|| વિચારોનું વૃંદાવન ||
!! સાહેબ!!
અત્યાર સુધીની મારી નોકરીમાં મેં પહેલો એવો કેસ જોયો કે કોર્ટમાં દર તારીખે આરોપી તરફે તેના વકીલ સિવાય અન્ય કોઈ આવતું નહીં. એક દિવસ મારાથી રહેવાયું નહીં એટલે તેના વકીલ સાહેબને પૂછી જ લીધું કે -“સાહેબ, આ ક્રિશાલ કલાપીના કોઈ સગા કે સંબંધી તારીખ પર કેમ જોવા મળતા નથી.” થોડું અમથું હાસ્ય ફેલાવી વકીલ સાહેબે કહ્યું કે- “અરે સાહેબ, આનો વકીલ કોણ બને!!! એની ખરાબ આદત અને પૈસાની પીડાથી કોણ કેસ લડે. હું પણ લડવા તૈયાર ન હતો પણ તેની ઘરવાળી મારા ઘરે કામ કરે છે એટલે ના છૂટકે આ કેસ મારે હાથમાં લેવો પડ્યો.” વકીલ સાહેબે વાગોળેલા શબ્દોમાં દર્દની સાથે થોડી લાગણીના ભાવ પણ છલકાયા હોય એવું મને લાગ્યું. તેમની લાગણીના ભાવ જોઈ મારાથી રહેવાયું નહીં અને તેમની નજીક જઈ એટલું જ કહ્યું - “ વકીલ સાહેબ, તમને જો એના પરિવારથી લાગણી હોયને તો તેના માટે મારી પાસે એક રસ્તો પણ છે.”
મારા શબ્દો સાંભળી તેમના ચહેરાના બદલાયેલા ભાવ જોઈ મને લાગ્યું કે હવે તેઓ વકીલ નહીં પણ વકીલની અંદર રહેલા ઇન્સાન બની ગયા છે. તેઓએ પહેરેલા ચશ્મા ઉતારતા જ તેમની ઘરડી થયેલી આંખો કહી દેતી હતી કે સામેવાળો વ્યક્તિ એક અધિકારી નહીં પણ તેની અંદર રહેલો ઇન્સાન છે. તેઓએ હકારમાં મસ્તકને મરોડી મારી વાત રજૂ કરવા મંજૂરી આપી દીધી. મેં વાતની શરૂઆત કરી કે- “આ આરોપી સજા બાદ છૂટે એટલે આપડે તેને સીધો જ સુધારગૃહમાં મોકલી આપીએ. રહી વાત ફીની તો તેના માટે કોઈક દાતા શોધી લઈશું. છૂટે ત્યારે તમારે એને કહેવાનું નથી કે તું છૂટી ગયો છે. જો કહેવું જ હોય તો એને એટલું કહેવાનું કે નામદાર કોર્ટે તને સુધરવાની એક તક આપી છે, જો તું સુધરી જઈશ તો તારી બધી જ સજા માફ થઈ જશે.” એટલું કહીને હું નીકળી પડ્યો અને તેઓ ઘરડી થયેલી આંખો પર ચશ્મા ચડાવી દરવાજેથી મીટ માંડી મને જતા જોઈ રહ્યા.
લગ્નની સીઝન પૂરજોશમાં ચાલી રહી હતી. એમાંય આજે રવિવાર એટલે શાળામાં રજાનો દિવસ. મારા ઘરે કામ કરવા આવતા બહેને પણ રજાના દિવસે રજા રાખેલી. આખો દિવસ રમકડાના રવાડે ચડેલી મારી દીકરીને કોણ જાણે ક્યાંથી ગાજરનો હલવો ખાવાની ઈચ્છા પ્રગટ થઈ. ઘરમાંથી કોઈ લેવા જાય એવું હતું નહીં એટલે નાછૂટકે શાકમાર્કેટના આંગણે મારે પગલાં પાડવાનો અવસર આવ્યો. જરૂરત કરતા થોડા વધારે ગાજર લઈને હું માર્કેટના દરવાજેથી થોડા દૂર રાખેલા બુલેટને ચાલુ કરું ત્યાં જ એક મહિલાનો અવાજ કાને અથડાયો- “ઓ... સાહેબ, ઊભા રહો ને. તમારું એક કામ છે.” રોજબરોજ સાહેબ સાહેબના ગુંજતા શબ્દોની આદતે મસ્તકને માર્કેટના પ્રવેશ દ્વાર તરફ વાળી મૂક્યું. પ્રવેશ કરવાના દ્વારેથી એક અજાણી મહિલા આગળ વધી રહી હતી. આશરે ત્રિસેક વર્ષની એ મહિલા હળવા હાસ્ય સાથે તેની ઉડતી જતી લટને કાનના ટેકે ટેકવી મારી તરફ આવી રહી હતી. મારો શરમાળ સ્વભાવ અને એમાંય આ નમણી નારીના મારા તરફ આગળ વધતા પગલાં મારા હૃદયના ધબકારા વધારી રહ્યાં હતાં. પરંતુ થોડીક વધુ નજીક આવતા જ તેના હાથમાં રહેલા ઝભલાંને જોઈ જીવમાં જીવ આવ્યો. મારી સામે આવી હાસ્યના હળવા ભાવ સાથે શાકભાજીથી ભરેલું ઝભલું મારા હાથમાં પકડાવી દીધું. હજી હું કાંઈ બોલું એ પહેલા જ હળવેકથી કહ્યું - “સાહેબ, મારા જીવનમાં ખુશીઓની લહેર પાછી લાવવા માટે આપનો ખૂબ આભાર.” તેના મુખ પર છલકાયેલું સ્મિત અને ભીના થયેલા આંખના ખૂણાને હું સમજી શક્યો નહીં. તેણે કહેલા શબ્દોનો ઉત્તર આપવા માટે મારા શબ્દો થંભી ગયાં. જીભ તો જાણે બત્રીસીના બારણાં બંધ કરી બેસી ગઈ. મારા પ્રત્યે ઉદ્દભવેલી તેની લાગણી માટે મારા હૃદયમાંથી ઉમટેલા આભારના શબ્દો હોઠ સુધી પહોંચ્યા જ નહીં. તેને શું કહું અને શું ન કહું તેની મથામણમાંથી બહાર નીકળું એ પહેલા તો તે પાછી વળી ગઈ. તેના પાછા ફરેલા પગથી માથા સુધી નજર પહોંચી તો હૃદયએ હાશકારો અનુભવ્યો. મારી નજરથી એ મહિલા બ્લર થતાં જ તેની પાછળ નાનકડી દીકરીને તેડીને ઊભેલો તેનો પતિ ક્રિશાલ કલાપી દેખાયો. તે અને તેની દીકરી બંને મને બાય બાય કહી રહ્યા હતાં. બસ પછી તો એક હળવા હાસ્ય સાથે હાથનો થમ્બ બતાવી બ્લર થયેલી એ તસવીરને આંખના કેમેરાથી મટકું મારી ક્લિક કરી લીધી. જિંદગીની સફરમાં કાયમને માટે તારવેલી તસવીરોમાં સ્થાન આપી હૃદયમાં સંગ્રહીત કરી લીધી. @મરુભુમીના_માનવી~ મૃગજળ