યશ હવે માત્ર ત્રણ જ વર્ષમાં શહેરની એક પ્રતિષ્ઠિત કન્સ્ટ્રકશન કંપની 'અમર ઇન્ફ્રાકોન' નો 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ' બની ગયો હતો. તેની નવી ઓફિસ ગિફ્ટ સિટીના એક ટાવરમાં હતી, જ્યાંથી સાબરમતી નદીનો મનોરમ્ય કિનારો દેખાતો હતો. ત્રણ વર્ષ પહેલાં, સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, સારા માર્ક્સ અને GATE ની સફળતાએ તેને આ નોકરી અપાવી હતી....
નોકરી મળ્યાનું પહેલું વર્ષ તો ફક્ત શીખવામાં નીકળી ગયું.મટીરીયલની ક્વોલિટી ચેક કરવી, લેબર સાથે વાત કરવી, સરકારી નિયમો સમજવા... પરંતુ યશની ખૂબી હતી તેની ધગશ. તે માત્ર 'કામ પૂરું કરવું' તેમાં નહોતો માનતો, તે 'કામ શ્રેષ્ઠ રીતે કરવું' તેમાં જ માનતો. તેને ઘણીવાર પોતાની જાત સાથે વાત કરવાની આદત હતી આમ કરવાથી તેને પોતાનું માર્ગદર્શન મળે અને પોતે જ પોતાને આત્મવિશ્વાસ આપી શકે એવું તે માનતો હતો તે પોતાની ઓફિસમાં બેઠા બેઠા વિચારે ચઢી જતો ત્યારે તેને હંમેશા એક જ વિચાર આવતો "યશ, તું ફક્ત ફાઇલ લઈને ઓફિસમાં ના બેસી રહે. તારું મગજ અને તારી હાજરી સાઈટ પર જેટલી હશે, એટલું જ તારું ભવિષ્ય વધુ મજબૂત બનશે. સિમેન્ટ અને સ્ટીલને ફક્ત આંખથી નહીં, દિલથી પણ જોવાનું શીખ," – તેના પોતાના મનમાં ઉદ્ભવતા આ શબ્દો તેને હંમેશા યાદ રહેતા. અને તે ફાઈલ નાં ઢગલા છોડી તેમાંથી બહાર નીકળી જતો અને સાઈટ પર ફરીને તેનો ખૂણે ખૂણો જોઈ લેતો
આજે તે કંપનીમાં એક ઈજનેર તરીકે જોડાયા બાદ પોતાની કામગીરીથી સૌથી યુવાન પ્રોજેક્ટ મેનેજરોમાંનો એક હતો. અને નોકરીનાં ઓછા અનુભવ છતાં આ હોદ્દો સૌથી ઝડપી રીતે મેળવનાર વ્યક્તિ પણ તે જ હતો. આ તેની સખત મહેનત, આત્મવિશ્વાસ અને તેની સક્ષમતા (Competence) ની સાબિતી હતી. તેણે પોતાની જાતને એક હોશિયાર અને સક્ષમ ઇજનેર તરીકે સફળતાપૂર્વક સિદ્ધ કરી બતાવી હતી. તેનું ટેબલ ફક્ત કોમ્પ્યુટર અને પેપર્સથી ભરેલું નહોતું, પણ તેના પર 'કોડ ઓફ કન્ડક્ટ' અને 'સેફ્ટી ફર્સ્ટ' લખેલા નાના બોર્ડ પણ હતા.યશ માટે હવે સમયનું વહેણ ઑફિસની ઘડિયાળના કાંટા પર નહીં, પણ બાંધકામની ગતિ પર આધારિત હતું. સવારે ૯ વાગ્યે ઑફિસ પહોંચી જવું અને રાત્રે ક્યારે ૧૦ વાગી જાય તેનું ભાન ન રહેવું – આ તેનો નિત્યક્રમ બની ગયો હતો. તેનો હાલનો પ્રોજેક્ટ પૂરો થવાના આરે હતો. ટાવર્સનું બાહ્ય માળખું (Exterior Structure) પૂર્ણ થઈ ચૂક્યું હતું અને હવે આંતરિક સજાવટ (Interior Finishing) અને સર્વિસ લાઈન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું.તેની કામગીરીમાં એક પ્રકારનો ઊંડો આત્મસંતોષ હતો. પોતાના પગ પર ઊભા રહેવાની ખુશી તો પ્રથમ દિવસે જ મળી ગઈ હતી, પણ આજે તેને જે ખુશી મળી હતી, તે હતી - પોતાની સર્જનશક્તિથી સમાજને કાયમી મૂલ્ય આપવાની ખુશી.
રોજની જેમ તે આજે સવારે જ્યારે ઓફિસમાં આવ્યો, ત્યારે રિસેપ્શનિસ્ટે મોઘમ હાસ્ય સાથે અભિનંદન પાઠવી તેને એક નાનું કવર આપ્યું. કવર પર તેના નામની નીચે એક નવી પોસ્ટ લખેલી હતી: 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ'.....યશના ચહેરા પર એક પળ માટે આશ્ચર્ય અને સંતોષની મિશ્રિત લાગણી છવાઈ ગઈ. આ ફક્ત પ્રમોશન નહોતું; આ તેના પર મૂકવામાં આવેલો વિશ્વાસ હતો. આ પદ એટલે હવે વધુ મોટી જવાબદારીઓ, વધુ જોખમો, અને સૌથી મહત્ત્વનું, સંપૂર્ણ સ્વતંત્રતા!...
આજથી ૧ વર્ષ પહેલા જ તેને હાલનો પ્રોજેક્ટ સોંપાયો હતો , તે માત્ર ઈમારત નહોતી, પણ અમદાવાદના ઇતિહાસમાં એક નવું સીમાચિહ્ન બનવાની હતી – 'ધ સાબરમતી ગ્રેન્ડે': નદી કિનારે આવનારા ગુજરાતના સૌથી ઊંચા રહેણાંક ટ્વીન-ટાવર્સ."યશ, આ પ્રોજેક્ટ આપણી કંપનીનો 'શો-પીસ' છે. પાયા મજબૂત હોવા જોઈએ એવું ખુબ જ ભાર પૂર્વક ," MD સાહેબે ફાઇલ આપતી વખતે કહ્યું હતું.યશે કામ શરૂ કર્યું. સાબરમતીના કાંઠે, જ્યાં ભૂગર્ભ જળ (Ground Water Level) ઊંચું હોય છે, ત્યાં ટાવરનો પાયો નાખવો એ આ પ્રોજેક્ટ માટે પહેલો પડકાર હતો. યશના માર્ગદર્શન હેઠળ, બાંધકામની જગ્યાને કોફરડેમ (Cofferdam) વડે મજબૂત રીતે સુરક્ષિત કરવામાં આવી, અને ઊંડા પાયા (Deep Piling Foundation) નું કામ ચોકસાઈથી શરૂ થયું.
પહેલા છ મહિના સુધી બધું ઘડિયાળના કાંટાની જેમ કરેલા પ્લાનિંગ મુજબ વ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલતું હતું. પાયાનું ૮૦% કામ જેટલું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું હતું, અને પ્રથમ ટાવરનો પ્લિન્થ સ્લેબ નાખવાની તૈયારી ચાલતી હતી. પણ કહેવાય છે ને કે એક મોટી સફળતા મેળવવા માટે સખત કટોકટી અને જટિલ સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે અને આવી જ એક અણધારી સમસ્યા તેની રાહ જોતી ઉભી જ હતી તેની આવડત અને ક્ષમતાને પડકારવા માટે આવી ગઈ હતી.એક મંગળવારે, યશ નિયમિત સાઇટ ઇન્સ્પેક્શન કરીને બધી સૂચનાઓ આપીને પોતાની ઓફિસ પહોંચ્યો ત્યારે તેના ટેબલ પર એક મોટું કવર પડ્યું હતું, જે કંપનીના ફાઇનાન્સ વિભાગ તરફથી આવ્યું હતું. જેના પર ખાનગી અને તાત્કાલિકનું લખાણ થયેલું હતું. યશ વધુ વિચાર્યા કર્યા વિના ઝડપથી કવર હાથમાં લઇ ખોલી જોવા લાગ્યો. કવર ખોલતા જ તેના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ.તે એક 'પ્રોજેક્ટ ફંડ ફ્રીઝ' નો નોટિફિકેશન લેટર હતો. જે મુજબ અમર ઇન્ફ્રાકોનના માલિકોમાંથી એક, જે આ પ્રોજેક્ટના મુખ્ય ફાઇનાન્સર પણ હતા, તેમના અંગત ધંધામાં આવેલી અણધારી કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓને કારણે, બેંકોએ તાત્કાલિક અસરથી 'ધ સાબરમતી ગ્રેન્ડે' પ્રોજેક્ટના મુખ્ય બેંક ખાતા પર હંગામી ધોરણે રોક (Hold) લગાવી દીધી હતી. આનું ગંભીર પરિણામ એ આવ્યું કે તેના આ અતિ મહત્વના પ્રોજેક્ટ માટે પાયાના કામ માટે મટીરીયલ સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરો (ખાસ કરીને પિલિંગ માટે સ્ટીલ અને વિશેષ કોંક્રિટના સપ્લાયર) ની ગયા મહિનાની બાકી રકમો અટકી ગઈ. જેના લીધે તેના બે મોટા સપ્લાયરોએ સ્પષ્ટ કહી દીધું કે જો આવતા ૪૮ કલાકમાં તેમનું પેમેન્ટ રિલીઝ નહીં થાય, તો તેઓ આવક બંધ કરી દેશે અને જે મટીરીયલ સાઇટ પર પહોંચ્યું છે તે પણ પાછું લઈ જશે. આનાથી વસમું એ હતું કે આગામી પ્લિન્થ સ્લેબ માટે જરૂરી વિશાળ માત્રામાં સિમેન્ટ અને અન્ય એગ્રીગેટ્સનો નવો ઓર્ડર આપી શકાય તેમ નહોતું, કારણ કે બેંક ગેરંટી (Bank Guarantee) અથવા તાત્કાલિક રોકડ વ્યવસ્થા શક્ય નહોતી. ઉપરાંત લેબર કોન્ટ્રાક્ટરના માણસોમાં અફવા ફેલાતા કામદારોનું મનોબળ તૂટી ગયું હતું અને તમની કામગીરી ધીમી પડી ગઈ હતી. પ્રોજેક્ટ ની સમયમર્યાદા પ્રમાણે, પ્લિન્થનું કામ આવતા અઠવાડિયે શરૂ થવું જોઈતું હતું, અને જો તે અટક્યું, તો આખા અમદાવાદમાં કંપનીની શાખ પર સવાલ ઊભા થવાના હતા. યશની સ્વતંત્ર જવાબદારીનો આ સૌથી મોટો અને અણધારી કાનૂની-નાણાકીય પડકાર હતો. પણ યશ પોતાની જિંદગી અનુભવે આવા પડકારો નો સામનો કરતા શીખી ગયો હતો પણ આ સમસ્યા કંઇક અલગ હતી કારણ કે આ સમસ્યા તેની એન્જિનિયરિંગ સ્કિલ કરતાં વધુ, તેના વ્યવસ્થાપન અને સંબંધોની કસોટી હતી.
યશે સૌ પ્રથમ તેની કંપનીનાં કાનૂની સલાહકાર સાથે તાત્કાલિક મીટિંગ કરી તેની સાથે વિગતવાર સમસ્યાના સમાધાન માટે ચર્ચા કરી આથી તેને એ સ્પષ્ટ થયું કે રોક (Hold) ફક્ત એક ભાગીદારના અંગત મુદ્દા પર હતી, પ્રોજેક્ટ પોતે દેવામાં નહોતો. આથી જો આ બાબતે પોતાનો પક્ષ રજુ કરવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન આવી જાય તેમ છે પણ પ્રોજેક્ટ ફંડ્સ રિલીઝ થવામાં ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ દિવસ લાગશે. પણ ત્યાં સુધી શું કરવું ? તેની ઊંડી વિચારસણીમાં એ પરોવાયો ત્યાં જ એને સત્ય અને નિષ્ઠાનાં રસ્તે પ્રયત્ન કરવાનો વિચાર કરી લીધો અને યશ સીધો બે મુખ્ય સપ્લાયરોની ઓફિસે ગયો. જ્યાં સામાન્ય મેનેજર પેમેન્ટની બાંહેંધરી આપતા હતા, પણ સપ્લાયર માનતા નહોતા.ત્યાં યશે ઈમાનદારીથી અને આત્મવિશ્વાસનાં રણકા સાથે કહ્યું "સાહેબ, હું તમને કહીશ નહીં કે બેંકમાંથી પૈસા કાલે આવી જશે. પણ હું તમને એન્જિનિયર તરીકે અને કંપનીનાં આ પ્રોજેક્ટનાં મેનેજર તરીકે ગેરંટી આપું છું. મારી કંપની (અમર ઇન્ફ્રાકોન) નો ઇતિહાસ સ્વચ્છ છે. તમારું પેમેન્ટ આવતા ૧૫ દિવસમાં વ્યાજ સાથે પાછું મળશે. પરંતુ જો તમે અત્યારે સપ્લાય અટકાવશો, તો આ પ્રોજેક્ટ પણ અટકી જશે, અને જ્યારે પ્રોજેક્ટ અટકે છે, ત્યારે બધાના પૈસા અટકે છે. હું તમને વ્યક્તિગત ધોરણે વચન આપું છું કે હું આ પરિસ્થિતિને ઉકેલીશ."આ વાટાઘાટમાં યશે કંપનીના ઇતિહાસ, પ્રોજેક્ટના મહત્ત્વ અને તેના પોતાના વ્યક્તિગત વિશ્વાસનો ઉપયોગ કર્યો. સપ્લાયરો યશની ઇમાનદારી અને કાર્યક્ષમતાથી પરિચિત હતા. આથી તેમણે યશના વચન પર ભરોસો રાખીને સપ્લાય ચાલુ રાખવા માટે સહમતી આપી. પણ હજું આ સિવાય પણ ફંડની જરૂરીયાત તો રહેતી જ હતી એટલે આમ જોવા જઈએ તો સમસ્યા પૂરી રીતે તો હાલ થઇ જ ન હતી આથી તેને આ કટોકટી માં પોતાનો અનુભવ કામે લગાડી નવેસરથી પ્લાનિંગ કર્યું.પ્રોજેક્ટમાં લેબર અને નાના રોજીંદા ખર્ચાઓ અટકાવવા જરૂરી હતા, કારણ કે આનાથી સાઇટ પર અરાજકતા ફેલાઈ શકે. આ માટે યશે કંપનીના MD સાહેબને મળીને વિનંતી કરી કે કોર્પસ ફંડ (Corpus Fund) માંથી તાત્કાલિક ધોરણે એક નાની રકમ (એક અઠવાડિયાના લેબર અને નાના મટીરીયલ ખર્ચ જેટલી) ચેક દ્વારા અથવા અન્ય સ્વચ્છ ખાતામાંથી રિલીઝ કરવામાં આવે, જેથી મજૂરોને રોકડીમાં તેમનો પગાર મળી રહે અને સાઇટ પરની ગતિ ચાલુ રહે.જેટલો સમય મુખ્ય બાંધકામ અટકે, તેનો ઉપયોગ કરવો જરૂરી હતો. યશે તાત્કાલિક આદેશ આપ્યો કે કોઈપણ કોંક્રિટિંગનું કામ ન કરવું. લેબરને ડ્રેનેજ લાઇન, સાઇટ કમ્પાઉન્ડની સફાઈ, લેન્ડસ્કેપિંગની તૈયારી, અને આગામી સ્લેબ માટે સ્ટીલને કટ અને બેન્ડ કરવાનું (જે મટીરીયલ પહેલેથી સ્ટોકમાં હતું) કામ સોંપવામાં આવ્યું. આનાથી કામદારો વ્યસ્ત પણ રહ્યા અને તેમનું મનોબળ જળવાઈ રહ્યું. યશની આ સૂઝબૂઝ અને સંબંધો જાળવવાની કલાને કારણે, પ્રોજેક્ટ ફક્ત ૪ દિવસ ધીમો પડ્યો, જે નાણાકીય કટોકટીના સંદર્ભમાં લગભગ શૂન્ય ગણાય. પંદર દિવસ પછી, કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં ફંડ રિલીઝ થયું, અને યશે સપ્લાયરોને આપેલા વચન મુજબ વ્યાજ સાથે તરત ચુકવણી કરી.
આ ઘટનાએ સાબિત કર્યું કે યશ માત્ર એક સારો એન્જિનિયર જ નહોતો, પણ એક ઉત્તમ સંકટ વ્યવસ્થાપક (Crisis Manager) અને એક વિશ્વાસપાત્ર વ્યક્તિ પણ હતો. અને આ જ કટોકટીની ક્ષણોમાં યશ દ્વારા લેવાયેલા આ પગલાંની નોંધ તેની મેનેજમેન્ટ કમિટી એ લેવી પડી પ્રોજેક્ટ પર આવી પડેલી આ નાણાકીય મુસીબતને હલ કરી પ્રોજેક્ટને ફરી પ્રગતિમાં લાવીને દોડતો કરી દિધો અને આના પરિણામ સ્વરૂપે તેની જવાબદારીઓ વધારી ને મહત્વપૂર્ણ હોદ્દો સોંપવાનો નિર્ણય લેવાઈ ગયો.
સવારે મળેલી ખુશીને પચાવતા અને એ ખુશીનાં કારણને મનમાં યાદ કરતા કરતા તે પોતાની કેબિનમાં દાખલ થઇ પોતાના ટેબલ પર બેસી ચાની ચૂસકી લેતો હતો થાય તેના મોબાઈલમાં કૉલની નોટિફિકેશન આવી. તે તેના મિત્ર રોહિતનો હતો, જે વિદેશમાં ભણતો હતો. વાત વાતમાં તેની ખુશી જાણે જાણી ગયો હોય તેમ પૃચ્છા કરી ત્યારે યશે પણ પોતાના મિત્ર સાથે તેની આ ખુશી વહેંચી દેવા માંગતો હોય તેમ બધું જણાવી દીધું ત્યારે તેના મિત્રે તેને અભિનંદન સાથે યાદ કરાવતાં કીધું "યાર યશ, તારી લાઈફ તો સેટ છે! મોટી કંપની, મોટો પગાર, અને હવે તો મોટી પોસ્ટ! યાદ છે, કોલેજમાં તું ગેટની તૈયારી કરતો ત્યારે બધા મજાક કરતા કે આટલી મહેનત શા માટે?" ત્યારે યશે સ્મિત સાથે જવાબ આપ્યો, "રોહિત, મહેનત પગાર માટે નહોતી. મહેનત હતી મારા સપનાના પાયા મજબૂત કરવા માટે અને સપનાનો પાયો જો મજબૂત ના હોય, તો એના પર બનેલી ઇમારત ગમે ત્યારે ધસી પડે." આટલું સાંભળતા જ તેના મિત્રે મજાકની ઢબે કહ્યું દોસ્ત તું અને તારી ફિલોસોફી મારી સમજની બહાર છે અને વાત પૂરી કરી. મોબાઈલ મૂકીને યશે પોતાના ડેસ્ક પર પડેલા નવા પ્રોજેક્ટના બ્લુપ્રિન્ટને હાથમાં લીધો.તે જાણતો હતો કે 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ' ની સફર સરળ નહીં હોય. પણ તેની આંખોમાં નવો જુસ્સો હતો."લેટ્સ ડુ ધીસ!" – તેણે મનોમન પોતાને કહ્યું. (ક્રમશ:)