યૌવનની હદ પાર કરેલ રમા દૂર બારીમાંથી બાળકોનો કલબલાટ સાંભળી રહી હતી. એટલામાં બા એ સાદ દીધો ત્યારે રમા તો પોતાના આઠ વર્ષ અગાઉ થયેલા સગાઈના કંકુ ચાંદલાની ક્ષણોને યાદ કરી રહી હતી. આજે આઠ વર્ષ પુરા થઈ ગયા પણ બાપુ તો લગ્ન માટે પૈસા ભેગા કરવાની ચિંતામાં જ ડૂબેલા રહે છે. કોણ જાણે હવે લગ્ન થશે કે પણ નહીં. બા પણ દુઃખી સ્વરે બાપુને કહે છે કે " સાંભળોને આપણે જમાઈને અહીંયા ઘરમાં પૂજા રાખેલ છે તે બહાને બોલાવીએ" જમાઈસા રમાને પણ જોઈ લેશે અને તેના સ્વભાવથી પણ પરિચિત થશે. બાપુ કહે છે "સારુ હું આજે જ આમંત્રણ આપીને આવું છું."બાની આંખોમાંથી આંસુ વહે છે અને ભગવાનને પ્રાર્થના કહે છે કે હે ભગવાન મારી રમાનું ઘર વસી જાય. બાપુ ખુશ થતા આવે છે અને રમાની બાને કહે છે કે હું આજે આમંત્રણ આપી આવ્યો છું. તેટલામાં જ ઘરની બહાર અંધારામાં કોઈ અજાણ વ્યક્તિ ઊભું દેખાય છે. બાપુ એ જોરથી બુમ પાડી કોણ છે ત્યાં? સામે આવો બોલતા કેમ નથી? આ તો જાણીતું ચહેરો લાગે છે. અરે આપ... આપ જમાઈ રાજા આવો આવો પધારો તમે આવ્યા. અરે રમાની બા જો તો કોણ આવ્યું છે. ઝટ પાણી લાવ. જમાઈને ભોજન કરાવે છે ત્યારે જમાઈનો ચહેરો જોતા બાપુ કહે છે કેમ જમાઈ તમે કેમ ઉદાસ છો શું થયું? કોઈ મૂંઝવણ હોય તો અમને જણાવો. કોઈ મુશ્કેલીમાં મુકાયા છો. કહો તો ખરા? ત્યારે જમાઈ આખી ઘટના કહે છે કે ગામમાં વર્ષોની દુશ્મનાવટમાં બે વ્યક્તિનો ઝઘડો થયો ને હું તેમને સમજાવ ગયો તેમાં મારાથી અજાણતામાં તલવાર ચાલી ગઈને એ વ્યક્તિનું ખૂન થઈ ગયું. તેનો ખૂન કરવાનો આરોપ મારી પર આવી ગયું. બાપુ એક દમથી બોલી ઉઠ્યા. હું તો સમજ્યો હતો કે તમે મારા આમંત્રણને માન આપીને આવ્યા છો. આમંત્રણ કોણે મોકલ્યું ? ક્યારે મોકલ્યું?. કેવું આમંત્રણ ? આશ્ચર્ય સાથે બોલે છે હા હા .....એ જ સમયે આ ઘટના બની. બાપુએ મને થોડા દિવસ માટે ગામથી દૂર સંતાઈ જવા કહ્યું. તમે ચિંતા ના કરો થોડા દિવસમાં બધું સારું થઈ જશે તો હું રમા ને લઈને હું ચાલ્યો જઈશ. હવે બંને ઘરોની ઈજ્જત તમારા હાથમાં છે. થોડા દિવસની વાત છે. હવે આપણે એક જ પરિવારના છીએ. મારું નહીં તમારી દીકરીનું તો વિચારો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. જમાઈશા અને રમા વધુને વધુ નજદીક આવવા લાગ્યા. જમાઈ પહેલી નજરે રમાને જોતા રહી ગયા. અનહદ આકર્ષક એવી મોટી હરણી જેવી આંખો રમાના લાવણ્યનું કેન્દ્ર બિંદુ હતી. મધુર ભાષી જરૂર વિના બોલતી નહીં પણ તેની આંખો દ્વારા બધા જ ભાવોની અભિવ્યક્તિ થઈ જતી. સુંદર ,માસુમ ,બે ચોટલી, ગોળ મુખ, શ્યામ વર્ણની એવી રમા અને જમાઈ એકબીજામાં એવા તો રમી જાય છે કે એમને કશું જ સૂધ બુધ રહેતી નથી. બંને એકબીજાના પ્રેમમા ઓત પ્રોત થઈ ચૂક્યા હતા. બંને હવે એકાંતમાં બેસીને એક બીજાને નિહાળ્યા કરતા. એક દિવસ ગામના સરપંચની દીકરીના લગ્ન હતા. ઘરના બધા લગ્નમાં જોડાયા ત્યારે પ્રેમમાં ડૂબેલા બંને જણાએ બધી જ મર્યાદા વટાવીને એક મેક બની ચૂક્યા. થોડા દિવસો પસાર થતા જમાઈ બા - બાપુના આશીર્વાદ લઈ વિદાય લે છે. ઘણા દિવસો વીતી ગયા અહીંયા રમા મા બની ગઈ હતી. તેણે એક દીકરાને જન્મ આપી દીધો હતો. જમાઈને સંદેશો મોકલ્યો ત્યારે જમાઈના પિતાએ કહ્યું મારો દીકરો તો ક્યારે રમાને મળ્યો જ નથી. એ તો તમારા ગામમાં આવવાની વાત તો શું એણે તો ગામ અને રમાને પણ હજુ સુધી જોયું નથી. બાપુના માથેથી આભ તૂટી પડ્યો હોય તેમ જમીન પર ઢળી પડ્યા. પરાણે ઘરે આવીને આખી ઘટના રમાની બાને કહે છે કે ભૂલ આપણી છે. આપણે જમાઈ જોયા જ ન હતા. આઠ વર્ષ પહેલા જોયેલ આપણે ઓળખી શક્યા નહીં. એક અજાણ વ્યક્તિ આપણી નજરોની સામે રમાની જિંદગીથી રમી ગયો. આપણે કશું ના કરી શક્યા. અરે આપણાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. આપણેે જ રમાની જિંદગી બરબાદ કરી નાખી.આ બધું ઓરડાની અંદર બેઠેલી રમા એના દીકરાના માથા પર હાથ ફેરવતા દિવાના પ્રકાશને જોતી હૈયાફાટ રુદન કરે છે ને ચારે કોર અંધારું છવાઈ જાય છે.
લિ
ડૉ. રચના જૈન