મેઘા ભારપૂર્વક બોલતી હોય તેમ કહ્યું, “આ કામ તમારી સૌથી પ્રિય રચના, તમારા પ્રતિબિંબ સમાન એવા આર્યવર્ધને કર્યું છે.” મેઘાએ જાણે હદય પર પથ્થર મૂકીને કહ્યું. પણ આર્યવર્ધન નું નામ સાંભળીને મારી આંખો સામેં અંધારું છવાઈ ગયું. હું શું કહું તેની મને ખબર જ ના પાડી.
મને મેઘા ની કહેલી વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં તેને સવાલ કર્યો, “મેઘા તું કઈ રીતે કહી શકે છે કે મારી આ હાલત માટે આર્યવર્ધન જવાબદાર છે.”
મારો સવાલ સંભાળીને મેઘા રૂમની બહાર જતી રહી એટલે હું પાછો સૂઈ ગયો. પણ થોડો સમય પસાર થયાં પછી મેઘા પરત આવી અને તેણે મારા હાથ માં થોડા પર્ણ મૂક્યા. મેં તે પર્ણને ધ્યાન થી જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ તુલસીના પર્ણ હતાં. પછી મેં મેઘા સામેં જોયું તો તેણે મને પર્ણ ખાવા માટે ઈશારો કર્યો.
એટલે મેં પર્ણ ખાઈ લીધા. ત્યારબાદ મને ચક્કર આવવા લાગ્યા પણ મેં ખુદને સંભાળીને આંખો ખુલ્લી રાખી. થોડી ક્ષણો પછી મારા શરીરની બધી પીડા દૂર થઈ ગઈ. ત્યારબાદ મેં બેડ પરથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો. તેમાં હું સફળ થયો એટલે હું થોડું અંતર ચાલ્યો પણ ત્યાં જ મારું સંતુલન ખોવાઈ જતાં હું નીચે પડી ગયો.
મેઘા તરત મારી પાસે આવી અને મને ટેકો આપીને ઊભો કરીને બેડ પર બેસાડયો પછી તેણે મારા શરીર પર બાંધેલા પાટા ખોલી નાખ્યા. મારા બધા જખમ પર રૂઝ આવી ગઈ હતી પણ મારા શરીરમાં હજુ થોડી અશક્તિ હતી. મેઘાની આંખોમાં જોયું તો મને કોઈ અકળ ભાવ દેખાયો.
હું અત્યારે મેઘા સાથે કોઈ બહુમાળી બિલ્ડિંગની એક બારી પાસે ઊભો હતો. મારી નજર સમક્ષ ત્રણેય બાજુ સમુદ્ર દેખાતા હું સમજી ગયો કે આ જરૂર કોઈ દ્વીપ હોવો જોઈએ. એટલે મેં મેઘાને પૂછ્યું, “આ કઈ જગ્યા છે ?”
મેઘા એ આકાશ તરફ જોઈને કહ્યું, ”આ પૂર્વીય પ્રશાંત સમુદ્ર માં આવેલો એક નાનો દ્વીપ છે અને અત્યારે જે મકાનમાં આપણે છીએ તે મારી બહેન ક્રિષ્નાપ્રિયા નું એકાંતસ્થાન હતું.” મેઘાનો જવાબ સાંભળીને જાણે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હોય તેમ મને લાગ્યું.
હું પાછો તે રૂમમાં આવ્યો જ્યાં પહેલાં હું સૂતો હતો. મેઘા મારી પાછળ તે રૂમમાં આવી. મને મારા મમ્મી-પપ્પા ની યાદ આવતી હતી એટલે બેડ પર થોડી વાર બેસી રહ્યા પછી મેં મેઘા સામેં જોઈને કહ્યું, “મેઘા મારે ઘરે પાછા જવું છે. તો તું હવે મને મારા ઘરે પહોંચાડી દઇશ ?”
“સોરી અવિચલ, પણ હું તે કરી શકું તેમ નથી.” મેઘાએ એકદમ બેફિકરાઈથી કહ્યું. મેઘા નો આવો જવાબ સાંભળી ને મને નવાઈ લાગી. મેં તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, “આર્યવર્ધન અત્યારે તમારા ઘરની આસપાસ જ રહીને તમારા આવવાની રાહ જોઈ રહ્યો છે. તમેં તમારા ઘરે પાછા જાવ અને તેની જાળમાં ફસાઈ જાવ. એટલે ત્યાં સુધી તમારે અહી જ રહેવું પડશે.”
હું થોડીવાર સુધી વિચાર્યા પછી બોલ્યો, “ઠીક છે તારું કહેવું યોગ્ય છે. પણ શું તું મને આ દ્વીપના સમુદ્ર ના કિનારે લઈ જઈશ. હું થોડો સમય એકાંતમાં રહેવા માંગુ છું.”
મારી વાત સાંભળીને મેઘા હસીને બોલી, “હા કેમ નહીં, જરૂર.” આટલું કહીને મેઘાએ રૂમના તળિયે હાથની આંગળીનો સ્પર્શ કર્યો એટલે ત્યાં એક ખાનું બની ગયું જેમાં નીચે તરફ સીડીઓ જતી હતી. મેઘાએ મને તે સીડી પર નીચે ઉતરવા માટે કહ્યું. હું તે સીડીના પગથિયાં ઉતરીને એક પછી એક કરીને પાર કર્યા પછી ખુલ્લી જગ્યા પર આવ્યો.