તક્ષશિલાના મુખ્ય ચોકમાં જાણે કાળરાત્રિ ખીલી હતી. જે મગધની સેના વિજયના નશામાં ડગલાં માંડતી હતી, તે હવે પોતાની જ મૂર્ખામી પર પસ્તાતી હતી. સૂર્યપ્રતાપની તલવાર અંધકારમાં વીજળીના લિસોટા જેવી ચમકતી હતી. તેના શરીરના ઘા હજુ તાજા હતા, પણ જે "અસ્મિતા" ની વાત ચાણક્યએ કરી હતી, તે આજે તેના રક્તમાં ઉકળતી હતી.
"સાવધાન!" ભદ્રશાલની ચીસ આખા ચોકમાં ગુંજી, પણ મોડું થઈ ગયું હતું.
ચારેબાજુની અગાશીઓ અને છત પરથી તક્ષશિલાના ધનુર્ધારીઓએ અગ્નિબાણોનો વરસાદ શરૂ કર્યો. મગધના સૈનિકો બેભાન લોકોની વચ્ચે ફસાયા હતા, જેઓ હકીકતમાં જીવતા જાગતા કાળ સમાન હતા. ઓસરીઓ, ઓટલા અને દેરીઓ પાછળથી સૈનિકો બહાર આવ્યા.
ચોકના મધ્યમાં સૂર્યપ્રતાપ અને ભદ્રશાલ ફરી એકવાર આમને-સામને હતા.
"ભદ્રશાલ, તું એક સૈનિક હતો, પણ તેં છળનો સાથ આપ્યો. તારા હસ્તે તક્ષશિલાનું પાણી અપવિત્ર થયું છે, અને હવે એ જ ધરતી તારું લોહી પીશે," સૂર્યપ્રતાપે પોતાની તલવાર હવામાં વીંઝી.
"બહુ બોલ્યા , રાજકુમાર!" ભદ્રશાલે પ્રહાર કર્યો.
બંને વચ્ચે ભયંકર દ્વંદ્વયુદ્ધ જામ્યું. એક બાજુ ભદ્રશાલનું રાક્ષસી બળ હતું, તો બીજી તરફ સૂર્યપ્રતાપની ચપળતા.
સૂર્યપ્રતાપના ઘામાંથી ફરી લોહી વહેવા લાગ્યું હતું, પણ તેણે પીછેહઠ ન કરી. તેણે નીચા નમીને ભદ્રશાલના પગ પર તલવારનો એવો પ્રહાર કર્યો કે સેનાપતિ લથડ્યો.
એ જ ક્ષણે સૂર્યપ્રતાપે તેની છાતીમાં તલવાર ઉતારી દીધી. ભદ્રશાલની આંખો ફાટી રહી ગઈ અને તક્ષશિલાની ધરતી પર મગધનો એક અહંકારી સ્તંભ ઢળી પડ્યો.
બીજી તરફ, રાજમાતા મૃણાલિની ભાગવાની કોશિશ કરી રહી હતી. તે કિલ્લાના પાછળના ગુપ્ત દ્વાર તરફ દોડી, પણ ત્યાં પહેલાથી જ મશાલ લઈને ચંદ્રપ્રકાશ ઉભો હતો. તેની સાથે આચાર્ય ચાણક્ય પણ હતા.
"હવે ક્યાં જશો, કાકી?" ચંદ્રપ્રકાશના અવાજમાં ધિક્કાર નહોતો, પણ એક ઊંડી વેદના હતી. "તમે જે રાજ્યને બાળવા માંગતા હતા, તે આજે તમારા જ પાપોથી પ્રજ્વલિત છે."
મૃણાલિની હસી—એક પાગલ જેવું અટ્ટહાસ્ય. "તું મને શું રોકીશ, ચંદ્ર? મેં તારા પિતાના જીવનમાં ઝેર ઘોળ્યું, મેં આ રાજ્યને વેચવાની કોશિશ કરી. મને પકડીને શું મળશે?"
"ન્યાય મળશે, રાજમાતા," ચાણક્ય શાંતિથી આગળ આવ્યા.
"તમે જે કાલકેય અને મગધના જોરે ઉછળતા હતા, તેમના શબ અત્યારે આ નગરના માર્ગો પર પડ્યા છે. તમે એક એવી સ્ત્રી છો જેણે પોતાની માતૃભૂમિ સાથે દગો કર્યો છે."
મૃણાલિનીએ પોતાની કમરપટ્ટામાંથી એક નાની ઝેરની શીશી કાઢી. "ચાણક્ય, તમે મને કેદ નહીં કરી શકો!"
તેણે ઝેર પીવાની કોશિશ કરી, પણ ચંદ્રપ્રકાશે સ્ફૂર્તિથી તીર છોડીને તેના હાથમાંથી શીશી પાડી દીધી. "ના! આપઘાત એ ગદ્દારો માટે સરળ રસ્તો છે. તમારે જીવવું પડશે—એ જોવા માટે કે તક્ષશિલા કેવી રીતે ભવ્ય બને છે, અને એ સાંભળવા માટે કે ઇતિહાસ તમને કયા નામે યાદ રાખે છે."
સૈનિકોએ મૃણાલિનીને કેદ કરી લીધી.
સૂર્યોદય થયો. સાતમી રાત પૂર્ણ થઈ હતી. તક્ષશિલાની પ્રજા જે અત્યાર સુધી 'માયા-નિદ્રા'માં હતી, તે હવે જાગી ગઈ હતી. નગરના ચોરે ને ચૌરે વિજયના નાદ ગુંજવા લાગ્યા. આબાલવૃદ્ધ સૌ રાજમહેલના મેદાનમાં એકઠા થયા.
મહારાજ આર્યન, ભલે નબળા હતા, પણ ગૌરવ સાથે સિંહાસન પર બિરાજ્યા. તેમની એક બાજુ ચંદ્રપ્રકાશ અને બીજી બાજુ ઘાયલ પણ અડગ સૂર્યપ્રતાપ ઉભો હતો. ચાણક્ય નીચે ઉભા રહીને આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા.
"આજે સાત રાતનો અંધકાર પૂરો થયો છે," ચાણક્યએ પ્રજાને સંબોધીને કહ્યું. "પણ યાદ રાખજો, આ જીત માત્ર તલવારની નથી, આ જીત સત્ય અને એકતાની છે. શત્રુ ત્યારે જ સફળ થાય છે જ્યારે ઘરની ભીંતોમાં તિરાડ પડે."
ચંદ્રપ્રકાશે આગળ આવીને પ્રજા સામે મસ્તક નમાવ્યું. પ્રજાએ "યુવરાજ ચંદ્રપ્રકાશની જય!" ના નારાથી આખું આકાશ ગજવી મૂક્યું.
પણ ચાણક્યની નજર દૂર પૂર્વ દિશા તરફ હતી. તેઓ જાણતા હતા કે આ તો માત્ર એક નાનું યુદ્ધ હતું. અસલી પડકાર તો હજુ મગધના સિંહાસન પર બેઠેલો નંદ સમ્રાટ હતો.
ચાણક્યએ મનમાં વિચાર્યું, "એક કાંટો નીકળ્યો છે, પણ આખું વન સાફ કરવાનું હજુ બાકી છે."