Garbhpaat - 2 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગર્ભપાત - 2

Featured Books
Categories
Share

ગર્ભપાત - 2

ગર્ભપાત - ૨  

      સાવિત્રીએ ગતરાતની જે ઘટના બની હતી તેના વિશે મમતાબાને જણાવવાનું વિચાર્યું પરંતુ અત્યારે તે માહીબા સાથે મંદીરે ગયાં હતાં...માહિબાના પરિવારમાં કોઈ સ્ત્રી બીજી વખત ગર્ભવતી થાય ત્યારે માતાજીના મંદિરે સાત શ્રીફળ ધરાવવાનો રિવાજ હતો. 

   સાવિત્રી બીજાં બધાં કામો પતાવીને મમતાબાના રૂમમાં સાફ સફાઈ કરવા માટે આવી. મોટા ભાગે સાફ સફાઈનું કામ બીજા નોકરો કરતાં હતાં પરંતુ મમતાબાના રૂમની સાર સંભાળ પોતે જ રાખતી હતી. 

    સાફ સફાઈ દરમિયાન તેનું ધ્યાન અચાનક મમતાબાના મોટા કબાટ તરફ ગયું. તે કંઈક વિચારીને કબાટ તરફ ગઈ અને ધીમેથી કબાટ ખોલીને તે બધી વસ્તુઓ જોવા લાગી. અચાનક તેના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. ગઈકાલે રાતે તેણે જે ઢીંગલી જોઈ હતી તે અત્યારે મમતાબાના કબાટમાં એક મોટા ખાનામાં મોજુદ હતી.

  " તો પછી રાત્રે મેં જે જોયું એ શું મારો વહેમ‌ હતો?? ના..ના.. એ વહેમ કેવી રીતે હોય શકે! પણ એ ઢીંગલીને તો મેં નીચે દિવાનખંડમા જ મૂકી હતી..." મનોમન બબડાટ કરતી સાવિત્રી બોલી. 

   સાવિત્રીએ ફટાફટ મમતાબાનો રૂમ વ્યવસ્થિત કર્યો અને ઝડપથી નીચે દિવાનખંડમાં આવી. પોતે જે જગ્યાએ ઢીંગલી મૂકી હતી ત્યાં તપાસ કરતાં કંઈ જોવા ન મળ્યું. આખા દિવાનખંડમાં દરેક સોફા નીચે પણ જોઈ લીધું છતાં કશું મળ્યું નહીં. 

    મમતા અને માહિબા મંદિરેથી આવી ગયા બાદ તે મમતાબાને લઈને તેના રૂમ સુધી આવી. 

"સાવિત્રી તું કંઈ કહેવા માગે છે? કેમ આમ કંઈક વિચાર મગ્ન હોય એવું લાગે છે?? " મમતાબાએ સાવિત્રીના ચહેરાના હાવભાવ જોઈને કહ્યું.

" અરે, એ તો... તમે ન્હોતાં એટલે કંટાળી ગઈ હતી." સાવિત્રીએ ઢીંગલી વિશેની વાત છુપાવતા કહ્યું. કદાચ પોતાનો વહેમ જ હશે એવું એને લાગી રહ્યું હતું. 

  રાત્રે પ્રતાપસિંહ જમીને પોતે ફેક્ટરી પર જાય છે એવું જણાવીને નીકળી ગયો. હવેલીમાં પણ બધાં જમી કારવીને સુવાની વેતરણમાં હતાં. આજે વાતાવરણમાં પલટો આવ્યો હોય એમ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. માહિબા ભીમાને કંઈક ટકોર કરીને પોતાના ખંડમાં સુવા માટે ગયાં. 

   સાવિત્રી મમતાબા સાથે તેના રૂમમાં હતી. તે પણ મમતાબાને સુવાનું કહી તેના રૂમમાંથી બહાર નીકળી. તેણે ઉપર બધા ફાનસ વ્યવસ્થિત ચાલુ છે કે નહીં તે તપાસ કરીને પોતાના રૂમમાં આવી. હજુ પણ તેના મગજમાં ગઈ કાલના વિચારો ભમી રહ્યા હતા..

    માંડ થોડીવાર સાવિત્રીની આંખ લાગી હશે ત્યાંજ તેને કોઈના પગલાંનો અવાજ સંભળાયો. પોતાને ઊંઘમાં આવું લાગતું હશે એમ વિચારી સાવિત્રીએ ધ્યાન ન આપ્યું. અચાનક તેની આંખો એક ઝાટકે ખૂલી ગઈ. હવે તેને સ્પષ્ટ રીતે કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો હતો. તેણે અનુમાન લગાવ્યું તો અવાજ ઉપરની તરફથી આવતો હોય એવું લાગ્યું. ગઈ રાતે જે ઘટના બની હતી તેની યાદ ફરી તાજી થતાં તે એકદમ ડરી ગઈ. છતાં તેં હિંમત કરીને ધ્રુજતા પગલે દરવાજા તરફ ગઈ. 

       જેવો તેણે દરવાજો ખોલ્યો અને ઉપરની તરફ નજર કરી તો તેના પગ તળેથી જમીન સરકી ગઈ. ઉપર મમતાબાના રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો, અને ગઈકાલે તેણે જે મમતાબાની ઢીંગલી જોઈ હતી તે અત્યારે કોઈ પાંચ વરસની છોકરી ધીમે ધીમે ચાલીને જતી હોય એમ ચાલતી ચાલતી સીડીઓ પાસેથી માહિબાના રૂમ તરફ જઈ રહી હતી. તે ઢીંગલીના પગમાં રહેલી નાની મોજડીઓ તેના ચાલવાથી અવાજ કરી રહી હતી.

     બહાર સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો હતો તેના લીધે તે ઢીંગલીનું ગુલાબી રંગનું ફ્રોક અને ભૂરા રંગના વાળ હવામાં ઉડી રહ્યા હતા. ઉપરની લોબીમાં રાખેલાં બધાં ફાનસ અત્યારે ચાલુ બંધ થઈ રહ્યાં હતાં. 
  
   આવું ભયંકર દ્રશ્ય જોઈને સાવિત્રીનું ગળું સુકાઈ ગયું. તેના ગળામાંથી કોઈપણ જાતનો અવાજ નહોતો નિકળી રહ્યો. જેવી તે ઢીંગલી માહિબાના દરવાજાની સામે પહોંચી કે તરથ જ ચાલુ બંધ થતાં બધાં ફાનસ એકદમ તેજ પ્રકાશ સાથે ઝળહળી ઉઠ્યાં. 

     અચાનક તે ઢીંગલીનું ગળું ગોળાકાર દિશામાં ફર્યું. તેની વાદળી રંગ જેવી આંખો ગોળ ગોળ ફરીને સાવિત્રી સામે સ્થિર થઈ અને તેના મુખેથી એક અજીબ પ્રકારનું હાસ્ય નિકળ્યું. આ દ્રશ્ય જોઈને સાવિત્રી એટલી હદે ડરી ગઈ કે તેણે ઉતાવળમાં દરવાજો બંધ કર્યો અને પોતાના પલંગ પાસે આવીને બેહોશ થઈ ગઈ. 

બીજી તરફ માહિબા અત્યારે પલંગ પર પડખાં ફેરવી રહ્યાં હતાં. તેમને ઊંઘ નહોતી આવી રહી. મોડે સુધી પડખાં ફેરવ્યાં બાદ માંડ તેમની આંખ લાગી હશે ત્યાં અચાનક એક જોરદાર પવનનો સપાટો આવ્યો અને તેમના રૂમની બારીઓ ખુલીને અથડાવા લાગી. પડદાઓ પણ પવનને લીધે હવામાં ઉડી રહ્યા હતા.

  અચાનક આમ થવાથી માહિબાની ઊંઘ ઉડી ગઈ. તેમણે ફટાફટ ઉઠીને બધી બારીઓ બંધ કરી. આજનું આવું વાતાવરણ જોઈને તેમને પણ ડર લાગી રહ્યો હતો. બારીઓ બંધ થયા પછી એકદમ પાતળી બારીની તિરાડોમાંથી આવતો પવન વિચિત્ર અવાજ કરીને વાતાવરણને વધુ ભયંકર બનાવી રહ્યો હતો. રૂમની છત પર લગાવેલાં કાચના કિંમતી ઝૂમરો હવામાં આમથી તેમ ઝૂલી રહ્યા હતા. 

     માહિબા જેવાં પોતાના પલંગ નજીક પહોંચ્યાં કે તરત જ ખટાક... અવાજ કરતો રૂમનો દરવાજો ખૂલી ગયો. માહિબાને પણ અચાનક આવું થવાથી આખાં શરીરે ધ્રુજારી છૂટી ગઈ. તેમણે ધ્રુજતાં ધ્રુજતાં જ પાછળ ફરીને જોયું તો એમની નવાઈ વચ્ચે રૂમનો દરવાજો ફરી આપોઆપ બંધ થઈ ગયો. 

    થોડીવાર સુધી રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પોતે જેમ તેમ કરી પોતાની જાતને સ્વસ્થ કરી. કદાચ આજના આ    વાતાવરણ અને વધુ પવનને લીધે આમ થયું હશે એવું વિચારીને માહિબા જેવાં પાછાં ફર્યાં કે તરત જ તેમને કોઈ નાની છોકરીના હસવાનો અવાજ આવ્યો. તેમને પોતાની પાછળ કોઈ ઊભું હોય એવું લાગ્યું.

   માહિબાના આખા શરીરે પરસેવો વળી ગયો. તેમણે ધ્રુજતાં ધ્રુજતાં પોતાની ગરદન પાછળ ફેરવી તો ત્યાં કોઈ નહોતું. 

અચાનક રૂમમાં રાખેલાં ફાનસ બંધ હોવા છતાં ચાલુ બંધ થવા લાગ્યાં. ફરી કોઈ છોકરીના હસવાનો અવાજ તેમના કાને પડ્યો. 

     તેમણે આછાં અંજવાળામા સામેના સોફા તરફ નજર કરી તો તેમની આંખો ફાટીને ફાટી રહી ગઈ. ગુલાબી રંગના ફ્રોકમાં સજ્જ, માંજરી અને વાદળી રંગ જેવી આંખોવાળી એક ઢીંગલી સોફા પર બેઠી હતી. તે માહીબા સામે જોઈને હસી રહી હતી.

     તેમણે આછાં અંજવાળામા સામેના સોફા તરફ નજર કરી તો તેમની આંખો ફાટીને ફાટી રહી ગઈ. ગુલાબી રંગના ફ્રોકમાં સજ્જ, માંજરી અને વાદળી રંગ જેવી આંખોવાળી એક ઢીંગલી સોફા પર બેઠી હતી. તે માહીબા સામે જોઈને હસી રહી હતી. 

  માહિબાએ ડરતાં ડરતાં પણ તેં ઢીંગલી તરફ ધારી ધારીને જોયું. " અરે, આ ઢીંગલી તો મમતા લગ્ન પછી પોતાની સાથે લઈને આવી હતી તે છે, પરંતુ અત્યારે આ કોઈ સાચે જ છોકરી હોય એવું કેમ લાગે છે! " માહિબા ગળે થૂંક ઉતારતાં મનોમન બબડી રહ્યાં હતાં. 

અચાનક તે ઢીંગલીનું ગળું ગોળ ગોળ ફરવા લાગ્યું. તેનું  ધીમું હાસ્ય અટ્ટહાસ્યમા ફેરવાઈ ગયું. ઢીંગલીની માંજરી આંખો ધીમે ધીમે સફેદ રંગની થવા લાગી. 

   માહિબાએ જમાના જોયા હતા. ભૂત - પ્રેત વિશેની અનેક માન્યતાઓ અને વાતો તેમણે સાંભળી પણ‌ હતી પરંતુ અત્યાર સુધીમાં તેમને એવો ક્યારેય અનુભવ થયો નહોતો. એટલે તે પગથી માથાં સુધી ડરી ગયાં હતાં. 

     ઢીંગલી અચાનક સોફા પરથી ઊભી થઈ અને અચાનક જ અટ્ટહાસ્ય કરતી હવામાં અધ્ધર થઈ. તેના ભૂરા અને રેશમી વાળ ચારે બાજુ હવામાં ઉડવા લાગ્યા. એકદમ સોહામણી અને રૂપાળી લાગતી તે ઢીંગલી અત્યારે કોઈ બિહામણી ચુડેલ હોય તેવી લાગી રહી હતી....


 ( વધુ આવતા અંકે )

     અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી તે વિશે આપ સૌ આપના કિંમતી પ્રતિભાવો જરૂરથી આપશો.