વરસતા વરસાદની આ મોસમમાં ચારે તરફ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો હતો. આકાશ ઘેરા વાદળોથી છવાયેલું હતું, અને ધીમો, મધુર વરસાદ વરસતો હતો. વાતાવરણમાં માટીની ભીની સુગંધ પ્રસરી ગઈ હતી, અને ઠંડી હવાની લહેરો મનને શાંતિ આપી રહી હતી.
શિખરનું મન ફરી એ જ વિચારોમાં સરી પડ્યું. જૂની યાદોની વણઝાર તેના હૃદયને ઘેરી વળી.
તે સ્વગત બોલી ઊઠ્યો:
“શું વાંક-ગુનો હતો? સજા મારા માટે તો નહોતી જ, હતી? હું ખૂબ પ્રયત્નોથી મારા મનને આ વિચારોથી બચાવું છું, પણ આ હૃદય કોઈનું માને છે ક્યાં? એ ઊંડે ઊંડે સંતાડેલા યાદોના બીજને લાગણીનું પાણી આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. અને અંતે, એ બીજમાંથી ફરીથી યાદોનો છોડ ઉપસી આવે છે! વિચાર કરું છું, આ છોડોને મૂળથી ફેંકી દઉં... એ પણ કરી જોયું, પણ ફરી એ મૂળથી ઉખાડી ફેંકી દેવાયેલા છોડોના ઊંડા ઊતરેલાં મૂળિયાં ખરી ફરી મને એ જ યાદોની અંદર ઊંડા અંધારામાં ધકેલી દે છે. હું શું કરું?
યાદોનું શું કરવું? મારા માટે કશી કામની નથી, છતાંયે એ મારા માટે સોના જેવી છે.”
ત્યાં જ ડોરબેલ વાગે છે અને શિખરનું મન ફરી આ દુનિયામાં પાછું ફરે છે.
તે મનના ભારને ખંખેરીને ઊભો થાય છે. હાથમાં રહેલો કોફીનો કપ બાજુમાં મૂકે છે અને દરવાજો ખોલે છે. સામે તેની સહકર્મી શીખા ઊભી હતી.
શિખા ૨૪-૨૫ વર્ષની સોહામણી અને પ્રથમ નજરમાં ગમી જાય તેવી યુવતી હતી. તેના વ્યવસ્થિત રીતે ઓળેલા વાળ અને સાદો પરંતુ પ્રભાવશાળી મનમોહક ચહેરો, જે થોડા મેકઅપ સાથે પણ દીપી ઊઠે તેવો હતો. તેને જોઈને શિખરને થોડી શાંતિ મળે છે. જૂની યાદોથી મેલા થયેલા મનને શિખાને જોઈને થોડો આનંદ થાય છે.
તે બોલે છે, “મિસ શીખા, અત્યારમાં? કોઈ અર્જન્ટ કામ હતું? ઓહ, સોરી! અંદર આવ.”
શિખા અંદર આવતાં બોલે છે, “સૉરી સર, થોડા વહેલી સવારમાં આપને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? આમ તો કોઈ અર્જન્ટ કામ નથી, પરંતુ આજે જે ઈમ્પોર્ટન્ટ મીટિંગ છે, તે બાબતે મારા મનમાં થોડા પ્રશ્નો હતા. તે આપની સાથે ચર્ચા કરવા માટે અહીં આવી છું. આઈ હોપ આપને ખોટું નહીં લાગ્યું હોય.”
“અફકોર્સ નોટ, મિસ શીખા. તમે કોફી લેશો?” – એમ પૂછતાં શિખર સોફા પર બેસે છે.
શિખાને આમ તો કોફી પસંદ છે, પરંતુ તેને થોડો સંકોચ થાય છે. ત્યારે શિખર એને કહે છે, “અરે, સંકોચ રાખવાની જરૂર નથી. આપણે સહકર્મીઓ એક પરિવાર જ છીએ.”
જ્યારે શિખા પોતાના મનપસંદ કોફીના ફ્લેવરની વાત કરે છે, ત્યારે શિખરને આશ્ચર્ય થાય છે અને આશ્ચર્યથી બોલે છે, “ઓહ! મને પણ એ જ સ્વાદ પસંદ છે. વેરી નાઇસ ચોઇસ!” કહી શિખર કિચનમાં કોફી બનાવવા માટે જાય છે.
એ સમયે શિખા શિખરના આ ફ્લેટની અંદર એક ઊડતી નજર નાખે છે. આમ તો ઘર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ સામાનવાળું અને સુંદર સ્વચ્છ હતું, પરંતુ અહીં સ્ત્રીની ગેરહાજરી વર્તાઈ આવતી હતી. તે જુએ છે ફ્લેટ ઘણો મોટો છે, પણ સામાન જરૂર અને ખપ પૂરતો જ છે. ડેસ્ક પર અને સામેના કબાટમાં ડોકિયાં કરતી પુસ્તકો, જેમાં ઘણી તેની પોતાની પસંદગીની પણ પુસ્તકો હતી, તે શિખાની નજરથી ચૂકતી નથી.
ત્યાં જ શિખર બંને હાથમાં વરાળ નીકળતી કોફી સાથે હાજર છે અને તે શિખા તરફ ધરે છે.
ત્યારે શિખા શિખરના ચહેરા અને આંખોમાં રહેલા થોડા નિરાશાના ભાવ વાંચી લે છે, પરંતુ તે શિખરને પૂછી નથી શકતી, કેમકે હજુ તેણે કંપની જોઈન કર્યાને માત્ર બે જ મહિના થયા હતા અને તે શિખર સરના પર્સનલ લાઇફથી અવગત નહોતી. માટે પૂછવાનું ટાળે છે.
સામેથી શિખર કંપની વિશે પૂછે છે અને ત્યાં થતી કામગીરીમાં કોઈ અગવડતા નથી ને તેવું પૂછે છે, ત્યારે શિખા કહે છે, “ના, કંપનીમાં મને ઘણું નવું શીખવાનું મળ્યું છે અને આપની સાથે, આપના અનુભવો દ્વારા મને આગળ પણ ઘણું શીખવું છે.”
ત્યારે શિખર હળવું હસે છે અને કહે છે, “ના, એ અનુભવો હું ત્યારે જ કોઈની સાથે શેર કરું છું જ્યારે મને લાગે છે કે સામે કોઈ શીખવાવાળી વ્યક્તિ છે.”
શિખા કહે છે, “ઓહો, તો હું એ વ્યક્તિઓમાંની એક છું એવું હું સમજું ને?”
ત્યારે શિખર હળવું હસે છે અને કહે છે, “હોય પણ શકે.” અને બંને હસે છે.
ત્યારબાદ શિખા અને શિખર આજની મીટિંગની ચર્ચા કરી છૂટા પડે છે. ત્યારે શિખરને જૂની કડવી યાદોમાંથી ઘણા સમય બાદ પોતાના મનને એક અલગ દિશામાં સારા વિચારો તરફ વળતું હોય તેવું અનુભવાય છે.
આ મુલાકાત બાદ શિખર અને શિખા કંપનીમાં પણ ઘણીવાર કોફી સમયે તો ક્યારેક લંચ સમયે એકબીજાને મળી જતાં હતાં.
શિખા શિખરના કામ પ્રત્યેના લગાવ અને તેની શીખવવાની રીતથી ઘણી પ્રભાવિત રહેતી, તો બીજી તરફ શિખર શિખાના કામ પ્રત્યેના લગાવ અને શીખવાની ધગશથી પ્રભાવિત રહેતો.
શિખાના સંપર્કથી શિખરના મનમાં રહેલી કડવી યાદો ઘણી ધૂંધળી પડતી હોય તેવો અનુભવ થવા લાગ્યો અને તે પોતાની જૂની જિંદગી ભૂલી આ સમયને અને જિંદગીને અપનાવવા લાગ્યો હતો.
પરંતુ એક દિવસ, કોઈ એક ટાસ્ક બાબતે કંપનીમાં કોઈ પ્રકારનું ટેન્શન ચાલી રહ્યું હતું. એ દરમિયાન, એક દિવસ કોઈ બાબતે શિખર ખૂબ ટેન્શન અને ગુસ્સામાં હતો. તે જ દરમિયાન શિખા દ્વારા કામમાં કોઈ ભૂલ થાય છે. ત્યારે શિખર શિખાને પોતાની કેબિનમાં બોલાવે છે અને ગુસ્સામાં તેને આ ટાસ્કનું મહત્વ સમજાવે છે અને પૂછે છે કે “આ ભૂલ શા માટે થઈ?”
શિખા માટે આ ટાસ્ક નવો હતો, માટે તે પૂરતું એક્સપ્લેન ન કરી શકી. તે બાબતે શિખર શિખા પર ખૂબ ગુસ્સે થાય છે અને ગુસ્સામાં કંઈક કહેવા જતો હતો, ત્યારે તેને રિયલાઇઝ થાય છે કે તે કયો ગુસ્સો ક્યાં ઉતારે છે!
તે તરત જ શિખા સામું જુએ છે, ત્યારે શિખાની આંખોમાં આંસુ આવી ગયા હોય છે. તે જોઈને શિખર પોતાના ગુસ્સા તથા વર્તન પર પસ્તાય છે, પરંતુ શિખા તરત જ શિખરની કેબિન છોડીને ચાલી ગઈ હોય છે.
શિખર મોડી રાતે ઘરે આવે છે અને ઊંઘવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેની સામે શિખાનો તે જ આંખોમાં આંસુવાળો ચહેરો આવે છે, જે તેને ખૂબ પરેશાન કરે છે. પરંતુ તે કંઈક નક્કી કરી અને ઊંઘવાનો પ્રયત્ન કરે છે અને ઊંઘી જાય છે.
તે ઊઠે છે ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે અને ઓફિસ જવા માટે તે ઝડપથી તૈયાર થાય છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. શિખર મનમાં બબડે છે, "આજે મોડું થાય છે, ત્યાં વળી કોણ છે આ?" તે ઉતાવળે દરવાજા તરફ જાય છે અને દરવાજો ખોલે છે.
ત્યાં સામે શિખા હોય છે. તે તેને વેલકમ કરે છે.
“મિસ શીખા, તમે અત્યારમાં?”
તેને સાંજવાળી વાત યાદ આવે છે અને તે ખૂબ લાગણીસભર રીતે શિખાને કહે છે, “આઈ એમ સો, સોરી ફોર માય રુડ બિહેવિયર.”
ત્યારે શિખા બોલે છે, “આઈ એમ સોરી સર, હું પણ આપની પાસે મારા દ્વારા કાલે થયેલી ભૂલ બદલ માફી માગવા આવી છું.”
શિખર કહે છે, “ઈટ્સ ઓકે. થતું હોય. બાય ધ વે, કોફી લઈશ?” અને બંને હસે છે.
અને આ રીતે બંનેની વચ્ચે લાગણીનો એક અદ્રશ્ય સેતુ બંધાતો જતો હોય છે.