હવે બાર સાયન્સની પરીક્ષા ચાલુ થઇ ગઇ હતી. પ્રિયાંશી શાંતિથી પરીક્ષા આપી રહી હતી. તેના પેપર્સ પણ બધા ખૂબ સરસ જતા હતા. આમ કરતાં કરતાં પરીક્ષા પૂર્ણ પણ થઇ ગઇ. વેકેશન પડે એટલે પ્રિયાંશીને મામાના ઘરે જવું હોય, ત્યાં તેના જેવી તેનાથી મોટી બે દીકરીઓ છે એકનું નામ મેઘા અને બીજીનું નામ નિશા એ બંનેને પણ પ્રિયાંશી સાથે ખૂબ ફાવે, એ બંનેના કરતાં પણ પ્રિયાંશી ખૂબ દેખાવડી હતી. મામા-મામીને પણ પ્રિયાંશી ખૂબ વ્હાલી... પ્રિયાંશીએ માયાબેનને કહીને મામા ને ફોન કરી દીધો કે મને આવી ને લઇ જાવ. મામા ગામડે રહેતાં હતાં ત્યાં તેમને કરિયાણાની નાની દુકાન હતી. પૈસે ટકે બહુ સુખી ન હતા. પણ ખર્ચા-પાણી નીકળી જાય. બંને દીકરીઓ મોટી થઇ ગઇ હતી તેમને પરણાવવાનું ખૂબ ટેન્સન તેમને રહ્યા કરતું પણ તેમના પત્ની વિભા બેન સ્વભાવે ખૂબજ શાંત હતા. તે કહ્યા કરતા કે આપણી બંને દીકરીઓ દેખાવડી છે તેમને સરસ જ છોકરાઓ મળશે તમે ચિંતા ન કરશો અને પ્રિયાંશીના મામા મુકેશભાઈને થોડી શાંતિ લાગતી. જેને બે દીકરીઓ પરણાવવાની હોય તેને જ ખબર પડે..!મુકેશભાઈને દુકાન માટે સામાન લેવા અવાર નવાર શહેરમાં આવવાનું થતું એટલે એ જ્યારે આવે ત્યારે માયાબેનના ઘરે આવીને બહેન ભાણિયાઓની ખબર લઇને જતા. પ્રિયાંશીએ બોલાવ્યા એટલે મુકેશભાઈ બેનના ઘરે આવીને પ્રિયાંશીને લઇ ગયા. પ્રિયાંશીના ઘરમાં આવતાં જ મામી અને મામાની બંને દીકરીઓ ખૂબ ખુશ થઇ ગયા. જાણે બધા પ્રિયાંશીની રાહ જ જોઈને બેઠા હતા. પ્રિયાંશીને પણ આ બંને બહેનો સાથે ઘણી બધી વાતો કરવી હોય તેથી વેકેશન ક્યાં પૂરું થઇ જાય તેની ખબર પડતી નહિ. વેકેશન પૂરું થવા આવે તે પહેલાં પ્રિયાંશી ઘરે આવી ગઇ હતી તેણે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હતું. હવે એડમિશન માટે રાહ જોવાની હતી. તેણે ધાર્યા હતા તેના કરતાં તેના ટકા ઓછા આવ્યા હતા એટલે એ થોડી દુઃખી હતી તેને ડર હતો કે હવે મને નજીકની કોલેજમાં એડમિશન નહિ મળે. અને થયું પણ એવું જ તેને મેડિકલમાં એડમિશન તો મળી ગયું પણ દૂરની કોલેજમાં મળ્યું. તે દુઃખી થઈને માયા બેનને કહેવા લાગી, "મમ્મી થોડા ટકા માટે હું રહી ગઇ હવે મારે અપ-ડાઉન કરવું પડશે. બે ટકા વધારે આવ્યા હોત તો સારું હતું."માયાબેન તેને સમજાવીને કહેતા, "કંઇ વાંધો નહીં બેટા, તે ખૂબજ મહેનત કરી હતી. દૂર તો દૂર મેડિકલમાં એડમિશન મળ્યું એટલે બસ બેટા.."અને પ્રિયાંશી શાંત થઈ જતી અને મનમાં વિચારતી કે, "હાંશ, મારી લાઈફનો ગોલ તો પૂરો થશે.."કોલેજમાં ફી ભરવાની આવી એટલે હસમુખભાઇએ માયાબેનને પૂછ્યું, "હું ઓફિસમાંથી પૈસા ઉપાડી લઉંને ?" પછી પગારમાંથી થોડા થોડા કરી ને કપાઈ જશે. મેં શેઠને વાત કરી ને રાખી છે. માયાબેને તેમને ના પાડતા કહ્યું કે, "મેં થોડા થોડા પૈસા ભેગા કરીને એક એફ ડી કરી છે. તે ઉપાડી લઇએ એટલે પ્રિયાંશીની ફી ભરાઇ જશે." માયાબેને પોતાની એફ ડી ઉપાડી લીધી અને પ્રિયાંશીની ફી ભરી લીધી. હવે કોલેજ રેગ્યુલર શરૂ થઇ ગઇ હતી. પ્રિયાંશી હવે પહેલા કરતાં વધારે સુંદર દેખાતી હતી. જેમ જેમ તે કિશોરાવસ્થામાંથી યૌવનવસ્થામાં પ્રવેશતી જતી હતી તેમ તેમ તેનું રૂપ જાણે સોળે કળાએ ખીલતું જતું હતું. તે સમજણી અને ડાહી પણ ખૂબ જ હતી. જે કલરનું કપડુ પહેરે તે તેના પર દીપી ઉઠે એવી તે દેખાતી હતી. જો તેને અડીએ તો તેના શરીર ઉપર ડાઘ પડી જાય એટલી બધી તે રૂપાળી...!!હસમુખભાઈને પોતાની પ્રાણથી પણ પ્યારી... રૂપ રૂપની અંબાર એવી પ્રિયાંશીને દૂર કોલેજમાં મોકલવી બિલકુલ ગમતું ન હતું પણ બીજો કોઇ રસ્તો પણ નહોતો તેથી તે પોતાની દીકરી પ્રિયાંશીને રોજ સમજાવ્યા કરતાં હતાં કે, "જો બેટા આપણે સીધા જવાનું અને સીધા આવવાનું, કોઈની સાથે બહુ માથાકૂટ નહિ કરવાની અને ત્યાંથી બસમાં બેસતાં પહેલાં જ મને ફોન કરી દેવાનો એટલે હું તને લેવા માટે આવી જઇશ. હસમુખભાઈ તેને રોજ બસ-સ્ટેન્ડ ઉપર મૂકી આવતા અને લઇ આવતા. પ્રિયાંશીને એક મોબાઇલ ફોન આપી રાખ્યો હતો.. એટલે તેની સાથે કોન્ટેક્ટ થઇ શકે.પ્રિયાંશી ખૂબજ ધ્યાનથી ભણતી હતી. તે પોતાની મમ્મી માયાબેનનું અને પિતા હસમુખભાઈનું સ્વપ્ન સાકાર કરવા ઇચ્છતી હતી. હસમુખભાઈ અને માયાબેન પણ દીકરી ડૉક્ટર બની રહી છે તેથી ખૂબ આનંદમાં રહેતાં હતાં. હવે હસમુખભાઈથી ઓવરટાઈમ થતો ન હતો એક દિવસ અચાનક જ હસમુખભાઈ ફેક્ટરીમાં કામ કરતા કરતા પડી ગયા. ફેક્ટરીમાંથી ફોન આવ્યો એટલે માયાબેન અને દિકરો રાજન હસમુખભાઈને લઇને સીધા હોસ્પિટલમાં પહોંચી ગયા. ત્યાં તેમનું બોડી ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે તેમનું બી પી ખૂબ હાઇ રહે છે અને તેમને કોલેસ્ટ્રોલ પણ છે. ડૉક્ટરે દવા ચાલુ કરી દીધી હતી પણ માયાબેને હવે તેમને ઓવરટાઈમ કરાવવાનું બંધ કરાવી દીધું હતું. તેથી ઘરમાં પૈસાની પણ તકલીફ પડવા લાગી હતી. પરંતુ પ્રિયાંશી એમ પોતાના માતા પિતાને બિલકુલ તકલીફ પડવા દે તેમ નહોતી તે ખૂબજ હોંશિયાર હતી. તેણે ઘરે ટ્યૂશન કરવાના ચાલુ કરી દીધા હતા અને પોતાના ભણવામાંથી થોડો સમય કાઢીને આજુબાજુના છોકરાઓને ભણાવી લેતી હતી અને પોતાની કોલેજની ફી પણ કાઢી લેતી હતી... પ્રિયાંશીના ક્લાસમાં મિલાપ નામનો એક છોકરો ભણતો હતો. પોણા છ ફૂટ ઉંચો અને દેખાવમાં એકદમ રૂપાળો, બોડીમાં પણ હેલ્ધી એવો હેન્ડસમ હતો. તેને પ્રિયાંશી ખૂબ ગમતી હતી. ઘણી બધી છોકરીઓ તેની પાછળ હતી. પણ તેને તો બસ પ્રિયાંશીમાં જ રસ હતો. તેને પ્રિયાંશીને કહેવું હતું કે એ તેને ખૂબ પસંદ કરે છે પણ કંઇ મેળ પડતો નહોતો. બસ તે મનમાં ને મનમાં વિચાર્યા કરતો હતો કે મારા દિલની વાત પ્રિયાંશીને કઈ રીતે જણાવું...?તો જોઈએ આગળના ભાગમાં મિલાપ પ્રિયાંશીને પોતાના દિલની વાત જણાવવા માટે શું ઉપાય કરે છે..~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 29/12/25