21. બીજા છેડે શું હતું?
કોઈ તરફથી સમુદ્રની ખારી હવાની લહેરખી આવી. એ તરફ હું એ કહોવાએલી લાશને મેં ફેંકેલી ઝાડની ડાળી વડે ધકેલતો પેલાં લીસાં થડ સુધી લઈ આવ્યો. જેમતેમ કરી લાશ એ થડ ઉપર ચડાવી સૂકી ડાળીની લાકડી અને હાથથી ધક્કો દેતો એ સમુદ્રની લહેરખી તરફ ગયો. ત્યાં સામે જ સમુદ્ર હતો પણ હજી નીચે. અહીં પણ ઊંચા ખડક પર હું ઊભો હતો, મારાથી બાર પંદર ફૂટ નીચે ઘૂઘવતો દરિયો હતો.
હવે મને લાશ ધકેલવાનું જોર પણ ખૂબ પડતું હતું. કોઈક રીતે એની ડોક ઊંચી કરી ખભે લાશ થોડી ઊંચકી હજી જેમતેમ કરી લાશને ખભે મૂકી હું સાવ ખડકની ધાર સુધી ગયો અને...
આઠ દસ ફૂટ ઉપરથી લાશનો દરિયામાં ઘા કર્યો. એક છપાક… અવાજ સાથે લાશ દરિયામાં ડૂબી ગઈ, ફરી ઉપર આવી અને દરિયામાં વહેવા લાગી.
આમ સાથી કો પાઇલોટને આખરી વિદાય આપી. મને એકદમ રડવું આવ્યું. મોકળા મને મેં ડૂસકું મૂક્યું. અહીં કોણ સાંભળવાનું હતું? ભગવાન પણ નહીં!
હવે મારે પાછા કેવી રીતે જવું? હું હજી ખડક પર ઊભેલો. હું આવ્યો એ રસ્તો હજી સીધા ઢાળ પર થતાં ઊંચે જઈ જંગલમાંથી જવાનો હતો. દિશા ખબર પડે એમ ન હતું. હા, સૂર્ય સમુદ્રમાં આથમતો હતો એટલે એ પશ્ચિમ હતું. હું પૂર્વ તરફ. યાદ કર્યું તો હું દક્ષિણ તરફથી આવેલો.
હવે ઝાડની ડાળી અને કેળ જેવું થડ મારી પાસે હતાં જેને મેં નીચે ફેંક્યાં અને માથું નીચું કરી બે હાથ પહોળા કરી ઉપરથી ડાઇવ મારી.
એક કાચી મિનિટમાં હું દરિયામાં એટલો ઊંડો ઉતરી ગયો કે ઉપર ઘેરાં લીલાં પાણી સિવાય કશું દેખાતું ન હતું. વેગપૂર્વક થોડા હાથપગ મારી હું સપાટી ઉપર આવ્યો અને જેમતેમ કરી કેળના થડ ઉપર સવાર થઈ ઊંધો સૂઈ ગયો. હાથના હલેસાં મારતો આગળ દક્ષિણ તરફ ધપવા લાગ્યો જેથી હું આવ્યો એ તરફ, મારી અટકળે અમારી નવી વસાહત તરફ જઈ શકાય.
જોતજોતામાં સૂર્ય આથમી ગયો અને ઘોર અંધારું થઈ ગયું. મેં તર્યે રાખ્યું.
અહીં પણ એક પણ જળચર કે જીવ જોવા મળ્યો નહીં. તો પેલા જંગલી, આદિવાસીઓ ક્યાંથી આવ્યા હશે, કેવી રીતે રહેતા હશે?
મારે વિચારવું પડ્યું નહીં.
હું થોડો આગળ ગયો ત્યાં એક મોટા ખડક વચ્ચે દરવાજા જેવી જગ્યામાં થઈ સમુદ્ર વહેતો હતો. એકદમ પહોળી જગ્યામાંથી એકદમ સાંકડી જગ્યા બને એટલે સ્વાભાવિક પણે પ્રવાહનો વેગ એકદમ વધી જાય અને સાથે અવાજ પણ.
અહીં સમુદ્રનો અવાજ ખૂબ મોટી ગર્જના કરતો, એક સાથે કેટલાયે સિંહ ગરજતા હોય એવો હતો. કોઈ ખડક વચ્ચે દીવડા જેવો, ખોબા આકારનો ખાડો જોઈ મેં ઝડપથી ત્યાં હાથ નાખ્યો અને લટકી ગયો. એમાં તો મારું ધડ ઉપર અને પગ પાણી માં વેગથી ઝૂલવા લાગ્યા. હું એ દ્વાર જેવી જગ્યાએથી ઊંધો સામેની તરફ ખેંચાઈ આવ્યો.
હવે મારું જોર દરિયાના જોર સામે કોઈ વિસાતમાં ન હતું. મેં ખાલી હળવે હળવે હાથપગ માર્યે રાખ્યાં.
થોડી જ વારમાં હું એક જોરદાર મોજાં ની થાપટે કિનારા પર ખેંચાઈ આવ્યો અને ફેંકાઈ ગયો. રેતી હોઈ મને વાગ્યું નહીં.
ત્યાં તો કોઈ તીણો, સિટી જેવો અવાજ આવ્યો. મેં જોયું તો આ બાજુ ખૂબ લાંબે સુધી સપાટ જમીન પર વ્યવસ્થિત રીતે ભીનાં થઈ કાળાં પડી ગયેલાં થડો ની હાર હતી. એની પાછળ મોટાં તાડ નાં પાન છાપરાં જેવા આકારમાં દેખાતાં હતાં. નજીકમાં લાંબાં લાકડાં ચોક્કસ રીતે બાંધેલાં.
હું એ આદિવાસીઓની વસાહતમાં અજાણતાં જ આવી ચડેલો!
એ પ્રચંડ સીટી કોઈ નારિયેળી જેવાં ઝાડ પર ચડી કદાચ ચોકી કરતા આદિવાસીની હતી!
ક્રમશ: