મિત્રો તમે એ કહેવત તો સાંભળી જ હશે કે
"પાકે ઘડે કાંઠા ન ચડે "
નાના બાળકો નિર્દોષ અને કોરી પાર્ટી જેવા સ્વચ્છ મનના હોય છે. બાળકોમાં તર્ક શક્તિનો અભાવ હોવાથી તેઓ માત્ર આજ્ઞાનું પાલન કરે છે. તેમને જે કહેવામાં આવે તેને જીવનમાં વણવા પ્રયાસ કરે છે. માટે બાળકોમાં સંસ્કારોનું સિંચન બાળપણથી આપવામાં આવે છે. બાળપણમાં આપેલી ટેવો, સંસ્કારો , શિખામણો આગળ જતા તેમને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. પહેલાના જમાનામાં બાળપણથી જ સંસ્કાર સિંચન પર વધારે ભાર આપવામાં આવતો હતો. જેના લીધે લોકોમાં વિનય, વિવેક, સભ્યતા સંસ્કાર જોવા મળતા. આજના યુગમાં તેનો અભાવ જોવા મળે છે.
આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણનજીએ પોતાના ભાષણમાં કહેલું કે "આજે કેળવણીમાં કાંઈક ખૂટે છે. એ ખૂટતી કડી છે અધ્યાત્માની સિદ્ધતા અને સંસ્કારની."સામાન્ય રીતે સંસ્કારની વિવિધ વ્યાખ્યાને ધ્યાનમાં રાખી એ તો મન કે મગજ ઉપર પડતી બહારની સારી નરસી છાપ. બીજી રીતે જોઈએ તો જીવનને ઉચ્ચગામી કરવાની વિધિ. વર્તમાન યુગમાં બાળકોમાં સંસ્કારો લુપ્ત થતા જાય છે શું યોગ્ય છે ,શું યોગ્ય નથી.ક્યારે કેવી રીતે ક્યાં બોલવું તેમને એ બાબતનું પણ ધ્યાન રહેતું નથી. તેઓ આડેધડ ગમે ત્યાં ગમે તે રીતે બોલી નાખે છે. વર્તન કરી નાખે છે. બાળકોમાં સંસ્કાર સિંચનની જવાબદારી ઘર ,શાળા અને સમાજની છે જેમાં બાળક સતત પરિભ્રમણ કર્યા કરે છે. સંસ્કારો એ પુસ્તકમાં કે અભ્યાસક્રમમાં નથી જોવા મળતા. તે શીખવાડવા પડે છે અને આપણા બધાની જવાબદારી છે. આજે બાળકમાં સભ્યતા, નમ્રતા, વિવેક, સંસ્કાર નહીં હોય તો ભલે ગમે તેટલી ડિગ્રીઓ એની પાસે હોય એ બધું વ્યર્થ છે. મિત્રો તમને હું એવી જ એક વાર્તા કહીશ જેમાં ત્રણ સ્ત્રીઓ ગામમાં કુવે પાણી ભરવા જાય છે. ત્યારે તેઓ પોત પોતાના પુત્રોના વખાણ કરતા થાકતા નથી અને એમાં પહેલી સ્ત્રી કહે છે કે "મારો દીકરો ખૂબ જ દેખાવડો છે અને તેના ગળામાં તો સરસ્વતીનો વાસ છે. તેને સંસ્કૃતના બધા જ શ્લોક કંઠસ્થ છે અને તે બધા શ્લોકનું સુંદર રીતે ગાન કરે છે. જે એક વાર સાંભળે એ વારંવાર સાંભળતા રહે છે." બીજી સ્ત્રી પોતાના દીકરાના વખાણ કરતા કહે છે "મારો દીકરો ખૂબ જ મોટી કંપનીમાં ઓફિસર છે લોકો તેને દૂર દૂરથી મળવા આવે છે. તેનો તો કંપનીમાં વટ પડે છે" ત્રીજી સ્ત્રી તો માથું નીચે નાખીને વિચારમાં પડી ગઈ મારો દીકરો તો સાધારણ છે. એનામાં તો એવી કોઈ ખાસિયત નથી હું શું મારા દીકરાના વખાણ કરું અને દુઃખી થઈ જાય છે. અચાનક પહેલી સ્ત્રીનો દીકરો સંસ્કૃતના શ્લોક ગાતો માની બાજુમાંથી નીકળી ગયો. એણે માની તરફ જોયું પણ નહીં. બીજી સ્ત્રીનો દીકરો પણ ત્યાંથી જોયા વગર બાજુમાંથી નીકળી ગયો. એટલામાં જ ત્રીજી સ્ત્રીનો દીકરો દોડીને આવ્યો અને એ કઈ બોલે એ પહેલા એણે માના માથેથી માટલું લીધું અને કહેવા માંડ્યો કે મા માટલું મને આપ તું થાકી ગઈ હોઈશ. તે મને કેમ ન બોલાવી લીધો માટલું હું લઈ આવત. ત્યારે તે બે મહિલાઓ આશ્ચર્યમાં પડી ગઈ. આ સમગ્ર ઘટના ત્યાં ઊભેલી એક વૃદ્ધ સ્ત્રી જોઈને બોલી. "જુઓ આ છે ખરું સોનુ સૌથી મોટુ જ્ઞાન સંસ્કારોમાં હોય છે"
જીવનમાં શિક્ષા જેટલી જરૂરી છે તેની સાથે જ વ્યવહારિક સભ્યતા, સંસ્કારીતાનો સિંચન જરૂરી છે. જે આપણા બધાના પ્રયાસો દ્વારા પૂર્ણ કરી શકાશે. આજના વાલીઓએ થોડોક સમય તેમના સંતાનો સાથે પસાર કરવાની જરૂર છે.
લિ
ડોક્ટર રચના કુમારી જૈન
એશિયા ઇંગ્લિશ સ્કૂલ