Padchhayo - 4 in Gujarati Moral Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 4

Featured Books
Categories
Share

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 4

પ્રકરણ -૪ સાત ફેરાથી સાત પગલાં:વ્યવસાયિક ભાગીદારી તરફ

 

યશની કેબિનમાં સવારના શાંત વાતાવરણમાં પણ તણાવ ભારોભાર ભરેલો હતો. ગઈકાલે મળેલી જાણકારી પછી યશની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેની ઓફિસની કેબિનમાં એસીનું કૂલિંગ હોવા છતાં તેને પરસેવો વળી રહ્યો હતો. બહાર સાઈટ પરની કામગીરી અને કારીગરોનાં  ગુંજતા અવાજો વચ્ચે પણ તેના મગજમાં એક જ સવાલ ગુંજતો હતો: "આ એકાએક શું થઈ ગયું?" કરોડોનો પ્રોજેક્ટ, હજારો શ્રમિકોનું ભાવિ, અને તેની કરિયરની સૌથી મોટી સિદ્ધિ... એક ઝટકે થંભી ગઈ! તેની કંપની અમર ઇન્ફ્રાકોનનો કરોડોના ખર્ચે આકાર પામનાર  ડ્રીમ પ્રોજેક્ટ, જેના પર યશ કદાચ મનોમન 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ' તરીકે પોતાનું ભાવિ જોઈ રહ્યો હતો, તે એક ઝટકે થંભી ગયો હતો. મુખ્ય ફાઇનાન્સરની કાનૂની મુશ્કેલીઓએ તેના આ પ્રોજેક્ટના બેંક ખાતા પર 'સંપૂર્ણ રોક' (Freeze) લગાવી દીધી હતી.યશે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો. "શિ..ટ! આ બેંકિંગના નિયમો કેમ આટલા અટપટા હોય છે?" તેણે દાંત ભીંસીને મનમાં બબડાટ કર્યો આ એક કાનુની સમસ્યાની સાથે સાથે બેન્કિંગનાં અટપટા નિયમો અને તેની કાર્યપ્રણાલી સાથે પણ જોડાયેલી સમસ્યા હતી. તેની એન્જિનિયરિંગની બુદ્ધિ કહી રહી હતી કે જો કોઈ સ્ટ્રક્ચર ધરાશાયી થવાની અણી પર હોય, તો તેને ટેકો આપવા માટે બંને બાજુથી આધાર આપવો પડે. અહીં પણ એ જ પરિસ્થિતિ હતી  બે મોરચાની લડાઈ એક કાનૂની મોરચો જેમાં કાનુની સલાહ તો કંપની નાં વકીલ મારફતે મળી જશે અને કંપનીના વકીલો કાયદાકીય લડાઈ લડશે તેઓ ફાઇનાન્સરની વ્યક્તિગત સમસ્યા અને પ્રોજેક્ટના વ્યવસાયિક ખાતા વચ્ચેનો તફાવત સાબિત કરશે. પણ બીજો બેંકિંગ મોરચો આ બેંકના આંતરિક નિયમો અને કાર્યપ્રણાલીનો મામલો હતો. બેંકે કયા ખાસ કાયદાઓ કે જોગવાઈઓ હેઠળ પ્રોજેક્ટના બેંક ખાતા પર 'સંપૂર્ણ રોક' (Freeze) લગાવી છે, તે જાણવું જરૂરી હતું. જ્યાં સુધી બેંકની અંદરની ગતિવિધિઓ અને નિયમોની ગૂંચવણ સમજાશે નહીં, ત્યાં સુધી કાનૂની દલીલો નબળી પડશે.

યશને સ્પષ્ટ સમજાયું: કાનૂની સલાહ તો કંપનીના વકીલ મારફતે મળી જશે, પણ આ બેંકિંગના નિયમો સમજીને બંને તરફથી પ્રયત્ન કરવામાં આવે, તો સફળતાના ચાન્સીસ અનેક ગણા વધી જાય. યશે એક ઊંડો શ્વાસ લીધો. એન્જિનિયર તરીકે તેને સમસ્યાઓ ઉકેલવાનો અનુભવ હતો, પણ આ સમસ્યામાં સિમેન્ટ, સ્ટીલ કે ગણિત નહોતું, અહીં હતા: કલમો, કાયદાઓ અને બેંકના અટપટા પરિપત્રો.

યશે તેના આસપાસના વર્તુળમાં એક એવા વ્યક્તિની શોધ શરૂ કરી, જે માત્ર બેંકિંગની ભાષા ન સમજે, પણ બેંકની અંદરની કાર્યપ્રણાલી અને અધિકારીઓના મનસૂબા પણ પારખી શકે. સાંજે થાકેલો-પાકેલો યશ ઘરે પહોંચ્યો ચુપચાપ જમ્યા પછી ઘરમાં કોઈ ચર્ચા ન કરી ના કોઈ વાતચીત કરી અને પોતાના મનમાં વિચારો કરવા લાગ્યો. દીકરાને ઊંડા વિચારમાં ગરકાવ જોઈને પિતા તરત જ સમજી ગયા. "કેમ, યશ? આજે વધારે ટેન્શનમાં લાગે છે. શું થયું પ્રોજેક્ટમાં?" કોઈ સમસ્યા છે ..? ત્યારે યશે વિગતવાર માહિતી આપી: "પપ્પા, મારી કંપની પર એક અણધાર્યું  સંકટ આવ્યું છે. ફાઇનાન્સરની વ્યક્તિગત સમસ્યાને કારણે બેંકે મારા આખા પ્રોજેક્ટનો રોકડ વ્યવહાર અટકાવી દીધો છે. મને સમજ પડતી નથી કે આ પરિસ્થિતિમાં બેંકિંગના કયા નિયમો લાગુ થાય છે અને આમાંથી બહાર નીકળવાનો કાનૂની રસ્તો શું છે. મારે કોઈ એવા વ્યક્તિને મળવું છે જે બેંકની અંદરની ગતિવિધિઓ સમજાવે."

પુત્રની વાત સાંભળી પિતાના ચહેરા પર એકાએક ગંભીરતા અને પછી રહસ્યમય સ્મિત આવ્યું. બસ આટલી જ વાત "ચિંતા ન કર, બેટા. તારી સમસ્યાનો ઉકેલ કદાચ મારા ધ્યાનમાં છે."

યશ આશ્ચર્યમાં પડ્યો: "કોણ? તમને કોણ ઓળખે છે?"

પિતાએ શાંતિથી કહ્યું: "મારા એક દૂરના ઓળખીતાની પુત્રી બેંકમાં જોબ કરે છે. નિધિ એનું નામ છે અને કદાચ આ જ પ્રકારના કાયદાકીય અને નાણાકીય મામલાઓ સંભાળે છે. હું તેને વાત કરું છું. કદાચ તે તને વિગતવાર માહિતી આપી શકે. એની પાસેથી તને તારા કામમાં આ સંકટને ટાળવાનો રસ્તો મળી જાય તો સારું."

યશને થોડી ધરપત મળી અને તેના પિતાએ તરત જ ફોન લગાવ્યો...

બીજા દિવસે બપોરે, યશ એક પ્રતિષ્ઠિત ખાનગી બેંકની કોર્પોરેટ શાખામાં પહોંચ્યો. નિધિની કેબિન બહાર રાહ જોતી વખતે યશના મનમાં અજંપો હતો. તે કોઈક અનુભવી લીગલ હેડને મળવાની અપેક્ષા રાખતો હતો.

તે મનમાં આવું વિચારતો હતો ત્યારે એક યુવતી ને તેની તરફ  આવતી જોઇને તેના વિચારો ત્યાજ થોભી ગયા એક યુવતી તેની પાસે આવી જે તેની અપેક્ષાથી વિપરીત, એકદમ શાંત, આત્મવિશ્વાસથી ભરેલી અને સ્મિત સાથે કેબિનમાં પ્રવેશી. તેની સાદગીમાં એક તીક્ષ્ણ બુદ્ધિની ચમક હતી. કેબિનમાં પ્રવેશતાં જ યશને બેસવાનું કહી નિધિએ પોતાની ઓળખાણ આપી

"આવો, યશ હું નિધિ. મારા પપ્પાએ મને તમારા સંકટ વિશે જણાવી  અને તમે આ માટે મને મળવા આવવાના છો તેવું કહ્યું હતું. તેવું કહી તેણે જણાવ્યું સિવિલ એન્જિનિયરિંગ અને બેંકિંગ – બંને અલગ દુનિયા છે, પણ કાયદાની ગાંઠ બધે સરખી જ હોય છે. મને તમારા પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ્સ બતાવો." નિધિ જ્યારે યશે આપેલા ડોક્યુમેન્ટ્સ તપાસી રહી હતી ત્યારે પહેલી નજરે જ યશને લાગ્યું કે આ યુવતી તેના પ્રોજેક્ટના જટિલ કાગળિયાં અને બેંકના નિયમોને સરળતાથી ઉકેલી શકે તેમ છે.

કોઈ રોમાંસ, કોઈ ફાલતુ વાતચીત નહીં. તેમની મુલાકાત માત્ર કામ અને કટોકટી પર કેન્દ્રિત હતી. નિધિએ તેના ટેબલ પર યશના ભારેખમ કોન્ટ્રાક્ટ અને બેંક સ્ટેટમેન્ટ્સ ફેલાવ્યા.

"જુઓ યશ" નિધિએ પેનથી એક જટિલ ફકરા પર નિશાન બનાવ્યું. "તમારા ફાઇનાન્સરનું અંગત ખાતું ભલે ફ્રીઝ થયું હોય, પરંતુ આ પ્રોજેક્ટ માટે ખોલાવેલું  “એકાઉન્ટ’  ખાસ નિયમો હેઠળ કામ કરે છે. બેંક ભલે રોક લગાવે, પણ કાયદા મુજબ આ એકાઉન્ટમાં રહેલો પ્રોજેક્ટ સંબંધિત ફંડ...

યશ નિધિની વાતોમાં ખોવાઈ ગયો. તે માત્ર બેંકિંગ નિયમો જ નહોતી સમજાવી રહી, પણ આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો નક્કર માર્ગ બતાવી રહી હતી. તેના શબ્દોમાં સ્પષ્ટતા, સચોટતા અને એક પ્રકારનો વિશ્વાસ હતો, જે યશના મગજ પરથી ભાર હળવો કરી રહ્યો હતો.

યશને લાગ્યું કે તે માત્ર એક બેંક ક્લાર્ક સાથે નહીં, પણ પોતાના પ્રોજેક્ટની કટોકટી ઉકેલી શકે તેવી સક્ષમ ભાગીદાર સાથે વાત કરી રહ્યો છે. આ મુલાકાત યશના પિતાનું પહેલું સફળ તીર હતું જેમાં કામનો ઉકેલ મળવાની સાથે ભવિષ્ય માટે એક અજાણ્યું, છતાં મજબૂત જોડાણ બંધાઈ રહ્યું હતું.

તે દિવસની મુલાકાત બાદ યશને ખાતરી થઈ ગઈ  આ માત્ર માહિતીનું આદાનપ્રદાન નથી, આ એક નવી શરૂઆત છે.પહેલી મુલાકાત બાદ યશના ટેન્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. નિધિએ આપેલી બેંકિંગ અને કાનૂની જોગવાઈઓની સચોટ માહિતીએ તેને બેંકના અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે સક્ષમ બનાવ્યો હતો. પ્રોજેક્ટને સંપૂર્ણપણે બચાવવા માટે લાંબી કાનૂની લડાઈ લડવાની હતી, પરંતુ હવે તેની પાસે એક મજબુત દિશા હતી.યશને સમજાયું કે આ જટિલતામાંથી બહાર નીકળવા માટે નિધિનો સાથ સતત જરૂરી હતો. તે હવે માત્ર કામ પૂરતું મર્યાદિત નહોતો.

"નિધિ, તમે જે રીતે મને મારી કંપનીની સમસ્યા અને તેના સમાધાન અંગે બેન્કિંગ તરફે રહેલી સમસ્યાઓ તરફે લેવાના થતાં પગલાં વિષે સમજાવ્યું, તે ખરેખર અદ્ભુત હતું. મને સિવિલ એન્જિનિયરિંગની ભાષામાં વાત કરતા કોઈ મળી ગયું હોય એવું લાગ્યું. આ કામ માટે હું તમારો ખૂબ આભારી છું."એક દિવસ  યશે ફોન પર આમ કહ્યું.

નિધિ હસી: "કોઈ વાંધો નહીં, યશ. પ્રોજેક્ટને ફરી પાટા પર ચડાવવો એ હવે મારો પણ એક મિત્ર તરીકે અંગત રસનો વિષય બની ગયો છે. બાય ધ વે, મેં તમને જે ડ્રાફ્ટ મોકલ્યો છે તે મુજબ લીગલ ટીમ સાથે વાત કરજો."

આ રીતે, તેમની મુલાકાતો માત્ર બેંક પૂરતી સીમિત ન રહી. હવે તેમની વાતચીત ફોન, વોટ્સએપ અને અનૌપચારિક કોફી મીટિંગ્સ સુધી લંબાઈ હતી.

એક શુક્રવારની સાંજે, બેંકના નિયમો પર ચર્ચા કર્યા પછી, યશ અને નિધિ એક નજીકના કાફેમાં બેઠા હતા.

"યશ, તમે આટલા મોટા પ્રોજેક્ટ્સ હેન્ડલ કરો છો. ક્યારેય ડર નથી લાગતો કે આટલી મોટી જવાબદારી નિભાવી શકીશ કે નહીં?" નિધિએ કોફીનો કપ હાથમાં લેતા પૂછ્યું.

ત્યારે યશે હસીને જવાબ આપ્યો: "ડર? હા ચોક્કસ. પરંતુ એન્જિનિયરિંગમાં મારા અભ્યાસ અને ત્યાર બાદનાં અનુભવે હું શીખ્યો છું કે દરેક સંકટ એક નવા સોલ્યુશનની તક લઈને આવે છે. મારો એક જ ગોલ છે કે મહેનત કરીને, પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું. શું તમે બેંકમાં ક્લાર્ક તરીકે જ સંતુષ્ટ રહેવા માંગો છો?"

નિધિની આંખોમાં ચમક આવી. "ના, બિલકુલ નહીં. મારું સપનું છે કે હું માત્ર નિયમોનું પાલન કરનાર નહીં, પણ નીતિઓ બનાવનાર બનવું. મારે કાયદાકીય બેંકિંગ સલાહકાર બનવું છે. મને પૈસાની જરૂર નથી, મને સક્ષમતા જોઈએ છે." અને આમ અચાનક, તેમની વાતચીત પ્રોજેક્ટના કાગળિયાં અને બેંકના નિયમોથી હટીને સપનાઓ, મહત્વાકાંક્ષાઓ અને જીવનના ધ્યેયો તરફ વળી ગઈ. પણ ખરા અર્થમાં તેઓ જાણતા ન હતા કે તેમના પરિવારોએ તેમને આ ખાસ હેતુથી જ મળાવ્યા હતા. અને તેઓ એ પણ જાણતા ન હતા કે તેઓ જે રીતે એકબીજાના વિચારો, આદતો અને પ્રકૃતિને પારખી રહ્યા હતા, તે જ તેમના માતા-પિતાની અપેક્ષા હતી.

આમ તેમનો સંબંધ કોઈ 'ફિલ્મી રોમાન્સ' નહોતો. ત્યાં કોઈ ગીતો કે લાંબા એકરાર નહોતા. ત્યાં તો હતો  આદર, સમર્પણ અને સમાન દ્રષ્ટિકોણ

જ્યાં આદર એટલે  નિધિ યશની કાર્યક્ષમતાને માન આપતી હતી, અને યશ નિધિના જ્ઞાન અને તાર્કિકતાને. સમર્પણ એટલે એકબીજાના લક્ષ્યોને ટેકો આપવાની ભાવના. અને સમાન દ્રષ્ટિકોણ એટલે આધુનિક અને આત્મનિર્ભર જીવન જીવવાનો નિર્ણય.

જે મુલાકાતો માહિતીના આદાન-પ્રદાન માટે શરૂ થઈ હતી, તે હવે એકબીજા સાથે વધુ સમય પસાર કરવાની ઇચ્છામાં પરિવર્તિત થઈ ગઈ. તેઓ ક્યારે એકબીજાની નજીક આવી ગયા અને મિત્રતા આકર્ષણમાં ફેરવાઈ ગઈ, તેની તે બંનેને પણ ખબર ન રહી.

એક સાંજે યશ તેના પિતા સાથે બેઠો હતો. ત્યારે પિતાએ બસ તેના મનનો તાગ મેળવવા ખાતર પૂછ્યું "યશ, નિધિ સાથે વાતચીત કેવી ચાલે છે? તારા કામમાં મદદ મળી?"

ત્યારે યશે ઉત્સાહથી જવાબ આપ્યો: "મદદ નહીં, પપ્પા. તેણે તો મારા આખા પ્રોજેક્ટને બચાવ્યો છે! તે ખૂબ જ હોશિયાર છે. અને ખરેખર... મને તેની કંપની ગમે છે. તે માત્ર કામની જ નહીં, પણ જીવનના ઘણા પાસાઓમાં મારી સાથે કદમ મિલાવી શકે તેમ છે."

સાંભળી પિતાના ચહેરા પર સ્મિત ફેલાયું. તેમને પોતાનું બીજુ તીર પણ નિશાન પર લાગી ગયું છે તેની  પાક્કી  ખાતરી થઈ ગઈ હતી.

બંને પરિવારોએ આ વિકાસને ધ્યાનથી જોયો હતો. હવે સમય આવી ગયો હતો કે આ જોડાણને એક મજબૂત સંબંધમાં બાંધવામાં આવે.

યશ અને નિધિની વધતી નિકટતા, ફોન પરની લાંબી વાતો અને એકબીજાને મળીને સમય પસાર કરવાની તત્પરતાએ બંને પરિવારોને સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. તેમનું ધ્યેય સિદ્ધ થઈ ચૂક્યું હતું: તેમને જે પાત્રોની જરૂર હતી, તે પાત્રો એકબીજાને સ્વીકારી ચૂક્યા હતા.

ત્યારે સમયને પોતાની ઈચ્છા મુજબ વહેતો કરવા બંને પિતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ.

નિધિના પિતા નટવરલાલ એ  કહ્યું: " હરગોવનદાસ, મેં જોયું છે કે આ બેંકિંગની કટોકટી દરમિયાન નિધિ અને યશ વચ્ચે જે સમજણ અને આદરનું નિર્માણ થયું છે, તે કોઈ પણ પરંપરાગત મેળાપથી વધારે મજબૂત છે. તેઓ એકબીજાને સારી રીતે ઓળખી ચૂક્યા છે."

યશના પિતાએ હસીને જવાબ આપ્યો: "હું પણ એ જ જોઈ રહ્યો છું નટવરલાલ. મારા દીકરાએ જે પાત્ર પસંદ કર્યું છે, તે ગુણિયલ, સંસ્કારી અને તેના કામમાં સક્ષમ છે. આ નિર્ણય તેમનો પોતાનો છે, ભલે શરૂઆત આપણી ગોઠવેલી હોય."

આ સંબંધને ઔપચારિક સ્વરૂપ આપવા માટે, બંને પરિવારોએ એકસાથે 'હળવા મળવાના પ્રસંગ'નું એક દિવસ આયોજન કર્યું. આ મુલાકાતમાં  લગ્નની કોઈ વાત નહોતી, માત્ર એક સામાજિક મુલાકાત તરીકે જ  હતી.

નિધિ અને તેનો પરિવાર સજ્જ થઈને યશ ના ઘરે આવ્યા. યશ  અને નિધિ  બંનેનું આત્મવિશ્વાસપૂર્ણ અને છતાં શરમાળ વર્તન સ્પષ્ટ બતાવતું હતું કે તેઓ અજાણ્યા નથી, પરંતુ એકબીજા માટે 'ખાસ' બનવાની પ્રક્રિયામાં છે.

ખાવું-પીવું પત્યા પછી, જ્યારે માહોલ હળવો થયો, ત્યારે યશના પિતાએ વાતની શરૂઆત કરી.

"યશ, બેટા. તું હંમેશા કહેતો આવ્યો છે કે તારા માટે શું યોગ્ય છે, તે અમે તારાથી વધારે જાણીએ છીએ. તારા કરિયરમાં સેટ થયા પછી, અમે તારા માટે સુપાત્ર શોધતા હતા... જે તારા કામને સમજે અને તારી સાથે કદમ મિલાવી શકે."

યશ આ સાંભળી તેના પિતા સામે જોઇ રહ્યો. તે મનોમન જાણતો હતો કે વાત ક્યાં જઈ રહી છે.

નિધિના પિતાએ પણ આગળ વાત વધારી: "નિધિ, બેટા. યશના પ્રોજેક્ટમાં મદદ કરતી વખતે તને યશની મહેનત, સ્વભાવ અને સપનાઓ વિશે જાણવા મળ્યું. અને યશે તારી હોશિયારી અને જ્ઞાનને નજીકથી જોયું. અમે બંને પરિવારોએ જોયું છે કે તમે બંને સાથે ખૂબ જ સારા લાગો છો અને એકબીજાને ટેકો આપો છો."

થોડી ક્ષણો માટે રૂમમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. નિધિની નજર જમીન પર હતી, જ્યારે યશના ચહેરા પર થોડું સ્મિત હતું, પણ તે સંપૂર્ણપણે પિતાના નિર્ણયને માન આપવા તૈયાર હતો.

અને ત્યારે જ યશના પિતાએ બંનેને અંતિમ સવાલ પૂછ્યો, જે આ ગોઠવાયેલી મુલાકાતને કદાચ 'લવ મેરેજ'માં ફેરવવાનો હતો:

"નિધિ અને યશ, તમે બંને... એકબીજા સાથે જીવન પસાર કરવા માટે રાજી છો? શું તમે આ સંબંધને આગળ વધારવા માંગો છો?"

બધાની નજર યશ અને નિધિ પર સ્થિર થઈ ગઈ.

યશે પહેલા નિધિ તરફ જોયું. પછી પિતા તરફ. તેના ચહેરા પર એ જ આત્મસમર્પણ હતું જે તે લગ્નની વાત થતી ત્યારે બતાવતો હતો, પણ આ વખતે તેમાં એક અંગત સ્વીકૃતિની ચમક હતી.

નિધિએ ધીમેથી માથું ઊંચક્યું. તેની નજર યશની આંખો સાથે મળી. તેમના વચ્ચેનો સંબંધ માત્ર સુંદરતા કે રોમાન્સ પર આધારિત નહોતો, તે હતો આદર, સમાન મહત્વાકાંક્ષા અને કટોકટીમાં સાથ નિભાવવાના અનુભવ પર.

તેણે ધીમા અને શરમાળ અવાજે કહ્યું, "મારી... સંમતિ છે."

યશના ચહેરા પરનું સ્મિત વિસ્તર્યું, જે મૌન હોવા છતાં ઘણું કહી ગયું.

આમ, એક સિવિલ એન્જિનિયરના કરિયરમાં કામગીરી પર આવેલી આર્થિક કટોકટી, બે ભવિષ્યને જોડી રાખનાર 'પુલ' સાબિત થઈ. યશ અને નિધિના લગ્ન કોઈ પરંપરાગત 'ગોઠવાયેલા' લગ્ન નહોતા, પરંતુ મહેનત, સપનાઓ અને પરિવારની સમજણથી બનેલા 'અરેન્જ કમ લવ મેરેજ' હતા. તેઓએ આધુનિક અને આત્મનિર્ભર જીવનના પાયા પર મજબૂત સંબંધનું નિર્માણ કર્યું.

યશ અને નિધિના લગ્નની વાત નક્કી થઈ ગયા પછી, સંબંધની ઔપચારિકતા પૂરી થઈ, પણ તેમની મિત્રતા અને વ્યવસાયિક સહયોગ વધુ મજબૂત બન્યા. બેંકિંગ કટોકટીના લાંબા કાનૂની સંઘર્ષમાં નિધિ સતત યશની પડખે રહી, તેના જ્ઞાન અને બુદ્ધિથી યશની કંપનીને પૂરી રીતે સંકટમાંથી બહાર કાઢવામાં સફળતા મળી. યશ માટે નિધિ માત્ર જીવનસાથી નહોતી, પણ તેની સફળતાની ચાવી બની ગઈ હતી.

થોડા મહિનાઓ બાદ, ધામધૂમથી નહીં, પણ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં, યશ અને નિધિએ લગ્નગ્રંથિથી જોડાઈને એક નવા જીવનની શરૂઆત કરી. તેમનું લગ્ન મંડપ કોઈ ફિલ્મી સેટ જેવો નહોતો, પણ બે સક્ષમ, આધુનિક અને એકબીજાને ટેકો આપનારા આત્માઓનું જોડાણ હતું. યશને તેના કરિયરમાં ઉચ્ચ હોદ્દો અને નિધિને બેંકિંગ ક્ષેત્રમાં જ્ઞાનના કારણે મળેલું સન્માન  આ બંને બાબતોએ તેમના પરિવારને માત્ર આર્થિક રીતે જ નહીં, પણ સન્માનની દ્રષ્ટિએ પણ મજબૂત બનાવ્યું.

લગ્ન પછી તેમનું સહજીવન સંપૂર્ણપણે વ્યવહારુ અને મહત્વાકાંક્ષી હતું. સવારે ઉઠીને બંને પોતપોતાના કામમાં લાગી જતા. રસોડું, ઘરના કામ કે નાણાકીય નિર્ણયો – દરેક બાબતમાં કોઈ પરંપરાગત નિયમો નહોતા. બધું જ સમાન ભાગીદારીથી થતું.

એક સાંજે, ઓફિસથી પાછા ફર્યા બાદ, યશ અને નિધિ લિવિંગ રૂમમાં કોફી પી રહ્યા હતા.

યશે હસીને કહ્યું: "નિધિ, તું ખરેખર મારો લકી ચાર્મ છે. તારા જ્ઞાનના કારણે જ મારો પ્રોજેક્ટ બચી ગયો અને હવે મારા કરિયરમાં હું વધારે જોખમી નિર્ણયો લેવા સક્ષમ બન્યો છું."

નિધિએ જવાબ આપ્યો: "યશ, હું માત્ર સાચી માહિતી આપી શકું. એ જોખમી નિર્ણયો લેવાની હિંમત તો તારી પોતાની અંદર જ હતી. પણ હવે સવાલ એ છે કે... આપણે આટલી મહેનત કરીને જે કંઈ હાંસલ કર્યું છે, શું આપણે તેને માત્ર આ એક મોટી ખાનગી કંપનીમાં જ કેદ રાખવું છે? તારી ક્ષમતા અને મારી બેંકિંગ કુશળતાનું જોડાણ... શું માત્ર એક નોકરી બનીને રહેવા માટે જ થયું છે?"

યશે તેની આંખોમાં જોયું. નિધિ હંમેશા મોટી અને તાર્કિક વાતો કરતી હતી.

ત્યારે "તારો મતલબ શું છે?" યશે પૂછ્યું.

નિધિની આંખોમાં એક નવો ઉત્સાહ હતો: "મારો મતલબ એ છે કે... તું હવે હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ છે, પણ હજુ પણ તું બીજા કોઈના સપના સાકાર કરી રહ્યો છે. આપણે બંનેએ સાથે મળીને આ સંકટને ટાળ્યું. તો શું આપણે આપણું પોતાનું સામ્રાજ્ય ઊભું ન કરી શકીએ? તારું સિવિલ એન્જિનિયરિંગ અને મારું ફાઇનાન્સિંગ મેનેજમેન્ટ – શું આ એક વિજેતા જોડી ન બની શકે ?

યશ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. એક ક્ષણ પહેલા તેને લાગતું હતું કે તેણે સર્વસ્વ પ્રાપ્ત કરી લીધું છે, પણ નિધિના આ એક જ સવાલે તેના મગજમાં નવો ઉત્સાહ અને નવો સંઘર્ષ શરૂ કરી દીધો. તેમણે એકબીજા સામે જોયું. તેમના સપના હજુ પૂરા થયા નહોતા, પણ તેમને પૂરા કરવાની દિશા મળી ગઈ હતી.

યશ એ એક પ્રતિષ્ઠિત કંપનીમાં અને નિધિ એ બેન્કિંગ ક્ષેત્રમાં  આરામદાયક જીવન અને મોટા પગારનું પદ હાંસલ કરી લીધું હતું. પણ નિધિના શબ્દોએ હવે તેમના સંબંધને એક નવો વળાંક આપ્યો......(ક્રમશ : )

શું યશ અને નિધિ તેમના સુરક્ષિત અને સ્થિર પગારવાળી નોકરી છોડીને, પોતાના જોખમે, તેમની સંયુક્ત ક્ષમતાઓ વડે ભારતીય કન્સ્ટ્રક્શન અને ફાઇનાન્સ ક્ષેત્રમાં પોતાની 'અમર ઇન્ફ્રાકોન' જેવી નવી કંપની સ્થાપિત કરશે? અને શું તેમનું આ 'એરેન્જ કમ લવ મેરેજ'નું જોડાણ એક 'વ્યાવસાયિક ભાગીદારી'માં પરિવર્તિત થઈને તેમને વધુ મોટી સફળતા તરફ દોરી જશે...?