...
!! વિચારોનું વૃંદાવન !!
!! વિરહ !!
શહેરની શાનદાર સોસાયટીઓમાંની એક પ્રખ્યાત સોસાયટી એટલે મધુબાગ. તેની મધુર મહેક એટલી પ્રસરેલી કે એકલતાના ઓશીકે સુના પડેલા સંસારને જીવવા ક્ષણભરનો સહારો બની જતી. તેની નાનકડી ગલીએ ઘણાયના ચારિત્ર્યના સરનામાઓ સંગ્રહ કરી રાખ્યા હતા. સંધ્યા ઢળે અને તેની ઝળહળતી રોશનીમાં કેટલાંયની જીંદગીમાં તરંગો પ્રસરી જતાં હતાં. દુનિયાથી ચારિત્ર્યના રંગ છુપાવવા આ ગલીમાં જાણે એક મેળો જામી જતો હતો. બાળપણથી હજી માંડ યુવાનીના ઉંબરે ડોકિયું કાઢ્યું હતુ ત્યાં તો છૂપી શેરીઓનો રંગ મને પણ વળગી ગયો હતો. અવાર-નવાર રંગીન રાત્રિનો હું મહેમાન બની આવતો અને થાકેલા ખોળિયાને ખંખેરી વિદાય થતો. મન ભરીને માણી લેવાની ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થઈ જ નહિ. સમય જેમ જેમ વિતતો ગયો એમ વધુને વધુ હું આ ગલીઓમાં ધકેલાતો ગયો.
અચાનક કોરોનાનો કહેર શહેરની સોસાયટીઓથી લઇ ગલીઓ સુધી પહોંચી ગયો. તેના કહેર વચ્ચે ગલીઓનાં ગલ્લામાં ગળે મળતી જિંદગીઓની સંખ્યા ગુમાવવા માંડી હતી. રંગીન લાગતી ગલીઓની રોશની ઝળહળતી પણ માણસોનો અવિરત વહેતો પ્રવાહ અટકી ગયો હતો. રંગીન રાતો અને સંગીન સપનાઓમાં ધુમ્મસના એંધાણ કરવત લેવા મંડ્યા હતા. કોરોના કાળ બનીને ત્રાટક્યો ને કેટલાંયને મોતના મુખમાં ધકેલી ધમરોળી નાખ્યા હતા. તેની અસર તો મનેય થઈ હતી પણ જિંદગી જીવવાનો એક મોકો આપતો ગયો.
થોડા સમય પછી મને સારું થઈ ગયું. સમયાંતરે કરેલી મજાની અસર હવે શરીર પર સજા બની બેઠી હતી. છેવટે ધીરજ ખુટી અને સાંકડી ગલીની એ શણગારેલી સીડી પર ધીરે ધીરે ડગલાં માંડી મિલનના હર્ષ સાથે હું રૂમ નંબર -૧૭ પર પહોંચ્યો. હંમેશા ખુશ રહેતા મન પર આજે ઉદાસીના વાદળ જરૂર છવાયેલા હતા. બારણાં નજીક જઈ હાથ ઊંચો કરી ખખડાવવા કોશિશ કરું એ પહેલાં તો મારી નજર તેની ઉપર લાગેલા બોર્ડ ગઈ અને તેમાં લખેલું હતું "closed." મને આવકારવા હંમેશા હર્ષની લાગણીથી ખુલ્લાં રહેતા બારણાં આજે અચાનક કેમ બંધ થઈ ગયા હશે!!! મારી નજર કરતા બીજા કોની નજર આ બારણે ફરી ગઈ હશે. હું એક જ એવો વ્યક્તિ હતો કે આ દરવાજે દસ્તક દેવા મારે કોઈની મંજૂરી લેવાની જરૂર પડતી નહિ. મારા માટે કાયમ અનામત રાખેલા આ રૂમનો માલિક હું હતો નહિ છતાંય એના પર મારો સંપૂર્ણ અધિકાર હોઈ એવું લાગતું. મારાથી વિરહની વાટ જોવાય નહિ અને બારણું બંધ હતું તોય મેં તેને ખોલ્યું અને હું રૂમમાં પ્રવેશ્યો. આખાય રૂમમાં કોઈ હતું નહીં પણ પથારીમાં પાથરેલ સુંદર પુષ્પોના પર્ણોની સુગંધ આંટાફેરા મારી રહી હતી. એજ પથારીમાં વિખરાયેલા પર્ણોની વચ્ચે એક ઊંધો રાખેલ ફોટો મારું ધ્યાન ખેંચી રહ્યો હતો. પથારી નજીક જઈ તેને જોવા મેં હાથમાં લીધો. ફોટોમાં સુંદર ચહેરો જોઈ ચહેરા પર હળવું હાસ્ય રેલાઇ ગયું પણ જેવી નીચે નજર ગઈ તો લખેલ હતું " સ્વ. પાયલ પંજાબી." એક જ સેકંડમાં ખીલેલો ચહેરો સેકંડના ચોથા ભાગમાં તો ચકનાચુર થાય ગયો. ચહેરા પર તૂટેલા કાચની જેમ લકીરો ખેંચાય ગઈ. પાથરેલા પર્ણોની માફક હૃદયમાં સપનાઓ કાયમ માટે વિખેરાઈ ગયા. કાયમને માટે ગુંજતો રૂમ હવે ક્યારેય હાસ્યની કિલકારી નહિ કરી શકે તેવી તો મેં કલ્પના પણ નહીં કરેલી. છોડી ગયેલાંના સરનામા થોડાં હોય? જનારા તો જતાં રહે છે પણ ફેલાવેલી લાગણીની મહેક તો કાયમને માટે હૃદયમાં ધબકારા બની ધબકતી રહે છે. મળેલા જીવને કુદરત શરીરથી તો કયારેક છુટા કરી શકે છે પણ હૃદયથી મળેલા હૃદય ને કોણ હૃદયથી છોડી શકે ?? બધું જ હોવા છતાંય ખોવાયેલાની ખોટ લાગે તો જીવન ઝેર જેવું લાગવા માંડે છે. જીંદગીમાં કોઈનું હોવું અને કોઈનું ન હોવું એનો ભેદ તો શરીરથી છૂટી છબીમાં છપાયેલા ચિત્રએ સમજાવી દીધું હતું. રૂમમાંથી બહાર નીકળી હું અશ્રુભરી આંખે સીડીએથી નીચે ઉતરતો હતો ત્યારે મારી લાગણીની સાક્ષી બની તેની સહેલીઓ પણ સહભાગી બની ગયેલી. ત્યાંથી ઉપડેલ પગ જિંદગીના પથ પર આજે ૩૦ વર્ષના પડાવમાં પડ્યા છે તોય એના વગર લાગણીનું ઉરમાં હર્ષનું પુર નથી આવ્યું. નદીના નીર હવે સાગરમાં સમાઈ ગયા છે એટલે પુર તો નહિ જ આવે અને તેની યાદોના મોજાં મિલનના હર્ષમાં અવિરત આવ્યા રહેશે...
વખત પણ વખ બની વલખાં મારે છે,
તોય તારા એ વ્હાલની તો વાટ મારે છે.
- મરુભુમીના_માનવી - મૃગજળ
(કાલ્પનિક કલમે..)