Sat samandar Par - 5 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | સાત સમંદર પાર - ભાગ 5

Featured Books
  • यशस्विनी - 36

    देह का आकर्षणप्रज्ञा ने विवेक की बातें फोन पर सुन ली थीं।प्र...

  • संसार एक ठिकाना

    नया हिंदी गीत: “संसार एक ठिकाना” मुखड़ा (कोरस):संसार एक ठिका...

  • काल भैरवी

    रेखा की नजर माहिरा की कलाई पर जमी रह गई. वो निशान अब साफ दिख...

  • त्रिशा... - 27

    कल्पना और कल्पेश सिंह भदौरिया कि एकलौती बेटी त्रिशा की शादी...

  • अन्तर्निहित - 31

    [31]सोनिया और राहुल ने मीरा घटना के सभी कागजों, फ़ाइलों, चित्...

Categories
Share

સાત સમંદર પાર - ભાગ 5

માછલી જેમ પાણી વગર તરફડે તેમ પ્રિયાંશીને મેળવવા માટે તરફડી રહેલો મિલાપ અવારનવાર પ્રયત્ન કરતો રહ્યો કે પ્રિયાંશી પોતાની તરફ ઢળે પરંતુ પ્રિયાંશીના જીવનનો ગોલ કંઈક અલગ જ હતો...

સમય પસાર થયે જતો હતો, હવે પ્રિયાંશીની અને મિલાપની બંનેની ફાઈનલ એક્ઝામ નજીક આવી રહી હતી તેથી બંને જણાં તેની તૈયારીમાં પડી ગયા હતા...પ્રિયાંશીના ઘરમાં પ્રિયાંશીનો વાંચવાનો રૂમ અલગ જ હતો. બસ,પ્રિયાંશી અને તેની હાથમાં પણ ન સમાય તેવી જાડી જાડી ચોપડીઓ... તેને તો જાણે બીજું કંઈ જ સૂઝતું નહોતું...

પ્રિયાંશી પોતાના ભાઈ રાજનને પણ અપાર પ્રેમ કરતી હતી રાજન પણ પોતાની બેનનો પડ્યો બોલ ઝીલી લેતો હતો તે પણ પોતાની બેન પ્રિયાંશીને ખૂબજ પ્રેમ કરતો હતો પરંતુ તે બંને જો એક બીજાને ખીજવે નહિ અને ઝઘડે નહીં તો તેમનો દિવસ પૂરો થાય નહીં અને તેમનું ખાધેલું પણ પચે નહીં...!

માયાબેન રાજનને ટોકતા રહેતા કે પ્રિયાંશી હવે મોટી થઈ ગઈ છે તેની સાથે આમ ઝઘડો ન કર્યા કર તે હવે નાની નથી રહી તે ભણીગણીને ડોક્ટર બની જશે એટલે આપણે તેના હાથ પીળા કરી દેવા પડશે અને તેને પારકે ઘરે વળાવી દેવી પડશે તે હવે થોડો સમય જ આપણી સાથે છે પછી આપણને છોડીને સાસરે ચાલી જશે, તે પારકી થઈ જશે માટે મહેરબાની કરીને તું તેની સાથે ઝઘડો કરીશ નહીં. 

માયાબેન જ્યારે આવું કહેતા ત્યારે પ્રિયાંશીને ખૂબજ ખોટું લાગતું હતું અને તે કહેતી કે, "હું પારકી કેમ થઈ જઈશ મમ્મી? હું તમારી દીકરી છું, મને તમે પારકી બનાવી દેશો? અને હા, હું સાસરે-બાસરે ક્યાંય જવાની નથી. હું લગ્ન જ કરવાની નથી હું હંમેશા તમારી લોકોની સાથે જ રહેવાની છું. તે અને પપ્પાએ મને કેટલી મહેનત કરીને કેટલા બધા પૈસાનો ખર્ચ કરીને ડૉક્ટર બનાવી છે. પહેલા મને એટલા પૈસા કમાઈને તમને પાછા તો આપી દેવા દે પછી બીજી બધી વાત."

ત્યારે માયાબેન પ્રિયાંશીને સમજાવીને કહેતા કે, "જો બેટા અમારાથી તારા પૈસા ન લેવાય દીકરીના પૈસા ન લેવાય અને તું દીકરી છે એટલે તને પારકા ઘરે તો મોકલવી જ પડે ને? બાકી તું અમને અમારા જીવ કરતાં પણ વધારે વ્હાલી છે, દુનિયાનો દસ્તુર છે બેટા કે, દીકરી તો પારકી થાપણ જ કહેવાય... અમે તેમાં શું કરીએ બેટા..?" અને માયાબેનને પણ પોતાના પ્રાણથી પણ પ્યારી પોતાની પ્રિયાંશીને પોતાનાથી અળગી ન કરવી હોય તેમ દયામણે ચહેરે એક ઊંડો નિસાસો નાંખતા..

માયાબેનના આવા હ્રદય દ્રાવક  શબ્દોથી પ્રિયાંશીની આંખમાં આંસુ આવી જતાં અને તે રડી પડતી અને મમ્મી માયાબેનને ભેટી પડતી. અને બોલતી, "મમ્મી, હું તમને છોડીને ક્યાંય નથી જવાની... પ્લીઝ તમે આવી બધી વાતો ઘરમાં ન કર્યા કરો.."

માયાબેન હસીને કહેતા, "સારું સારું બસ, અત્યારે તો નથી જવાનું ને તારે સાસરે ? અત્યારે તું કેમ રડે છે, મારી ગાંડી દીકરી?" અને બંને જણા હસી પડતાં.

આ બાજુ મિલાપ વિચાર્યા કરતો હતો કે પ્રિયાંશીની આગળ તે પોતાના પ્રેમનો એકરાર કઈ રીતે કરે..?

પ્રિયાંશી બસમાં અપડાઉન કરતી હતી, એક દિવસ કોલેજથી છૂટ્યા પછી બસમાં જવા માટે તે એકલી જ હતી, એ દિવસે તેની કોઈ ફ્રેન્ડ તેની સાથે નહોતી. તો મિલાપ મોકો જોઈને તેની પાછળ પાછળ તેની જ બસમાં ચડ્યો અને પ્રિયાંશીની બાજુની સીટમાં ગોઠવાઈ ગયો..

પ્રિયાંશીને નવાઈ લાગી કે, "ઘણી બધી સીટો ખાલી છે તો પણ આ મારી બાજુમાં આવીને કેમ બેસી ગયો..? અને એ તો બાઈક લઈને આવે છે, તો પછી બસમાં...કેમ આજે નહિ લાવ્યો હોય બાઈક કે શું ??"

થોડી વાર માટે આ વાતને લઈને પ્રિયાંશીના મનમાં ગડમથલ ચાલી રહી હતી તે વિચારી રહી હતી કે આ વાત હું મિલાપને પૂછું કે નહીં પરંતુ છેવટે તેનાથી ન જ રહેવાયું અને તેણે મિલાપને પૂછી જ લીધું કે, "કેમ, મિલાપ આજે તું બાઈક લઈને નથી આવ્યો કે શું?"

પ્રિયાંશીના મુખેથી પોતાનું નામ સાંભળતાં જ મિલાપનો ચહેરો જાણે ખીલી ઉઠ્યો હતો (તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે હવે આને શું કહું.. સાચું કહું કે ગપ્પું મારું.. પરંતુ એટ આ મોમેન્ટ તેને થયું કે, "ના ના મારે પ્રિયાંશીની આગળ ખોટું નથી બોલવું અને તેણે પ્રિયાંશીની સામે જોયું અને હસીને જવાબ આપ્યો કે, "બાઈક તો હું લઈને જ આવ્યો હતો. પણ કોલેજ કેમ્પસમાં જ મૂકી દીધું છે."

પ્રિયાંશી પાછી મનમાં જ બબડી કે, "બાઈક લઈને આવ્યો છે તો પછી..?"

મિલાપ પ્રિયાંશીના મનમાં ચાલતી ગડમથલ સમજી ગયો હતો.. પરંતુ તેની સાથે વાતો કરે તેમાં જ તેને તો રસ હતો તેથી પ્રિયાંશી આગળ બીજો પ્રશ્ન પૂછે તેની રાહ જોતો તે બસની બારીમાંથી બહાર જોવા લાગ્યો...

એક મિનિટ પછી પ્રિયાંશીએ પાછો પ્રશ્ન કર્યો, કેમ બગડ્યું છે તારું બાઇક?"

મિલાપ ફરીથી વિચારમાં પડી ગયો કે હવે શું જવાબ આપું. પરંતુ તેણે નક્કી જ કર્યું હતું કે મારે પ્રિયાંશીને સાચો જ જવાબ આપવાનો છે એટલે તેણે આ વખતે પ્રિયાંશીની આંખમાં આંખ મિલાવી અને તે બોલ્યો કે, "ના બસ એમજ આજે બસમાં આવવાનું મન થયું." તે આગળ બોલવા જતો હતો કે "તારી સાથે" પણ તેને ખબર હતી કે પ્રિયાંશીને નહીં ગમે એટલે તે ચૂપ રહ્યો.

પ્રિયાંશી આજે પીંક કલરના ડ્રેસમાં બેહદ સુંદર લાગી રહી હતી. તે રૂપાળી તો એટલી હતી કે બે મિનિટ તડકામાં ઉભી રહે તો પણ તેના ગાલ ઉપર લાલી પથરાઈ જાય. તેની બોલવાની અને વાત કરવાની છટા બધાથી કંઈક અલગ જ હતી... તેની બોલવાની ઢબ અને કોઈની સાથે વાત કરવાનો અંદાજ કંઈક અલગ જ હતાં.પતલી કમર અને ખૂબજ નાજુક અને નમણી દેખાતી તે બધી રીતે એકદમ પરફેક્ટ હતી... તે કોઇપણ છોકરાને ગમી જાય તેવી હતી... ભલ ભલા છોકરાઓ તેને જોઈને પાણી પાણી થઈ જતા હતા...પરંતુ મિલાપ તો તેની પાછળ ફીદા થઈ ગયો હતો.

થોડી વાર વાત કર્યા પછી મિલાપને જે તેની બીક હતી કે પ્રિયાંશી મારી સાથે વાત જ નહીં કરે તે દૂર થઈ ગઈ એટલે તેણે ધીમે રહીને પ્રિયાંશી સાથે આગળ વધારે વાત કરવાની શરૂઆત કરી, " પ્રિયાંશી, તું એમ.બી.બી.એસ. પછી આગળ શું કરવાનું વિચારે છે?"

આ સવાલ પ્રિયાંશીને જાણે ગમતો સવાલ મિલાપે પૂછી લીધો હતો એટલે તે થોડી ખુશ થઈ ગઈ અને બોલી,"બસ, કોઈ સારી હોસ્પિટલમાં જોબ લઈ સેટ થવાનું વિચારું છું."

આટલી બધી સ્કોલર છોકરી આગળ નહીં ભણે અને આટલેથી જ અટકી જશે એવું તો મિલાપે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું એટલે સૌપ્રથમ તો તેને જાણે ઝટકો લાગ્યો અને તેણે પ્રશ્નાર્થ નજરે પ્રિયાંશીની સામે જોયું‌.

પ્રિયાંશીએ વગર કહ્યે મિલાપનો પ્રશ્ન જાણે સાંભળી લીધો હતો.

તે ધીમેથી બોલી, "અમે ખૂબજ સામાન્ય ઘરના માણસો છીએ. મારા મમ્મી-પપ્પાએ મને ખૂબ તકલીફ વેઠીને ભણાવી ગણાવીને મોટી કરી છે. બસ તેમનું એક સ્વપ્ન હતું કે દીકરીને ડોક્ટર બનાવવી છે પછી તેમણે પોતાના માટે કદી કોઈ વિચાર જ નથી કર્યો.. (પ્રિયાંશીએ એક ઊંડો શ્વાસ લીધો અને તે આગળ બોલી) કેટલાય વર્ષોથી મારી મમ્મીએ એક નવી સાડી પણ નથી ખરીદી કે મારા પપ્પાએ પણ નવા કપડા નથી ખરીદ્યા. બસ જે કંઈ પણ કમાયા કે તેમની પાસે થોડી ઘણી પણ મૂડી હતી તે બધી જ મને ભણાવવા પાછળ ખર્ચ કાઢી છે. માટે હું હવે આગળ ભણવાની નથી. કોઈ સારી હોસ્પિટલમાં જોબ શોધી લઈશ અને બસ સેટલ થઈ જઈશ..."

પ્રિયાંશીએ પોતાના દિલની વાત કોઈને કરી તેથી તેને આજે ઘણું રિલેક્સ ફીલ થતું હતું... તેણે મિલાપની સામે જોયું અને જરા હસી..

મિલાપને લાગ્યું કે મારે પણ મારી વાત પ્રિયાંશીને જણાવવી જોઈએ તેથી તેણે બોલવાની શરૂઆત કરી, "મને મારા ડેડી આગળ સ્ટડી માટે યુ.એસ. જવાનું કહે છે. પણ મારી જરાપણ ઇચ્છા નથી. હું અહીંયા રહીને જ આગળ એમ.ડી. કરવાનું અને અહીંયા જ સેટલ થવાનું વિચારું છું."

પ્રિયાંશીને લાગ્યું કે આ તેના મોમ અને ડેડની વાત કેમ નથી માનતો એટલે તેનાથી બોલાઈ ગયું કે, "તારા મોમ અને ડેડની ઇચ્છા હોય તો તારે યુ એસ જવું જ જોઈએ, કેમ ના પાડે છે તું?

આ વખતે મિલાપ ચૂપ રહ્યો, તેને ગળા સુધી આવી ગયું હતું કે કહી દઉં કે, મારો જીવ તારામાં અટકેલો છે તો તને અહિંયા એકલી મૂકીને હું કઈ રીતે જઈ શકું..? પરંતુ તેણે ફક્ત નકારમાં પોતાનું માથું ધુણાવ્યું.

બંને એકબીજાની સાથે વાતોમાં તલ્લીન થઈ ગયા હતા...

આ બાજુ જેટલી સ્પીડમાં બસ ચાલી રહી હતી, તેટલી જ સ્પીડમાં મિલાપના વિચારો અને હ્રદયના ધબકારા પણ સ્પીડ પકડી રહ્યા હતા...

તે મનમાં ને મનમાં મૂંઝાયા કરતો હતો કે, "કઈ રીતે પ્રિયાંશીની આગળ મારા દિલની વાત મૂકું ? કઈ રીતે તેને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં કે હું તને ચાહું છું અને તારી સાથે જ લગ્ન કરવા ઈચ્છું છું, તને જ મારા દિલની રાણી બનાવવા ઈચ્છું છું.. બસ મને તો તું જ જોઈએ છે..." અને આ વિચાર સાથે જ જાણે તેના દિલની ધડકન તેજ થઈ ગઈ હતી.. હ્રદય અને મન જાણે પ્રિયાંશીને પોતાની બનાવી બેઠાં હતાં...

મિલાપ મનમાં ગોઠવી રહ્યો હતો કે હવે ફાઈનલ સ્ટ્રોક કઈ રીતે લગાવું..?

અને એટલી વારમાં પ્રિયાંશીનું સ્ટેન્ડ આવી ગયું અને તે ઉતરવા માટે ઉભી પણ થઈ ગઈ.

મિલાપની બધી જ વાતો મનની મનમાં રહી ગઈ...તેનું મન પ્રિયાંશીને આજે પોતાની પાસેથી દૂર જવા દેવા માટે તૈયાર જ નહોતું...

પરંતુ પ્રિયાંશી બસમાંથી નીચે ઉતરી ચૂકી હતી..

મિલાપ પણ તેની પાછળ પાછળ બસમાંથી નીચે ઉતરવા માટે ઉભો થઈ ગયો...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ     22/1/26