થોડા દિવસ મારી શાળા ચાલુ રહી. પણ મારી તબિયત સારી રહેતી ન હતી. મને થાક લાગતો હતો આખો દિવસ સૂઈ રહેવાનું મન થતું પણ શાળાએ તો જવું જ પડતું. પછી દરેક વર્ગના રિઝલ્ટ અપાય ગયા એટલે મને પણ વેકેશન મળી ગયું. વેકેશન પડ્યું એટલે આપણે પહેલાં થાઈરોઇડ વાળા ડોકટર પાસે ગયા કારણ કે દવા લેવા છતાં મને સારું લાગતું ન હતું. એટલે કદાચ થાઇરોઇડ ચેક કરાવવાનો હશે એમ સમજી ત્યાં ગયા. એમણે બધા ટેસ્ટ કરાવ્યા અને પછી કહ્યું કે આને ભગવાન નો ચમત્કાર જ ગણાય કે તમે ફરી મા બનવાના છો. આ સાંભળીને મને તો એકદમ જ નવાઈ લાગી કારણકે એ દિશામાં તો મેં વિચાર્યું જ ન હતું. મને સપને ય ખ્યાલ ન હતો કે હું ફરીથી મા બનીશ. આપણે બંને ખુશ હતા. ઘરે જઈને મમ્મીને વાત કરી. ત્યારે તો કંઈ ન બોલ્યા પણ બીજા દિવસે તમે નોકરીએ ગયા ત્યારે મને કહે કે આ બીજું સંતાન કેમ લાવવું છે ? મારાથી હવે એ નાના છોકરા ન રખાય. હું થાકી જાઉં. ને વળી, બીજું સંતાન આવશે તો તારી નોકરી બંધ થઈ જશે. એના કરતાં તું ગર્ભપાત કરાવી લે. આમ પણ દિકરો તો છે પછી શું ? પહેલી દિકરી હોત તો બીજું સંતાન લાવતે બરાબર હતું પણ હવે કંઈ કામ નથી. હું તો એમની વાત સાંભળીને થીજી જેવી ગઈ. કે આ શું કહી રહ્યા છે ? નાના છોકરા એમનાથી ન રખાય તો એ હું વિચારી લઈશ કે મારે શું કરવાનું છે? ને નોકરી શું કામ છોડવી પડે એ લોકો મને રજા આપી જ શકે છે. પણ એ સમયે હું કંઈ ન બોલી. મેં તમને પણ વાત કરી ન હતી કે મમ્મીએ મને આવું કહ્યું. એ વાતના બે ત્રણ દિવસ પછી એમણે તમને કહ્યું કે બીજું સંતાન લાવવાની જરૂર નથી. તમે લોકો ગર્ભપાત કરાવી આવો. તમે પણ મને કહી દીધું કે આપણે નથી લાવવું બીજું સંતાન. મમ્મી ના પાડે છે. આ સાંભળીને ખબર નહીં મારામાં એ સમયે ક્યાંથી હિંમત આવી કે મેં તમને કહી દીધું કે હું ગર્ભપાત નહીં કરાવું. તમારી મરજી હોય કે ન હોય હું મારા સંતાનને જન્મ આપીશ અને આગળ એને રાખવા માટે કે મોટું કરવા માટે પણ પૈસાની તકલીફ ન પડે એ હું જોઈ લઈશ. તમારે કોઈએ મને સલાહ નથી આપવાની કે હું શું કરું ? અને મેં બીજા સંતાનને જન્મ આપવાનો નિર્ણય લઈ લીધો તમારા બંનેની ના હોવા છતાં. ને પછી હું હજી મારા ઘરે રહેવા જવાની વાત કરું એટલે તો બેનના ઘરેથી ફોન આવી ગયો કે બેન રહેવા આવે છે. બેન આવે એટલે મારાથી તો મારા પિયર ન જવાય. દિવાળીમાં પણ આવું જ થયું હતું અને અત્યારે પણ એવું જ થયું. એ આવે એટલે પૂછાય તો નહીં કે ક્યારે જવાના ? બસ રાહ જોવાની એ જાય તેની. છતાં મેં કોઈ દિવસ એમની આગતા સ્વાગતા માં કંઈ ઓછું આવવા ન દીધું હતું. એ તો દર વખતે વેકેશન પૂરુ થવાના પાંચેક દિવસ પહેલાં જ જાય આ વખતે પણ એવું જ થયું. વેકેશનના છેલ્લા પાંચ દિવસ એટલે આપણે પણ દિકરાની શાળાએ જવાની તૈયારી કરવાની હોય. તો પણ મેં કહ્યું કે હું મારા પિયર રહેવા જાઉં. બે દિવસમાં આવી જવા. મમ્મીએ કહ્યું કે બે દિવસમાં શું જવાની ? પછી જજે બીજા વેકેશનમાં. પણ મેં કહ્યું કે ના પછી કંઈ જવાતું નથી એટલે જઈ આવવાની. અને હું ગઈ હતી. બે દિવસમાં આવી ગઈ ને પછી શાળાની તૈયારી કરી લીધી. વેકેશન પૂરું થતાં ફરી પાછી દોડધામ શરૂ થઈ ગઈ. પણ એ દોડધામનો થાક લાગતો ન હતો. કારણ કે એ દોડધામ થકી હવે પૈસાની તંગી ન હતી અને થોડી ઘણી બચત પણ થતી હતી. શાળા શરૂ થઈ ગઈ એટલે ફરી દિકરાની શાળામાં હરીફાઈ થઈ ફરી એનો નંબર આવ્યો. આપણે તો ખુશ પણ મમ્મી દર વખતની જેમ ઉદાસ. તમને એ ખબર પડતી હતી કે નહીં પણ મને તો ખબર પડતી જ હતી પણ મેં ક્યારેય એ દિલ પર નહોતું લીધું.