બસ, પ્રિયાંશી તેના દિલમાં વસી ગઈ હતી... જાણે તેને જોઈને મિલાપના દિલમાં ઘંટડી વાગતી હતી... તેની ધડકન તેજ થઈ જતી હતી...તેને કંઈક અલગ જ ખુશીનો અહેસાસ થતો હતો...હવે તેણે મનથી નક્કી કરી લીધું હતું કે, ગમે તે થાય લગ્ન કરીશ તો પ્રિયાંશી સાથે જ... તે વિચારતો હતો કે ઈશ્વરે તેને મારા માટે જ બનાવી છે...તે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે, "હે ઈશ્વર મને મદદ કરજે, તું મારી સાથે રહેજે, મારાથી પ્રિયાંશી સાથે વાત કરવામાં કંઈ ભૂલ ન થઈ જાય તેનું તું ધ્યાન રાખજે.."અને તેની ગાડી સો ની સ્પીડે આગળ વધી રહી હતી...જેટલી સ્પિડ તેની ગાડી પકડી રહી હતી તેટલી જ સ્પિડમાં તેના મગજના વિચારો પણ દોડી રહ્યા હતા...મિલાપ માટે આજની આ સાંજ કંઈક અલગ જ હતી..આજે તેની જિંદગીથી તેને ખુશી મળશે કે દુઃખ તે કહેવું તેને માટે મુશ્કેલ હતું..આમ તો પ્રિયાંશીનો જે પ્રમાણે નો નેચર હતો તે પ્રમાણે તે મિલાપ સાથે અફેર કરવા માટે તૈયાર થશે તે વાત માન્યામાં આવે તેમ નહોતી..પણ છતાં મિલાપને પોતાની આવડત ઉપર અને પોતાના ઈશ્વર ઉપર ખૂબ ભરોસો હતો..અત્યાર સુધી તેણે ઈશ્વર પાસે જે કંઈ પણ માંગ્યું તે તેને મળ્યું હતું..તો પછી પ્રિયાંશી કેમ નહીં..?બસ આ એક જ પ્રશ્ન તેને પજવી રહ્યો હતો..તેના વિચારોનું અને તેનું બંનેનું વિરામ સ્થાન આવી પહોંચ્યું હતું...શહેરની બેસ્ટમાં બેસ્ટ રેસ્ટોરન્ટ "ડાઉન ટાઉન" ના પાર્કિંગમાં તેણે પોતાની ગાડી પાર્ક કરી અને ડોર સ્પેસમાં મૂકેલો કાંસકો હાથમાં લઈને તેણે ગાડીના મિરરમાં જોઈને પોતાના વાળ ઓળ્યા અને એક આગવી પ્રતિભા સાથે તે ગાડીમાંથી નીચે ઉતર્યો..
બંનેનો મળવાનો સમય સાંજના સાત વાગ્યનો નક્કી થયો હતો..પરંતુ રઘવાયો મિલાપ સમય કરતાં અડધો કલાક વહેલો જ પહોંચી ગયો હતો..રેસ્ટોરન્ટમાં જઈને તે પોતાની ચેર ઉપર ગોઠવાઈ ગયો અને જેવો વેઈટર તેને પાણી આપવા માટે આવ્યો કે તુરંત જ તેણે તેને કહી દીધું કે, "હું તને ડબલ ટીપ આપીશ પરંતુ મારી ફ્રેન્ડ આવે છે અને તારે અમને બિલકુલ ડિસ્ટર્બ નહીં કરવાના..."
વેઈટર પણ મનમાં ને મનમાં મુશ્કુરાવા લાગ્યો હતો અને સમજી ગયો હતો કે કંઇક પ્રેમ-બ્રેમનો મામલો લાગે છે.
મિલાપ અને પ્રિયાંશીનું ટેબલ રંગ બેરંગી ફૂલોથી ચહેકી અને મહેંકી ઉઠ્યું હતું અને આખયે રેસ્ટોરન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું એટલું બધું સુંદર ડેકોરેશન મિલાપે ટેબલ ઉપર કરાવ્યું હતું...
આ બધું પ્લાનિંગ તેણે પોતાની રાતની ઉંઘ બગાડીને કર્યું હતું તેના મનમાં એવું થતું હતું કે, "બસ, પ્રિયાંશીને એવું લાગવું જોઈએ કે જાણે તે સ્વર્ગમાં છે. અને માટે જ એવો માહોલ તેણે ઊભો કર્યો હતો...
વધારામાં તેણે પોતાને ગમતું કપલ સોન્ગ સ્લોવ મ્યુઝિક મૂકાવ્યું હતું , આજનો આ પ્રપોઝ દિવસ તેને પોતાને માટે અને પ્રિયાંશીને માટે જીવનભર એક સંભારણું બની રહે તેવી તેની ઈચ્છા હતી..
આ બધી તૈયારી વચ્ચે તેના દિલના ધબકારા એક એક સેકન્ડે વધી રહ્યા હતા..પોતાને ગમતી વ્યક્તિ મળવા આવવાની હોય અને તે પણ પહેલી વાર...ત્યારે શું હાલત થાય તે તો કોઈ મિલાપને જ પૂછે?
આ બધી જ ખૂબસુરત તૈયારીઓની વચ્ચે તેનું ખૂબસુરત દિલ તેને એક જ પ્રશ્ન પૂછયા કરતું હતું કે, "પ્રિયાંશી, "હા" તો પાડશે ને?"
ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જૂએ તેમ મિલાપ પ્રિયાંશીની રાહ જોઇ રહ્યો હતો... રાહ જોવી આટલું અઘરું કામ હશે.. તેની તો મિલાપને આજે જ ખબર પડી હતી...આજે તેને એક એક મિનિટ એક એક કલાક જેવી લાગી રહી હતી..ઘડિયાળના કાંટા જેમ કટ કટ કરતાં કરતાં ગોળ ગોળ ફરી રહ્યા હતા તેમ તેના દિલની ધડકનો પણ ધક ધક કરી રહી હતી..
પોતે પહેરેલા ગોલ્ડન ઘડિયાળમાં તે એક એક સેકન્ડે જોયા કરતો હતો. જાણે આજે સમય પણ તેને માટે થંભી ગયો હતો અને નજર તો બસ રેસ્ટોરન્ટના ડોર ઉપર જ સ્થિર થઈને અટકી ગઈ હતી...કે ક્યારે મારી પ્રિયાંશી આવે...??
એટલામાં જાણે તેનું હ્રદય ધબકતું બંધ થઈ ગયું અને નજર ત્યાંની ત્યાં જ સ્થિર થઈ ચોંટી રહી.. આંખ પણ પલકાર મારવાનું ભૂલી ગઈ હતી...આછી કેન્ડલ લાઈટમાં તેને એક સુંદર આકૃતિ દેખાઈ...તેનું મન ભરાઈ આવ્યું..અને હ્રદયમાંથી એક મીઠી હાંશ બહાર ઉભરાઈ આવી..તેને પોતાની પ્રિયાંશી ડોર ઉપર ઉભેલી દેખાઈ..
મિલાપને આ હકીકતથી વધારે જાણે સ્વપ્ન લાગતું હતું.. અને એટલામાં તો પ્રિયાંશી તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ.. મિલાપને તેની આંખો ઉપર યકીન થતું નહોતું.. થોડી પળો બસ આમ જ વીતી ગઈ પછી તેને લાગ્યું કે, "ના ખરેખર પ્રિયાંશી આવી ગઈ છે. આ મારો ભ્રમ નથી હકીકત છે અને તે સફાળો ઉભો થઈ ગયો અને રિસ્પેક્ટથી સામેની સીટમાં પ્રિયાંશીને બેસવા માટે તેણે આવકારી.
મિલાપ કંઈ પણ બોલવા માટે શક્તિમાન નહોતો.. તેણે પ્રિયાંશીની સામે જોયું અને તે મીઠું હસી પડ્યો...પ્રિયાંશી પણ તેની સામે જોઈને હસી પડી.. બંનેના દિલની ધડકનો અને આંખો જાણે એક-મેક સાથે વાતો કરી રહ્યા હતા.. આંખો જ્યારે બોલે ત્યારે શબ્દોની ક્યાં જરૂર પડે છે ? ?
" હસી તો ફંસી " એ કહેવત મિલાપને યાદ આવી ગઈ.અને પ્રિયાંશીએ જાણે સ્માઈલ ધ્વારા પોતાના પ્રેમનો એકરાર કર્યો હોય તેમ મિલાપને લાગ્યું.
મિલાપને જાણે પોતે સ્વર્ગમાં હોય અને પોતાની સામે સ્વર્ગની અપ્સરા બેઠી હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી..આછી કેન્ડલ લાઈટમાં પ્રિયાંશી સ્વર્ગની અપ્સરાથી કંઈ કમ નહોતી લાગી રહી.. તેનું રૂપ કંઈક અલગ જ ખીલી ઉઠ્યું હતું..અને તેના વ્યક્તિત્વની આભા કોઈના પણ દિલને સ્પર્શી જાય અને મોહી લે તેવી હતી...તેણે આછા મરુન કલરનો પાર્ટીવેર ડ્રેસ પહેર્યો હતો. આ કલર તેની ઉપર દીપી ઉઠતો હતો. જોકે તે ગમે તે કલર પહેરે તેની ઉપર ચોંટી જ જાય તેટલી બધી તે રૂપાળી હતી..
બંનેએ એકબીજાને મનભરીને માણી લીધાં પછી...તેમના બર્ફીલા મૌન વચ્ચે પ્રિયાંશીએ બોલવાની શરૂઆત કરી. (મિલાપની તો ઇચ્છા હતી કે બસ, આજે તો આમજ કંઈપણ બોલ્યા વગર બસ પ્રિયાંશીને જોયા જ કરું... જોયા જ કરું.)
પણ પ્રિયાંશીએ તેનું ધ્યાન પોતાની વાત તરફ દોર્યું, "બોલ,મિલાપ તારે શું કામ હતું મારું? કેમ મને અહીંયા બોલાવી ? ઘરેથી ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી માં જવું છું તેમ કહીને નીકળી છું. "
મિલાપે પ્રિયાંશીની આંખમાં કંઈક વાંચવાની કોશિશ કરી અને તે બોલ્યો, "પ્રિયાંશી, જો હું બહુ ફ્રેન્ક બોલવા વાળો માણસ છું.. મને વાતને ગોળ ગોળ ઘૂમાવીને કહેવી પસંદ નથી..તું મને ખૂબજ ગમે છે. આઈ લવ યુ સો મચ અને એટલું જ નહીં હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હું તને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. કદાચ, તને કોઈ બીજું ગમતું હોય તો તું મને બેઝિઝક જણાવી શકે છે, અને કદાચ, હું ન ગમતો હોઉં તો પણ તું મને કહી શકે છે. બાકી મારી ઈચ્છા તારી સાથે લગ્ન કરવાની છે.. હું તને છોડી શકું તેમ નથી.."
પ્રિયાંશીએ મિલાપની વાત શાંતિથી સાંભળી અને પછીથી તેની વાતનો જવાબ આપતાં તેણે કહ્યું કે, "ના, એવું કંઈ જ નથી, મને કોઈ બીજું પસંદ છે.. તું નથી પસંદ.. એવું કંઈ જ નથી.."
મિલાપ વચ્ચે જ બોલી ઉઠ્યો, "તો પછી, પ્રોબ્લેમ શું છે? તું મને 'ના' શા માટે પાડે છે?? " મિલાપ ખૂબજ ડિસ્ટર્બ થઇ ગયો હતો...
તેને તો બસ કોઈ પણ ભોગે પ્રિયાંશીને મેળવવી હતી...તેની પ્રિયાંશી માટેની ચાહ અને તડપ કંઈક અલગ જ પ્રકારના હતા....
અને પ્રિયાંશી સહેજ પણ ડિસ્ટર્બ થયા વગર મિલાપને પોતાની વાત સમજાવવા કોશિશ કરી રહી હતી.
"મિલાપ, હું એક સામાન્ય ઘરની દીકરી છું, મારા મમ્મી-પપ્પાએ મને ખૂબજ તકલીફ વેઠીને ભણાવી છે. મારી આવી કોઈ વાત સાંભળીને તેમને દુઃખ થાય તેવું હું બિલકુલ કરવા નથી ઇચ્છતી અને તું ખૂબજ પૈસા વાળા ઘરનો એક નો એક દિકરો છે. તે તકલીફને સ્વપ્નમાં પણ જોઈ નથી. તારા ઘરના જે અપેક્ષા રાખતા હોય તેમાંનું કશું જ મારા પપ્પા કરી શકે નહિ, મારી અને તારી કૌટુંબિક પરિસ્થિતિ વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. હું કઇ રીતે તને 'હા' પાડુ ?? તો પ્લીઝ, આ વાતને ભૂલી જા અને આપણે બન્ને સારા ફ્રેન્ડ્સ બનીને રહીએ તે જ યોગ્ય છે.(પ્રિયાંશીએ ખૂબજ પ્રેમથી અને શાંતિથી મિલાપને પોતાની વાત સમજાવવની કોશિશ કરી.)
પણ,મિલાપને આ વાત મંજૂર નહોતી, તે પ્રિયાંશીના આ શબ્દો સાંભળવા માટે ન તો તૈયાર હતો કે ન તો તેનું દિલ તૈયાર હતું...તે પ્રિયાંશી માટે બધું જ છોડવા તૈયાર હતો... અને કંઈ પણ કરવા તૈયાર હતો...
તે ચિંતા કરતાં કંઈક બબડ્યો, "તો શું હું ઘર છોડી દઉં? પપ્પાના પૈસા છોડી મમ્મી-પપ્પાને છોડી એકલો રહેવા કયાંક ચાલી જઉં?"
પ્રિયાંશી માટે હવે પ્રશ્ન હતો કે આને કઈ રીતે સમજાવવો..તેણે ખૂબજ શાંતિથી મિલાપને જવાબ આપ્યો કે, "ના ના તારાથી એવું કંઈ ન કરાય, મમ્મી-પપ્પાને છોડવાની વાત કેમ કરે છે? પાગલ તો નથી થઈ ગયો ને?"
"બસ એવું જ સમજ કે હું તારી પાછળ પાગલ થઈ ગયો છું." મિલાપે ઊંડો શ્વાસ લઈ જવાબ આપ્યો.
પ્રિયાંશીને પણ મિલાપ નહોતો ગમતો તેવું નહોતું પરંતુ તે મૂંઝવણમાં હતી કે, "મમ્મી-પપ્પાને પૂછ્યા સિવાય હું કોઈ પણ નિર્ણય કઈ રીતે લઈ શકું "
તેણે મિલાપને પોતાને છોડીને કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરવા માટે ખૂબ સમજાવ્યો પરંતુ મિલાપ એક નો બે ન થયો તે ન જ થયો... તે વિચારતો હતો કે પૈસાનો ફરક એ તો કંઈ ફરક ઓછો કહેવાય..??કોઈની પાસે ઓછા પૈસા હોય તેથી શું થઇ ગયું ? તે નાનો માણસ થોડો બની જાય છે..?
મિલાપે પ્રિયાંશીને સમજાવતાં કહ્યું કે, "જો આપણે બન્ને એક જ જ્ઞાતિના છીએ, એક જ સરખું ભણેલા પણ છીએ અને તું 'હા' પાડે પછી હું તારો હાથ માંગવા તારા ઘરે આવીશ તારા મમ્મી-પપ્પાની ઇચ્છા હશે એમજ આપણે કરીશું બસ. "
પ્રિયાંશીને આ વાત સાંભળ્યા પછી થોડી રાહત થઈ. તેને લાગ્યું કે મિલાપ ડાહ્યો અને સમજુ પણ છે.
પ્રિયાંશી બોલી " મારે તેમ ઉતાવળથી લગ્ન નથી કરી લેવા. હું એમ.બી.બી.એસ. પછી જોબ કરીને સેટલ થવા ઈચ્છું છું, મારા મમ્મી-પપ્પાએ જે દુનિયા નથી જોઈ હું તેમને તે બતાવવા માંગું છું. ઈવન મારા લગ્નનો ખર્ચ પણ હું મારી જાતે જ કરીશ, મમ્મી-પપ્પા ઉપર બોજ નહિ બનું. ખૂબ કર્યું તેમણે મારા અને રાજન માટે. હવે હું તેમને મારી જવાબદારીમાંથી મુક્ત કરવા ઈચ્છું છું."
મિલાપે પ્રિયાંશીની સામે જોયું અને તેની આંખોમાં આંખો પરોવીને તે બોલ્યો કે, "ઓકે, તું જ્યારે કહીશ ત્યારે આપણે લગ્ન કરીશું બસ..પણ, એકવાર તું મને 'હા' તો પાડી દે..."હવે શું કરવું.. મમ્મી પપ્પાને મિલાપની આ વાત જણાવવી કે પછી કોઈ પણ રીતે મિલાપને ના પાડી દેવી..?શું કરશે પ્રિયાંશી..??ક્રમશ:~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 5/3/26