હ્રદય અને મન જાણે પ્રિયાંશીને પોતાની બનાવી બેઠાં હતાં.. હવે આ વાત પોતાને અતિપ્રિય પ્રિયાંશીને જણાવવી કઈ રીતે તે મિલાપ મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો...અને એટલી વારમાં તો પ્રિયાંશીનું સ્ટેન્ડ આવી ગયું અને તે ઉતરવા માટે ઉભી પણ થઈ ગઈ. મિલાપ પણ તેની પાછળ પાછળ બસમાંથી નીચે ઉતરવા માટે ઉભો થઈ ગયો...તે નિરાશ થઈ ગયો તેને ખૂબ દુઃખ થયું કે તે પોતાના મનની વાત પ્રિયાંશીને જણાવી શક્યો નહિ, પરંતુ હવે શું થાય, એક સુંદર તક તેના હાથમાંથી સરકી ચૂકી હતી..પ્રિયાંશી બસમાંથી નીચે ઉતરી ત્યારે તેનો ભાઈ તેની રાહ જોતો નીચે જ ઉભો હતો. જે તેને એક્ટિવા લઈને લેવા માટે આવ્યો હતો. પ્રિયાંશીના ભાઈને નીચે એક્ટિવા લઈને ઉભેલો જોઈને મિલાપ તેની પાછળ નીચે પણ ઉતરી શક્યો નહિ. તેનો હાથ તેના માથા ઉપર પહોંચી ગયો અને તે ઉદાસ મને ત્યાં જ સ્થિર થઈ ગયો તેને થયું કે પોતે તેની પાછળ પાછળ બસમાંથી નીચે પણ ઉતરી શક્યો નહીં..તેનો જીવ પ્રિયાંશીમાં અટકેલો હતો. તેને કહેવું હતું કે, "હું તને છોડીને ક્યાંય જવા નથી માંગતો." પણ કહેવું કઈ રીતે તે પ્રશ્ન હતો...પછી તેણે નક્કી કર્યું કે હું એક ચિઠ્ઠી લખીને પ્રિયાંશીને આપી દઈશ જેમાં મારા પ્રેમનો એકરાર હશે... થોડા દિવસ પછી પ્રિયાંશી લાયબ્રેરીમાં એકલી બેઠી બેઠી વાંચતી હતી. મિલાપ તેની બાજુમાં જઈને બેઠો...અને હિંમત કરીને તેણે પ્રિયાંશીની બુક ઉપર ચીઠ્ઠી મૂકી દીધી અને પોતે ત્યાંથી નીકળી ગયો...પ્રિયાંશીએ ચીઠ્ઠી ખોલીને જોયું તો તેમાં, "આઈ લવ યુ પ્રિયાંશી, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગું છું." તેવું લખેલું હતું. પ્રિયાંશી તો વાંચીને વિચારમાં જ પડી ગઈ કે આ બધું શું છે ?બીજુ લખ્યું હતું કે, "મારી વાતનો જવાબ શાંતિથી વિચારીને આપજે, મને કોઈ ઉતાવળ નથી પણ, જવાબ 'ના' ન આપતી. કારણ કે હું તારા વગર જિંદગી જીવી નહિ શકું."પ્રિયાંશીને તો શું કરવું?? કોને કહેવું?? એજ કંઈ સમજણ પડતી નહોતી. થોડો ગુસ્સો પણ આવતો હતો. અને કંઈ સૂઝતું પણ નહોતું. તેણે ચીઠ્ઠી ફાડીને ફેંકી દીધી અને નક્કી કરી લીધું કે હું મિલાપને 'ના' જ પાડી દઈશ આ બધું મને બિલકુલ પસંદ નથી.. હું અહીંયા ભણવા માટે આવું છું, આ બધું કરવા માટે નહીં... અને હવે હું તેની સાથે વાત પણ નહિ કરું...એ દિવસે આખી રાત તેને ઊંઘ આવી નહીં..બસ તેને એક જ વિચાર આવ્યા કરતો હતો કે, મારા મમ્મી પપ્પાને આવી કોઈ પણ વાતની જો ખબર પડે તો તેમને કેટલું બધું દુઃખ થાય..તેમણે કેટલા વિશ્વાસથી મને આટલી બધી દૂરની કોલેજમાં ભણવા માટે મોકલી છે...અને આ વિચાર સાથે જ તેની આંખમાં આંસુ આવી ગયા...અને આવા અનેકાનેક વિચારો કરતાં કરતાં ક્યારે તેની આંખ મળી ગઈ તેની તેને પણ ખબર ન પડી..આ બાજુ મિલાપની દશા પણ કફોડી હતી..તેને તો પોતાની લાઈફ પ્રિયાંશી સાથે કેવી જશે તેના મધુર સ્વપ્ન દેખાતા હતા...બસ તે તો સવાર ક્યારે પડે અને પોતે કોલેજમાં જઈને પ્રિયાંશીને ક્યારે મળે.. તેની જ રાહ જોઈ રહ્યો હતો..આખી રાત તે બસ પ્રિયાંશીના વિચારોમાં જ ખોવાયેલો રહ્યો..અને બીજા દિવસે તે સમય કરતાં વહેલો જ કોલેજ પહોંચી ગયો અને બેસબરીથી પ્રિયાંશીના જવાબની રાહ જોવા લાગ્યો...આ બાજુ પ્રિયાંશીએ તો બીજા દિવસથી મિલાપની સામે જોવાનું પણ બંધ કરી દીધું...મિલાપ તેની સામે જતો તો તે રસ્તો બદલી કાઢતી હતી અને મિલાપ તેની સાથે વાત કરવાની કોશિશ કરે તો તે મિલાપની વાત સાંભળ્યા વગર જ કોઈ જોઈ કે જાણી ન જાય તેમ ઝડપથી ત્યાંથી નીકળી જતી હતી..મિલાપ દુઃખી દુઃખી થઈ ગયો હતો,હવે તેને પસ્તાવો થવા લાગ્યો કે, મેં પ્રિયાંશીને કશું જ ન કહ્યું હોત તો સારું હતું. તે મારી સાથે વાત તો કરતી હોત ને...આ તો તે હવે મને જોઈને જ મારાથી દૂર ભાગી જાય છે..તેનાથી બોલાઈ ગયું, "હે ભગવાન, આ શું થઈ ગયું..?"પરંતુ હવે જે થઈ ગયું તે થઈ ગયું..હવે તેણે કરેલી ભૂલ સુધરે તેમ નહોતી...કશુંજ થાય તેમ નહોતું. હવે બાજી બિલકુલ બગડી ગઇ હતી...અને તેના હાથમાંથી સરકી ગઈ હતી...બે ત્રણ દિવસ એમ જ પસાર થઈ ગયા...મિલાપે એ વાત નોટિસ કરી કે, પ્રિયાંશી તેની ફ્રેન્ડ આર્યાની થોડી વધારે નજીક છે કદાચ તે આર્યાની કહેલી વાત માની જશે...આર્યાને મળવા માટે એક દિવસ તેણે આર્યાનો પીછો કર્યો અને કોલેજથી ઘરે જતાં રસ્તામાં તેણે આર્યાને રોકી લીધી અને નિર્દોષતા પૂર્વક પોતાના દિલની બધી વાત તેણે આર્યાને જણાવી દીધી..સદનસીબે આર્યા તેની મદદ કરવા માટે તૈયાર થઈ ગઈ..હવે તેના જીવમાં જીવ આવ્યો હતો..તેણે આર્યાને બે હાથ જોડીને ખૂબજ વિનંતી કરી કે, બસ મારે એક વખત.. ફ્ક્ત એક જ વખત...પ્રિયાંશીને મળવું છે... બસ ફક્ત એક વખત.. મારે તેને એકાંતમાં મળવું છે.. અને તેની આંખમાં આંખ પરોવીને તેને "આઈ લવ યુ" કહેવું છે.. પછી જો તેની ઈચ્છા નહિ હોય અને તે મને ના પાડી દેશે તો હું તેની સાથે જીવનમાં કોઈ દિવસ વાત પણ નહિ કરું.... અને તેની સાથેના મારા લગ્ન વિશેનું એક સુમધુર સ્વપ્ન હતું તેમ સમજીને તેને ભૂલી જઈશ...પ્રિયાંશીની ના હોવા છતાં આર્યાએ તેને ખૂબ સમજાવી અને મિલાપ તને સાચા હૃદયથી ચાહે છે તો તારે એક વખત.. ફક્ત એક વખત.. તેને મળી લેવું જોઈએ તેમ કહ્યું.આર્યાની સમજણભરી વાતોથી પ્રિયાંશીએ મિલાપને મળવા માટે 'હા' પાડી. હવે મિલાપને થયું કે મારો ભગવાન મારી જોડે છે...પરંતુ પાછો તેને વિચાર આવ્યો કે, હવે પ્રિયાંશીને હું કઈ રીતે સમજાવું તો તે મારા પ્રેમનો સ્વીકાર કરે અને મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય...અને હું તેને સમજાવીશ તો તે હા પાડશે કે નહિ..?બસ આ વિચારોમાં ને વિચારોમાં મિલાપને આખી રાત ઊંઘ ન આવી... આખી રાત કરવટ બદલી બદલીને તેણે પસાર કરી...સવારે તે પથારીમાંથી વહેલો જ ઉભો થઈ ગયો...હજી તો સાંજે મળવા જવાનું હતું આખો દિવસ કઈ રીતે પસાર કરવો તે એક પ્રશ્ન હતો. મમ્મીએ દશ વાર જમવા બેસવા કહ્યું પણ આજે જાણે મિલાપને ભૂખ પણ લાગી નહોતી. સવારથી ખાલી બસ ચ્હા જ પીધી હતી. પ્રિયાંશી સાથે શું વાત કરીશ..કઈ રીતે તેને મારા દિલની બધી જ વાત સમજાવીશ..અને તે સમજશે તો ખરી ને...આ બધા વિચારોથી જ તેનું પેટ ભરાઈ ગયું હતું...તેણે પોતાની મોમને કહી દીધું હતું કે, "આજે જમવાની કંઈ ઈચ્છા નથી."શહેરની બેસ્ટમાં બેસ્ટ રેસ્ટોરન્ટમાં મિલાપે પ્રિયાંશીને મળવા માટે બોલાવી હતી. કોર્નર વાળું એક ટેબલ મિલાપે બુક કરાવીને રાખ્યું હતું... બસ હવે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. દર્પણમાં જોઈને વારંવાર જાણે દર્પણને પૂછી રહ્યો હતો કે "હું હેન્ડસમ તો લાગું છું ને ??" પ્રિયાંશીને ગમીશને? અને એ આવશે તો ખરીને ??મને ગમાડશે તો ખરી ને ??અને મારી સાથે લગ્ન માટે હા તો પાડશે ને ??આવા અનેક પ્રશ્નો તેના મનમાં નોનસ્ટોપ ઘૂમરાઈ રહ્યા હતા... અને પોતાની બાજુમાં પ્રિયાંશી ઊભી છે તેવી તે કલ્પના કરી રહ્યો હતો. અને કલ્પના માત્રથી હરખાઈ રહ્યો હતો. ચારથી પાંચ વખત કપડા બદલી ચૂક્યો હતો. કયું શર્ટ પહેરું કે પછી ટી-શર્ટ પહેરું ?? પ્રિયાંશીને શું ગમશે?? બસ સતત તેના દિલોદિમાગમાં તે જ ચાલી રહ્યું હતું...સતત પોતાની જાતને પ્રશ્ન પૂછી રહ્યો હતો.. અને વોર્ડડ્રોબમાંથી એક પછી એક કપડું કાઢી કાઢીને ટ્રાય કરી કરીને બહાર કપડાનો ઢગલો કર્યે જતો હતો...છેવટે જીન્સ અને ટી-શર્ટ પહેરીને તે તૈયાર થઇ ગયો...આજે પોતાના જીવનનો ખૂબ મહત્વનો નિર્ણય લેવાઈ રહ્યો છે. એ વિચારીને તે થોડો સીરીયસ થઈ ગયો હતો...એટલામાં તેની મોમ અંજુબેને તેના રૂમનો દરવાજો ખટખટાવ્યો... તેણે દરવાજો ખોલ્યો...દરવાજો ખૂલતાંની સાથે જ અંજુબેને કપડાનો ઢગલો જોયો અને તે જાણે ચિલ્લાઈ ઉઠ્યા, " કેમ આટલા બધા કપડાં ઉકેલી ઉકેલીને મૂક્યા છે. અને ક્યાં જઈ રહ્યો છે તું અત્યારે અને તે પણ આમ અપ ટુ ડેટ તૈયાર થઈ ને?જમ્યો પણ નથી બપોરે, કંઈ તબિયત બરાબર ન હતી કે?"મિલાપે પોતાની મોમને ખભેથી પકડીને ઉંધી ફેરવી દીધી અને તેને કહેવા લાગ્યો કે, "તબિયત બબિયત બધું બરાબર છે તું જા અહીંથી એ તો આ બધું તો રામજી કાકા ગોઠવી દેશે અને બૂમો નહિ પાડ, આઈ એમ ઓકે.. એ તો એક ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી માં જવું છું. કદાચ થોડું લેઈટ થાય તો ચિંતા ન કરતી અને ફોન ઉપર ફોન ન કર્યા કરતી.. ઓકે..?"રામજી કાકા એટલે આ ઘરના બહુ જૂના નોકર તેમણે જ મિલાપને તેડી તેડીને રમાડીને મોટો કર્યો હતો. આ ઘરની દરેક વાત તેમને ખબર જ હોય અને હવે જાણે તે આ ઘરના સભ્ય જ બની ચૂક્યા હતા... અંજુબેનને કંઈ સમજાતું નહોતું કે આ બર્થ ડે પાર્ટી માં જઈ રહ્યો છે કે ક્યાંક બીજે ? તેમણે આગળ ફરીને ફરીથી રૂમમાં એક વખત નજર ફેરવી અને મિલાપને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા અને તેને કહેવા લાગ્યા કે, "સારું સારું બેટા, બહું મોડું ન કરતો નહિ તો તારા પપ્પા બોલશે અને તારે ફાઈનલની તૈયારી પણ કરવાની છે એટલે ખોટો ટાઈમ ન બગાડીશ.""યસ આઈ ક્નો મોમ અને હવે, મારી માં તું જા અહીંથી એ તો હું વહેલો જ આવી જઈશ, પહેલા મને જવા તો દે "અને ગાડીની ચાવી હાથમાં લઈને મિલાપ ઘરની બહાર નીકળી ગયો. હાઈટ બોડીમાં એકદમ પરફેક્ટ દેખાવમાં એકદમ રૂપાળો, જાણે રાજકુંવર જોઈ લો. કોલેજની સારી સારી છોકરીઓ તેની સાથે ફ્રેન્ડશીપ કરવા અને તેની સાથે અફેર કરવા માટે પડાપડી કરે. પણ તેને પ્રિયાંશી સિવાય કોઈનામાં રસ ન પડે...બસ, પ્રિયાંશી તેના દિલમાં વસી ગઈ હતી... જાણે તેને જોઈને મિલાપના દિલમાં ઘંટડી વાગતી હતી... તેની ધડકન તેજ થઈ જતી હતી...તેને કંઈક અલગ જ ખુશીનો અહેસાસ થતો હતો...હવે તેણે મનથી નક્કી કરી લીધું હતું કે, ગમે તે થાય લગ્ન કરીશ તો પ્રિયાંશી સાથે જ... તે વિચારતો હતો કે ઈશ્વરે તેને મારા માટે જ બનાવી છે...તે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે, "હે ઈશ્વર મને મદદ કરજે, તું મારી સાથે રહેજે, મારાથી બોલવામાં કંઈ ભૂલ ન થઈ જાય તેનું તું ધ્યાન રાખજે.."અને તેની ગાડી સો ની સ્પીડે આગળ વધી રહી હતી...ક્રમશ:~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ