' ગર્ભપાત - ૪ '
ભીમાએ બતાવેલું દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા દરેકનાં રૂંવાડા ઊભાં થઈ જાય છે. બધાંએ જોયું કે ઉપરના ઓરડાઓની વચ્ચે નીચે આવવાની સીડી પર માહિબાનો મૃતદેહ લટકી રહ્યો હતો. માહિબાની અડધી સાડી તેમના ગળામાં થઈને સીડીઓ પર બનાવેલ લાકડાની આડશ વચ્ચેના ભાગમાં વીંટળાઈ ગઈ હોય છે. માહિબાની આંખોના ડોળા અને જીભ પણ બહાર નીકળી ગઈ હોય છે.
આવું ભયાનક દ્રશ્ય જોઈને સાવિત્રીના મોંઢામાંથી જોરદાર ચીખ નીકળી જાય છે..મમતાબાની પણ બેભાન જેવી હાલત થઈ જાય છે. માહિબાનું આમ અચાનક મોત થયું એ વાત કોઈના ગળે ઉતરતી નહોતી.
" મેં પ્રતાપસિંહને બોલાવવા માટે માણસો મોકલી દીધા છે, એ બસ આવતા જ હશે. એ આવી જાય પછી માહિબાના મૃતદેહને ઉતારીને આગળ શું કરવું એ એમની પાસેથી જાણી લઈએ.." ભીમાએ ભારે હૈયે મમતાબાને જણાવતાં કહ્યું.
થોડીવાર થઈ ત્યાં પ્રતાપસિંહ પોતાની જીપ લઈને ત્યાં આવી પહોંચ્યો. એણે જ્યારે માહિબાના મૃતદેહને જોયો ત્યારે બે ઘડી માથું ચકરાઈ ગયું હોય એવું તેને લાગ્યું. પ્રતાપસિંહ થોડીવાર માહિબાના મૃતદેહ પાસે મૌન ઊભો રહ્યો. એણે જે રીતે મૃતદેહ લટકી રહ્યો હતો એનું બારીકાઈથી નિરીક્ષણ પણ કર્યું.
" સાહેબ, આપણે પોલીસ બોલાવીએ તો! માહિબાનું આમ આકસ્મિક મૃત્યુ થવું એ મને વિચિત્ર લાગી રહ્યું છે." ભીમાએ પ્રતાપસિંહને ઉદ્દેશીને કહ્યું.
" એવી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. હું પહેલા બધી તપાસ કરી લઉં છું. અમારા ખાનદાનમાં ક્યારેય પોલીસના પગ આ હવેલીમાં પડ્યા નથી. " પ્રતાપસિંહે ભીમાની વાતનો છેદ ઉડાડતા કહ્યું.
પ્રતાપસિંહની વાત સાંભળીને ભીમાને મૌન રહેવામાં જ ભલાઈ છે એવું લાગ્યું એટલે આગળ એણે કોઈ દલીલ ન કરી.
પ્રતાપસિંહે સૌપ્રથમ ઉપર જઈને માહિબાનો ઓરડો અને હોલ બરાબર ચેક કર્યા. સોફા ઉપર તેને બે - ત્રણ નકલી સોનેરી વાળ જેવું કંઈક જોયું પણ એમાં એણે પૂરતું ધ્યાન ન આપ્યું. આખા ઓરડા અને હોલમાં બધું વ્યવસ્થિત છે એવું એને લાગ્યું કારણકે એ જ્યારે હવેલી પર હોય ત્યારે અવારનવાર આ હોલમાં અને ઓરડામાં એને આવવાનું થતું એટલે દરેક ચીજ વસ્તુની એને બરાબર ખબર હતી.
પ્રતાપસિંહે નીચે આવીને ભીમાને તેમજ અન્ય નોકરોને પણ રાતે કંઈ અવાજ કે કંઈ અજુગતું બનવા અંગે પૂછી જોયું પણ બધાએ નકારમાં ડોકું ધુણાવ્યું. અને આમ પણ માહિબાની હત્યા થઈ હોય કે કોઈએ હત્યા કરી હોય એવાં એક પણ લક્ષણ માહિબાના શરિર પર કે આસપાસ નહોતાં.
સાવિત્રી એકદમ ડરેલી હતી, એ પોતે જે જાણતી હતી એ બધું જણાવવા માગતી હતી પરંતુ તે પ્રતાપસિંહથી ડરતી હતી અથવા ઢીંગલીની વાતને લીધે પોતે હાંસી પાત્ર પણ બને એટલા માટે તે ચૂપ રહી. બધું પતી જાય પછી પોતે મમતાબાને આ અંગે જણાવશે એવું મનમાં નક્કી કરી એ ચૂપ રહી.
" માહિબા આપણી વચ્ચે હવે નથી એ વાતનું મને ભારે દુઃખ છે. એમના આ આકસ્મિક મૃત્યુએ મને એકલો પાડી દીધો છે. માહિબાનું મૃત્યુ એ એક આકસ્મિક ઘટના જ છે. એમના રૂમ તથા હોલમાં બધું વ્યવસ્થિત છે. કોઈ ચોરી પણ નથી થઈ. કદાચ તે રાત્રે નીચે ઉતરતાં હશે અને પગ લપસી જતાં એની પોતાની સાડી ગળામાં ભરાઈ ગઈ એટલે તે પોતાને બચાવવા માટે બૂમ પણ ન પાડી શક્યાં અને એમના ગળામાં સાડી વીંટળાઈ ગઈ હોવાથી શ્વાસ રૂંધાઈ જવાને લીધે એમનું મૃત્યુ થયું છે. આ બાબતમાં હવે પોલીસને બોલાવવાની પણ કંઈ જરૂર નથી. " આંખમાં અશ્રુ સાથે પ્રતાપસિંહે બધાને કહ્યું.
મમતા પ્રતાપસિંહને ભેટીને આક્રંદ કરે છે. થોડીવાર બાદ ભીમો બીજા નોકરોની મદદથી માહિબાના મૃતદેહને નીચે ઉતારે છે. પ્રતાપસિંહ આ દરમિયાન પોતાના નજીકના સગા હોય તેને તાબડતોબ તેડાવે છે. બપોરબાદ માહિબાની અંતિમયાત્રા નીકળે છે.
માહિબાના મૃત્યુના એક અઠવાડિયાના શોક બાદ ધીમે - ધીમે બધું થાળે પડવા લાગે છે. મમતા પણ નાના - નાના કામોમાં પોતાનો જીવ પરોવી પોતાની જાતને સંભાળે છે. પ્રતાપસિંહ થોડા દિવસો હવેલી પર જ મમતા સાથે રોકાય છે.
માહિબાના શોક બાદ જ્યારે બેસણામાં આવતા લોકોનો પ્રવાહ સાવ ઘટી ગયો એ પછી એક દિવસ સાવિત્રીએ એકાંત જોઈને પોતાના મનમાં રહેલી વાત મમતાને જણાવવાનું નક્કી કર્યું.
" મમતાબા મારે તમને એક વાત કહેવી છે, એ વાત માહિબાનું મૃત્યુ થયું એ દિવસ સાથે જોડાયેલી છે. " સાવિત્રીએ થોથવાતા હોંઠોએ મમતાને કહ્યું.
" એવી તે શું વાત છે કે તું આટલી બધી ડરેલી છે અને એ વાત માહિબાના મૃત્યુ સાથે જોડાયેલી હોય તો તે આજ સુધી મને કહ્યું કેમ નહીં.." મમતાએ ગુસ્સા અને આશ્ચર્યના ભાવ સાથે સાવિત્રીને ધમકાવતા કહ્યું.
" મેં એ વાત બધાને કહી હોત તો પણ મારો વિશ્વાસ કોઈ કરવાનું નહોતું. આથી એ વાત બધું પતી જાય પછી આપને જણાવીશ એવું મેં વિચાર્યું હતું. " સાવિત્રીએ ડરના ભાવ સાથે કહ્યું.
" એવી તે શું વાત છે સાવિત્રી! મને જે કંઈપણ બન્યું હોય એ બધું વિગતે જણાવ." મમતાએ અધિરાઈ પૂર્વક સાવિત્રીને કહ્યું.
સાવિત્રીએ રાતે જે હોલમાં ઘટના બની હતી એ અને જે દિવસે માહિબાનું મૃત્યુ થયું એ રાત્રે પણ એ જ ઢીંગલીને પોતે માહિબાના ઓરડામાં દાખલ થતાં જોઈ હતી એ આખી વાત મમતાબાને વિગતે જણાવી.
આ સાંભળી મમતાબાના હોંશ ઉડી ગયા. પોતે પીયરથી લાવેલી ઢીંગલી આમ ચાલીને પોતાની રીતે માહિબાના ઓરડામાં જાય એ વાત એના ગળે નહોતી ઉતરતી તેમ છતાં આ બધું સાંભળીને તેમના કપાળે પરસેવો વળી ગયો.
" જો સાવિત્રી! તું જાણે છે કે એ ઢીંગલી નાનપણથી આપણી સાથે છે. તને યાદ હોય તો એ ઢીંગલીના કપડાં પણ તું પહેરાવતી અને એને તૈયાર પણ તું જ કરતી. તે એક ઢીંગલી છે એ આ બધું કેવી રીતે કરી શકે? કદાચ સાચે જ તારા મનનો આ વહેમ હોય એવું મને લાગે છે. " મમતાબાએ સાવિત્રીની વાતને નકારતાં કહ્યું.
" મને હતું જ કે તમે પણ નહીં માનો પણ હું જ્યારે આ વાત સાથે જોડાયેલું બીજું રહસ્ય જણાવીશ ત્યારે કદાચ તમને મારી વાતનો વિશ્વાસ આવી જશે. " સાવિત્રીએ નવા રહસ્યનો બોંબ ફોડતાં કહ્યું.
" આનાથી પણ વિશેષ બીજું શું રહસ્ય છે? તું આ બધી આમ ગોળ ગોળ વાતો કરવાને બદલે હકીકત શું છે એ જણાવ.." મમતાએ ટકોર કરીને કહ્યું.
" મમતાબા! , એ દિવસે મેં કંચનને જોઈ હતી! " સાવિત્રીએ વાતનો ફોડ પાડતાં કહ્યું.
કંચનનું નામ સાંભળીને મમતાબા પર જાણે વિજળી ત્રાટકી હોય એમ એક ઝાટકે બેડ પરથી ઊભાં થઈ ગયાં. તેમનું ગળું સુકાવા લાગ્યું. એમની આંખો સજ્જડ બની ગઈ. જાણે વર્ષો જૂની કોઈ પીડા અચાનક ફરી ઉપડે એમ આખાં શરીરમાં ધ્રુજારી આવી હોય એવું લાગ્યું.
" મારી વાત સાંભળીને વિજળી જેવો ઝાટકો લાગ્યોને તમને! મને પણ લાગ્યો હતો જે રાત્રે મેં એનો ચહેરો જોયો હતો. એ જોયા બાદ જ હું બેભાન થઈ ગઈ હતી અને પછી શું બન્યું એની મને કંઈ ખબર નથી. " સાવિત્રીએ મમતાબાના હાવભાવ જોઈને કહ્યું.
" પણ એ કંચન કઈ રીતે હોય શકે! શું તે કંચનનો જ ચહેરો જોયો હતો! તને બરાબર યાદ છે કે પછી એ પણ ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ તને યાદ આવી જતાં તારો વહેમ તો નથી ને.." મમતાને હજુ પણ સાવિત્રીએ કહેલી કંચનના ચહેરાની વાત માન્યામાં નહોતી આવતી.
" જે ચહેરો હું નાનપણમાં રોજ જોતી, સાથે હરતી - ફરતી એ ચહેરાને હું કેમ ભૂલી શકું! એ ચહેરો સૌથી વધુ મને પ્રિય હતો એ વાત તમે પણ જાણો છો. એને ઓળખવામાં હું કદાપિ ભૂલ ન ખાઉ. પહેલીવાર જ્યારે હોલમાં મેં એ ઢીંગલીને જોઈ ત્યારે મેં કંચનનો ચહેરો નહોતો જોયો પરંતુ માહિબાનું મૃત્યુ થયું એ રાતે જ્યારે એ ઢીંગલી માહિબાના દરવાજે પહોંચી ત્યારે એણે પાછું વળીને મારા સામે જોયું હતું. એ ઢીંગલીનો ચહેરો અચાનક કંચનના ચહેરામાં પરિવર્તિત થઈ ગયો હતો. એ ચહેરાને જોયા બાદ હું ડરીને બેભાન બની ગઈ હતી. " આટલું કહેતાં સાવિત્રી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.
સાવિત્રીની આંખોમાં સચ્ચાઈ હતી એ મમતાએ અનુભવ્યું. એને પણ ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ યાદ આવી જતાં આંખમાં આંસું આવી ગયાં. મમતા સાવિત્રીને ભેટીને છાની રાખી રહી હતી.
" માહિબાના મૃત્યુ પાછળ નક્કી કંચનનો હાથ છે એવું મને લાગે છે.." સાવિત્રીએ રડતાં રડતાં આમ કહ્યું એટલે મમતા પણ વિચારમાં પડી ગઈ કે કંચનને માહિબા સાથે શું દુશ્મની હોય શકે! કંચન માહિબાને મારી જ કેવી રીતે શકે?? એનું મગજ અત્યારે સુન્ન થઈ ગયું હતું.
શું માહિબાના મૃત્યુ પાછળ કંચનનો હાથ હતો?? કોણ છે આ કંચન?? એનો મમતા અને સાવિત્રી સાથે શું સંબંધ છે?? એ પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચતા રહો આ હોરર - સસ્પેન્સ સ્ટોરી...
( વધુ આવતા અંકે)
અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ વિશે આપના કિંમતી પ્રતિભાવો જરૂરથી આપશો...