27. કાળજી
આટલે દૂર કોણ હોય? મેં એને મારી તરફ ખેંચી લીધી. સાપે અમને જોઈ જોરદાર ફુંફાડો માર્યો. અમે દૂર હટી જઈ ઊભી ગયાં. ત્યાં વહેણમાં દેડકા જેવું કશુંક નાનું પ્રાણી પસાર થયું. એકદમ નર્સ કૂદી અને દેડકાને પકડી સાપ પર ફેંક્યો. એ દેડકો પકડી મોંમાં લઈ નીચે ઉતર્યો અને સડસડાટ એ વહેણમાં બીજા દેડકા કે એવું હોય તો ગોતવા ચાલ્યો ગયો.
સાપને હવે કશું મળ્યું નહીં તે ઊલટો પ્લેન પાસે જવા અમે મૂળિયું ફેંકેલું ત્યાં જ બેસી ગયો! તે જલ્દી જતો ન હતો. એ તણાઈ આવેલ ઝાડની વળી એક ડાળી તોડી અમે થવાય એટલા લાંબા થઈ સાપની પૂંછડી પર હળવેથી અડાડી. એ પણ પલળેલો હોઈ તાકાત વગરનો હતો. પહેલાં બે ચાર ફૂંફાડા મારી સાપ ચાલ્યો ગયો અને અમે ડાળીએ લટકતાં પ્લેનમાં ચડ્યાં.
નર્સ તો ખૂબ થાકેલી અને હવે અશક્ત હતી. જેમતેમ કરી પ્લેન ઉપર એને ચડાવી હું ચડ્યો. વરસાદમાં સતત પલળીને એને તાવ ચડવા લાગેલો. એને મેં જેમતેમ કરી એક ભાંગેલી તૂટેલી, 3 વ્યક્તિની સીટમાં સુવરાવી. આગળ હેન્ડલો હોય એની વચ્ચેથી પરોવીને!
હું આસપાસ કાંઈ પણ ખાવા લાયક હોય તો જોવા નીકળ્યો. પેલાં આડાં પડેલાં વડ જેવાં વૃક્ષ પર ટેટા જેવાં બેરી હતાં. ખાવામાં જોખમ, ઝેરી પણ હોય. છતાં જોખમ લઈ પહેલાં મેં ચાખ્યું. પછી થોડા એ ટેટા અને પ્લેન પર લટકતી વેલનાં થોડાં પાન અમે ખાઈ લીધાં. કંઈક જોર આવ્યું.
નર્સનો તાવ વધતો ચાલ્યો. અમે રાત કાઢેલી એ મોટું કેળ જેવું પાન ફરી પ્લેન નીચે જઈ લઈ આવી મેં એને ઓઢાડ્યું. હવે અમે યાત્રીઓએ બધી સીટોના બચેલાં કપડાંનાં ચિંથરા પણ અમારા દેહ ઢાંકવા લઈ લીધેલ એટલે અત્યારે એક ચીંથરું બચ્યું ન હતું.
દરમ્યાન હું હજી પ્લેનની કોઈ સિસ્ટમ ચાલુ થાય તો ખાંખાખોળા કરવા કોકપિટ તરફ ગયો. મને મારું પાકીટ મળ્યું. કહોવાયેલું લેધર. હું ક્યારેક પહેરતો એ બ્રાસ નું ૐ લખેલું લોકેટ પણ મળ્યું. કોઈનો ચશ્માનો હશે કે કેમ, એક જાડો, કર્વ વાળો કાચનો ટુકડો મળ્યો.
હું બેટરી ચાલુ કરવા પ્રયત્નો કરું ત્યાં બહાર ફરીથી વરસાદ શરૂ થઈ એની વાછંટ બારી વગરના પ્લેનમાંથી આવી નર્સ પર ઉડવા લાગી.
હું કામ કરતો હતો ત્યાં નર્સના ઉંહકારા સંભળાયા. એને તાવ વધતો હતો. હું એની પાસે આવ્યો. એને સીટો વચ્ચેથી બહાર કાઢી વિમાનની જમીન પર સુવાડી. એને ટાઢ ચડવા લાગી. એના દાંત કકડવા લાગ્યા. એને ટાઢથી બચાવવા મેં એને આગોશમાં લઈ લીધી અને એની ઉપર સૂઈ ગયો. એણે મારા વાંસા પાછળથી હાથ રાખી મને જકડી રાખ્યો. વરસાદ શાંત થયા પછી પણ ઘણો લાંબો સમય એને એ રીતે હૂંફ આપતો રહ્યો.
અહીં મચ્છર પણ ન હતાં એટલે મેલેરિયા થવાનો ચાન્સ ન હતો. એનાથી સતત ભીના થવાથી લાગેલી ઠંડી સહન નહોતી થતી. એનો જ તાવ હોય તો સારું.
હું એના દેહ પર મારો દેહ રાખી ઘણો સમય પડી રહ્યો. પછી બેઠા થઈ એનું માથું મારા ખોળામાં રાખી એને પંપાળતો રહ્યો, માથું દાબતો રહ્યો. એણે આંખ બંધ કરી દીધી પણ શરીર આમળતી રહી.
હું ફરી નીચે ઉતરી એક બે મોટાં પાન અને એક પેલાં વડનાં પાનનો પડિયો બનાવી એમાં ખાબોચિયા (જે હમણાં સુધી વહેણ હતું) માંથી થોડું પાણી ભરી ઉપર આવ્યો અને પાનના ટુકડા કરી એને ભીના કરી નર્સના કપાળે અને પેટ, પગના તળિયે પોતાં મૂકવા લાગ્યો. મારે બે ત્રણ વાર લટકીને પ્લેનમાંથી નીચે ઉપર થવું પડ્યું. આખરે એનો તાવ ઉતરતો હોય એમ એ સૂઈ ગઈ અને હું પ્લેનની બેટરી ચાલુ કરવા સતત નિષ્ફળ પ્રયત્નો કરવા લાગ્યો.
એમ જ થાકીને છેલ્લી વાર લટકીને પેલી વેલનો રસ થોડાં ટીપાં પી , અમુક પાન ખાઇ નર્સની નજીક જઈ સૂઈ ગયો. મધરાતે જાગીને મેં એની પર ફરીથી હાથ ફેરવતાં એનાં માથું, હાથપગ દબાવ્યાં. એ સંપૂર્ણ નિંદ્રામાં લાગી એટલે હું પણ સૂઈ ગયો. કેટલું સૂતો એ ખબર નથી. પ્લેનની ખુલ્લી બારીમાંથી તડકો આવ્યો ને હું ઊઠ્યો. ઊઠતાં જ કોકપિટ તરફ જવા લાગ્યો.
ક્રમશ: