી વારમાં એની મમ્મીને ફોન થતા. એની મમ્મી પોતાના સ્વમાનનો ભોગ ક્યારેય નહીં આપી મક્કમ રહેવા કહેતી. ઝગડા રોજ થતા. ગુણાંક 33 હતા તો પણ મંગળને કારણે અમે છુટાં પડયાં એ ખોટું છે.
અલ્પાની અસહિષ્ણુતાએ અમારા લગ્નનો ભોગ લીધો.
નારદ : ધેટ્સ ઓલ. મી લોર્ડ, હવે હું અલ્પેશનાં મમ્મીને પણ પૂછવા માંગુ છું.
ઇન્દ્ર: પરવાનગી આપવામાં આવે છે.
(અલ્પેશની મમ્મી કઠેડામાં આવે.)
નારદ : અલ્પેશનાં મમ્મી, તમે શું પુરાં સહિષ્ણુ, અલ્પા જે કહે એ સાથે સહમત થતાં?
મમ્મી : અલ્પા મારી તો વહુ ઉપરાંત દીકરી. હા દીકરીને કહું એમ ક્યારેક કહેતી. કામ હું ઉપાડી લેતી. હવે એને જોઈએ પીઝા, નૂડલ ને પાઉંભાજી અમને જોઈએ થેપલાં, ઢોકળાં, લાડુ. મારું શીખવ્યું એને આવડે નહીં, ન તો શીખે. રાતે 12 સુધી જાગે. સવારે હું સાડા છ વાગે, એ સાડા આઠ વાગે ઉઠે. ઘરમાં સાફ કામવાળી કરે એ જ. પોતે ઢીલાઢીલા લસરકા માંડ મારેે. કહું તો માને ફોન કરી ફરિયાદ કરે.
સહન મારે જ કરવાનું? પહેલાં મારી સાસુનું, પછી વહુ નું.. ઉહુહુ.. હુ.. હુ..હુ..
(ડૂસકું ભરે. ધીમે ધીમે આસપાસ જોતાં હીબકાં ખાય. સહુ એને જુએ છે પણ કોઈની સહાનુભૂતિ નથી એ જોઈ રડવાની ગતિ ધીમી કરે. બે ચાર હીબકાં ખાઈ આંસુ લૂછે.)
ઇન્દ્ર : શાંતમ પાપમ. ઓર્ડર ઓર્ડર.
નારદ : નારાયણ.. નારાયણ. સન્નારી? શાંત થાઓ.
તો તમે સુવો ને ઉઠો ત્યારે એણે સૂવું ને ઉઠવું, તમે રાંધો એ એને આવડવું, તમે ખાઓ એ એણે ખાવું પણ નોટ વાઇસ એ વરસા?
નોટ કીયા જાય મી લોર્ડ. એડજસ્ટ ન તો સાસુ થતી હતી ન તો વહુ. એ બે ના ઝઘડામાં મારા ક્લાયન્ટ નવાણીયા કુટાઈ જાય છે.
ઇન્દ્ર : નવાણીયા એટલે?
નારદ : માફ કરજો નામદાર. એ જોવા માનવ દેહે પૃથ્વી પર જવું પડે. આપ નિર્દોષ પર આરોપ મુકાયો એમ ગણો.
ઇન્દ્ર : ફરિયાદી અલ્પાને મંગળ ખુબ નડતો એમ કહેવું છે. તો અલ્પાને સાંભળીએ
(નેપથ્યમાંથી અનુચરનો અવાજ) : અલ્પા હાજીર હો..
(અલ્પા હાજર થાય છે.
સુંદર દેખાવ, ચુસ્ત કપડાં, ગર્વિલી મુખમુદ્રા. અલ્પેશ સામે કતરાતી જુએ છે અને સાસુ, સસરા સામે જોઈ મોં મચકોડે છે.)
નારદ : તો અલ્પા, તમે ખૂબ સંસ્કારી, શિક્ષિત, સુંદર વગેરે છો એમ તમારા પિતાશ્રી કહે છે. અને લોકોની દ્રષ્ટિ પડતી એમાં તમારા પતિને વાંધો છે. શું તમે તમને સુંદર માનો છો?
અલ્પા : હું ધરાર સુંદર છું. એ અરીસો કહે છે. મારે શું પહેરવું એ મારે જોવાનું. સમાજ શું કહે એની મને પડી નથી. ભલે એમની આંખો ઠરે. એમાં અલ્પેશને શું વાંધો? હું મૂંઝાઉં તો મા સિવાય કોને કહું? અને એ કે મારાં સાસુજી તો સાંભળતાં જ નથી. ઉપરથી વિદ્વાન, પાકશાસ્ત્રી, ગુણસુંદરી એવાં મેણાં માર્યા કરે છે.
સાસુજી કાંઈ પણ કહું તો ‘બેસ હજુ રીંગણનાં ડીટીયાં જેવી છે ‘ એમ કહે છે પણ એ ડીટીયાં પર જ સાસુનું ઓળાનું રીંગણું ટક્યું છે.
અમારા વાસણ ખખડી ખખડી ગોબાઈ, તડો પડી તૂટી ગયાં.
હાય! મારા બાપે ક્યાં કુવામાં ધકેલી.. મંગળે એનું પોત પ્રકાશ્યું. મારે છુટા પડવું પડ્યું.
(આંસુ લૂછી ગુસ્સાથી અલ્પેશ સામે ઘુરકીયું કરે, પછી મંગળ સામે ગુસ્સાથી જુએ.)
નારદ : કન્યા, આપ જઈ શકો છો.
(અલ્પા પગ પછાડતી જાય. અલ્પેશ સામે 'હુહ' કરતી ઘુરકીયું કરે. મંગળ સામે ગુસ્સાથી જોતી જાય.)
નારદ : નારાયણ..નારાયણ. 21મી સદીમાં પણ મારા ક્લાયન્ટને ખોટો બદનામ કરાય છે. એ તો બધા સૂર્યનું માની પોતપોતાના રસ્તે ફરે છે. સહુ એકમેકથી દુર છતાં પરસ્પર ખેંચાણથી જોડાયેલા. આ બ્રહ્માંડના કુવામાં એમને ધકેલ્યાં તો સાથે મળી તરે છે. અલ્પા, અલ્પેશ, સાસુ જો એમ ફરે તો એમનું બોન્ડ ફેવિકોલથી પણ સ્ટ્રોંગ બને.
મી લોર્ડ, હું અલ્પા-અલ્પેશને પૃથ્વી-ચંદ્રની જેમ જોડવા અને ફરીથી સંસારના કુવામાં ધકેલવા અદાલતને વિનંતી કરું છું અને મારા અસીલ મંગળને નિર્દોષ છોડવા આપ નામદારને વિનંતી કરું છું.
ઇન્દ્ર : સ્વર્ગની અદાલત મંગળને નિર્દોષ છોડે છે. અલ્પેશ-અલ્પાને વકીલ નારદજીએ આ સંસારના એમણે કહેલ કુવામાં ફરી ધકેલવા કહ્યું એ માન્ય રાખી કોર્ટ એમને ભેગાં કરવા આદેશ આપે છે. સંસારની સાસુઓને એમના પોતીકા માર્ગમાં જ ફરવા અને સસરાઓને સૂર્યની જેમ અંકુશ રાખવા તાકીદ કરે છે. વિચ્છેદ માટે “કારણ પડયું પોતા માંહ્ય” યાદ રાખી સ્વને સાથીમાં ઢાળવા આદેશ આપે છે. કોર્ટ અહીં સમાપ્ત થાય છે.
(નામદાર ઇન્દ્ર ઉઠે છે, અલ્પેશ, અલ્પાને નેપથ્યમાંથી બહાર આવી કાળો ઊંચો અનુચર એક એક બાવડું પકડી, એક સાથે બાંધી અંદર લઈ જવા જાય છે. અલ્પેશ તેનો હાથ છોડાવી અલ્પાને ઊંચકી નેપથ્ય તરફ જાય છે. ઇન્દ્ર અનુચરને રોકાવા ઈશારો કરે છે.)
નેપથ્યમાંથી અલ્પાનો અવાજ : જોયો નહીં તો. બહુ એવો છે. ઘેર ચાલ. તારી વાત છે.
અલ્પેશનો અવાજ : ઘેર શું કામ, અહીં જ તારી વાત.
અલ્પાનો લાડમાં હોય તેવો 'આઉ..' અવાજ. અલ્પેશનો હસવાનો અવાજ.
કૂવામાં પડતાં હોય તેવો છબાકો. બન્નેના ધીમા અસ્પષ્ટ પ્રેમલાપ જેવા અવાજો. અવાજો ધીમા થતા, દૂર જતા જાય છે. શમી જાય છે.
(હવે ઇન્દ્ર સ્મિત સાથે નેપથ્યમાં જાય છે.
મંગળ ફરી મૂછો આમળે છે. ઊંડો શ્વાસ લે છે.)
નારદ : નારાયણ.. નારાયણ..
(ચોટલી અને કાળી પછેડી સરખી કરે છે. બાકીનાં સહુ સ્થિર ઉભાં જુએ છે.)
પડદો.
-સુનીલ અંજારીઆ