ઇસ્લામિક સ્ટોરી
7
મુસાએ થોડુ ખાવાનુ અને પાણી સાથે લઈને પોતાની મદિયન તરફની સફર શરૂ કરી.
મદિયન જવા માટે સહુથી પહેલા તો એક મોટુ રેગિસ્તાન પસાર કરવુ પડે.
મુસા દિવસ આખો આરામ કરતા અને સમી સાંજે રેગિસ્તાનની મુસાફરી શરુ કરતા.જેથી ગરમી અને થાક ઓછો લાગે.
આઠ દિવસે માંડ રેગિસ્તાનની મુસાફરી પુરી થઈ.પછી હવે શરુ થઈ પહાડો અને જંગલોની ઉબડ ખાબડ સફર.
પોતે શરૂઆતમાં જે ખાવા માટેનુ ભાથુ લીધુ હતુ એ તો હવે પુરુ થઈ ગયુ હતુ.
હવે તો ઝાડ ઉપરથી ફળો તોડીને કે પછી જ્યારે કોઈ રસ્તામાં નાનુ એવુ ગામ આવે ત્યારે કોઈ કંઈક ખાવાનુ આપે ત્યારે પેટ ભરવાનુ રહેતુ હતુ. પંદરેક દિવસની કઠીન સફર પછી મુસા મદિયનના સીમાડે પહોંચ્યા.
મદિયનના સીમાડે એક કુવો હતો અને ત્યા લોકો પોતાના જાનવરોને પાણી પીવરાવતા હતા.
થાકેલા અને તરસ્યા મુસા કૂવાથી થોડે દુર એક ઝાડ નીચે પહેલા પોતાનો થાક ઉતારવા માટે બેઠા.
ઝાડ નીચે બેસીને સહુથી પહેલા તેમણે અલ્લાહને સજદો કર્યો અને પછી બન્ને હાથ ઉંચા કરીને અલ્લાહની બરગાહમા દુઆ ગુઝારી.
"રબ્બી ઈન્ની લિમા અંઝલતા ઇલૈયા મિન ખૈરીન ફકીર."
આ દુઆનો અર્થ છે કે
"યા અલ્લાહ તુ જે પણ ભલાઈ મારી તરફ મોકલે.હું તેની ખુબ જ જરુરત વાળો છુ."
દુઆ માંગીને મૂસાએ કુવા તરફ દ્રષ્ટિ કરી.ઘણા બધા પુરુષો ત્યા કુવામાંથી પાણી ખેંચીને પોતાના જાનવર એટલે કે ઘેંટા બકરાઓને પાણી પીવરાવતા હતા. કૂવાથી થોડે દુર બે છોકરીઓ પોતાના જાનવરોને લઈને ચુપચાપ ઉભી હતી. મૂસાએ એ છોકરીઓની પાસે જઈને એમને પૂછ્યુ.
"તમે બન્ને કેમ દૂર ઉભા છો?તમારા ઘેટાં બકરાને કેમ પાણી નથી પીવરાવતા?"
એક છોકરીએ જવાબ આપતા કહ્યુ.
"તમે અહીં નવા લાગો છો?"
મૂસાએ કહ્યુ.
"હા હું અહીં નવો છુ તો?"
"જ્યાં સુધી આ મર્દો એમના જાનવરોને પાણી નહિ પીવરાવી લે ત્યા સુધી અમને અમારા જાનવરો સાથે આમજ ઉભુ રહેવુ પડશે."
"અચ્છા.આમ વાત છે?"
કહીને મૂસા એ છોકરીઓના જાનવરો લઈને એ મર્દોની વચ્ચે ગયા.
તો બે ચાર જણાએ મુસાનો વિરોધ કરવાની કોશીષ કરી.પણ મૂસાએ એ લોકો પર ધ્યાન ન આપ્યું.અને એ લોકોએ પણ મૂસાના મજબુત શરીરને જોઈને વધારે મગજમારી ના કરી.
મુસા એ છોકરીઓના જાનવરોને પાણી પીવરાવ્યુ.
એમને પોતાને પણ તરસ લાગી હતી એટલે એમણે પણ સાથો સાથ પાણી પીધુ.
પછી એ છોકરીઓને એમના જાનવરો સોંપીને પોતે ફરી એકવાર ઝાડના થડ નીચે આવીને બેસી ગયા.
એ બન્ને છોકરીઓએ મુસા પાસે આભાર વ્યક્ત કર્યો અને પોતાના ઘર તરફ રવાના થઈ.
એ છોકરીઓ જ્યારે પોતાના ઘરે પહોંચી.તો એ છોકરીઓના પિતા હઝરત શોએબે આશ્ચર્ય પામતા પૂછ્યુ.
"કેમ છોકરીઓ આજે જલ્દી કેવી રીતે આવી ગ્યુ?"
તો સફુરા નામની છોકરીએ કહ્યુ.
"અબ્બા.આજે ત્યાં કુવા ઉપર જાનવરો ને પાણી પીવરાવવામા એક અજનબી એ અમારી મદદ કરી અને એટલે અમે આજે વહેલા ઘરે આવી ગયા."
તમામ હકીકત સફુરાના મુખેથી સાંભળીને શોએબે પૂછ્યુ.
"તમે એ અજનબીનો આભાર માન્યો કે નહિ?"
"હા અબ્બુ અમે એનો આભાર માન્યો હતો."
"ઠીક છે.તમે પાછા જાવો અને તેને અહી બોલાવીને લઈ લાવો."
સફુરા પોતાની બહેન સાથે ફરી એકવાર જે ઝાડ નીચે મુસા બેઠા હતા ત્યા ગઈ અને બોલી.
"એ અજનબી.તમને અમારા વાલિદ બોલાવે છે શુ તમે અમારી સાથે આવવા રાજી છો?"
મુસા તરત પોતાને સ્થાનેથી ઉઠ્યા અને એ બન્ને બહેનોની સાથે તેમના ઘરે જવા તૈયાર થયા.
હઝરત શોએબની પાસે પહોંચીને સફુરાએ કહ્યુ.
"અબ્બા.આ છે એ અજનબી જેમણે આપણા જાનવરો ને પાણી પીવરાવવામા અમારી મદદ કરી હતી."
શોએબે ઉપરથી નીચે સુધી પહેલા તો મુસાનુ નિરીક્ષણ કર્યું.
તંદુરસ્ત.ખડતલ અને મજબૂત શરીર હતુ મુસાનુ.
નિરીક્ષણ કરી લીધા બાદ શોએબે કહ્યુ.
"તમે મદિયનના તો નથી લાગતા.ક્યાંથી આવો છો?અને અહીં આવવાનો તમારો ઉદ્દેશ શુ છે?"