Garbhpaat - 5 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગર્ભપાત - 5

Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

ગર્ભપાત - 5

ગર્ભપાત - ૫

(  ગર્ભપાતની એક ઘટના ઉપરથી એક સ્ટોરી લખવાનું વિચાર્યું હતું. સ્ટોરી એક - બે ભાગમાં જ પૂરી કરવાની હતી પરંતુ સ્ટોરી વિષય મુજબ આટલી લાંબી ચાલશે એ મને પણ નહોતી ખબર. આ સ્ટોરીને વાંચકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે એ બદલ હું સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. )

        મમતાબા જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે દીકરાની લાલચમાં માહિબાના કહેવાથી પ્રતાપસિંહ એને પોતાના મિત્ર ડૉ. ધવલ દવેના ક્લિનિક પર લઈ જાય છે. જ્યાં ગર્ભમાં રહેલું બાળક દીકરી હોવાનું માલુમ પડતાં ડૉ. ધવલ દવે દ્વારા આપેલ દવાઓ લેતાં ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થાય છે. આ ઘટનાથી અજાણ મમતા દુઃખી થઈ જાય છે. એક રાત્રે અચાનક મમતાબાની બાળપણની ઢીંગલી દ્વારા માહિબાની હત્યા કરી દેવામાં આવે છે અને એમનો મૃતદેહ સીડીઓ પર લટકતો જોવા મળે છે. આ ઘટનાને સૌ આકસ્મિક સમજે છે પરંતુ સાવિત્રીએ પોતે જોયેલાં ભયાનક દ્રશ્યો પરથી આ હત્યા કંચન દ્વારા કરવામાં આવી છે એવું તેના દ્વારા મમતાબાને કહેવામાં આવે છે...

      નક્કી માહિબાની હત્યામાં કંચનનો જ હાથ છે એવું જ્યારે સાવિત્રી દ્વારા કહેવામાં આવ્યું ત્યારે મમતા વિચારમાં પડી ગઈ. એની આંખો આગળ થોડા વરસો પહેલાંનો ભૂતકાળ તરવરવા લાગ્યો. 

     હકીકતે મમતા અને કંચન બંને જુડવા બહેનો હતી. બીજનૌરના રાજા રતનસિંહના રાજવી પરિવારમાં વર્ષો બાદ પારણું બંધાયું હતું. એકસાથે જન્મેલી બે દિકરીઓના જન્મને માતાજીના આશીર્વાદ સમજી રાજવી પરિવાર સહિત આખા રાજ્યએ હરખભેર વધાવી લીધું હતું. 

   મમતાબા અને કંચનબા ભલે દેખાવે અલગ પડતી હતી પણ બંનેના હ્રદય જાણે એક હતાં. આ બંને દિકરીઓનું બાળપણ જાહોજલાલીમાં વિતી રહ્યું હતું. મમતાબા અને કંચનબા જ્યારે સાત વર્ષની થઈ ત્યારે એમની એક પાકી બહેનપણી બની. એ હતી રતનસિંહના ખાસ અને વિશ્વાસુ માણસ હરજીની દીકરી સાવિત્રી. 

  આખો દિવસ ત્રણેય સાથે હસતી - રમતી અને સાથે જ જમતી. એકબીજા વિના કોઈને પણ ચાલે નહીં. એમાં પણ કંચનબા અને સાવિત્રી વચ્ચે તો સગી બહેન કરતાં પણ વધુ પ્રેમ હતો. સાવિત્રીને કોઈ ખીજાય કે કંઈ થાય તો કંચનને જમવાનું પણ ન ભાવે. સામે પક્ષે સાવિત્રીનું પણ એવું જ હતું. એક નોકરની દીકરી અને એક રાજાની દીકરી વચ્ચેનું સામિપ્ય ઘણાં લોકોની આંખોમાં ખૂંચતું. મમતાને એ બંનેની ગાઢ મિત્રતાથી કોઈ વાંધો નહોતો. ઉલટાનો એને એ બંનેને ખુશ જોઈને ખૂબ હરખ થતો. 

   એકવાર રતનસિંહ પોતાના પ્રવાસ દરમિયાન પોતાની દીકરીઓ માટે એક મોટી ઢીંગલી લાવે છે. એ સુંદર મજાની ઢીંગલીને જોઈને એમની ખુશીનો પાર નહોતો. આખો દિવસ ત્રણેય સખીઓ ઢીંગલી સાથે રમ્યા કરે. સાવિત્રી બે - ત્રણ દિવસે ઢીંગલીને અલગ - અલગ કપડા પહેરાવી એના વાળ ગુંથીને એને તૈયાર કરતી. આમને આમ ખુશાલીમાં એમનું બાળપણ વિતી રહ્યું હતું. 

   એવામાં અચાનક સૌના હ્રદયને હચમચાવી મૂકતી ઘટના બને છે. એક દિવસ ત્રણેય સખીઓ રતનસિંહની વાડીએ ફરવા માટે જાય છે. આ પહેલાં પણ તે ઘણીવાર વાડીએ આવી ચૂકી હતી. 

     રતનસિંહની વાડીએ ખેતરમાં સિંચાઈ માટે એક મોટો ખૂલ્લો કૂવો હતો. કૂતુહલવશ કૂવાને જોવા માટે તે ત્રણેય ત્યાં જઈ ચડે છે. કૂવો પાણીથી ભરેલો અને ખૂબ ઊંડો હતો. ત્રણેય કૂવાના પાણીમાં કાંકરા નાંખવામાં મશગુલ બની જાય છે. 

    નાનકડી કંચનબાએ પોતાની કાંખમાં ઢીંગલીને તેડી હોય એમ રાખી હતી. અચાનક તેનો પગ લપસતાં તે ઊંડા કૂવામાં પડી જાય છે. મમતાબા અને સાવિત્રી કંચનને બચાવવા માટે બૂમો પાડે છે. ખેતરમાં કામ કરતા મજૂરો દૂર હતા. એ લોકો દોડીને ત્યાં પહોંચે ત્યાં સુધીમાં તો કંચનબાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોય છે. 

   રતનસિંહને ઘટનાની જાણ થતાં તાબડતોબ પોતાના માણસો સાથે વાડીએ પહોંચે છે. ભારે હૈયે કંચનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવે છે. કંચનબાના એક હાથમાં રાખેલી ઢીંગલી હજુ એની એ જ સ્થિતિમાં હતી. 

    મમતાબા અને સાવિત્રીના તો રડી રડીને બુરા હાલ હતા. મમતાબાએ પોતાના હ્રદયના એક ભાગ જેવી બહેન અને સાવિત્રીએ પોતાની સગી બહેન કરતાં પણ વિશેષ વ્હાલી બહેન ખોઈ હતી. કંચન એમને છોડીને ચાલી ગઈ હતી એ વાત એમનાં નાનકડાં મન સમજી નહોતાં રહ્યા. સાવિત્રીએ ઢીંગલીને પોતાની બહેનપણીની યાદી રૂપે પોતાની પાસે રાખી. 

    આ ઘટના પછી સાવિત્રી ઘણાં દિવસો સુધી કંઈ બોલી ન શકી. મમતાએ પણ ઘણાં દિવસો સુધી કંઈ ખાધું નહોતું. સાવિત્રી એકાંતમાં ઢીંગલી જાણે કંચન હોય એમ એની સાથે વાતો કરતી. ઘણાંને એમ હતું કે આ છોકરી આમને આમ ગાંડી થઈ જશે.

     આમને આમ બે - ત્રણ વરસ વિતી ગયાં. મમતા અને કંચન હવે એકબીજાનો સથવારો બનતી. સાવિત્રીને ઘણીવાર એવું લાગતું કે જાણે કંચન એની પાસે બેઠી હોય, એના માથાના વાળમાં હાથ ફેરવતી હોય પણ થોડી ઘણી સમજણ આવી હોવાથી આ પોતાનો ભ્રમ હશે એવું માની લેતી.

     એકવાર બંને બહેનપણીઓ મમતાના ઓરડામાં બેઠી હતી ત્યારે મમતાએ કહ્યું. " સાવિત્રી, મને ઘણીવાર એવું થાય છે કે કંચન મારી આજુબાજુ છે. રાત્રે પણ મારી બાજુમાં સુતી હોય એવું મહેસુસ થાય છે. "

    મમતાબાની વાત સાંભળીને સાવિત્રીને ફાળ પડે છે. " હું પણ જ્યારે એકલી બેઠી હોય ત્યારે જાણે કંચનબા મારી બાજુમાં બેસી મારા માથામાં હાથ ફેરવતાં હોય એવું લાગે છે. " સાવિત્રીએ ડરતાં-ડરતાં કહ્યું. 

    એવામાં એક દિવસ મમતા અને સાવિત્રી જીદ કરીને વાડીએ ફરવા જાય છે. વાડીએ વડના ઝાડ નીચે બેસીને તે બંને કંચનને યાદ કરતી હોય છે એવામાં અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગે છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ જાય છે. વાદળોની ભયંકર ગર્જના અને વિજળીના ચમકારા સાથે તોફાની વરસાદ તૂટી પડે છે. 

    આવું ભયંકર વાતાવરણ જોઈને તે બંને ખૂબ જ ડરી જાય છે. તે બંને એકબીજાને ભેટીને રડવા લાગે છે. અચાનક કોઈ તે બંનેને સાદ કરતું હોય એવું લાગ્યું. તે બંનેએ પાછળ ફરીને જોયું તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. 

    તે બંનેની સામે કંચન ઊભી હતી. જે દિવસે તે કૂવામાં પડી હતી એ જ કપડાંમાં તે હતી. પોતાની કમર પર ઢીંગલી રાખીને તે ઊભી હતી. 

   " તમે બેઉ ડરશો નહીં હું તમારી સાથે છું ને.." કંચન જાણે તે બંનને કહી રહી હતી. કંચન ક્યાંય સુધી તે બંને સામે હસતી - હસતી ઊભી રહી. મમતા કે સાવિત્રી બંનેની કંચન નજીક જવાની હિંમત ન થઈ. 

     મમતાબાએ ઘરે આવીને તેણે અને સાવિત્રીએ કંચનને જોઈ હતી એ ઘટના પ્રતાપસિંહને જણાવી. પ્રતાપસિંહને પેટમાં ફાળ પડી. ઘણીવાર તેમણે આવા કિસ્સાઓ સાંભળ્યા હતા. પ્રતાપસિંહને મનમાં થયું કે ક્યાંક કંચનનો જીવ અવગતે તો નહીં ગયો હોય ને! આથી એમણે કંચનની પાછળ એક શાંતિ હવન કરાવ્યું. 

      તે દિવસની ઘટના બાદ ફરી ક્યારેય મમતા કે સાવિત્રીએ કંચનને જોઈ નહોતી. ધીમે ધીમે કંચનની યાદો વિતતા વરસોની સાથે બંનેના મનમાંથી ભૂંસાવા લાગી. 

       આજે વરસો પછી એ ઘટના ફરી મમતાબા અને સાવિત્રીના માનસપટ પર જીવંત થઈ હતી. એમાં પણ સાવિત્રીએ કંચનનો ચહેરો જોયો હતો.

   " તમે ડરશો નહીં હું તમારી સાથે જ છું ને.." કંચનના એ શબ્દો મમતાબાના કાનમાં પડઘાઈ રહ્યા હતા. માહિબાના મૃત્યુની જે ઘટના બની હતી તેમાં કંચનની હાજરી હોવાની વાત ચોક્કસ હતી. 

   " આ વાત હવેલીમાં તું કોઈને પણ જણાવીશ નહીં. કંચનનો ચહેરો તે જોયો છે એટલે આમાં કંઈક રહસ્ય તો છે જ પરંતુ હાલ આ અંગેની ચર્ચા કરવી ઉચિત નથી. " મમતાએ સાવિત્રીને સમજાવતાં કહ્યું. 

    આખરે કંચનને માહિબાથી શું દુશ્મની હોય શકે એ વાત હજુ તે બંનેને સમજાતી નહોતી. 

( વધુ આવતા અંકે )
     
  અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી તે અંગેના આપના કિંમતી પ્રતિભાવો જરૂરથી આપશો એવી વિનંતી.