મારા વાલા મિત્રો સૌથી પહેલા હું તમને બાળ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.બાળ દિવસના દિવસે હું મારા વિચારો રજુ કરતા કહીશ કે બાળકએ અનમોલ રત્ન છે. જે ઘર , પરિવાર અને સમાજ દરેક જગ્યાએ તેનું મહત્વનું સ્થાન છે. જે ઘરમાં બાળક હોય છે તે ઘર તેના કિલકારીઓથી ગુજી ઊઠે છે. તેવી જ રીતે શાળા પણ બાળકો થી જ સુશોભિત થાય છે. સમાજમાં પણ તેનું મહત્વનું સ્થાન છે કારણ કે તે ભાવિ દેશના નાગરિક છે. દેશનું ભવિષ્ય તેમના હાથમાં છે. બાળકો સૌને ગમતા હોય છે.ભગવાનના આશીર્વાદથી બાળકો મળતા હોય છે. કહેવાય છે બાળકોમાં ભગવાનનો વાસ હોય છે. બાળ દિવસ એ કોઈ સામાન્ય દિવસ નથી. બાળ દિવસ પૂરા ભારતમાં 14 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરનો જન્મ દિવસ છે. તેમને બાળકો ખૂબ જ પ્રિય હતા. તેથી તેમને શ્રદ્ધાંજલિ દેવા આ દિવસ મનાવવામાં આવે છે. બાળકો તેમને ચાચા નહેરુ કહીને સંબોધિત કરતા હતા. આજનો આ બાળ દિવસ ખાસ કરીને બાળકો માટે સમર્પિત હોવો જોઈએ.
શાળાઓમાં પણ બાળ દિવસ ખુબ જ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. બાળકો કેવી રીતે ઉત્સાહિત અને આનંદિત થઈ શકે તે માટે તેમના માટે કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. ચિત્રકળા ,વકૃત્વ સ્પર્ધા, રમત - ગમત , મનોરંજન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
બાળક એક કુમળુ છોડ છે તેને જેમ વાળીએ તેમ વળી જાય છે. બાળકના મન પર એક વાર કોઈ પડેલી છાપ પછી એ ખરાબ હોય કે સારી તેને તે ક્યારેય ભૂલી શકતો નથી. બાળકની પાસે કામ કરાવવાની કળા આવડવી જોઈએ બાળમન એ હઠીલુ હોય છે તેને જે કાર્યમાં આનંદ આવે તે કામ કરવા વધારે પ્રેરાય છે. નાની નાની વાત પણ તેના મન પર અંકિત થઈ જાય છે. તમે ઘણી વાર વાંચ્યું કે સાંભળ્યું હશે કે બાળકનું બાળપણથી કોઈ ઘટના કે પ્રસંગ જે તેણે જોયેલી કે સાંભળેલી હોય કે અનુભવ કરેલી હોય તે તેનામાં ઘણા પરિવર્તન લાવી દે છે
બાળકના શિક્ષણને લઈને શિક્ષકો પણ આત્મીયતાનું વર્તતા હોય છે. આજના જાગૃત રહેતા વાલીઓ પણ તેમના ભણતર પ્રત્યે ગંભીર વલણ ધરાવતા હોય છે.શાળામાં ઘણીવાર વાલીઓ અને શિક્ષકો સાથે મળીને બાળકના વિકાસનીચર્ચા વિચારણા કરે છે. ઘણીવાર ઘરની પરિસ્થિતિ કે સંજોગોની બાળ માનસ પટ પર વિપરીત અસર પડતી હોય છે. સંયુક્ત કુટુંબ હોય કે નોકરીયત માતા - પિતા સંતાનોને સમય ન આપી શકતા હોય તો તેમના વિકાસમાં ઉણપ જોવા મળે છે.વાલીઓએ શાળાની મીટીંગમાં હાજર રહેવું જોઈએ. નોટ બુક રોજ તપાસવી જોઈએ. શિક્ષકે ચિઠ્ઠી મોકલી હોય તો તેની જાણ થઈ કે નહીં તેની નોંધ લેવી જોઈએ. સમસ્યા હોય તો શિક્ષક સાથે વાતચીત કરી તેનું નિવારણ કરવું જોઈએ. થોડા થોડા સમયગાળા દરમિયાન શિક્ષકો અને વાલીઓ વચ્ચે બાળકની પ્રગતિ અને વિકાસને લગતા મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી જોઈએ. પ્રયત્ન કરવો જોઈએ કે કેવી રીતે તેનામાં વધારે ને વધારે ધ્યાન આપી શકાય.
જો આપણા જેવા સમાજના સુશિક્ષિત વર્ગ જો એવો સંકલ્પ કરે કે એક એક મજૂરી કરનાર બાળકો ,ગરીબ બાળકો, નોકરી ચાકરી કરનારાના બાળકો આર્થિક રીતે પછાત વર્ગના બાળકો માટે શિક્ષણ પૂરું પાડી શકીએ. તેમને મદદરૂપ થઈએ ભણતર માટે ક્યાંક ઉપયોગી થઈ શકીએ. તેમજ સરકાર દ્વારા સંચાલિત મફત શિક્ષણ યોજના વિશે જાણકારી આપીએ. બાળકને શાળામાં શિક્ષણનું મહત્વ બતાવીએ ,શાળાએ જવા પ્રેરિત કરીએ તો દેશમાં એક પણ બાળક ભણતરથી વંચિત નહીં રહી શકે. તેમજ સુંદર ભાવિ દેશનું નિર્માણ આપણા અથાક પ્રયત્ન દ્વારા સિદ્ધ થઈ શકશે.
લિ
ડૉ. રચના કુમારી જૈન
એશિયા ઇંગ્લિશ સ્કૂલ