|| વિચારોનું વૃંદાવન ||
!! સ્મશાન !!
થોડા વર્ષો પહેલા હું બહુ જ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. કોઈપણ કામમાં મન લાગે નહીં અને કરવાનું હોય એ કામ ગમે નહીં. સતત મૂંઝવ્યા કરતા દિવસો કંઈક સારું થશે એવી અપેક્ષાઓમાંથી પસાર થઈ રહ્યા હતાં. આ બધીય મૂંઝવણો વચ્ચે મનને થોડી રાહત મળે એવું સ્થળ હોય તો એ સુંદરપુરી. સુંદરપુરી એટલે શહેરનું ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલુ સ્મશાન. કાળઝાળ ગરમીમાં તેના એક એક ઝાડમાંથી ઠંડકના તીર છૂટી જાય. એ જ છૂટેલા તીરો મારા શરીરના આવરણને ભેદી હૃદયને ઠંડકનો સ્પર્શ કરાવતા હોય એવું હું બાકડા પર બેઠો બેઠો અનુભૂતિ કરતો હતો. એ અનુભૂતિના અહેસાસમાં ઉજાગરાથી અકળાયેલ આંખો પણ પાંપણને મિલન કરાવી દેતી હતી.
ધીમેથી બાજુના બાકડેથી અવાજ આવ્યો કે - " અલ્યા, નવો મહેમાન બનીને આવ્યો છે કે શું? હમણાંથી આ બાંકડો તારી બહુ ફરિયાદ કરે છે."
આજુબાજુ કોઈ ન હતું છતાંય બંધ આંખે મનથી તો બોલાય જ ગયું -" જીવનમાં ઘણાય પ્રશ્નોની પીડા ઉદભવેલી છે તો મન હળવું કરવા અહીં આવી ચડ્યો છું."
" અરે, અહીં તો સૌને એકના એક દિવસ તો આવવું જ પડે છે. પરંતુ તારા કેસમાં બાકડાને કદાચ શંકા હશે એટલે ભગવાનને સતત ફરિયાદ કરતો હશે!!!"
" એક વાત કહું દોસ્ત, અહીં જ તો ગરીબ-અમીરની ભેદ રેખા સમાપ્ત થાય છે. બસ પછી તો કરેલા કર્મોની ક્યારેક તીક્ષ્ણ તો ક્યારેક મધુર ધ્વનિ સંભળાય છે. તમારી દુનિયામાં અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત કે વિદ્ધવાન હતાં એ બધા અહીં જ હોય છે. એ બધાય સાથે જ અમારી રોજ મહેફિલ જામે છે. જ્યારે અમે પૃથ્વી પર જીવતા ત્યારે આટલા બધા મહારથીઓને ન મળી શક્યા પણ જ્યારથી સુંદરપુરીની ભૂમિ પર આવ્યા છીએ ત્યારથી એક અલગ જ દુનિયામાં રહીએ છીએ. જિંદગીમાં કરેલા કર્મોને આધિન પદ અને પ્રતિષ્ઠા સાથે બધાં જ પ્રકારના લોકો અહીં વસે છે. તેમ છતાંય કોઈને વાદ-વિવાદ કે ફરિયાદ નથી. નથી કોઈ જાત કે પાત, નથી કાંઈ પૈસાનો વહેવાર કે તહેવાર, નથી કંઇ લુંટવા કે લૂંટાવાનો ડર. પોતાના કે બાળકો માટે ભેગું કરવાની ઝંઝટ તો બિલકુલ છે જ નહીં. બસ છે તો અખંડ મોજ મોજ ને મોજ. સૌ સૌની રીતે હરે છે, ફરે છે અને કર્મોને આધિન મજા કરે છે. તોય તને કહું છું કે તું હમણાં અમારી દુનિયામાં ન આવતો. તારી દુનિયામાં જીવતા લોકોને થોડો મદદગાર બની થોડા સારા કર્મો તો કરી લે. તારા સગા વહાલાં સાથે એકવાર મન ભરીને જીવી લે. તારુ આ ઓછિયાળું મુખ મલકાવી કોઈ વચ્ચે રહેતા શીખીને પછી નિરાંતે આવજે. થોડા ઘણા કષ્ટો તો આવ્યા રાખે પણ એમાં હારીને આવવા વાળાને તો અમેય પણ અલગ હરોળમાં બેસાડીએ છીએ. એ અલગ હરોળનો સભ્ય ન થવા માટે પણ તારી પાસે સમય છે. અહીં આવવા માટે ઉંમરને કોઈ બાધ નથી પણ તારી ઉંમર તો હજીય નાની છે. ચાલ, હવે બહુ થયું, તું નીકળ અહીંથી અને આ બાકડે મને બેસવા દે હવે અમારી સંગીત સંધ્યા ચાલુ થવાની તૈયારી છે. તું તારો રસ્તો પકડ અમે તો કાયમને માટે અહીં રહેતા રહેવાસી છીએ."
અચાનક આંખ ખુલ્લી અને જોયું તો ચોતરફ નીરવ શાંતિ પ્રસરેલી હતી. એમાંય વચ્ચે કોયલ ક્યારેક ક્યારેક ટહુકો કરી ખલેલ પહોંચાડી રહી હતી.
નિરાશાથી નિતરેલા મોઢાં પર હિંમતની હામ ભળી અને મુરઝાયેલા મોઢા પરની ચામડીએ કરવટ બદલતા કરચલીઓ ફૂલાવા માંડી. બાકડાને કાયમ માટે આવજો કહીને ઘર તરફની વાટ પકડી. જિંદગીના એક એક દિવસનું મૂલ્ય સમજી હજીય અણનમ ઇનિંગ્સ ચાલે છે. - મરુભુમીના_માનવી-મૃગજળ (કાલ્પનિક)