* [|| *વિચારોનું વૃંદાવન* ||] *
!!! પ્રેમની કરામત !!!
ઉનાળુ વેકેશન ચાલુ થયેલ એટલે મારી દીકરીને લઈને પત્ની પિયર ગયેલી. રવિવાર રજાનો દિવસ એટલે આખા ઘરનો હું એકલો રાજા હતો. ઓફિસનું થોડુ કામ બાકી હતું એટલે હું લેપટોપ લઈને ટેબલ પર કામ કરવા બેસી ગયો. થોડુ કામ કર્યું ત્યાં તો લેપટોપમાં ચાર્જિંગ પૂરું થાય ગયું. ચાર્જર શોધી હજી સ્વીચ પાડું ત્યાં તો લાઈટ લલચાવી ગુમ થઈ ગઈ. લાઈટ આવે ત્યાં સુધી બેઠા-બેઠા શું કરવું એ વિચાર આવતો હતો. લાઈટ આવે ત્યાં સુધી ટેબલના ખાનામાં અસ્તવ્યસ્ત બની ગયેલ વસ્તુને વ્યવસ્થિત કરી લેવાના નિર્ણયનો આરંભ કરી લીધો. એક પછી એક બધાં ખાનાની વસ્તુ વ્યવસ્થિત કરી નાખી. બસ હવે એક છેલ્લું ખાનું બાકી રહ્યું હતું અને એ હતું મારી દીકરીના શાળાના ચોપડા અને નોટબુકથી ભરપુર ભરેલું. તેના બધા ચોપડાં સરખા કરી રાખી દીધા. બધા ચોપડાં વચ્ચે એક સ્ટીકર લગાવેલ નોટબુક સાવ અલગ જ તરી આવતી. તેના રંગ પરથી તેમાં શું લખેલું છે તે જોયા વગર હું મારી જાતને રોકી શક્યો નહિ. હળવેકથી એ જોવા મેં હાથમાં લીધી. તેના ઉપર લગાવેલ સ્ટીકરમાં પીઠ પાછળ દફતર લટકાવેલી એક છોકરી તેના પિતાની આંગળી પકડી શાળા તરફ જતી હોય એવું હતું. હજી પ્રથમ પાનું ખોલું ત્યાં તો એક કાગળ સરકીને નીચે પડી ગયો. ધીમેથી હાથમાં લઈ વાંચવાનો શરૂ કર્યો.
"પ્રિય પપ્પા,
સૌ પ્રથમ તો મને આ દુનિયામાં આવકારવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા સ્વભાવ અને સંસ્કારની મને કોઈ દિવસ ફરિયાદ નથી અને રહેશે પણ નહિ. મારું સર્વેચ્ચ તમે જ છો અને કાયમ રહેશો. હું ખૂબ જ તમને પ્રેમ કરું છું અને કરતી રહીશ. પરંતુ તમારી એક નાનકડી ફરિયાદ છે જે હું આજસુધી કહી નથી શકી. કયાંક તમને ન ગમે તો અથવા સવાર સવારમાં નીંદરમાંથી વહેલું ઉઠવાનું ન ફાવે તો શું કરવું. દરરોજ આ કાગળ હાથમાં લઈ તમારા ઓશિકા પાસે મૂકવા આવું છું પણ તમને સૂતા જોવું એટલે નોટબુકમાં પાછો મૂકી દવ છું.
પપ્પા, મારી ઘણી બહેનપણીઓને એના પપ્પા શાળાએ મૂકવા અને લેવા આવે છે. પરંતુ તમે આજ સુધી એકેય દિવસ મને મૂકવા કે લેવા આવ્યા નથી. પપ્પા આ બુકનું સ્ટીકર તો જોવો ને કેવું મસ્ત લાગે છે!!!! એક પપ્પા એની દીકરીને શાળાએ કેવી આંગળી પકડીને લઈ જાય છે. હું જાણું છું કે તમે મને મૂકવા નથી આવી શકતાં પણ મારી બધી જ જરૂરીયાત પૂરી કરો છો. વાલી મીટીંગ હોઈ કે શાળાનો કોઈ પ્રોગ્રામ તમારી કાયમની ગેરહાજરીને હું મહેસૂસ કરું છું. સવારે તમારી નીંદર જવાનું નામ ન લે અને મારી રીક્ષા મોડા સુધી રોકાઈ નહિ. છતાંય આજસુધી હું તમારા પગ અને ગાલ પર જાદુની ઝપી દેવાનું ચૂકી નથી. ક્યારેક તમારી આંગળી પકડી શાળાના દરવાજા સુધી આવવું છે અને બધાને વટથી કહેવું છે કે આ મારા પપ્પા છે. પગમાં પહેરેલ પાયલની જેમ ઝણકાર કરી સાથે ચાલવું છે. કહેવાય એવું તો ઘણું છે પણ પપ્પા તમારા આંગણે અવતાર ધરી ધન્યતા અનુભવું છું." - લી. તમારી પાયલ.
કાગળ હાથમાં જ ઝકડાઈ ગયો અને સંવેદના ના સૂર રેલાવી ગયો. નોટબુકના બીજા પાનાં ખોલ્યા વગર જ હૈયું હારી ગયું. બસ લાલ પેનથી નીચે એટલું તો માંડ લખાયું કે "સોરી બેટા..." પરસેવાના એક-એક બુંદ શરીરેથી વહી જતાં પણ આંખથી અશ્રુના તો એક-એક બુંદ જાણે છૂટી જ જતા હતા. દુનિયામાં છે કોઈ એવું કે આંખેથી વરસેલા એક-એક બુંદની કિંમત કે વજન આંકી શકે છે.!!!!!!!!
રોજ સવારે દીકરીને શાળાએ આંગળી પકડી મોકલવા જતા પહેલા દીવાલ ઘડિયાળની બાજુમાં મઢાવી રાખેલા કાગળ સાથે લટકતી ડાયરીમાં તારીખ અને સહી સાથે "સોરી બેટા"ની નોંધ અવશ્ય લખાય જાય છે. તેના ચહેરાની લકીર આજેય મને શાળાના દરવાજા સુધી ખેંચી જાય છે.
- મરુભુમીના_માનવી~મૃગજળ
#મરુભૂમી_ના_માનવી #વિચારોનું_વૃંદાવન #બેટીબચાવો #સ્કૂલ_ચલે_હમ #દીકરી_વહાલનો_દરિયો