ગર્ભપાત - ૬
સાવિત્રીના મુખેથી કંચનનું નામ સાંભળતા જ મમતાબાની આંખો સામે કંચનનો પોતાના બંને સાથે જોડાયેલો વર્ષો પહેલાંનો ભૂતકાળ તરી આવે છે. કંચનનો આત્મા હજુ પણ અકાળ મૃત્યુને લીધે ભટકી રહ્યો છે એ જાણી પોતાને દુઃખ થયું.
સાવિત્રી કે પોતાની વાતનો કોઈ વિશ્વાસ નહીં કરે એ વાત પોતે જાણતાં હતાં. મમતાબાએ સાવિત્રીને હિદાયત આપી કે આ વાતની હવેલીમાં કોઈને પણ જાણ કરવાની નથી.
મમતાબાના મગજમાં અત્યારે વિચારોનું વંટોળ ઘુમી રહ્યું હતું. કંચનનો માહિબાની હત્યા કરવા પાછળ શું ઉદ્દેશ્ય હોઈ શકે એ વિચાર સતત એમને કોરી ખાતો હતો. બહુ વિચારવા છતાં કોઈ નિરાકરણ ન મળતાં એમણે હાલ પૂરતું એ વિષયમાં વિચારવાનું માંડી વાળ્યું.
માહિબાની હત્યા પછી બધું સામાન્ય થઈ ગયું હતું. મમતાબા પણ પોતાનો સમય સાવિત્રી સાથે અને બીજા નાના - મોટા કામમાં પોતાનું મન લગાવીને પસાર કરી લેતાં હતાં. આમને આમ ત્રણ મહિના જેવો સમય વિતી ચૂક્યો હતો. પ્રતાપસિંહ પણ ફેક્ટરી અને ખેતીવાડીના નાના - મોટા કામોને લીધે મોટા ભાગે બહાર જ રહેતો હતો. માહિબાના મૃત્યુ પછી હવે એને ટોકનાર કોઈ રહ્યું નહોતું એટલે એ વધુ સ્વચ્છંદી બની ગયો હતો.
" મારે હવે બીજું બાળક રહ્યાને ત્રણ મહિના જેવો સમય થઈ ગયો છે. બાળકનું પોષણ અને વિકાસ બરાબર થાય છે કે એની તપાસ માટે આપણે દવાખાને જઈ આવીએ તો! " પ્રતાપસિંહ રાત્રે જમીને ઓરડામાં આવ્યો એ સાથે જ મમતાબાએ એને દવાખાને બતાવવા જવાનું યાદ કરાવતાં કહ્યું.
" તારી વાત સાચી છે આવનારા બાળકની તંદુરસ્તી માટે દવાખાને બતાવવા જવું જરૂરી છે. હું મારા મિત્ર ડો.ધવલ દવેને પૂછી લઉં છું કેમકે હમણાં એ થોડા દિવસથી બહાર હતો. જો એ આવી ગયો હોય તો આપણે એકાદ - બે દિવસમાં એના દવાખાને જઈ આવશું. " પ્રતાપસિંહે કંઈક વિચારીને મમતાને સારું લાગે એ રીતે જવાબ આપ્યો.
" હું જાણું છું કે એ તમારા મિત્ર છે પરંતુ જો એ ના હોય તો આપણે બીજા દવાખાને પણ જઈ શકીએ ને! " મમતાબાએ દલીલ કરતાં કહ્યું.
" હું બીજા કોઈ ડોક્ટર પર ભરોસો ના કરી શકું. એવું કરવામાં ઘણી વખત હેરાન થવું પડે છે. આમ પણ ડો. ધવલના મને જણાવ્યાં મુજબ એ એકાદ દિવસમાં આવી જ જશે અને એકાદ - બે દિવસમાં કંઈ ખાટું - મોળું નથી થઈ જવાનું એટલે ખોટી ચિંતા ન કર. બધું સમય મુજબ થઈ જશે. " પ્રતાપસિંહે મમતાબાને ટકોર કરતાં કહ્યું.
પ્રતાપસિંહે થોડીવાર મમતાબા સાથે આડા અવળી વાતો કરી ત્યારબાદ સાવિત્રીને બોલાવીને ખાવા - પીવામાં તેમજ અન્ય બાબતોમાં મમતાની કાળજી રાખવાનું કહી પોતે ફેક્ટરી પર જાય છે એટલું જણાવી હવેલી પરથી નીકળી ગયો.
" આજે ફેક્ટરી પર મીજબાની ગોઠવવાની હતી એટલે ડો. ધવલ જરૂર આવશે. એ આવે એટલે એની સાથે બધી વાતચીત કરીને પછી જ મમતાને એના દવાખાને લઈ જવાનું ગોઠવું એ જ યોગ્ય રહેશે. " પોતાની જીપને ફેક્ટરી પર જતા રસ્તે પૂરપાટ દોડાવતાં પ્રતાપસિંહ મનોમન વિચારી રહ્યો હતો.
ફેક્ટરી પર પહોંચીને પ્રતાપસિંહે જીપને સાઈડ પર પાર્ક કરી અને ત્યાં મંડળી જમાવીને બેઠેલા પોતાના મિત્રો પર ઉડતી નજર ફેંકીને એમની પાસે જવા લાગ્યો.
" કેમ છે ભાઈ શંકર? બહુ જાજા દિવસે તમારાં દર્શન થયાં. ક્યાં હતો હમણાં સુધી? અમને તો સાવ ભૂલી જ ગયો લાગે છે." શંકર નામના પોતાના મિત્રને ઉદ્શીને પ્રતાપસિંહે કહ્યું.
" અરે ના પ્રતાપસિંહ! તમારા જેવા મિત્રો કંઈ ભૂલાતા હોય! આ તો મારા સાળા સાહેબના લગ્ન હતાં તો હમણાં થોડા દિવસ એમને ત્યાં બીજાપુરમાં જ ધામો નાખ્યો હતો. " શંકરે પ્રતાપસિંહની વાતનો જવાબ આપતાં કહ્યું.
" જો હું ભૂલતો ન હોઉં તો તારે એક જ સાળો છે અને એના લગ્ન તો ૫ - ૬ વરસ પહેલાં થઈ ગયાં હતાં ને! તો આ વળી બીજો ક્યો સાળો?" પ્રતાપસિંહે નવાઈ સાથે પૂછ્યું.
" અરે બીજો કોઈ સાળો નથી એ જ છે દેવનો દીધેલ. પરંતુ વાત મૂળ એમ છે કે એની પ્રથમ પત્ની આ છ વરસમાં બે વખત ગર્ભવતી થઈ અને બંને વખતે દીકરીનો જન્મ થયો. સાળા સાહેબને મનમાં થયું કે દીકરો ન હોય તો વંશ કઈ રીતે આગળ વધે! હવે આ દીકરો નહીં આપી શકે એમ વિચારી બીજા લગ્ન કરવાનું વિચાર્યું. પૈસા અને જાહોજલાલી જોઈને રૂપસુંદરી પણ મળી ગઈ. એની બહેનને ખાતર મારે પણ આટલા દિવસ ત્યાં રોકાવું પડ્યું. " પોતે કેમ નહોતો આવતો એ વાતનો ખુલાસો કરતાં શંકરે કહ્યું.
શંકરની વાત સાંભળીને પ્રતાપસિંહ વિચાર મગ્ન થઈ ગયો. એના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. એને આમ ચિંતિંત જોઈને નરેન્દ્ર નામના એના મિત્રએ કહ્યું.
" ભાઈ એના સાળાએ બીજાં લગ્ન કર્યા એમાં તું કેમ આમ મુંજાઈ ગયો? "
" કંઈ નહીં બસ એ તો એમ જ! આ ડોક્ટર સાહેબ આવવાના હતાને હજુ સુધી દેખાયા કેમ નહીં? દવાખાને દર્દીઓ વધી ગયાં લાગે છે." પ્રતાપસિંહે વાત બદલીને મજાકના સ્વરમાં કહ્યું.
" ડોક્ટર સાહેબ આજે સુખા સાથે એમની ગાડીમાં આવવાના હતા. અમે પણ તમારી અને એની જ રાહ જોતા હતા. તમે આવો પછી જ પાર્ટી શરૂ કરવાની હતી." બીરજુ નામના એક મિત્રએ વચ્ચે ટાપસી પુરતાં કહ્યું.
થોડીવારમાં મિલેટરી મોડેલ જેવી એક ખુલ્લી જીપ ત્યાં આવીને રોકાય છે. જીપમાંથી ડો.ધવલ દવે અને સુખો ઉતરીને સીધા પોતાના મિત્રોની ટોળકી સાથે આવીને બધાનાં ખબર અંતર પૂછતાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે.
" કેમ ભાઈ હમણાં દવાખાનામાં બહુ વ્યસ્ત થઈ ગયા કે શું! દારૂ મફતમાં પીવડાવુ તો પણ આવતા નથી. " પ્રતાપસિંહે ડો. ધવલ દવેની મજાક કરતાં કહ્યું.
" હમણાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે એટલે રાતે પણ ઘણી વખત દવાખાને રહેવું પડે એટલે બહુ સમય રહેતો નથી. " ધવલ દવેએ પ્રતાપસિંહની વાતનો જવાબ આપતાં કહ્યું.
આમને આમ મોડી રાત સુધી એ લોકોની પાર્ટી ચાલુ રહી. એક પછી એક બધાં દારૂના નશાના લીધે ત્યાં જ આડા પડવા લાગ્યા. પ્રતાપસિંહે ધવલ દવેને એ બધાથી થોડે દૂર આવવા કહ્યું.
એ બંને થોડે દૂર જઈને ઊભા રહ્યા એટલે ધવલ દવેએ કહ્યું , " એવી તે શું વાત છે કે આમ મને બધાથી દૂર બોલાવ્યો? "
" ડોક્ટર, મમતાને બીજો ગર્ભ રહ્યો છે. એ ગર્ભના ત્રણ મહિના વિતી ગયા છે. આજે જ તારા વિશે ચર્ચા થઈ હતી પરંતુ મેં મમતાને બહાનું ધરી દીધું કે તું હમણાં બહારગામ છે. હું ગર્ભના ચેકઅપ પહેલાં તને મળીને બધી વાત કરવા માંગતો હતો. હું ઈચ્છું છું કે પહેલી વખતની જેમ અમે આ વખતે પણ ચેકઅપ માટે આવીએ ત્યારે ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી એ તું ચેક કરી આપજે. જો ગર્ભમાં રહેલું બાળક દીકરી હોય તો પહેલી વાર આપી હતી એવી દવાઓ મમતાને આપીને આ વખતે પણ એના ગર્ભનો નાશ કરવામાં આવે. હું કોઈ કાળે ઈચ્છતો નથી કે મારું પહેલું સંતાન દીકરી હોય! " પ્રતાપસિંહે ડો. ધવલ દવેને સમજાવતાં કહ્યું.
" પ્રતાપસિંહ તમને ખબર નહીં હોય પણ હમણાં સરકારી કાયદાઓ દિવસેને દિવસે સખત થતા જાય છે. આ કામ હવે બહુ જોખમી છે. ગર્ભનો નાશ ન કરીએ અને ખાલી પરિક્ષણ જ કરીએ તો પણ સજા થાય છે. રોજે રોજ આવા સમાચાર છાપાઓમાં આવે છે. ક્યાંક એમાં મારું નામ પણ ન ચડી જાય! " ધવલ દવેએ પ્રતાપસિંહને હકીકતથી વાકેફ કરતાં કહ્યું.
" તારું નામ હું એમ કંઈ આવવા દઉં! અને વળી જોખમ લેવાનું ઈનામ પણ હવે મોટું હોય ને! " પ્રતાપસિંહે ખંધું હસતાં કહ્યું.
પ્રતાપસિંહ જાણતો હતો કે ડો. ધવલ એકદમ લાલચુ માણસ છે એટલે પૈસા માટે એ બધું જ કરશે. એ આવાં ગર્ભ ચકાસવાના કામ કરી રહ્યો છે એવું ઘણાંએ એમને કહ્યું હતું.
" તો ઠીક છે ત્યારે પરમદિવસે મમતાભાભીને લઈને અગિયાર વાગ્યા આસપાસ પહોંચી જજો. બધી તપાસ કરીને પછી આગળનું વિચારીશું. " ડો. ધવલે બગાસું ખાતા ખાતા કહ્યું. હવે એને ઊંઘ આવી રહી હતી એટલે એ પણ બધાની વચ્ચે જઈને ત્યાં જ સુઈ ગયો.
પ્રતાપસિંહના મનમાં હજુ પણ શંકરે કરેલી પોતાના સાળાના બીજા લગ્નની વાત ઘુમી રહી હતી. એનું મગજ ચકરાવે ચડ્યું હતું.
" જો આ વખતે પણ મમતાના ગર્ભમાં દીકરી હશે અને એનો ગર્ભમાં નાશ કરવાનો થશે તો હું પણ કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરીશ..." પોતાની લાલ થયેલી આંખોને ઝીણી કરીને પ્રતાપસિંહે મનમાં નિર્ધાર કર્યો.
મમતાબાના ગર્ભમાં દીકરી હશે કે દીકરો ?? શું પ્રતાપસિંહ મમતાબાને છોડીને બીજા લગ્ન કરશે??
( વધુ આવતા અંકે )
અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના કિંમતી પ્રતિભાવો જરૂરથી આપશો એવી વિનંતી..