મેં આસપાસ નજર કરી પણ ચારે બાજુ અંધકાર હતો એટલે મેં પાછળ સીડી તરફ નજર કરી. પણ તે સીડી ગાયબ થઈ ગઈ હતી એટલે મેં મેઘા ને બોલવવા માટે તેના નામની બૂમ પાડી પણ તેણે સાંભળી નહીં. એટલે હું વધારે વિચાર્યા વગર આગળ ચાલવા લાગ્યો. ત્યાં મને બીજી એક સીડી મળી અને તેના ઉપરના ભાગ માંથી થોડું અજવાળું આવી રહ્યું હતું.
એટલે જેવો મેં તે સીડી પર પગ મૂક્યો કે તરત જ હું સમુદ્ર ના કિનારે આવી ગયો. મને અત્યારે કઈ પણ સમજાતું નહોતું છેલ્લા 12 કલાકમાં જે કઈ બન્યું તેના પર મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ગઈ કાલે રાત્રે મારી ડિફેન્ડર્સ સીરિઝ ની 16 મી નોવેલ ‘કર્તવ્યયુદ્ધ’ એક કાર્યક્રમ માં લોન્ચ થવાની હતી. એટલે હું ઘરેથી તે કાર્યક્રમમાં જવા માટે નીકળ્યો ત્યારે રસ્તા માં મારી કારની બ્રેક ફેલ થઈ ગઈ.
મારી કારની બ્રેક ફેલ થઈ ગઈ. એટલે હું ચાલુ કારમાંથી દરવાજો ખોલીને બહાર કૂદી ગયો. ત્યારે મારા માથામાં એક પથ્થર વાગ્યો. જેના કારણે હું બેહોશ થઈ ગયો. થોડા સમય પછી હોશ આવ્યો ત્યારે એક કાર દેખાઈ અને ફરી બેહોશ થઈ ગયો. અને હવે જાગ્યો ત્યારે આ દ્વીપ પર હતો. તેનાથી પણ વધારે અજીબ અને આશ્ચર્યની વાત એ હતી કે એક સુંદર યુવતી મારી સાથે હતી. જેનું કહેવું હતું કે તે મને અહી લાવી હતી અને તે મારી નોવેલનું એક પાત્ર મેઘા હતી.
હવે મારે એ નક્કી કરવાનું હતું કે આગળ શું કરવું જોઇએ. હું આ વિષે વિચારતો હતો ત્યાં જ મારા પગની પાસે એક તીર જમીનમાં ઘૂસી ગયું. તીર જોઈને મને થોડો ડર લાગ્યો એટલે મેં આસપાસ જોયું પણ કોઈ દેખાયું નહીં. હું ઝડપથી એ બીજી દિશામાં ચાલવા લાગ્યો ત્યાં જ બીજું એક તીર મારા પગની પાસે આવીને જમીનમાં ઘૂસી ગયું. મેં ફરી આગળ ચાલવા માટે પગ ઉઠાવ્યો ત્યાં જ મારી ઉપર તીરવર્ષા થઈ. પણ મને કોઈ તીર વાગ્યું નહીં બધા તીર મારી ચારેય બાજુ જમીન પર ખૂંપી ગયાં.
હવે મારી સામેં સોનેરી રંગનો પોષક પહેરેલો એક યુવાન ઊભો હતો. છાતીના ભાગમાં તેણે કવચ પહેરેલું હતું. ખભા પર તીરનો ભાથો અને ડાબા હાથમાં ધનુષ્ય પકડેલું હતું. કમરબંધ સાથે એક મ્યાન બાંધેલું હતું જેમાં રૂપેરી મૂઠવાળી તલવાર ચમકી રહી હતી. તે યુવકે તેનો ચહેરો એક કપડાંથી ઢાંકેલો હતો. એટલે હું સમજી ગયો કે આ ચોક્કસ મેઘાનો સહાયક યોદ્ધા હશે.
મેં તેને હાથ ઊંચો કરીને તેને બૂમ પાડી ત્યાં જ તે યોદ્ધાએ એક તીર મારી તરફ છોડી દીધું. એ તીરને મારી તરફ આવતું મેં આંખો બંધ કરી. થોડી ક્ષણો પછી મને કોઈ પીડા થઈ નહીં એટલે મેં આંખો ખોલી. ત્યારે મેં જોયું કે મેઘા હાથમાં તલવાર લઈને મારી આગળ ઊભી હતી. મેઘાએ પોતાની તલવારથી તીરના બે ટુકડા કરી નાખ્યા હતાં.
તે યોદ્ધાએ એકસાથે બે તીર છોડ્યા. પણ મેઘા આંખના પલકારામાં તે બંને તીરના ટુકડા કરી નાખ્યા. આ જોઈને હું એક ક્ષણ માટે ચકિત થઈ ગયો. મેં ફક્ત મેઘાની સ્ફૂર્તિ અને ચપળતાની ફક્ત કલ્પના કરી હતી પણ તેને મારી નજરો સમક્ષ જોઈને શું કરવું તે વિચારી શકતો નહોતો.
પણ બીજી તરફ જે યોદ્ધાએ મારા પર તીર છોડ્યા હતાં તે મેઘાને અહી મારૂ રક્ષણ કરતાં જોઈને ગુસ્સે થયો. તેણે પોતાનું ધનુષ્ય પાછું ખભા પર ધારણ કરીને તલવારને મ્યાનમાંથી ખેંચી કાઢી. આ જોઈને હું સમજી ગયો કે હવે મેઘા અને તે યોદ્ધા વચ્ચે યુદ્ધ થશે.