The pillar of the school - the principal in Gujarati Motivational Stories by RACHNA JAIN books and stories PDF | શાળાનો આધાર સ્તંભ - આચાર્ય

Categories
Share

શાળાનો આધાર સ્તંભ - આચાર્ય

              મારા વ્હાલા મિત્રો તમે તો જાણતા જ હશો કે જેમ ઘર ,પરિવાર અને સમાજમાં એક મુખ્ય વ્યક્તિનું સ્થાન છે તેમ કોઈ શૈક્ષણિક સંસ્થા શાળામાં આચાર્યની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.

             શાળાના સંચાલનમાં આચાર્યનું સ્થાન બહુ જ મહત્વનું છે. આચાર્યએ શાળાનો પ્રાણ છે. તેમને આપણે એક નેતા, સંચાલક, સંયોજક, માર્ગદર્શક, સંગઠક, નિરીક્ષક પરિવર્તક તરીકે પણ ઓળખી શકીએ છીએ. જેમ વીજળી ચલાવવા પાવરની જરૂર હોય છે. જો પાવર ન હોય તો વીજળીથી ચાલતા સાધનો નો કોઈ ઉપયોગ રહેતો નથી વીજળી હોય તો સાધનોની ઉપયોગીતા જોવા મળે છે. તેવી જ રીતે આચાર્યને શાળાનું મહત્વનું પાવર સ્ટેશન ગણવામાં આવે છે. આચાર્ય એ શાળાની ગતિ છે તે શાળાને ગતિવંત રાખે છે. 

             જેવી રીતે પિતા પર પરિવારની જવાબદારી હોય છે પરિવારનો દરેક સભ્ય હળી મળીને રહે અને એક જૂથ થઈને કાર્ય કરે અને પ્રગતિના પંથે આગળ વધે તેમજ સક્ષમ બને અને જીવનમાં આગળ વધે તે માટે સતત પરિશ્રમ કરે છે. મહેનત કરે છે. તેના સંતાનોનો સર્વાંગી વિકાસ થાય તેવો તે પ્રયત્ન કરે છે. તેવી જ રીતે આચાર્યએ શાળા રૂપી પરિવારનો પિતા છે વિદ્યાર્થીઓ તેના સંતાન છે. અને કાર્યરત શિક્ષકો તેના કુટુંબીજનો છે. શાળાનું મકાન તેનું સાર્વભૌમ સંપત્તિ છે. અને શાળા વ્યવસ્થાપક મંડળ ની જેમ વહીવટ કરે છે.

                      આચાર્ય એ શબ્દ શક્તિનો શિલ્પકાર હોય છે. શિક્ષણના ધ્યેય ,હેતુઓ ,ઉદ્દેશોની સ્પષ્ટ સમજ આપે છે. નવી નવી શિક્ષણ પદ્ધતિઓ , વર્કશોપ , સેમીનાર, તાલીમ આપીને તેમના શિક્ષકોને નવો ઘાટ આપે છે. તેમને સક્ષમ બનાવે છે. અભ્યાસિક  પ્રવૃત્તિઓ દરમિયાન શાળાની પ્રગતિમાં અસરકારક પ્રચાર અને પ્રસાર માટે તેનામાં ઉચ્ચ પ્રકારની ભાષાકીય સભ્યતા હોય છે. 

                      આચાર્યએ શાળાના દરેક પાસાને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. પછીએ  શાળાના કર્મચારીનીહોય, શિક્ષકોની હોય, વિદ્યાર્થીઓની હોય, શાળાની ઇમારતની હોય ,શાળાનું મેદાન હોય કે , શાળાની ઈત્તર પ્રવૃત્તિઓ હોય કે રમત ગમતના સાધનો હોય કે પછી અન્ય દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં તે કાર્યરત રહે છે.

                     શાળાનો આચાર્ય પરિવર્તનશીલ હોય છે તે દરેક વસ્તુ કાર્યમાં નવસર્જન અને પરિવર્તન અપનાવે છે. કોઈ પણ વસ્તુ સ્થિર રહેતી નથી સમય જતા તેમાં પરિવર્તનો આવ્યા કરે છે.એક વસ્તુ જૂની થાય અને નવું તેનું સર્જન થાય છે . વર્તમાન યુગ આદાન - પ્રદાનનો યુગ છે. જેમાં આચાર્ય શિક્ષકો ,કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને તે પ્રતિક પોષણ આપે છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને તે વિનમ્રતા, વિવેક, આદર, સન્માન આપીને તેમની દરેક સમસ્યાનું નિવારણ કરે છે. વાલીઓની સમસ્યાને સમજીને તેમની સમસ્યાઓનું ઉકેલ લાવવા તત્પર રહે છે  જે વિદ્યાર્થીના હિતમાં હોય તે રીતે વાલી અને વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. આચાર્યમાં તમામ ગુણોનું ભંડાર હોય છે. 

                     આચાર્યએ શાળાની દરેક બાબતને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. તે શિક્ષકોની સલાહ સૂચન લઈને દરેક કાર્યમાં ઝંપ લાવે છે. કયા વ્યક્તિ જોડે ,ક્યારે અને કેવી રીતે કાર્ય કરાવવું તે કળા પણ આચાર્યમાં જોવા મળે છે. જરૂર પડે ત્યાં ગુસ્સે થી, અને જરૂર પડે ત્યાં પ્રેમથી પણ કાર્ય કરાવવાની ક્ષમતા રાખે છે. 

                       આમ આચાર્ય એ શાળામાં નવીન વિચારોને અમલમાં લાવાની પહેલ કરે છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો સર્વાંગી વિકાસ તેના આચાર્ય પર નિર્ભર હોય છે. જે હંમેશા કોઈ પણ કાર્ય કરવા તત્પર રહે છે એવી ભાવના રાખે છે કે ,"નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન "  ઉચ્ચ ધ્યેય કદાચ જીવનમાં ન પણ સિદ્ધ થાય પરંતુ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી.જે અમારી શૈક્ષણિક સંસ્થાનો સર્વોચ્ચ ઉદાહરણરૂપ બન્યું છે.

                                                લિ.

                                 આપ સર્વ મિત્રોની વિશ્વાસુ.

                                ડૉ .રચના કુમારી જૈન

                                એશિયા ઇંગ્લિશ સ્કૂલ

        .