શાળા શરૂ થઈ એ જ અરસામાં તમારા બા જે શહેરમાં રહેતા હતા તે બિમાર થયા અને મમ્મીએ ત્યાં રહેવા જવું પડ્યું. એટલે મારી દોડધામ થોડી વધી ગઈ. કામ જાતે કરીએ એટલે મારે સવારે વહેલું કામ પતાવીને જવું પડતું અને બાકીનું કામ આવીને કરવું પડતું. પણ હું ધીરે ધીરે કરી દેતી હતી. મારી પ્રેગ્નન્સી હતી છતાં તમે કે મમ્મીએ એમ ન કહ્યું કે આવી પરિસ્થિતિમાં તું કેવી રીતે પહોંચી વળશે એક કામવાળી રાખી લઈએ. તમે બંને જણા એમ જ કહેતા કે કામવાળી કંઈ સારું કામ નહીં કરે. એના કરતાં જાતે જ કરી લેવાનું. હું ધીરે ધીરે બધું જ કરી લેતી. બા એકદમ પથારીવશ થઇ ગયા એટલે મમ્મીએ ત્યાં વધારે રોકાવું પડ્યું હતું. પણ ધીરે ધીરે દિવસ પસાર થતા હતા. ને એક દિવસ મોડી સાંજે મમ્મીનો બાજુવાળા કાકાને ત્યાં ફોન આવ્યો ને તમને કહ્યું કે તું મને લઈ જા અહીં તો બા અને બેન બંનેએ થઈને મને ઘરમાંથી કાઢી મૂકી છે. ને તમે મમ્મીને લેવા ગયા હતા. એ દિવસે ઘરે આવીને મમ્મી ખૂબ રડ્યા કે મને દિવસ રાત સૂવા પણ નહીં દે અને ખાવાનું પણ ન આપે ને આજે મને જરા ઝોકું આવી ગયું તો ઘરમાંથી કાઢી મૂકી. એ દિવસે મને ખબર પડી કે એ તો સાવકા બા અને સાવકા ફોઈ હતા. એ લોકો તો દર વખતે જ મમ્મીનું અપમાન કરતા હતા. પણ આ વખતે વધારે પડતું કરી દીધું. છતાં તમે કંઈ ન બોલ્યા. મને નવાઈ લાગી કે મમ્મીનું આવું અપમાન તમે સહી જ કેવી રીતે શકો ? પણ તમારી આગળ હું શું બોલી શકું ? ગમે તેમ કરીને મમ્મીને શાંત કર્યા અને બે ત્રણ દિવસ થયા ને પછી બા ના ઘરે થી ફોન આવ્યો કે બા હવે જીવિત નથી. એટલે આપણે બધા ત્યાં ગયા અને બા ના અંતિમ સંસ્કાર પતાવીને ફરી આપણા ઘરે આવી ગયા. આવતા હતા ત્યારે તમારા ફોઈએ તમને કહ્યું કે પાછળની વિધિ માટે તમે બે જણા આવજો મમ્મીને ના લાવતા. આ સાંભળીને મને તો એટલો ગુસ્સો આવ્યો હતો કે હું ત્યારે જ એમને બોલવા માગતી હતી પણ તમે મને અટકાવી દીધી. મારે એમને કહેવું હતું કે બાની સેવા મમ્મી છેલ્લા છ મહિનાથી દિવસ રાત કરતા હતા અને બા જીવતા હતા, એમને કાઢી મુક્યા ને બા નું મૃત્યુ થયું. પણ જ્યારે તમે જ કંઈ ન બોલો તો મારાથી શું કહેવાય? આપણે બા ની બધી વિધિ પૂરી કરી. મમ્મી આવ્યા ન હતા. ફોઈએ એક દિવસ પણ એમ ન કહ્યું કે મમ્મીને લઇ આવજો. બધા કુટુંબીને ભેગા કર્યા હતા ફક્ત મમ્મી સિવાય. તમે ન બોલ્યા અને તમારી જેમ કોઈ કુટુંબી પણ ન બોલ્યું કે મમ્મીને બોલાવવા પડે. મને અત્યાર સુધી ખબર ન હતી કે બધા જ કુટુંબી ફોઈ ની આગળ પાછળ ફર્યા કરે છે અને એમની આગળ મમ્મીની ખોટી જ વાતો કરે છે. મારાથી આ બધું સહન ન થતું હતું પણ તમે મને રોકી રાખી હતી કંઈ પણ ન બોલવા માટે. આ બધું થયું પછી મેં તમને કહ્યું હતું કે આપણા ઘરે ટેલિફોનની લાઇન લઈ લો. કંઈ પણ કામ હોય તો બાજુમાં કાકાને ત્યાંથી ફોન કરવો પડે એ મને ગમતું ન હતું. કોઈનો ફોન એમને ત્યાં આવે તો પણ કાકી કહેતાં કે કહી દેવાનું ગમે તે સમયે ફોન નહીં કરવાના. તમે કહ્યું હતું કે એનું બિલ આવશે પણ મેં કહ્યું હતું કે એ બધું આપણે જોઈ લઈશું. અને આપણે ટેલિફોનની લાઈન લઈ લીધી હતી. બા નું મૃત્યુ થયા પછી ફોઈએ મને કહ્યું હતું કે તારે દર રવિવારે રજા હોય ને ત્યારે અહીં આવવાનું જેથી મારે કંઈ કામ હોય તો થઈ જાય. એમને ખબર હતી કે હું પ્રેગ્નન્ટ છું તો પણ આમ કહ્યું હતું. મારે દર રવિવારે જવું જ પડતું હતું. ને એક દિવસ એમણે કહ્યું કે એમણે એ જ્યાં રહેતા હતા એ ઘર વેચી દીધું છે અને ફ્લેટ રાખી લીધો છે એટલે ઘર ખાલી કરવું પડશે.