16. દળી દળીને ઢાંકણી માં!
એ આદિવાસી રાડ નાખતો પડ્યો એ સાથે મેં દોડી જઈ એક લાકડું એ વાયર નજીક રાખી બેટરી સાથેની સ્વીચ બંધ કરી. એ છૂટો થયો. એ બોલી શકે એમ ન હતો. હવે એની આંખમાં આભાર જેવી લાગણી દેખાતી હતી. હા, મેં જીવનું જોખમ લઈ એને હાઈ વોલ્ટેજ કરંટ થી દૂર કરેલો. સામાન્ય રીતે આવા કરંટ માણસ મરી જ જાય કે જે ભાગ અડ્યો એ ખોટો પડી જાય. કદાચ એનો કરંટ વિમાનનાં પતરાં માંથી પસાર થઈ નીચે જમીનમાં ઉતરી ગયો હશે.
મને કેમ કરંટ ન લાગ્યો? મેં જોખમ તો લીધેલું પણ મારા પગ વિમાનના તળિયે રબરની મેટી પર હતા અને એને મેં આડું કપડું રાખી પકડી ખેંચેલો.
ઠીક, થોડી વારમાં એ તૂટેલી બારીમાંથી પાંખ પર કૂદી એક જાડી વેલના સહારે લટકી, કૂદકો મારતો દૂર એક ઝાડની ડાળી પકડી ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયો. એનો જંપ વિશાળ વાંદરો મારી શકે એનાથી પણ લાંબો હતો. એ તો જન્મે આદિવાસી જ કરી શકે. એને સામાન્ય વાનરો જેવી પૂંછડી ન હતી જે વાનરોમાં છલાંગ લગાવતી વખતે બેલેન્સનું કામ કરે.
મેં કો પાયલોટ ના નામની બૂમ પાડી. બે ત્રણ બૂમે એ આવ્યો પણ ખરો. કહે કે માંડ આવી શકયો. કેમ એમ? એ પૂછવા જાઉં ત્યાં સુધીમાં એ ભલે હાંફતો હતો, કામે લાગી ગયો. અમે બન્નેએ મેન્યુઅલનાં ફાટલાં, ચોળાઈ ગયેલાં પાનાં ચૂંથ્યાં. કોઈ રીતે ડાયેગ્રામ સમજવા કોકપિટ ના આગલા કાચ સુધી લઈ આવ્યા.
ભાંગતી પાછલી રાતે, ચાંદનીમાં પણ હવે મોં સૂઝણું કહીએ એવાં અજવાળામાં થોડો ખ્યાલ આવ્યો.
અમે સાવચેતીથી વાયરો જોડ્યા. અમારી હિલચાલ જોઈ ચોકી કરતા પેલા હોંગકોંગ ના આર્મીમેન અને અન્ય યાત્રી આવી પહોંચ્યા.
કોઈક રીતે હવે અમે રહીસહી બેટરી એક્ટિવ કરી, કંપાસ ચાલુ કર્યો, ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન સિસ્ટમ ની સ્વીચ પાડી, કોઈ સખળ ડખળ કરી.
ઓચિંતા પિંગ મળવા લાગ્યા. કોઈ મેસેજ જતો લાગ્યો!
આ પીંગ મેસેજ એટલે વિમાનની કોમ્યુનિકેશન સિસ્ટમ ને મળતાં સિગ્નલ અને એનો રિપ્લાય.
પ્રથમ અમને જ કોઈ બીપ સાઉન્ડ સંભળાયો. અમે સામો બીપ સાઉન્ડ કરી This is MH370 . crashed at unknown..એટલું મૂક્યું.
આમ તો સેટેલાઇટ કોમ્યુનિકેશન થી જટિલ પદ્ધતિએ સંદેશ વ્યવહાર થતો હોય. એ સિવાય જૂની રેડિયો સિગ્નલ જેવી રીત જે આપત્તિ વખતે હેમ રેડિયો કહે છે એમ વાયરલેસ સિસ્ટમ થી ટૂંકા સંદેશ જાય. અહીં પણ સિગ્નલ ગયાં, આવ્યાં પણ ખરાં!
અમારા મેસેજ સામે આશ્ચર્ય વ્યક્ત કરતો સંદેશ આવ્યો.
એમ પણ બને કે પાંચ વર્ષો ઉપરનો સમય ગયો એટલે સામે કોઈ મઝાક કરે છે, કોઈ આતંકવાદીએ સિસ્ટમ હેક કરી છે એમ માનતા હોય. તેઓએ ફરીથી ટૂંકમાં અમે કોણ છીએ અને ક્યાંથી બોલીએ છીએ એ પૂછ્યું. મેં MH370 કુઆલાલુંપુર થી હોંગકોંગ જતી ફ્લાઈટ એ કહ્યું.
સામેથી થોડી વાર સિસ્ટમ શાંત રહી. કદાચ એ કંટ્રોલ અંદરોઅંદર વાત કરી આશ્ચર્ય વ્યક્ત કરતા હશે?
તરત ફરીથી ધીમો પણ સ્પષ્ટ પિંગ મળ્યો.
ખરાઇ માટે જગ્યાના કો ઓર્ડીનેટ માગ્યા. મેં મોંએથી કંપાસ ની દેખાતી પોઝિશન કહી, મારું નામ અને એરલાઈન કહી. એ બે ઘડી માની શક્યો ન હોય એમ ફરીથી પૂછ્યું. મેં ફરીથી કહ્યું.
એને તે ક્યા ગ્રાઉન્ડ કંટ્રોલ થી બોલેછે એમ પૂછ્યું. એણે સ્વાભાવિક રીતે પહેલાં અમારું વેરીફીકેશન માગ્યું.
હું પૂછું કે સામે ક્યો ગ્રાઉન્ડ કંટ્રોલ છે ત્યાં તો સામેથી સિસ્ટમ શાંત થઈ ગઈ! અમે હજી પિંગ મોકલવા ચાલુ રાખ્યા પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં. વ્યવહાર કનેક્ટ થઈને કપાઈ ગયેલો. બેટરીનો ચાર્જ ફરીથી એકદમ ધીમો થઈ ગયો અને લો, બંધ પણ થઈ ગયો.
હત્તેરેકી! આટલી મહેનત પાણીમાં ગઇ? મેં કપાળ ફૂટ્યું.
ક્રમશ: