Aavo Bhajavie - 5 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આવો ભજવીએ - 5

Featured Books
Categories
Share

આવો ભજવીએ - 5

પતંગિયાંના દેશમાં

(નોંધ: આ નાટકમાં બેકસ્ટેજ પર  પ્રવેશને અનુરૂપ દ્રશ્યો માટે લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા સ્લાઈડ બતાવવી જરૂરી છે. એ ટેક્નિક હવે  ઘણા વખતથી ઉપયોગમાં છે.) 

(પડદો ઉપડતાં એક નિર્જન, મોટાં ગાઢ  વૃક્ષોથી છવાયેલા રસ્તા પર હતાશ થઈ ગયેલો, આમથી તેમ લથડીયાં ખાતો  યુવાન હોવા છતાં ઝુકીને ચાલતો યુવક દેખાય છે.)

યુવક : (એક નિઃસાસો નાખતાં) હું ક્યાં જાઉ છું? ક્યાં જવું છે? બસ એમ ને એમ રસ્તો લઈ જાય ત્યાં. ક્યાં  તેની પણ મને ખબર નથી. 

 હું, એક કુશળ નૃત્યકાર, નૃત્ય રચનાર કલાકાર આજે ચારે તરફ નિરાશાઓથી ઘેરાયેલો, ગમગીન થઈ  ચાલ્યે રાખું છું. બસ, ચાલ્યે જ રાખું છું. ક્યાં એ ખબર નથી.  

 નસીબ ભલે  મારી સમક્ષ તાંડવ કરે. એક જોરદાર પવનની લહેરખી તેની આડે જે કઈં પાંદડું હશે તેને એક ફૂંકમાં ઉડાડી દેશે. દુનિયા જાણશે કે હું શું હતો અને શું બની શકીશ.

(તેના મગજમાં પડતા પડઘાઓ નેપથ્યમાંથી સંભળાય છે. લાઈટ અનેક રંગોમાં ગોળ ગોળ ફરે છે.)

સ્ત્રી અવાજ (તેની પ્રેમિકાનો) : બહુ રાહ જોઈ. તું મને નચાવે એમ નાચી. તારાં કોઈ નાચગાન મારૂં પેટ ભરી શકે એમ નથી. હવે તું તારા રસ્તે અને હું મારે.

કડક પુરુષ અવાજ : આમ   સર્કસના કલાકારો કે વાંદરાઓની જેમ નાચકુદથી ટિકિટબારી નહીં છલકાય. તારા શોમાં કોઈ આવતું નથી. પેક અપ મેન ! અમે તને વધુ શો આપી શકીએ એમ નથી. 

પિતાનો ગુસ્સાભર્યો પુરુષ અવાજ : અમે કહેતા હતા કે કોલેજમાં ભણવામાં ધ્યાન આપો. નોકરી ધંધો કરો. નાચગાન આપણું કામ નહીં. દીકરા,  બહુ રખડી ખાધું.

(યુવક કાન બંધ કરી દે છે. મનમાં ઉઠતા  આ પડઘાઓ હવે એક સાથે એક પછી એક એક ફરી ફરી સંભળાય છે.  યુવક જોરથી માથું ફૂટે છે.)

યુવક : ત્રણ દિવસથી હું રસ્તે મળતા બ્રેડ બન અને ચા ઉપર છું.  કસોટી છે તો ક્યાંક તો એને પાર ઉતરવાનો રસ્તો હશે.

 મેં ખૂબ સંઘર્ષ કરેલો છે પણ નસીબે યારી આપી નથી. હવે મને થાક લાગે છે. આમને આમ ક્યાં સુધી? શું કલા પાછળની બધી મહેનત વ્યર્થ ગઈ?

(થોડું અટકી, પ્રેક્ષકો સામે જોઈ) : જાણો છો, મારાં એ જ નાચગાને  મને મારી પ્રેમિકા આપેલી. 

(પશ્ચાદ્ભૂમાંથી પ્રેમિકા આવી  ઉભી રહે. બન્ને પર સ્પોટલાઈટ.

પ્રેમીકાનો સુંદર, સપ્રમાણ યુવાન દેહ છે. તે રોમેન્ટિક અદામાં નાયક સામે જોઈ સ્મિત કરતી ઉભી રહે છે.)

 અમે બન્ને   ઘણું સાથે ગાઈ નાચી વન્સમોર મેળવી ગયેલાં અને નજીક આવેલાં. 

( બન્ને રાસ રમે છે.)   

 જુઓ, તેની ત્વચા ખીલતી ઉષા જેવી ગોરી છે ને? તેના કાળા લાંબા વાળ વડની વડવાઈઓ જેવા ઝૂલતા. (લાઈટનું  ફરી પ્રેમિકા પર  જ ફોક્સ) તે અદભુત રૂપ અને કંઠની સ્વામિની હતી.  તે મારી થવા તૈયાર  તો હતી પણ..

પ્રેમિકા : તું તો બસ સંઘર્ષ જ કરતો રહ્યો. આખરે એમ ક્યાં સુધી હું રાહ જોતી બેસી રહું? તને હવે આ ભવમાં સફળતા મળી રહી. હું તો આ ચાલી.

(પ્રકાશ એકદમ ઝાંખો. પ્રેમિકા જતી રહે)

યુવક: મિત્રો, આખરે  એક ક્ષણે મેં આપઘાતનું વિચાર્યું. તુરત થયું કે એ કોઈ રસ્તો નથી. રસ્તો.. ન ચાલતાં મગજમાં પણ મને ગીત સૂઝ્યું 'રસ્તો નહીં જડે તો અમે રસ્તો થવાના..' (એ જ ગીત અત્યંત ધીમે ગણગણતો તે સ્ટેજના એકથી બીજા છેડે ચાલે છે. અંતે થાકીને સુઈ જાય છે.)

(સંગીત, અંધકાર.)

 (સ્ટેજ પર પ્રકાશ રેલાય છે. સૂતેલો યુવક ઉઠી, આંખ ઉઘાડી આસપાસ જુએ છે. તે થાકીને એક પર્વતની તળેટીમાં પડ્યો હોય છે.  દૂર એક ગુફા દેખાય છે.  ગુફામાં હળવો ભૂરો પ્રકાશ છે.)

યુવક : ચાલો, આ ગુફામાં જવાનું ચાલુ રાખું.

(યુવક ચાલ્યે રાખે છે. ગુફાનો પ્રકાશ વધુ ઝાંખો થતો જાય છે. ધીમેધીમે ચોતરફ અંધારું છવાઈ જાય છે.)

યુવક: ક્યાંકથી મને ધોધનો અવાજ આવ્યો.  લાવો, તે અવાજ તરફ જાઉં.. 

(સ્ટેજ પર હળવો પ્રકાશ. ગુફામાંથી ધોધનો અવાજ.)

(યુવક  ગુફામાં અંદર ને અંદર જાય છે.)

યુવક  (ઊંડેથી અવાજ) : હું ગયે જ રાખું છું.. ક્યાંથી અવાજ આવતો હતો તે ખબર પડતી નથી. ઉપર નાનાં બાકોરાંમાંથી પ્રકાશ આવી રહ્યો છે. ચાલો, તેને આધારે આ આડીઅવળી કેડીઓમાં થઈ અવાજ તરફ જાઉં.

અરે! આ તો ખડકની બીજી બાજુથી અવાજ આવે છે! તો ચાલો, હું  ફરી ભટકતો ભટકતો ધોધની શોધમાં ચાલ્યો જ જાઉં.  ક્યાંક તો કોઈક નવી જગ્યા આવશે!

(ચાલે રાખતો હોય તેમ તેનાં પગલાં ગુફામાં  ઊંડે સુધી સંભળાય. ધોધનો અવાજ હવે ખૂબ મોટો થાય.

 હવે સ્ટેજ પર અંધકાર. ફરી ઉજાસ થતાં  પશ્ચાદ્ભૂમાં ચારે તરફ ખડકો અને મધ્યમાં એક ખૂણે નીચે તરફ પ્રકાશ.)

યુવક : લ્યો. આખરે આ એક લપસણી જગ્યાએથી નીચે  ઘોધ પડતો દેખાયો. નીચે કઈંક છે. કોઈ રસ્તો લપસીને જવાય તેવો છે.

 (તે હળવેથી અણીદાર પથ્થરની ધાર પકડી આગળ વધે છે.)

 યુવક : જુઓ, આ ધોધ અને તેના વચ્ચે વેગથી વહેતી નદી દેખાઈ. એ પણ ખાસ્સી નીચે.

 (તે આજુબાજુ જુએ છે. એક ઝાડની ડાળી પકડી નીચે ભૂસકો મારવા તૈયારી કરે છે પણ ડાળી ઊંચી પડતાં તે પટકાય છે અને લપસે છે.)

 યુવક : ઓહ, આ તો  હું સડસડાટ લપસ્યો.. જાણે કોઈ રાક્ષસી લપસણી.

 (પેલા નીચે તરફ દેખાતા આછા પ્રકાશમાં અંધારામાં  યુવક  લપસતો જતો હોય તેમ તેનો 'ઓ.. ઓ.. ' અવાજ દૂર જતો જાય છે. ધીમો થતાં શમી જાય છે. એક મોટો ધબાકો.

 ફરી ઉજાસ. યુવક સ્ટેજ પર એક સફેદ ધનુષ્ય જેવી ચીજમાં ભરાયો હોય છે.

યુવક :  અરે! આ શું ? આ મારા  પગ એક ધનુષ્ય જેવી ચીજમાં ભરાયા.

 (એક મોટા ધનુષ્ય જેવી અને નીચે લાકડીવાળી સફેદ રંગની  ચીજમાં  તેના પગ ભરાય છે. લાકડી સાથે બે રંગીન કપડાં જેવું હોય છે.)

 યુવક : લો. આની પર હાથ ફેરવી જોઉં. વિદેશી પતંગબાજો ઉડાવે છે તેવા વિશાળ પતંગની કમાન લાગે છે. 

(તે ધનુષ્ય આમથી તેમ ફેરવે છે. )

 ઓહ, આ કમાન સાથે ખુલતું કોઈ  કાપડ જેવું  છે.  એકદમ લિસ્સું છે. અડતાં જ ચિરાઈ જાય તેવું છે. તેની વચ્ચે ગોળ કાણું છે.  સરસ મોટું મઝાનું. જોઉં તેમાં ડોકું નાખીને.

(તે સાચવીને એ કાણામાં માથું નાખે છે.. અનાયાસે તેના પગથી પેલા ધનુષ્ય જેવા આકારને ધક્કો લાગે છે અને તે કપડું બે પાંખની જેમ પહોળું થાય છે. તે હાથ હલાવી તરફડીયાં મારવા લાગે છે. હાથના જોરે અને પગના ધક્કે તે ઉડતો હોય તેમ દોડે છે અને જોતજોતામાં ધોધની વચ્ચેથી પસાર થઈ જાય છે તેમ તેના અવાજ પરથી ખબર પડે છે. )

 યુવક : ઓહ, હું નવી જ ખુલ્લી જગ્યામાં આવ્યો. હજુ નીચે એક ઊંડી ખીણ દેખાય છે. (નીચે ઝૂકી જુએ છે). 

 હમણાં સુધી હું પક્ષીની જેમ ખૂબ ઉપર ઉડતો હતો. મને તો  અનંત પેરાગ્લાઈડિંગ જેવું લાગ્યું. તો ચાલો. હવે હાથપગ હલાવવા બંધ જ કરી દઉં. આમેય મારામાં ક્યાં શક્તિ બચી છે?

 ઓહ.. આ કોઈ અદ્રશ્ય જાળ જેવી વસ્તુએ મારૂં  ઉડયન રોકયું. નહીં તો હું ઊં..ડી ખીણમાં  જઈ રહ્યો હતો.

(તે ઉતર્યો હોય તેમ દોડવાનું ધીમું કરી ઉભો રહી જાય છે.)

 અરે આ શું? ત્યાંથી  મારી તરફ, મારા ગોઠણથી પણ નીચા લોકો ધસી આવે છે. 

 (એકદમ ઠીંગણા લોકો  શરીર સાથે બે પાંખો જેવું જોડેલા, ખભે કોઈ તીર જેવાં નાનાં હથિયાર બાંધેલા દોડી આવે છે. તેમની નીચી ઊંચાઈ બતાવવા તેમને દૂર ઉભા રાખવા અને યુવકને સ્ટેજની વચ્ચે નેપથ્ય પાસે કોઈ ખડક પર ઉભો બતાવવો.) 

 “તેઓ કૂતરા ભસતા હોય તેમ હોઠ પહોળા કર્યે રાખે છે પણ મને તેઓ કહે છે તે કાંઈ સંભળાતું નથી.“

(યુવક ચુપચાપ ઉભો રહે છે.)

યુવક : કોણ છો તમે સહુ?

(સ્વગત:) તેઓ તો કૂતરાની જેમ પગ ઘસતા ઉભા છે.  જાણે આક્રમણ કરવા તૈયાર થતા હોય તેવી મુદ્રાઓ કરતા લાગે છે.

કઈંક  વિચારી જોઉં.  હા. આ જ તક છે મારામાંના નૃત્યકારને જગાવવાની.

(મોંએથી તીણી વ્હીસલ વગાડી ગોળ ઘૂમે છે. નૃત્યમુદ્રાઓ કરી અદબ વાળી, નમન કરે છે, આલિંગનની મુદ્રા કરી ભેટવા આવતો હોય એમ હાથ પહોળા કરી, બે હાથ ફેલાવી પોતે મિત્ર છે અને ખુલ્લા દિલે તેમનો સ્વીકાર કરે છે એમ દર્શાવે છે.)

યુવક : હું  આવ્યો છું,  હું આવ્યો છું

         હું દૂર દેશથી આવ્યો છું.

          હું લાવ્યો છું હું લાવ્યો છું

          વાત અવનવી લાવ્યો છું.

(ગોળ ફરે, ધોધ તરફ આંગળી ચીંધતા)

"કદમાં મોટા લોકો અમે માનવો કહેવાતા.

રોજ જાતભાતની વાનગીઓ કરી ખાતા.

જુઓ ઊંચા છે આવાસ અમારા,

ઝગમગે જાણે આકાશ તારા. 

અંગે સુંદર વસ્ત્રો પહેરી 

ઘૂમતા  અમે ગામડાના કે શહેરી.

આવો  હાથ મિલાવી કરીએ સાથે દોસ્તી

જાણો મને મિત્ર તમારો, ગમી તમારી વસ્તી.

(પગનો ઠેકો કોઈ વૃક્ષના થડ સાથે લે. વૃક્ષ પોલું હોઈ ઢોલ જેવો અવાજ આવે.  પાંખોવાળા માનવો નવાઈથી તેની સામે જોતા ઉભા રહે.

ઓચિંતી એક નાનીશી, રૂપાળી યુવતી ચી.. ચી.. અવાજ કરતી તેની સામે નૃત્ય કરતી, પાંખ વીંઝતી જાય. અસ્પષ્ટ અવાજે "હેઇ.. માણસ.." એમ બોલે.)

 (યુવતી એક ટટ્ટાર ઉભેલા પતંગ માનવને હાથ પકડી હોઠ ફફડાવી કઈં કહે. તે માનવ ઓચિંતી યુવક પાસે હતી તેવી જ લાકડી ઊંચી કરી પાંખ ફફડાવે. તે એક સૈનિક જેવો લાગે છે. એ સાથે બીજા દસ-બાર લોકો પણ પાંખ ફફડાવે છે.. તેઓ ભમરાની જેમ  હવામાં તેની ફરતે ઉડતા હોય એમ ચાલવા લાગે છે.  તીણી ચીસો પાડે છે.)

 યુવક : હું દોસ્ત. (ધોધ  તરફ આંગળી ચીંધતાં) ત્યાંથી આવ્યો.

(હવે તેમાંના કોઈનો ભમરો ગુંજતો હોય તેવો પણ કાન ફાડી નાખે તેવો અવાજ કાને પડે છે. આ જોઈ તે પોતે પણ સ્ટેજ પર નૃત્ય કરતો હોય તેમ ગુંજનનો અવાજ કરતાં ગોળ કૂદકો મારે છે પણ તે ફસડાઈ પડે છે. 

 પેલા મુખ્ય ભમરાનો હુમ.. હુમ..  ગુંજવા વચ્ચે હા..હા.. હસતો હોય તેવો અવાજ આવે છે.  બધા એક સાથે ભમરા જેવું ગુંજન કરતા અટ્ટહાસ્ય કરે છે. તેઓ નીચે ઉતરી તેને ઘેરી વળે છે.)

યુવક : આ શું? પેલી લાકડી તો તેમના શરીરનું હાડકું છે જે કરોડ સાથે જોડાયેલી છે અને એ પાંખો તેમની ચામડીની જ બની છે. દરેકની અલગ અલગ રંગ અને ભાતની છે. તો હું પતંગિયા મનુષ્યો વચ્ચે આવી પડ્યો છું. પણ તો- મારો પગ ફસાયેલો એ કેવી રીતે? એ હાડકું કોનું હતું?

(તે પુરી તાકાતથી ગોળ ચક્કર મારતાં, હવામાં કુદકા લગાવતાં, તાલ સાથે તાળીઓ  પાડે છે જેના પડઘા દૂર પર્વતોમાં પડે છે.  તે તાલબદ્ધ તાળીઓ વગાડી નૃત્ય કર્યે રાખે છે. ઝૂલતાં વૃક્ષમાંથી ખંજરી જેવો અવાજ આવે છે. )

 (ઇશારાથી, પતંગમાનવને): મેં પહેરેલું  પાંખ વાળું હાડકું કોનું છે?

(ઓચિંતી પેલી સુંદર, નાજુક પતંગી સ્ત્રી એ ટોળાંમાંથી બહાર આવી અને તેનો હાથ પકડી નૃત્ય કરવા લાગે છે. હજુ તેમના અવાજ સંભળાતા નથી. તીણી ચીસો જ વિવિધ આરોહ અવરોહમાં સંભળાય છે. 

 યુવતી હાથ ઊંચો કરી  હથેળીથી વાળે છે. અસ્પષ્ટ અવાજે  'બા..પ' જેવો સ્વર કરે છે.)

 (યુવકે નજીક પડેલ કોઈ પથ્થરને એક  નાનકડાં વૃક્ષ સાથે અફાળે છે. એ થડમાંથી સંગીતમય અવાજ આવે છે. યુવક મોટેથી સીટી વગાડે. હવે પેલા ભ્રમર મનુષ્ય સામેથી કાન ફાડી નાખે તેવી સીટી વગાડી  નજીક આવી ઉભો રહે છે.)

 યુવક : હવે તે અવાજો વિશે સમજ્યો. આ લોકો અલ્ટ્રા સાઉન્ડથી વાત કરે છે જે મનુષ્યનો કાન સાંભળી ન શકે. તેમની અમુક ક્રિયાઓ પતંગિયાં કરતાં કૂતરા જેવી છે. એ શું સૂચવે છે તે જાણવું પડશે.

(નૃત્ય કરતી સ્ત્રી પોતાનો હાથ એક સ્ટેપ ઊંચો કરી પોતાના  પિતા વિશે  ક્યાં છે તેમ પૂછતી હોય તેવી મુદ્રા કરે છે. તે પોતે જાણતો નથી એમ હાથના ઈશારે જણાવે છે.)

યુવક :  અચ્છા, હવે ભ્રમર મનુષ્યે પેલા ધોધની દિશામાં હાથ કર્યો. મેં તેના પિતાને મારી નાખ્યો છે? એમ પૂછવા ભાલા જેવું હથિયાર જમીનમાં ભોંક્યું. 

 (યુવતી તરફ જોતાં) મેં કોઈને મારી નાખ્યા નથી.

(યુવક બે હાથ ક્રોસમાં હલાવી ના પાડે અને કોઈ તેમના જેવી વ્યક્તિ જોઈ નથી તેમ કહે છે. અભિનય કરી ધોધ ઓળંગીને  પર્વત પરથી આવ્યો તે જણાવે. પોતે થાકેલો, ભૂખ્યો  છે તેમ જણાવે.

સેનાપતિ જેવો ભ્રમર તેનો ભાલો હટાવી લે છે.)

યુવક : (પ્રેક્ષકોને)  જુઓ તો ! પેલી પતંગી નજીકના વૃક્ષ પાસે જઈ અને પોતાના પેલું માથું નાખવાના ગોળ ભાગમાંથી સૂંઢ જેવું કાઢી રસ ચુસે છે.

(નાની સરખી પતંગી સ્ત્રી તેવું કરવાનો અભિનય કરે છે)

યુવક પોતાની પાસેની એ ચીજમાંથી મોં કાઢી સૂંઢ ગોતી બહાર કાઢે છે.)

યુવક : પતંગીએ તેની પીઠ પાછળ વસ્ત્રમાં હાથ નાખી સૂંઢ કાઢી અને તેને બીજાં વૃક્ષમાંથી કોઈ ફળ જેવી ચીજમાંથી રસ ચૂસવા મને જણાવ્યું. મને ફાવ્યું નહીં. પતંગીએ પોતાની સૂંઢ મારા મોંમાં નાખી ચુંબન કરતી હોય તેમ મને રસ આપ્યો.

(પતંગી તે મુજબ અભિનય કરે. ચુંબન જેવી મુદ્રા દૂરથી.)

યુવક : આભાર તારો. કઈંક તો તરસ છીપાઈ! આંખની,  અને કઈંક શરીરની. પણ આટલામાં મારૂં પેટ કેમ ભરાય? 

 (યુવતી એક સ્મિત આપી સામે એક વૃક્ષ તરફ હાથ કરી પ્રેમ ભરી ચીસની ભાષામાં અવાજ કરે છે.

યુવક શક્તિ વાપરી દોડે છે અને એક પોતાની ઊંચાઈ જેટલા વૃક્ષ પર ચડી જાય છે. પોતે થોડાં ફળો ખાય છે અને થોડાં નીચે ફેંકે છે. પતંગિયા મનુષ્યો દોડીને તેમાં સૂંઢ ભરાવી રસ ચૂસવા લાગે છે.

યુવક : હવે મેં મોંએથી તેઓને સમજતો 

હોય તેવો અવાજ કરતાં હું તેમનો મિત્ર છું તેમ  બતાવ્યે રાખ્યું.

(પ્રેક્ષકોને ન સંભળાય તેમ ખાસ અવાજમાં કઈંક કહેતો હોય તેમ હોઠ ફફડાવે)

યુવક :   માનવ છું હું માનવ છું.

 દાનવ નહીં પણ માનવ છું.

આપ સહુનો હું બાંધવ છું.

(ચિચિયારી પાડે છે. પતંગી 'બસ' કહેતી હોય તેવી મુદ્રા કરે છે.

એકાએક પતંગીના મુખમાંથી તીણો અવાજ નીકળે છે. એ જોઈ એક પછી એક પતંગી મનુષ્યો અવાજ કરવા લાગે છે. આ અવાજ મનુષ્યને સંભળાય તેવો છે.)

યુવક : દૂરથી ભીની હવાની  લહેર આવી. 

સમુદ્ર  કે મોટી નદી નજીક હોય તેમ લાગે છે. કોઈ આવશે મારી સાથે? ચાલો ઊડું અને તમને પણ ઊડાડું.

(તેણે પોતાની પાસે આવવા એક ભ્રમર મનુષ્યને ઈશારો કર્યો. પેલાએ આજુબાજુ જોયું. પતંગીએ તેને ઇશારાથી હા પાડી. યુવક ભ્રમર મનુષ્યને પીઠ પર ઊંચકી નેપથ્યમાંથી અંદર જાય છે.)

યુવકનો અવાજ : એ  સુંદર પતંગિનીની સંમતિ મળતાં મેં પીઠ પર એ ભ્રમર મનુષ્યને બેસાડ્યો અને એને  હું ખોરાક મળે તે તરફ લઈ ગયો.  મેં પોતે ખોબેથી પાણી પીધું અને એક નાના આંબા જેવાં વૃક્ષનું ફળ લઈ પથ્થરથી તોડ્યું. એ લઈ તેને પીઠ પર બેસાડી ઉડતો પરત આવ્યો.

(ફરી સ્ટેજ પર આવી એ ફળના ટુકડા સહુને વહેંચે છે.

તેઓમાં ગણગણાટ. ગુંજન.) 

સેનાપતિ  (પહેલાં ચીસના જ અવાજમાં, પણ પછી સંભળાય તેમ): તું ક્યાંથી આવ્યો? કેવી રીતે આ પર્વતો વચ્ચે ખીણમાં, મોટા ધોધને અને નદીને ઓળંગી અહીં આવ્યો?

યુવક : નજીક આવો. આ છીલકાં અને મારી આ પાંખલાકડી વડે ચિત્ર દોરી હું ક્યાંથી અને કેવી રીતે આવ્યો તે કહું.

(થોડી વાર પોતે  સમજાવે છે. સેનાપતિ, પતંગી અને અન્ય એક પતંગ-માનવ ધ્યાનથી સમજે છે. પછી સેનાપતિ, બીજો પતંગ-માનવ અને સહુ જતા રહે છે. પતંગી અને યુવક એક ખડક પર પાસપાસે બેસે છે. પાછળ નદીનો ખળખળ અવાજ.)

પતંગી : (નાના, બાળક જેવા તીણા, મધુર અવાજે)  આ  પાંખ મારા પિતાની છે. (પોતાને તેડેલી બતાવી) મારા પિતા આ લાકડી અને પાંખ ધરાવતા હતા. તે તારી પાસે ક્યાંથી આવી? 

યુવક : અજાણતાં જ. હું તો (હાથથી અભિનય દ્વારા) આ નદીમાં ઝંપલાવવા જતો હતો ત્યાં તેમાં પગ ભરાયો અને હું ઉડયો. આસપાસ કોઈ પડેલું કે  નહીં તે અંધારામાં ખબર પડી નહીં.

 પતંગી :  આ મારા પિતા ધારણ કરતા. તને તે મળ્યું એટલે મારા પિતા, જે અહીંના રાજા હતા, તેની કોઈએ હત્યા કરી હોવી જોઈએ. મને તમારા માનવોની ભાષા આવડે છે. મારા પિતા જાણતા હતા અને મને શીખવી છે. તેં એ હત્યા નથી કરી એ સમજી.  તો કોણે અને શા માટે કરી તે મારે સમજવું પડશે.

યુવક : જરૂર. આ ખીણમાં કોણ આવે, તારા પિતાને શા માટે મારે? એ કઈ તરફ ગયા હોય? આપણે જોઈએ. ચાલ. બેસી જા મારી પીઠ પર. ઉડીએ.

(પતંગી તેને વળગીને તેની પીઠ ઉપર બેસે છે. બંને હાથથી પેલી પાંખો હલાવતાં ઉડવાની તૈયારી કરતાં હોય તેમ નેપથ્યમાં.)

(યુવક ફરી એકલો સ્ટેજ પર આવે. આમતેમ આંટા મારે. પથ્થર મારી અને લાંબા વાંસ જેવી ચીજથી તીર બનાવી નિશાન તાકી કોઈ ફળ પાડે.  ચીસથી અવાજ કરે.

પતંગ માનવો દોડતા  આવે. યુવક તેમને ફળો વહેંચે.) 

યુવક : મેં મારી ભૂખ મિટાવવા ફળ પાડ્યું. પેલું ફળ ખાઈ પતંગમનુષ્યો  હાથ જોડી અલ્ટ્રાસાઉન્ડમાં કઈંક પ્રાર્થના બોલતા હોય તેમ લાગ્યું. તેઓ આ તેમનાં કલ્પવૃક્ષ પાસે તેમની માનતાઓ માટે પ્રાર્થના કરે છે. લો, આ મારી પેલી સુંદર પતંગી મિત્ર આવી.

(પતંગી નજીક આવી ઉભી રહે.  યુવક પાસેથી ફળ લે. ફળનું છીલકું ઉતારી  અંદરના ફળને નમન કરે. એ છાલથી કોઈ ખડક પર પાંખ ફેલાવેલા  પુરુષની આકૃતિ દોરી હાથ જોડે.)

યુવક : હું એટલું સમજ્યો કે આ ટચૂકડો આંબો  તેમનું  કલ્પવૃક્ષ  છે અને સહુ તેને પૂજે છે. પરંતુ તે લોકો ત્યાં પહોંચી એ ફળ તોડી શકતા ન હતા. એ પડે તો ખાવાથી ઈચ્છા પૂરી થતી હશે તેમ લાગ્યું.

લાવો હું મારી માનતા માગું. 

(યુવક  ફટાફટ એક મોટો કટકો તોડીને ખાય છે અને  તે લોકોની જેમ કોઈ ખડક પર નાટકના સ્ટેજનું ચિત્ર દોરે છે.)

યુવક : ફરી હું સ્ટેજ ગજવું. સફળ થાઉં.

(હાથ જોડી) ચાલો બીજી માનતા. મને મારી રિસાઈને જતી રહેલી પ્રેમિકા  મળે એ પ્રાર્થના કરું. 

(પતંગી એનો હાથ પકડે છે. ઇશારાથી   સમજાવે છે.)

પતંગી: એક વખતે એક જ ઈચ્છા પૂરી થાય. એક માનતા માની લીધી તે જરૂર આ વૃક્ષદેવ પુરી કરશે. બીજી ફરી કયારેક.

(પતંગી ઓચિંતી કૂદકો મારી  તેની ડોકે વળગી વહાલ કરે. યુવક તેને પંપાળે. થોડી વારમાં તે જતી રહે.)

 યુવક : આ વૃક્ષ ઔષધિય ગુણો પણ ધરાવતું હશે તેમ મને લાગ્યું. તે ખાવાથી ભૂખ, તરસ પણ લાંબા વખત સુધી લાગશે નહીં.

 પણ આમ ને આમ મારે પાંખ ફફડાવતાં અહીં જ જિંદગી પુરી કરવાની? હશે. આમ તો હું મરવા જ નીકળ્યો હતો ને ? તો આ નવી દુનિયામાં જીવી લઉં.

 (સંગીત. યુવક  સ્ટેજ પર તીર મારતો, ઉડતો, ડાન્સ કરતો અને પથ્થરો એક બીજા પર ગોઠવી કઈંક બનાવતો દેખાય છે. લાકડી જેવી ચીજ વડે જમીન પર કઈંક દોરતો દેખાય છે. સાથે યુવકનો અવાજ.)

યુવક : તો હું આ  નવી દુનિયાની જિંદગી જીવવા લાગ્યો. હું તેમને ખોરાક પુરો પાડવામાં મદદ કરતો, તેમનું નિરીક્ષણ કરી નૃત્યનાં સ્ટેપ શીખતો અને મારાં કેટલાંક સ્ટેપ તેમની સામે કરતો. તેઓ હવે મારા મિત્ર બની ગયેલા. પતંગી તો મારી પાક્કી દોસ્ત બની ગયેલી છે.

(પતંગી ફરી સ્ટેજ પર આવે. યુવકનું વર્ણન ચાલુ. તે અનુસાર બન્નેનો અભિનય.)

યુવક : તે મારી પીઠ પર બેસી ઊડતી અને વહાલ ઉભરાય કે મઝા પડે તો નાનું ગલુડિયું પગ પર ચૂમે તેમ તેને જે ભાગ નજીક હોય ત્યાં ચૂમી લેતી.

(પતંગી તેને વળગીને  ચૂમે છે. તેનો હાથ પકડી આમથી તેમ દોડે છે. યુવક તેને પીઠ પાછળ ઊંચકી વહાલથી નેપથ્યમાં મૂકી પરત આવે છે.

થોડી ક્ષણો અંધકાર અને ધીમે ધીમે આછો પ્રકાશ)

યુવક : આમ ને આમ કોણ જાણે કેટલા દિવસો વીતી ગયા. પતંગિયા મનુષ્યો મારી સાથે મારી અને તેમની પાંખે  દૂર  સુધી ઉડી આવતા. અમે નાના મધપૂડા કહેવાય તેવી ચીજો લઈ આવતા. ફળોમાંથી તેઓ રસ ચૂસી ફેંકી દેતા જે તોડી હું અંદરનો માવો ખાઈ લેતો.

 તમને ખબર છે? નાનકડી લાગતી પતંગી પૂર્ણ વિકસેલી  સુંદર યુવતી હતી. તેને  મારી, આ પુરુષની પીઠ પર બેસી ઉડવું અને એ રીતે મને ચીટકી રહેવું ગમતું હતું. તે મને ટાપુ પર ફરી અવનવી જગ્યાઓ બતાવતી. લાલ, પીળી, લીલી, ગુલાબી ને એવી રંગરંગની જમીન, ક્યાંક રંગબેરંગી ઘાસ અને નાનાં મોટાં ફૂલો. અમુક ફૂલો તો પ્રકાશમાં  રીતસર ચળકતાં જાણે મોતી. મેં પતંગીને તેની માળા બનાવતાં શીખવ્યું પણ તેના પંજાઓ એટલા નાજુક હતા કે એ પરોવી શકે નહીં. મેં તેને એ કરી આપ્યું. એ બીજી સ્ત્રીઓને લઈ આવી. હું તેમને પણ એ ગૂંથી આપતો. તેમના વિચિત્ર અવાજોમાંથી હું એટલું સમજ્યો કે અહીં ઊંડી નદીમાંથી મોતીની છીપ નીકળે છે અને તેઓ રાજા દ્વારા ક્યારેક મોતી બહાર વેચી બદલામાં વસ્ત્રો અને જરૂરી સામગ્રી મેળવે છે. સાવ નજીવી કિંમતે. પૈસાનું ચલણ આ લોકોને ખ્યાલ જ નથી.

(ફરી અંધારું. સંગીત. વરસાદનો અને વીજ કડાકાઓ નો અવાજ. હવે  યુવક જે બોલે છે તેવી ચીજો પર ફોક્સ પડતું રહે.)

યુવક : અને એવી  એક મેઘલી રાત્રે મને પતંગીના જ વિચારો આવવા લાગ્યા. એ તો એના કોઈ ચળકતી સફેદ વસ્તુના બનેલા આવાસમાં સુતી હશે. 

 અહીં લોકોનાં રહેવાનાં  ઘરો એક સરખાં, મોટા ગોખલા જેવાં સફેદ ચળકતી વસ્તુના સ્તંભો અને રંગીન ઘાસનાં છાપરાં વાળાં હતાં. મારે માટે તો બહુ નાનાં. માંડ મારા ખભા જેટલી ઊંચાઈનાં

(એ સાથે સ્લાઈડ ફરે અને એવા દેખાવનાં ઘરો જેવું નેપથ્યમાં દેખાય.)

 એ સ્તંભો છીપને આકારમાં ઢાળી હોય તેવા પદાર્થના હતા. પ્રકાશ પડે એટલે તેમાંથી સાત રંગો  ઉઠતા.

(સ્લાઈડ એ મુજબ બતાવે)

હું વિહ્વળ બની ગયો. મારા એક ખાસ ઊંચાં બનાવેલાં ઘરમાંથી બહાર નીકળી હું પલળતો  પલળતો ટહેલવા લાગ્યો.  એક ગુફાના આશરે એક ખીણની ધાર નજીક હું ઉભો રહ્યો. 

(યુવક વરસદથી બચવા દોડે. જોરદાર વીજ કડાકા સાથે વરસાદનો અવાજ.) 

વરસાદ બંધ થયો. ચાંદની રાત હતી. મેં એક ખડક પર સફેદ પડદા જેવું જોયુ. આ પડદા પર કોઈ આગીયાનું  વિશાળ પ્રતિબિંબ જોયું.  આગીયાની પાછળથી પ્રકાશ આવે તો જ આ શક્ય બને. આ પ્રકાશિત સ્ત્રોત ક્યાં છે? અને આ સફેદ પડદો શાનો બનેલો છે ?

(યુવક  જે કાંઈ બોલે છે તે મુજબનાં દ્રશ્યો નેપથ્ય પર દેખાય છે. યુવક આસપાસ નજર દોડાવે છે.)

યુવક : ઓહ! એક સ્થિર સરોવર પરથી પડતા લગભગ થીજી ગયેલા ધોધની સપાટી એટલે આ ખડક પરનો પડદો. સહેજ દૂર  કેટલાક ખડકો પરથી પ્રકાશ. એ કોઈ સ્થિર જળાશય અને આસપાસ સફેદ રેતી પરથી ચંદ્રબિંબના પ્રતિબિંબને મોટું કરી આવતો હતો.

જો ચાંદનીમાંથી આટલું પ્રતિબિંબ મળી શકે તો નજીક ઘણું પ્રકાશિત તત્વ હોય જ. હા, અંધારું હોય તો  જ એ સફેદ પડદા પર પ્રતિબિંબ દેખાય પણ દિવસે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ન દેખાય. ચાલો તો આ સફેદ પ્રકાશમાં જ પતંગીના પિતા સાથે થયેલ કાળાં કામનું રહસ્ય છે.

(યુવક આગળ વધે. તેના સંવાદ સાથે ફોક્સ બદલાય.)

યુવક : હું આગળ વધ્યો.  સફેદ રેતી આટલું સ્પષ્ટ પ્રતિબિંબ આપી શકે નહીં. ચોક્કસ અહીં અરીસાને ઢોળ ચડાવવામાં વપરાતી ચાંદી હોય. તો જ અરીસાની જેમ પ્રતિબિંબ પડે.

મેં એ ચળકતા ખડકો નજીક જવા પ્રયત્ન કર્યો. જ્યાંથી હું આવેલો એ ધોધ નીચે તરફ  જોતાં એકદમ નાનો દેખાતો હતો. મેં  પોતાની પાસે રહેલ બે ચકમકના પથ્થરો અથડાવી અગ્નિ પ્રગટાવ્યો.

 (ચકમક ઘસી  અગ્નિ પ્રગટાવે) 

યુવક: પ્રકાશ રેલાયો અને ખડકો પર પ્રતિબિંબ ઝીલાતાં એકદમ અજવાળું થયું. 

પતંગી : (નીચેથી કૂદતી, ઊડતી આવે છે) તું સલામત છો ને !  આ અગ્નિ જોઈ હું તો ગભરાઈ ગઈ.  

ખીણ નીચે દેખાતા ધોધ તરફ  જુઓ.

(આંગળી કરી) મારા પિતાને આ રસ્તે ઢસડીને, કેદ કરીને લઈ જવામાં આવેલા. ત્યાં દેખાય એ ચળકતી ધાતુ માટે ઇજારો મેળવવા.  પિતાએ ના પાડી. તે મનુષ્યોએ પિતા સાથે લડાઈ કરી તેમને મારી નાખી ધોધ પાસે ફેંકી દીધેલા જેની કરોડ સાથે જોડાયેલ પાંખો તને મળેલી.

યુવક : (પતંગીને) "આ ચમક ખડકમાં રહેલ ચાંદીના કણોની છે. તમારી નાની  એવી ખીણમાં મબલખ ચાંદી અને આ જળાશયમાં અદભુત મોતી મળે છે. બહાર એનું કેટલું ધન આવે, ખબર છે?

પતંગી : આ..ટલું બધું. (બે હાથ પહોળા કરી પાછળ તરફ ઝૂકે)

યુવક: મારા પહેલાં બીજા કોઈ આ ખીણમાં  આવેલા?

પતંગી: હા. (હાથથી મોટાનો ઈશારો કરે.) આવડા મોટ્ટા..

 એમણે (ઘરો તરફ હાથ કરતાં) અમને બધાને આટલું બધું  રહેવા, પહેરવા આપ્યું. એ આ ખડક પર રહી અમને કાઢવાના હતા. (હાથ ઉપર કરતાં)  પિતાજીએ વિરોધ કર્યો. અમારી પાસે બાણ હતાં પણ તેઓ પિતાજીને  બાંધીને (બાંધવાનો અભિનય કરે) લઈ ગયા. (ડૂસકાં. રુદન. યુવક તેને આગોશમાં લઈ થાબડે છે. શાંત કરવા પંપાળે છે.)

યુવક : ચાલો તેમને શોધીએ. તારા પિતાને પણ. સવાર થવામાં છે. જલ્દી કરીએ.

(યુવક તેનું પાંખવાળું વસ્ત્ર ધારણ કરી ઉડવા પાંખ ફફડાવે છે.)

પતંગી : આમ તો ખૂબ વાર લાગે. જુઓ, હું કેવી રીતે ઊંડું છું. 

(પતંગી  પોતાની પાંખો ચાલુ કરવા ફફડાવે. તે થોડી નીચી ઝૂકી પગો જોશભેર જમીન સાથે ઘસે છે. દોડવાની તૈયારી કરે છે.) 

યુવક : હું દોડ્યો. પણ તે પહેલાં પતંગી પોતાના પગ કૂતરાની જેમ ધૂળમાં ઘસી જલ્દીથી દોડતી ઉડી ચુકેલી. હવે હું સમજ્યો. પેલા ભ્રમર માનવો કેમ પગ ઘસતા હતા. એમ કરી તેઓ ઉડવા માટે પાંખોમાં હવા ભરતા હતા અને રેસ દોડવા પહેલાં પગ તૈયાર કરીએ તેમ તૈયારી કરતા હતા. 

(યુવક પણ એમ કરે અને પતંગી સાથે ઉડવાનો અભિનય કરે.) 

યુવક : પ્રભાતનાં મૃદુ કિરણો ધોધ પર પડતાં હતાં.  અમે બન્ને ધોધ પસાર કરી બહાર પેલા અણીદાર ખડક પાસે આવ્યાં.

(અંધકાર. ધીમે ધીમે પ્રકાશ. બન્ને નીચે ઝૂકી દોડતાં અને ધીમેથી થોભતાં દેખાય.)

યુવક : બસ. અહીં આટલામાં જ..

પતંગી : ઓહ.. આ રહ્યા.. 

(રડવા લાગે. તુરત સ્વસ્થ થાય.)

 (યુવકને) તો આ રહ્યો મારા  પિતાનો દેહ. આ મોટાં પાંદડાઓ ઉપર પડેલો. અહીંનું પાણી ઔષધિ વાળું છે. તેઓ હજુ જીવતા લાગે છે. 

(નજીક જાય)

યુવક : જો. તેઓ ઊંધા પડેલા વાંદાની પેઠે ચત્તા થવા પ્રયત્ન કરે છે.  હજુ જીવે છે.

(પતંગી તેના પિતાને અલ્ટ્રાસાઉન્ડમાં કઈંક સમજાવે છે. હળવેથી બન્ને તેને ઉભા કરે છે.)

પિતા : આભાર. મને મારી નાખવા પ્રયત્ન થયેલો. હું ઘાયલ થયો પણ બચી ગયો. તમે મારી જિંદગી બચાવી. હું અમારા અને તમારા બેય અવાજમાં બોલી શકું છું. હવે હું જઈશ કેવી રીતે?

યુવક : તમને ઉડવા તમારૂં જ સાધન આપી દઉં. હું ચાલ્યો જાઉં આવ્યો ત્યાંથી.

પતંગી : તેઓ ખૂબ અશક્ત છે. ઉડી શકશે નહીં.  તમે તે રાખો અને..(એક વડવાઈ જેવી ચીજ ખેંચીને તોડતાં) એમને તમારી પીઠ પર બાંધીને લઈ આવો.

(પિતા યુવકને ટેકે ઉભો થાય છે. તે પ્રભાવશાળી,  નાનો અને સુદૃઢ બાંધાનો છે. તે આભારથી યુવક સામે જુએ છે. પતંગી તેને વળગી પડે છે. તે તેના મોં પર હળવેથી હાથ ફેરવે છે.)

 

યુવક : તો પછી  ચાલો જઈએ તમારા દેશમાં પાછા. 

(તેઓ પિતાને યુવકની પાંખ પર બાંધી ફરી ઉડે છે.

ફરી અંધકાર. પ્રકાશ સાથે પક્ષીઓના અવાજો. તેઓ ખીણમાં ઉતરી  ઉભે છે. પિતાને યુવક તેમનું સાધન અને પાંખો પરત કરે છે. પિતાને પતંગી નદીનું પાણી પાંખમાં લાવી દે છે. 

પિતા ઉભા થઈ  એના અલ્ટ્રાસાઉન્ડ  અવાજથી એ પતંગ માનવોને એકઠા કરવા હાકલ કરે છે. સહુ એકઠાં થાય છે. તેઓ નમસ્કાર કરી  પિતાને વધાવે છે. એ તેમના રાજા હોઈ આશીર્વાદ આપે છે.)

યુવક : (પ્રેક્ષકોને) હવે રાત પડે એટલે  અગ્નિ પ્રગટાવી તે મનુષ્યોને હું પોતે પતંગિયાં કે ફુદા કરે તેવું નૃત્ય કરાવતો.  તેમની પાસેથી નૃત્ય શીખતો અને વ્યવસ્થિત તાલબદ્ધ  નાચતાં તેમને શીખવતો. તેમના ઘણા લોકો તાલીમથી આપણો અવાજ પણ કાઢી શકતા. નૃત્યમાં તેઓના અંગમરોડ અને તાલ બેજોડ, કલ્પના બહારના હતા. (વચ્ચે વચ્ચે કહે તે મુજબ અભિનય કરતો જાય)

મારે માટે સુતેલું ભાગ્ય જગાવવાની તક હતી.

તેમની સાથે એક ડાન્સ શો કર્યો હોય તો ?

થોડા વખત પછી હું  સહુને પતંગી અને તેના પિતા દ્વારા સમજાવી ધોધને પેલે પાર પર્વત પાસે લઈ આવ્યો. 

બસ અહીં જ તેમને રાખી હું શો ના આયોજક પાસે ગયો.

(યુવક અને ખંધો દેખાતો આયોજક  સ્ટેજ પર.)

યુવક : સર, ઉડતા માનવોનું નૃત્ય ખાસ શોમાં ગોઠવીએ તો?

આયોજક : પહેલાં તો એ કહે તું ક્યાં મરી ગયેલો. આવી  ભેજાગેપ વાત કરી મને બનાવ નહીં.

યુવક : હું દાવાથી કહું છું કે હું નાનકડા અને ઉડતા હોય તેમ કૂદતા માણસો સાથે સ્ટેજ પર નૃત્ય કરીશ. જોજો. આ શો ખૂબ કમાણી કરવી આપશે.

આયોજક : ટાઢા પહોરનું ગપ્પું  લગાવે છે. મારા પૈસા ડૂબી જ જાય.

યુવક : મારી ગેરંટી. આવો શો ક્યારેય નહીં થયો હોય. ખોટ જાય તો ગમે તેમ કરી અર્ધી હું ભોગવીશ. પણ નફો પણ મારો.

આયોજક : તારી પાસે તો દમડી પણ નથી. સારૂં. આપણી ભાગીદારી. શો ફેઈલ જાય તો તારા માબાપ પાસેથી વસુલ કરીશ. તારૂં ઘર વેંચી દઈશ.

 યુવક : થેન્ક યુ. એવો વખત આવશે જ નહીં. આ તો હું પણ રાતોરાત ધનવાન બની જઈશ..

 આયોજક : (ફોન લગાવતાં) હેલો, ગ્લેમર પબ્લિસિટી? બોર્ડ મારો. શેરીઓને ખૂણે. ચોરે ને ચોંટે-  "ક્યારેય જોયો ન હોય તેવો શો. ઉડતા માનવો સાથે નૃત્ય. "

(યુવકને) 500 લોકોની કેપેસિટી વાળો હોલ બુક કરું?

 યુવક : ના. આખું સ્ટેડિયમ. જાહેરાત સાચે જ મોટે પાયે કરશું.

 આયોજક : ઓત્તારી. આ તો .. ખરું કરાવે છે !

(લાઈટ ફેડ. ફરી પ્રકાશ.)

યુવક : આખરે ખૂબ જાહેરાતો બાદ એ દિવસ આવી પહોંચ્યો. હું હવે સાચવીને, છુપાવીને પતંગમનુષ્યોને માનવવસ્તી વચ્ચે શહેરમાં લાવ્યો. જો કે તેમને એ ઓડિટોરિયમના બાગમાં છુપાવી રાખ્યા.

નિર્ધારેલ સમયે શો શરૂ થયો. મોટો ધમાકો અને  કોઈએ ક્યારેય ન જોયું હોય તેવા નૃત્યની જાહેરાત.

(શો ની ઝલક. ભપકાદાર સ્ટેજ. ધડાકો.

પતંગમાનવોની પ્રચંડ ચિચિયારીઓ સાથે એન્ટ્રી..

સ્ટેજ પર મોટો સફેદ પડદો,  સામે અરીસો અને  પ્રોજેક્ટરનો પ્રકાશ. વચ્ચે પતંગમનુષ્યો  નૃત્ય કરે છે.)

સહુ કોરસમાં : 

મેં તો દીઠું પતંગિયાં નું ટોળું

               ઢોળાયુ જાણે રંગ કચોળું.. 

               રંગ કચોળુ.

               ફૂલડાંના રંગ જાણે 

              ઓઢયા એણે અંગ અંગ

               પાંખોમાં પથરાયો 

                પ્રાણનો નવો ઉમંગ.

(પતંગ મનુષ્યો ગોળ ઘૂમે. અવાજ પડઘાય.)

"પ્રાણનો નવો ઉમંગ..પ્રાણનો નવો ઉમંગ.."

"મેં તો દીઠા માનવોને ઉડતા,

 રંગ પહેરી રહેતા

વાયુ સાથે વહેતા.. 

કુદરતના ચહેતા..

ઢોળાયું જાણે રંગ કચોળું.. 

(પડઘા) 

રંગ કચોળું.."

( વાદ્યોનો તાલ. લોકોની તાળીઓ.

લેસર લાઇટની ઇફેક્ટ.    

યુવક પતંગીને  ઊંચકી ગોળ ફેરવે તો પતંગી એક દોરડી પકડાવી યુવકને  ગોળ ગોળ ફેરવે. બન્ને વચ્ચે આવી નૃત્ય કરે.)

લેસરથી  નાચતા ગ્રહોનું ચિત્ર.

યુવક : પ્રેક્ષક મિત્રો, સમસ્ત પ્રકૃતિ નૃત્ય કરે છે. સૂર્ય ફરતે પૃથ્વી, પૃથ્વી ફરતે ચંદ્ર, સરિતાનું કલકલ, પક્ષીઓનું ચહેકવું અને પવનના સુસવાટા કે દરિયાનો ઘૂઘવાટ એ બધું એક નાચ સાથે પ્રકૃતિનું ગાન છે. આવો હવે એવું એક નૃત્ય, એક બીજા ફરતે ગોળ ફેરફુદરડીનું જોઈએ..

(તાળીઓ. સીટીઓનો અવાજ.

ફરી એકલા યુવક પર સ્પોટ.)

યુવક: શો ને અદભુત પ્રતિસાદ મળ્યો. બીજા શો થયા.

અખબારમાં નવી જ જાતના શોની ખબર વાંચી તેની  ટિકિટ માટે પડાપડી થઈ. ગઈકાલનો ભિખારી હું માલામાલ થઈ ગયો. 

આવો જ એક શો પૂરો થતાં..

(પ્રેમિકા દોડતી સ્ટેજ પર આવે છે. )

પ્રેમિકા : ઓહ. તેં તો જબરી સફળતા મેળવી! 

યુવક : હા. અને આ ભવમાં જ.

પ્રેમિકા : ખાસ તને  મળવા આવી. તારી હજી રાહ જોઉં છું.

યુવક : પણ તું મને છોડી ગયેલી. નાચગાન તારું પેટ નહીં ભરી શકે એમ કહીને. તો જેણે આ પેટ ભરી મને જીવાડ્યો છે એને જ હું મારી સાથી બનાવી જીવનનું નૃત્ય કરીશ.

(પતંગી યુવકની નજીક જઈ તેનો હાથ પકડે.)

અલ્ટ્રા સાઉન્ડ સાથે તેના સાથીઓને  કઈંક કહે.  હવે ચીસો અને સીટીઓથી વાત.

પતંગી : ખૂબ ઈચ્છા હોવા છતાં  હું તમને પોતાના કરી શકું એમ નથી. જાણો છો? મારું અને અમારા સહુનું આયુષ્ય માનવોની સરખામણીએ એક પતંગિયાં જેટલું જ હોય છે.

તમે અમારા પતંગ માનવોને ખાનગી જગ્યાએ રાખી શો તો કર્યા પણ આખરે  અમારે પાછા જવું જ પડશે. ઈચ્છા  હોય તો પણ હું કેટલો વખત તમારી? અમારૂં આયુષ્ય પણ એક ઋતુ પૂરતું જ હોય છે. 

 અમારી જિંદગી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પુરી થાય છે. એટલા સમયમાં જ અમે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા પણ ભોગવી લઈએ છીએ. આથી જ,  હું તમને ચાહતી  હોવા છતાં  (શરમાઈને) હવે તમને છોડીને જવું પડશે. નહીંતો પિતાજીનો જીવ બચાવવા બદલ તમને તેઓ  અમારા રાજા પણ બનાવત. તમે આમને અપનાવી લો.

(પતંગમાનવો અંદર જાય છે. યુવક અને પતંગી અત્યંત ગમગીન દેખાય છે.

યુવક : આખરે ખૂબ ભારે હૃદયે  એક રાત્રે તેઓને એ જ રીતે કોઈ જુએ નહીં તેમ  છુપાઈ ઉડતાંઉડતાં ખીણના રસ્તે ધોધ ઓળંગાવી મેં રવાના કર્યાં.

સાચા મનુષ્યોએ ઉડીને નહીં તો કૂદીને અગાઉ રજુ થયેલાં એવાં નાચગાન કરતાં મારી પાસેથી શીખ્યું અને તેમની સાથે નવા શો  કરી તે દ્વારા હું  ખૂબ કમાયો.

 ક્યારેક હું ધોધ પાસે જઈ મેં હવે શીખેલ અલ્ટ્રા સાઉન્ડથી હયાત પેઢીના પતંગ માનવોને બોલાવું છું જેની કોઈને ખબર પડવા દેતો નથી.

(સંગીત. ધીમે ધીમે પ્રકાશ ઝાંખો અને ફરી પૂર્વવત)

 એમ કેટલાંક વરસો વીતી ગયાં.

પ્રેમીકાનો અવાજ: હવે  જાઓ જાઓ. તમે બહુ હવામાં ઊંડો છો.

યુવક : મારી શ્રીમતીજી, તને ક્યાં ખબર છે કે હું સાચે જ હવામાં ઉડી શકું છું અને ઉડયો પણ છું ! 

(પ્રેક્ષકોને) એ પતંગ માનવોની સૃષ્ટિ  વિશે હું કહું તો પણ કોઈ માનતું નથી.

હું જીવનના દરેક સારા માઠા પ્રસંગોને પ્રકૃતિનું નાચગાન ગણું છું. ખુદ શિવજીએ પણ તાંડવનૃત્ય કરીને જ સૃષ્ટિ રચી  હતી ને!

(ગોળ ફરતો નૃત્ય કરે)

મેં તો  દીઠું  પતંગિયાનું  ટોળું

ઢોળાયું જાણે રંગ કચોળું.."

 (નૃત્ય કરે છે. નૃત્ય સાથે જ પડદો પડે છે.)

- સુનીલ અંજારીયા