હું મેઘાના મુખેથી મારું નામ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો. તેના સૂરીલા કંઠે થી મારું નામ સાંભળીને હું જાણે એક ક્ષણ માટે મારી તકલીફ ભૂલી ગયો. મેઘા એ મારી આંખો સામેં ચપટી વગાડી ને કહ્યું, “અવિચલ તમેં શું વિચારો છો ?”
“તે કહ્યું એનો મતલબ કે રસ્તા પર બેહોશ થતાં પહેલાં મેં જે કાર જોઈ હતી તે તારી કાર હતી. તું મને અહી લઈને આવી અને મારો જીવ બચાવ્યો.” મેં સ્વસ્થ હોવાનો દેખાવ કરતાં કહ્યું. એટલે મેઘા હસીને બોલી, “હું જાણું છું કે તમેં શું વિચારી રહ્યા છો? પણ અત્યારે આપણે તેના કરતાં પણ વધારે જરૂરી કામ કરવાનું છે. જેના માટે હું અહી આવી છું. અને જેના લીધે તમારી આવી હાલત થઈ છે.”
મેઘાની વાત સાંભળીને મેં તેને સવાલ પૂછ્યો, “તું શેના વિષે કહી રહી છે?” મારા પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં મેઘાએ લેબકોટ ના ખિસ્સામાંથી નેપકિન કાઢીને તેની આંખો લૂછીને મને સામેં પ્રશ્ન પૂછ્યો, “તમેં જાણો છો કે તમને આ બધી ઇજાઓ કઈ રીતે પહોંચી ?”
“ના, મને બરાબર યાદ નથી પણ એટલું યાદ છે કે કઈક વસ્તુ મારી કાર સાથે અથડાઇ હતી. તેના લીધે કારની બ્રેક ફેલ થઈ ગઈ હતી. કાર પહાડી પરથી પડી જવાની હતી. એટલે તેનાથી બચવા માટે હું કારનો દરવાજો ખોલીને બહાર કૂદી ગયો. તે સમયે મારા માથામાં પથ્થર વાગ્યો અને હું બેહોશ થઈ ગયો હતો.” મેં આખી ઘટના ને યાદ કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું.
“પણ તમારી કાર સાથે શું અથડાયું હતું અને કાર ની બ્રેક કેમ ફેલ થઈ હતી તે વિષે તમને કઈ ખબર છે ?” મેઘા એ ફરી થી સવાલ કર્યો. એટલે જવાબમાં મેં ફક્ત નકારમાં માથું ઝુકાવ્યું. મેઘા બોલી, “તે કામ તમારી સૌથી મોટી અને ઉતમ રચના દ્વારા કરવામાં આવ્યું છે.” મેઘાના અવાજમાં ગુસ્સો અને આંખોમાં આસું હતાં. જાણે કે આ શબ્દો બોલવામાં તેને તકલીફ પડી રહી હતી.
“આ કામ તમારી સૌથી પ્રિય રચના, તમારા પ્રતિબિંબ સમાન એવા આર્યવર્ધને કર્યું છે.” મેઘાએ જાણે હદય પર પથ્થર મૂકીને કહ્યું. પણ આર્યવર્ધનનું નામ સાંભળીને મારી આંખો સામેં અંધારું છવાઈ ગયું. હું શું કહું તેની મને ખબર જ ના પાડી.
મને મેઘાની કહેલી વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં તેને સવાલ કર્યો, “મેઘા તું કઈ રીતે કહી શકે છે કે મારી આ હાલત માટે આર્યવર્ધન જવાબદાર છે.”
મારો સવાલ સંભાળીને મેઘા રૂમની બહાર જતી રહી એટલે હું પાછો સૂઈ ગયો. પણ થોડો સમય પસાર થયાં પછી મેઘા પરત આવી અને તેણે મારા હાથમાં થોડા પર્ણ મૂક્યા. મેં તે પર્ણને ધ્યાનથી જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ તુલસીના પર્ણ હતાં. પછી મેં મેઘા સામેં જોયું તો તેણે મને પર્ણ ખાવા માટે ઈશારો કર્યો.
એટલે મેં પર્ણ ખાઈ લીધા. ત્યારબાદ મને ચક્કર આવવા લાગ્યા પણ મેં ખુદને સંભાળીને આંખો ખુલ્લી રાખી. થોડી ક્ષણો પછી મારા શરીરની બધી પીડા દૂર થઈ ગઈ. ત્યારબાદ મેં બેડ પરથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો. તેમાં હું સફળ થયો એટલે હું થોડું અંતર ચાલ્યો પણ ત્યાં જ મારું સંતુલન ખોવાઈ જતાં હું નીચે પડી ગયો.
મેઘા તરત મારી પાસે આવી અને મને ટેકો આપી ને ઊભો કરીને બેડ પર બેસાડયો પછી તેણે મારા શરીર પર બાંધેલા પાટા ખોલી નાખ્યા. મારા બધા જખમ પર રૂઝ આવી ગઈ હતી પણ મારા શરીરમાં હજુ થોડી અશક્તિ હતી. મેઘાની આંખોમાં જોયું તો મને કોઈ અકળ ભાવ દેખાયો.