આપણાં જીવનમાં માતાપિતા સિવાય કોઈ એક કે વધારે વ્યક્તિ સાથે પ્રાણપ્રિય સંબંધ હોય છે. જેના વગર આપણા સ્વતંત્ર અસ્તિત્વની કલ્પના કરવી અશક્ય હોય છે આ વ્યક્તિ એટલે આપણા ભાઈ-બહેન,ખાસ મિત્ર કોઈ પણ હોય શકે છે. તો જ્યારે આવું કોઈ વ્યક્તિ આપણા ગામ કે શહેર છોડીને બીજી જગ્યાએ જાય ત્યારે આપણું મન બેચેન થઈ જાય છે. પણ તે ખાસ વ્યક્તિને નજીકના ભવિષ્યમાં ફરી મળીશું તે વાતનો આપણને વિશ્વાસ છે. તે મનની બેચેની ઓછી કરે છે. પણ જો આ વ્યક્તિ સદાયને માટે આપણાથી દૂર થઈ જાય છે ત્યારે એ દુઃખને સંભાળવું ખૂબ જ કઠિન છે. આપણે ક્યારેક પ્રિયજનને ગુમાવ્યાનો દુઃખ અનુભવ્યું છે. પણ મનને કાળના નિયમો સમજાવવા ખૂબ જ મુશ્કેલ છે.
“હું કાળના નીતિનિયમમાં બંધાયેલો છું, પણ મારા સર્જનાત્મક પાત્ર નહીં.”
પ્રસ્તુત વાર્તામાં પ્રથમ પુરુષ એકવચનમાં લખવા માટે પ્રયત્ન કર્યો છે. આ વાર્તા એક લેખક અને તેના વિરુદ્ધ તેણે કરેલા શ્રેષ્ઠ સર્જન વચ્ચેના સંઘર્ષની છે. આમાં “મેઘા – પ્રિન્સેસ ઓફ વરુણપ્રસ્થ” ના પાત્રો લઈને લખેલી છે. આ વાર્તા ના પાત્રો મેઘા અને આર્યવર્ધન ભગવાનના દૈવી અંશો છે. તેથી તેમની પાસે દૈવી શક્તિ અને સામર્થ્ય રહેલું છે. તે પોતાની શક્તિ થી ઈચ્છા અનુસાર કોઈ પણ જગ્યા અને સમયે જઈ શકે છે. માણસ પોતાના કર્મ થી ભાગ્યના લેખ બદલી શકે છે. અહી આર્યવર્ધનનો તેના રચીયતા સાથેનો સંઘર્ષ બતાવ્યો છે.
સાપુતારાના વાંકાચુકા રસ્તા પરથી મારી કાર પસાર થઈ રહી હતી. મારી ડિફેન્ડર્સ સીરિઝની સોળમી બુક કર્તવ્યયુદ્ધ આજે લોન્ચ થવાની હતી. તેનો કાર્યક્રમ સાપુતારા ના એક રિસોર્ટમાં રાખવામાં આવી હતી. હું ડ્રાઇવિંગ કરતાં યુવરાજ ફિલ્મના ગીત સાંભળી રહ્યો હતો. મેં ગીત બદલવા માટે સીડીપ્લેયર નું નેક્સ્ટ બટન દબાવ્યું. ત્યાં કારને પાછળથી ઝટકો લાગ્યો. તેના કારણે કાર બેકાબૂ થઈને ચાલવા લાગી. મે કારને રોકવા બ્રેક લગાવી પણ બ્રેક લાગી નહીં. આગળ એક મોટો વળાંક હતો એટલે મેં કાર એક બાજુએ વાળવા માટે પ્રયત્ન કર્યો પણ કારનું સ્ટેરિંગ મારા કાબુમાં રહ્યું નહોતું. તેથી મેં ત્વરિત નિર્ણય કરીને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નાખ્યો અને બહાર કૂદી ગયો. તે સમયે મારા માથામાં કઈક વાગ્યું એટલે હું બેહોશ થઈ ગયો
મારી આંખો ખૂલી ત્યારે હાઇવે ની એક બાજુએ સૂતો હતો. હું તરત ઊભો થઈને હાઇવે પાસે આવ્યો. રાતનો સમય હોવાથી ચારે બાજુ કઈ પણ સ્પષ્ટ દેખાતું ન હતું. હું અહી કઈ રીતે આવ્યો તે વિષે મને કઈ યાદ નહોતું. મને અચાનક માથામાં પીડાનો અહેસાસ થયો એટલે મેં માથા પર હાથ મૂક્યો. કઈક ચીકણું પ્રવાહી મારા હાથમાં ચોટયું. અંધારામાં આંખો ટેવાઇ ગયાં પછી મેં જોયું તે લોહી હતું. મારા માથાના ઘાવમાંથી લોહી નીકળીને ઠરી ગયું હતું.
મેં ફરીથી માથામાં હાથ મૂક્યો પણ આ વખતે પીડાના લીધે મારા મુખ માંથી ચીસ નીકળી ગઈ. મેં તરત જ હાથ પાછો હટાવી લીધો. મારા કપડા લોહીવાળા થઈ ગયા હતાં. મને ખબર નહોતી કે હું કઈ જગ્યા પર છું. મેં રસ્તાની બીજી બાજુએ નજર કરી તો ત્યાં એક રેલિંગ બનાવેલી હતી અને તેની પાછળ ગાઢ અંધારું હતું. એટલામાં મને કારના હોર્નનો અવાજ સંભળાયો.
હું કોઈ પણ કિમતે અહીથી બહાર નીકળવા માંગતો હતો. એટલે રસ્તા ની વચ્ચે જઈને મેં કારને રોકવા માટે હાથ પહોળા કરી દીધા. પણ તે કાર અટક્યા વગર મારી જમણી બાજુએ થઈને નીકળી ગઈ. તે કાર ની પાછળ બીજી ત્રણ કાર પસાર થઈ પણ કોઈ રોકાઈ નહીં. કદાચ મારા ચહેરા અને કપડા પર લોહી જોઈને કાર ચાલકને ડર લાગતો હશે. એટલે કોઈ કાર રોકતું નહોતું.